આવું બને ત્યારે…..

તને સવારમાં ઊઠી વિચાર આવે
કે આજે તો મનભાવતું સ્વાદિષ્ટ ભોજન કરવું છે,
અને એ પણ ભરપેટ કરવું છે.
તને એવું ભોજન મળે ય ખરું
અને ત્યારે જ મહેમાનો આવી ચડે
તને થઈ જાય
ભોજનમાં ભાગ પડાવશે
પણ ત્યારે તું વધુ આનંદ પામજે
કારણ કે તને વિશેષ મુખે, વિશેષ સ્વાદે
ભોજન કરાવવા માટે
મેં જ તેમને મોકલ્યા છે.

તને બપોર થઈ આવે
કે સાંજે દરિયાકિનારે જઈશ,
એકાંતે બેસીશ, સૂર્યાસ્ત નિહાળીશ.
અને તને દરિયે જવાનો અવકાશ મળે
તારું જ વાહન, તારી સામે ખુલ્લો રસ્તો
ત્યાં દરિયા પાસે આવતા જ
ટોળું ઊભું હોય, બેહોશ દરદીને
દવાખાને લઈ જવાની ચિંતામાં હોય
અને તારે જ ભાગે એ જવાબદારી આવી ચડે
ત્યારે સૂર્યાસ્તના સાક્ષી ન થઈ શકવાનો
અફસોસ ન કરીશ
કારણકે પેલો બેભાન દરદી આંખો ઉઘાડે
સ્વજનોને જુએ, એ આંખોમાં સૂર્ય ચમકે
અને પછી ઢળે તો એનાં કિરણોની આભા
તારો માર્ગ ઉજાળતી રહેશે.

તને રાત પડે ને થાય :
આજે તો પ્રાર્થના કરવી છે, ધ્યાન ધરવું છે
આખી રાત જાગરણ કરવું છે
પણ તારી આંખો સાથ ન આપે
ઊંઘ ઊભરાય, ઘારણ વળે, શરીર ઢળી જાય
અને તું સવારે ઊઠે ત્યારે અફસોસ ન કરીશ
કારણકે તારી મીઠી નીંદરથી સંતોષ પામતો
હું તારે ઓશીકે બેઠો હોઈશ.

Advertisements

4 responses to “આવું બને ત્યારે…..

  1. Nice poem.
    Seems a translation.. nice though.

  2. Bahuj saras, Sundar rachana che. Prerak che.