ટૂંકું અને ટચ – સંકલન

ગુજરાતી રંગભૂમિનો અદ્દભૂત કિસ્સો – ડૉ. ચીનુ મોદી

મુંબઈમાં ‘વીરપસલી’ નાટક ઓપન થવાનું હતું અને આખા વિશ્વના ઈતિહાસમાં ન બને એવી ઘટના ગુજરાતી દર્શકોને કારણે બની. અમદાવાદથી ‘વીરપસલી’ સ્પેશિયલ ટ્રેન દોડાવવી પડેલી. દર્શકોની માગણીને કારણે આવી ઘટના ન અંગ્રેજી નાટક વખતે બની છે, ન ભારતની મરાઠી, બંગાળી કોઈ નાટક વખતે બની છે. આવી ઘટના કેવળ ગુજરાતી રંગભૂમિ ઉપર જ બની છે અને એ પણ શુદ્ધ ગુજરાતી નાટક માટે, ઉછીનાં નાટકો માટે નહીં.
****************

ગુમાવી બેઠો છું – અશરફ ડબાવાલા

કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું.
પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું.
હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે,
ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.
તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં,
હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.
****************

ભારતની વૈશ્વિક ભૂમિકા – વિલ દૂરાં

સહનશીલતા,
પરિપક્વતા, મનની ભદ્રતા,
કોઈનું પડાવી લેવાની વૃત્તિ વગરનો
પ્રશાંત આત્મભાવ,
સમજણથી છલોછલ એવા હૃદયની શાંતિ
અને બધા જ જીવો પ્રત્યેની
એકતા અને કરૂણાથી લથપથ એવો પ્રેમ
આ બધી જ બાબતો ભારત ભવિષ્યમાં
સમગ્ર વિશ્વને શીખવશે.
****************(cont…)

હાઈકુ – યજ્ઞેશ દવે

કેટલું સાહસ જોઈએ
ખંડેર થઈ ગયેલા
ઘર તરફ આંગળી ચીંધી
એમ કહેતાં
’આ મારું ઘર હતું.’
****************

હજો એવું મને – જયન્ત પાઠક

મૃત્યુ હજો એવું મને –
કે છેક છેલ્લી પળ સુધી આ જિંદગી જીવી જવા
ઉત્સાહ ના ખૂટે
ને મોત જ્યાં નજરે પડે ત્યાં દેહ આ તજતાં જરા
ઉદ્વેગ ના ઊઠે
મૃત્યુ હજો એવું મને.
****************

મનનાં ડ્રાયફ્રૂટ્સ – મૃગાંક શાહ (સંકલન)

1] પ્રેમ એ એક બહુ મોટો ભ્રમ છે અને લગ્ન સાથે એ ભ્રમ પૂરો થાય છે.
2] પ્રેમીને યાદ કરવા માટે થોડીક મિનિટો પૂરતી છે, પણ પ્રેમીને ભૂલવા માટે આખું આયખું ય ઓછું પડે છે.
3] પત્નીઓ બાબતે મારું નસીબ ખરાબ છે. પહેલી પત્ની મને છોડીને જતી રહી અને બીજી છોડતી નથી.
4] ‘હું મારા ઘરનો બૉસ છું’ મને આવું કહેવાની પરવાનગી મારી પત્નીએ આપી છે, શું સમજ્યા ?
5] પુરુષ જ્યાં લગી પરણતો નથી ત્યાં સુધી અધુરો છે. લગ્ન પછી ‘પૂરો’ થઈ જાય છે.
6] સફળ લગ્ન એટલે પત્નીને જેવો જોઈતો હોય એવા પુરુષની શોધ.
7] છાપામાં ‘વર જોઈએ છે’ જાહેરાત વાંચીને કેટલીય પત્નીઓએ કાગળ લખ્યો ‘અમારા લઈ જાઓ’
8] સારી પત્ની એટલે એ સ્ત્રી કે જે લગ્ન પછી તમારી એવી મુશ્કેલીઓમાં તમારી સાથે રહે છે, જે મુશ્કેલીઓ લગ્ન ન કર્યાં હોત તો આવત જ નહીં.
9] કુંવારાના ખમીસ પર બટન નથી હોતાં જ્યારે પરણેલા પાસે ખમીસ જ નથી હોતું.
10] આમ તો મારી વાઈફ કોઈ પણ વિષય પર કલાકો સુધી બોલી શકે છે, પણ સાચી વાત તો એ છે કે ઘણી વાર કોઈ વિષય ન હોય તોય કલાકો સુધી બોલી શકે છે.
****************

દૂહા સંકલન

મિત્રુ નઈ કોઈ મલકમાં, વિશ્વ બધાથી વેર,
એકલ આથડતો ફરે, એનું જીવન ખારું ઝેર.

વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર,
શૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઊગે સૂર.

ગુણ વિણ ઠાકર ઠીકરો, ગુણ વિણ મિત્ર ગમાર,
ગુણ વિણ ચંદન લાકડી, ગુણ વિણ નાર કુનાર.

જોઈને વોરીએ જાત, વઢે પણ વેડે નહીં,
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.

મન મેલા તન ઉજળા, બગલા-કપટ ઢંગ,
ઉનસે તો કાગા ભલા, તન મન એક જ રંગ.

સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વહાણ,
ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ.

કોયલડી ને કાગ, વાને વરતારો નહીં,
એનો જીભલડીએ જવાબ, સાચું સોરઠિયો ભણે.

ગાજ્યા મેહ વરસે નહીં, ભસ્યા ન કરડે શ્વાન,
બહુબોલા નવ રણ ચડે, થોડા બોલા ન ઘર જાન.

વિપત પડે નવ વલખિયે, વલખે વિપત ન જાય,
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.

ઘરના ઊઠયા વન ગયા, વનમાં લાગી આગ,
ઓલેથી ચૂલે પડ્યાં, કરમ પરમાણે પામ.
****************

ગંગ છંદ

તારા કે તેજમેં ચંદ્ર છીપે નહીં,
સૂર્ય છીપે નહીં બાદલ છાયો,
હે રણે ચડ્યો રજૂપૂત છીપે નહીં,
દાતા છીપે નહીં ઘર માંગન આયો,

ચંચલ નારી કે નૈન છીપે નહીં,
પ્રીત છીપે નહીં પીઠ દિખાયો,
કવિ ગંગ કહે, સુન શાહ અકબર
કર્મ છીપે નહીં ભભૂત લગાયો.
****************

કાગળિયા લખી લખી થાકી…..

હું તો કાગળિયા લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા(2)
મારા કાળજડા ઠરી ઠરી જાય રે… કાનુડા.

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યાં (2)
મારા પાવલિયા બળી બળી જાય રે… કાનુડા.

આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યાં (2)
મારી ચૂંદડી ભીંજાઈ ભીંજાઈ જાય રે….કાનુડા

હું તો કાગળિયા લખી લખી થાકી
કાનુડા મારા મનમાં નથી.
ધુતારા તારા મનમાં નથી.
છોગાળા તારા મનમાં નથી.

Advertisements

6 responses to “ટૂંકું અને ટચ – સંકલન

  1. “Virpasli” to jovu j rahyu… tak male to.

  2. “Virpasli” to jovu j rahyu… tak male to.

  3. હાઈકુ તેમજ હજો એવું મન દાદ માંગી લે છે
    અભિનંદન

    નીલા

  4. man na dryfruits vanchi MAN MALAKI GAYU.maja avi.husband vishe pan avu ghanu lakhi sakay ho.

  5. Virpasli is nice, kavi Gang and Asharaf Dabavaala is nice, the only thing not so good is “SANKALAN” about marriage. Hell guys In australian gujarati community people are going for gay marriages, so think over and write things from new point of view with new situations in mind.

  6. VEERPASLI NATAK TAMO MRUGESHBHAI mokli shako????