અંતરમાં ઘૂંટવાની વાણી – ‘ગહનગંભીરા’

એક રામભક્ત વારંવાર કહેતા :
‘તમે રામાયણનું નવાહ્ન પારાયણ કરો કે સુંદરકાંડનો નિત્ય પાઠ કરો એ સારું છે, પણ મુખ્ય વાત તો રામાયણની એકાદ ચોપાઈને જ તમારી પોતાની કરી રાખવાની છે. એ ચોપાઈ અંતરમાં ઘૂંટી ઘૂંટીને એવી ચેતનવાળી કરી દો કે એ તમારું જીવન બની જાય.’
‘તમે કોઈ ચોપાઈ આ રીતે તમારી પોતાની કરી છે ?’ કોઈ પૂછતું.

રામભક્ત જવાબમાં કહેતા :
‘હા, મેં મારે માટે ચોપાઈ સુવાંગ મારી કરી રાખી છે, એ છે વળી અરધી જ ચોપાઈ.’
‘એને વિશે કાંઈ કહેશો ?’
‘જરૂર. રામવનવાસનો પ્રસંગ છે, પોતાની સાથે વનમાં ન આવવા માટે રામ અનેક રીતે સીતાજીને સમજાવે છે, પણ સીતાજી રટ છોડતાં નથી. રામ કહે છે, કઠિન માર્ગે ચાલતાં તમે થાકી જશો, હારી જશો. ત્યારે સીતાજી કહે છે :

મોહિ મગ ચલત ન હોઈહિં હારી,
છિન છિન ચરન સરોજ નિહારી.
(માર્ગમાં ચાલતાં હું નહીં હારું. તમારાં ચરણકમળને ક્ષણે ક્ષણે નિહાળતી રહીશ. પછી થાક કેવો ? હાર કેવી ?)

‘રામનાં ચરણને નજર સામે રાખીએ તો કોઈ પણ કઠિનતા કે વિધ્ન આપણને હરાવી ન શકે. પણ કોઈ માયામોહમાં પડી એ ચરણોને દૂર કરી મૂકીએ તો ? મહાવિધ્ન માથે આવી પડ્યું જ સમજો. સીતાજીએ માયામૃગને માટે રામનાં ચરણને દૂર દોડાવ્યાં ત્યાં જ રાવણ આવી પહોંચ્યો.

‘મારા જીવનમાં આ ચિત્રને મેં જીવતું કરી રાખ્યું છે. એ ગુરુની જેમ મને માર્ગદર્શન આપે છે, મિત્રની જેમ સહાય કરે છે. સ્વામીની જેમ રક્ષા કરે છે.’ રામભક્તે પછી મનોમન કહ્યું : અક્ષરને અંતરમાં ઘૂંટીએ તો એ જ અમરપદ આપે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.