માજી, માશી, મેડમ, મીસ – સ્વાતી મેઢ

ઊતરતા શિયાળાની સવાર હતી. અમારા ફલૅટ પાસેના રસ્તા પર કોથમીર-મૂળા-ભાજી વેચનારો આવ્યો, એને મેં રોક્યો અને પૂરા ત્રણ દાદરા ઊતરીને હું ભાજી લેવા નીચે ગઈ.
‘શું ભાવ છે ભાજીનો ?’ મેં પૂછયું.
‘ત્રણની અઢીસો.’ એણ કહ્યું.
‘મોંઘી છે, એમ કેમ ?’ મેં પૂછયું.
‘શિયાળો ગયો, ભાજી હવે મોંઘી થઈ ગઈ માજી !’ ફેરિયાએ કહ્યું.
એ સાંભળીને મેં આસપાસ જોયું. બીજું કોઈ ભાજી લેવા બારી પાસે ઊભું નહોતું. એનો અર્થ એ થયો કે ભાજીવાળાએ મને જ ‘માજી’ કહ્યું હતું.
હું ? માજી ? મને ખટક્યું.
મને મનમાં થયું કે ભાજીવાળો કદાચ જોડકણાંપ્રેમી કવિજીવ હશે અને એણે ‘ભાજી’ શબ્દ સાથે પ્રાસ બેસાડવા મને ‘માજી’ કહ્યું હશે. ગમે તેમ, પણ મારું મન ભાજી ખરીદવામાં ન રહ્યું તોય હું પાંચસો ગ્રામ ભાજી લઈ, પૈસા આપી, એક શ્વાસે ત્રણ દાદરા ચડીને ઘરમાં ગઈ. ભાજી એકતરફ મૂકીને દોડી અરીસા તરફ. માજી ? હું ?

હા. ભાજીવાળાએ કવિતા કરવા માટે નહિ, હું ખરેખર માજી લાગતી હતી એટલે મને માજી કહ્યું હતું. બ્રાઉન રંગનું દોરીવાળું મફલર માથે બાંધેલું, ઊપટી ગયેલા ભૂખરા રંગની શાલ ઓઢેલી, ચાંલ્લા વિનાનું કપાળ અને છૂટા વાળ, શિયાળાની સવારનો મારો એ વેશ કોઈને પણ મને માજી કહેવા પ્રેરે એવો હતો. એટલે જ ભાજીવાળાએ મને માજી કહ્યું હતું. “ઠીક છે ભાઈ, માજી તો માજી” કૂકર મૂકવા અને શાક સમારવા-વઘારવાની આજની ડ્યુટી મારે હજી બાકી હતી એટલે મેં મારા દેખાવ બાબતે વધારે વિચારવાનું મુલતવી રાખ્યું. ઘરકામ કરતાં કરતાં, નાહીધોઈ, માથું ઓળીને મેં ખાસ ધ્યાન રાખીને મફલર-શાલ ન પહેર્યાં. વાળ વ્યવસ્થિત રીતે ઓળીને બે-ચાર નાનાં અમથાં ઘરેણાં પહેરીને, સુઘડ પોલિયેસ્ટર સાડી પહેરીને હું ઘરકામમાં આગળ વધતી ગઈ.

દસેક વાગ્યા હશે અને બારણું ખખડ્યું, મેં ખોલીને જોયું તો એક પંદરેક વર્ષનો કિશોર ઊભેલો, ‘માશી, અગરબત્તી લેશો ? ક્વોલિટી સારી છે હોં માશી !’ એણે વિનંતી કરી. ‘માશી?’ આ વખતેય ફલેટના દાદરા પર કોઈ ચડતું ઊતરતું ન હતું. અને કિશોરે મને જ સંબોધન કર્યું હતું. માશી.

માત્ર બે કલાકમાં માજીમાંથી માશી બનવા તરફનું મારું પ્રમોશન થયું. હું રાજી થઈ ગઈ. કવૉલિટી જેવી હોય તેવી. મને માશી કહેનારા એ અજાણ્યા ભાણેજ પાસેથી મેં અગરબત્તીનાં ત્રણ પેકેટ લઈ લીધાં, પ્રમોશનના હરખમાં.

બપોર થવા આવી. ઘરકામ આટોપીને હું સરસ કપડાં પહેરીને બહાર નીકળી. જરા જરા ગરમી લાગતી હતી એટલે નવીનકોર સુતરાઉ સાડી પહેરી, ખભે પર્સ લટકાવી, દૂર જોવાનાં ઉત્તમ પ્રકારનાં ચશ્માં પહેર્યાં અને હું બહાર નીકળી કામ માટે. બહાર સોસાયટીના દરવાજા પાસે એક રિક્ષા ઊભી હતી. હું એમાં ચડવા ગઈ ત્યાં ચરરર…. અવાજ થયો. મેં જોયું તો મારી નવીનકોર સુતરાઉ સાડી ફાટી હતી.
‘શું છે ભાઈ ? રિક્ષા આવી ભંગાર રાખો છો ? મારી સાડી ફાટી’ મેં કહ્યું.
‘સોરી મેડમ’ રિક્ષાવાળાએ કહ્યું.
‘ભંગાર રિક્ષા છે તોય ભાડું તો નવા દરથી જ લેવાના છો ને ? એ કેમ ચાલે ?’
‘સોરી મેડમ’, રિક્ષાવાળો બોલ્યો, ‘મેડમ, કઈ તરફ જવાનું છે ?’
સાડી ફાટી એની ખીજ તો મને ચડેલી તોય મને સંભળાયું ‘મેડમ.’ રિક્ષાવાળો મને ‘મેડમ’ કહીને એની રિક્ષાને કારણે મારી સાડી ફાટી એની દિલગીરી વ્યક્ત કરી રહ્યો હતો.

હાજી, નવીનકોર, કડક, સુતરાઉ સાડીનું આ પરિણામ, સવારનાં માજીમાંથી માત્ર ચાર કલાકમાં મારું બીજી વાર પ્રમોશન થયું. હું માજીમાંથી મેડમ થઈ ગઈ. મારા હરખનો તો પાર નહિ. રિટાયર્ડ થવાના થોડા મહિના પહેલાં સરકારી અધિકારીને પ્રમોશન મળે અને એને થાય તેવો હરખ મનેય થયો.

પુરુષોના જીવનમાં એક દિવસ એવો આવે છે, જ્યારે સાઈકલસવાર યુનિફોર્મ પહેરેલી દસમા ધોરણની કન્યા એને પહેલીવાર કહે છે. ‘કાકા, આઘા ખસો. ‘કાકા’ માટે એ આઘાતની ક્ષણ હોય છે. માજીમાંથી મેડમ થવામાં મને આનંદાઘાતની ક્ષણ લાગી. મને ઘણો આનંદ થયો. રિક્ષામાં ગોઠવાઈને મેં મારે જવું હતું તે સ્થળનું નામ કહ્યું. રિક્ષાવાળો, મને, મેડમને પ્રેમથી વાતો કરતો કરતો લઈ ગયો. પૈસા તો એણે પૂરા લીધા. સાડી ફાટવાનો દંડ મેં એને ન કર્યો, કારણ કે આ પ્રવાસ દરમ્યાન એણે મને પાંચેક વાર ‘મેડમ’ કહ્યું હતું.

રિક્ષામાંથી ઊતરીને હું બૅંકમાં પ્રવેશી, બૅંકમાં મારે મેનેજર પાસેથી એક કાગળમાં સહી લેવાની હતી. મારા પરિચિત ઑફિસર પાસે હું ગઈ. મેં એમને મેનેજર પાસે જવા માટે મારી સાથે આવવાનું કહ્યું. એ ઑફિસરભાઈ સુપરિચિત મિત્ર હતા. એની બૅંકમાં અમારા ઘરનાં બધાં જ સભ્યોનાં ખાતાં હતાં. લેવડદેવડની ઘણીખરી વિગતો એ જાણતા હતા. એણે કહ્યું. ‘ચાલો !’ મેનેજરની કેબિનનું બારણું હડસેલીને અમે અંદર પ્રવેશ કર્યો. એક પિસ્તાળીસેક વર્ષનો ભાઈ મેનેજરની ખુરશી પર બેઠો હતો. નીચું જોઈને કંઈક કામ કરતો હતો. અમે બારણું ખોલ્યું. અને એણે ઊંચું જોયું. મને જોઈને એ ઊભો થઈ ગયો, બે હાથ જોડીને બોલ્યો, ‘મિસ તમે ?’
મારી સાથેનો ઑફિસરભાઈ આશ્ચર્યચકિત થઈ ગયો. ‘સાહેબ, તમે આમને ઓળખો છો ?’
‘આવો મિસ, બેસો.’
મેડમ કહેવડાવ્યાના આનંદાઘાત પર આ બીજો આઘાત પડ્યો, ‘મિસ’
‘હા, હા, હું એમનો સ્ટુડન્ટ હતો. યાદ છે ને ? તમે અમને અંગ્રેજી શીખવાડતાં હતાં ?’

પિસ્તાળીસ વર્ષના, એ પ્રૌઢત્વ તરફ આગળ વધતા ચહેરા તરફ મેં જરા ધારીને જોયું. સત્તાવીશ-અઠ્ઠાવીસ વર્ષ પહેલાં એક કૉલેજના પ્રથમ વર્ષના વર્ગમાં, પહેલી પાટલી પર બેઠેલો એક મુગ્ધ ચહેરો મને દેખાયો. એ વખતે હું ‘મિસ’ હતી અને એ આ યુવાનને માટે હજીય હું ‘મિસ’ હતી.
‘તમે જરાય નથી બદલાયાં, મિસ’ એણે ખૂબ ઉમળકાથી કહ્યું, ‘બોલો, શું સેવા કરું ?’
સવારે માજી શબ્દ સાંભળવાથી આવેલી નિરાશાની લાગણી તો ક્યાંય ઊડી જ ગઈ હતી. માશી અને મેડમ સંબોધનો સાંભળ્યા પછી, પણ એના સ્થાને એક સાર્થકતાની લાગણી મનમાં આવી ગઈ.
કાગળ પર ‘શ્રીમતી’ શબ્દ વાંચ્યા છતાંય, એનાં કર્મચારીએ ‘બહેન’ કહીને ઓળખાણ કરાવ્યાં છતાં, અઢી દાયકા વીત્યા પછીય એક ઉચ્ચ સ્થાને બેઠેલો અધિકારી મને જોતાં જ પોતાની મુગ્ધ યુવાવસ્થામાં પહોંચી ગયો. એની નજરમાં હતાં આનંદ, આશ્ચર્ય અને સન્માનના મિશ્ર ભાવો.

બૅંકમાંથી કામ પતાવીને હું બહાર નીકળી. અને વિચારતી રહી, હું કોણ ? માજી, માશી, મેડમ કે મિસ ?
કે પછી હું તો જે છું તે જ હું ?
રસ્તા પર ચાલતાં ચાલતાં પાસેની ચાની લારી પાસે વાગતા ટેપરેકોર્ડર માં ગીત વાગતું હતું :
‘મેં જો હૂં મૈં વો હૂં’

આ ગીત ગાનારને માટે કે એ ગીત રચનારને માટે આ શબ્દોનો અર્થ કશો પણ હોય, પણ મને એનો અર્થ સમજાઈ ગયો છે, હવે બીજો કોઈ શાકવાળો મને ‘જે શ્રીકૃષ્ણ, બા’ કહેશે તો હું એને હસીને કહીશ, ‘જે શ્રીકૃષ્ણ.’
‘અલ્યા, મને બા કહે છે ?’ એવી અકળામણ નહીં દેખાડું, કારણકે હું તો જે છું એ છું જ. મને બોલાવનાર એના સંસ્કાર, સમાજ અને શિક્ષણ અનુસાર મને સંબોધન કરે છે. ‘માજી’ શબ્દ સાંભળીને મારે અકળાવાનું કોઈ કારણ નથી કે નથી કોઈ કારણ ‘મેડમ’ શબ્દ સાંભળીને પોરસાવાનું.
આવા ફિલોસોફિક્લ વિચારો કરતી કરતી હું રસ્તા પર ચાલતી હતી. રસ્તા પર વળાંક આવ્યો અને હું એ તરફ વળી, એની સાથે મારા વિચારોએ પણ વળાંક લીધો.

મને તો આવી ફિલોસોફી ફાવી, પણ બધાં બહેનો આવી ફિલોસોફી અપનાવે તો બ્યુટીપાર્લરો અને બુટિકોનું શું થાય ?
મને એ વાતની ચિંતા છે !

Advertisements

8 responses to “માજી, માશી, મેડમ, મીસ – સ્વાતી મેઢ

 1. very good.enjoyed a lot.congrats to writer SWATIBEN. this type oflight articles r necessary.

 2. સુરેશ જાની

  બહોત ખૂબ .. વાંચવાની મઝા આવી ગઇ.
  પુરુષોને મળતા આવા આઘાતોનું લીસ્ટ જરા લાંબું કરવું હોય તો… જ્યારે કોઇ જુવાન છોકરો તમને દાદા કહે ત્યારે આવો બીજો આઘાત લાગતો હોય છે.
  પણ સ્વાતિબેન, તમે સાચું કહ્યું છે કે આપણે જેવા છીએ તેવા બરાબર છીએ- એવા જ થઇને રહેતાં શીખીયે….

 3. અમિત પિસાવાડિયા ( ઉપલેટા)

  વાંચવાની બહુ મજા પડી ,, આપણે છીએ તેવા દેખાવામા જ મજા છે , હ હ હ ,,

 4. HI SWATI,

  I THINK YOU ARE A YOUNG LADY BUT, YOU HAVE A GREAT SKILL OF STORY TELLING. YOU HAVE DESCRIBED ALL STAGES OF HUMAN LIFE IN VIVID AND REALISTIC MANNER. YOU MIGHT HAVE READ SOME POEMS OF WILLIAM SHAKESPEARE. HIS POEM CALLED “ALL THE WORLD IS A STAGE” WAS WRITTEN IN HIS YOUNG AGE BUT, HE DESCRIBED ALL DIFFERENT STAGES OF HUMAN LIFE IN SUCH A WAY THAT NOBODY CAN IMAGINE THAT THE POET WOULD BE SO YOUNG.

  BEST LUCK !!!

  KAMLESH PATEL

 5. How others addresses you – it depends upon time and circumstances. (And if m not wrong – sometimes on their need too – GARAJ?!! Mrugesh – m i wrong?)

  I am completing 39. Few days ago I went to a saloon. The person (barber) asked me – “Color Kar Du uncle?”. I asked him – Why?! He said there are few white hairs – therefor. I simply said – Usase aap ko koi taklif hai?

  What i mean is – Jeva dekhai e chhe teva j raheva ma maja chhe. (Ofcourse – i don’t mean it to be dirty!)

  Ajay – HYD.

 6. very nice.. majha padi miss ..

 7. haircolour karvathi koi juwan nathi thatu.dil thi yuvan raho,natural raho.loko ne bolta roki nahi sako.katla loko safedval thi sharmata nathi pan aye loko ni potani dressing style, bolwanistyle,halchal etc thi attractive lage chhe.