રિક્ષાવાળાની માનવતા – પ્રવીણ ઠાકર

એક દિવસ ગોંડલમાં હું એક પરિચિતને ત્યાં ગયેલો. તેમણે તૈયાર કરેલી તુવેર દાળની બે નાની બોરી ત્યાંથી મારે ઘેર લાવવાની હતી. વાતચીત દરમિયાન ચોખાની એક બોરી પણ ઉમેરાણી. તે ઓળખીતા સાથે ચા-પાણી પત્યા પછી માલ લઈ જવા માટે હું બહાર થોડે દૂરથી ઑટોરિક્ષા કરી આવ્યો.

તેમણે ઓસરીમાં રાખેલી મારી ત્રણ બોરીઓ ત્યાં પાસે ઊભેલી રિક્ષામાં મૂકવા માટે ઊંચકવા હું જરાક આગળ વધ્યો ત્યાં જ સ્વચ્છ કપડાં પહેરેલા મારા યુવાન રિક્ષાચાલકે ઝડપથી બાજુ પર આવીને મને રોક્યો, અને કહ્યું, ‘કાકા, તમે રે’વા દ્યો; ઈ કામ તમારું નહિ. લાવો હું મૂકી દઉં.’

આજકાલ મોટાં શહેરના સામાન્ય વાહનચાલકોની તોછડી લાગે તેવી બોલવાની રીતથી ટેવાઈ ગયેલા મારા કાન પર આ શબ્દો પડતાં મને નવાઈ સાથે આનંદ થયો. તો પણ મેં તેને કહ્યું, ‘ધન્યવાદ, પણ આ મારો માલ છે, ને તે મારે જ ઊંચકવો જોઈએ.’ તેણે વળતો જવાબ આપ્યો, ‘ઈ તમારી વાત સાચી, પણ તમે ઉંમરલાયક છો, ને આ વજન ઊંચકવાનું કામ છે. ઈ મારા જેવો જુવાનિયો ન કરે તો કોણ કરે ? આટલું કહી, હોંશભેર તેણે એકેક કરીને ત્રણેય નાની બોરીઓ રિક્ષામાં ગોઠવી દીધી, અને હું પાછળ વ્યવસ્થિત બેસી ગયો. મેં આપેલી સુચના પ્રમાણે તેણે રિક્ષા મારા ઘર તરફ ચલાવવા માંડી.

ઉતારુની સીટ ઉપર બેઠો બેઠો હું તે રિક્ષાચાલકના વિવેક વિશે વિચારતો હતો. મને થયું; એની કદરમાં કંઈક કહું. તેથી તેની સાથે વાત શરૂ કરવાને વિષે મેં તેને પૂછયું, ‘ભાઈ, આ રિક્ષા તારી પોતાની છે, કે ભાડે મેળવીને ચલાવે છે ?’
તેણે કહ્યું, ‘મારી માલિકીની છે.’
મેં કહ્યું, ‘સારી રાખી છે.’ અને પછી ઉમેર્યું, ‘ખરું કહું, તેં જે વિનયથી આ મારો વજનદાર સામાન ઊંચકી આપ્યો તે ખરેખર ગમી જાય તેવું છે. નહિતર આ જમાનામાં આવી ભલમનસાઈ કોણ બતાવે છે?
પોતાની પ્રશંસા સાંભળી તે બોલ્યો, ‘ના રે ના, કાકા, આમાં શું મોટી વાત છે ? આ તો મારી ફરજ છે.’
આગળ વાતચીત કરતાં મેં જાણ્યું કે તે દસ ધોરણ સુધી ભણેલો હતો, અને પછી કૌટુંબિક સંજોગોવશાત્ તેણે રિક્ષા ચલાવવી શરૂ કરી દીધેલી. આ સાંભળી, તેને પ્રોત્સાહન આપવા ‘એ તો સારી વાત કહેવાય,’ એમ મેં જ્યારે કહ્યું ત્યારે તે મૌન રહ્યો. આવા સાલસ રિક્ષાવાળાને જરૂર પડ્યે તરત બોલાવી શકાતું હોય તો ઠીક રહે એવા ખ્યાલથી મેં તેને તેના રહેઠાણ વિશે પૂછયું તો ખબર પડી કે તે તો મારા ઘરથી ખાસો દૂર રહેતો હતો.

મારી મૂળ વાત પર આવતાં, તેની કદર કરવાના ભાવથી મેં કહ્યું, ‘તારી વાતચીતની રીત વિવેકી છે.’
એકધારી મધ્યમ ગતિએ, સંભાળપૂર્વક રિક્ષા ચલાવતા એ યુવકે સહેજ પાછળ મોઢું કરી મને કહ્યું, ‘અંકલ, આ ધંધામાં અમારે જાતજાતના લોકો સાથે બોલવાનું બને. એમાં અકળાઈને બોલીએ તો ધંધો ક્યાંથી ચાલે?’
એક જુવાનને હોઠેથી આવી ઠરેલ વાત સાંભળી મને તેના માટે ખરેખર માન થયું. તેથી વાત થોડી લંબાવતાં, આ બાબતમાં મારી પોતાની નબળાઈ કબૂલીને મેં કહ્યું, ‘ભાઈ, તારી વાત તો એક સો ને દસ ટકા સાચી, પણ બધા લોકોથી આવું ભાવતું વર્તન ક્યાં થઈ શકે છે? આ મારો જ દાખલો લે ને. હું તો ગરમ સ્વભાવનો માણસ છું; કોઈ કાંઈ ખોટું કરે કે કહે તો મારાથી તરત ઊકળી પડાય છે !’ મોટી ઉંમરના ઉતારુ એવા મારે મોઢે પોતાના સ્વભાવ અંગે આમ વણમાગી કબૂલાત સાંભળી એ યુવાન રિક્ષાચાલકથી જાણે રહેવાયું નહિ. ધીરેથી પાછળ ફરી, મારી સામે લગીર નજર માંડી, તેણે પહેલાં તો વિનયપૂર્વક પૂછયું, ‘કાકા, તમે તો મારા વડીલ જેવા છો. તમારી સાથે નાને મોઢે જરાક મોટી વાત કરું ?’

કુતૂહલથી મેં ‘જરૂર’ એમ કહેતાં, અનુભૂત તથ્યને વાચા આપતો હોય એટલી સ્થિરતા સાથે તે હળવેથી બોલ્યો, ‘જુઓ કાકા, આપણને કડવી વાત કે’તાંય એટલો જ સમય લાગે છે જેટલો મીઠી વાત કરતાં લાગે. તો પછી કડવી વાત શું કામ કરવી ?

રિક્ષા ચલાવી રહેલા એ કહેવાતા ‘ઓછું ભણેલા’ અનામી યુવાન પાસેથી આવી ઊંચા તાત્પર્યવાળી સીધીસટ વાત સાંભળી હું તાજુબ થઈ ગયો. તે સાથે મારા પોતાના સ્વભાવની નબળાઈ પરત્વે મને મનોમન ક્ષોભ પણ થયો. છતાં લાગણીના આવેશમાં મારાથી સહેજ બોલાઈ ગયું, ‘ભાઈ તું તો મારો ગુરુ નીકળ્યો. મિજાજને કાબૂમાં રાખવાનો ઈલમ તેં બતાવી દીધો !’

મીઠી લાગે તેવી રીતે વાત કરવાની ભલામણ કરવા તે યુવાને અજમાવેલું સમયની સમાનતાનું ગણિત ભલે જલ્દી ગળે ન ઊતરે, પણ તાત્વિક દષ્ટિએ તેની વાત ઘણા વજૂદવાળી હતી. સુભાષિતમાંય કહ્યું છે ને કે, ‘સત્યં બ્રુયાત, પ્રિયં બ્રુયાત, ન બ્રુયાત સત્યં પ્રિયમ’ ? એ અલગ વાત છે કે, આમ મીઠાશભરી સત્ય વાણી કહેવાની આવડત અને કલા ઘણા ઓછા લોકોને હસ્તગત હોય છે. પરંતુ એવા વિરલાઓની યાદીમાં આપણા આ અજાણ્યા રિક્ષાચાલક સજ્જ્નનો સમાવેશ જરૂર થવાનો.

અમારો સંવાદ પૂરો થતાં મારું ઘર આવી ગયું. ઊતરતી વખતે પણ પૂર્વવત્ તત્પરતાથી તે ચાલકે અનાજની બોરીઓ ઊંચકીને મારા ઘરના આંગણામાં મૂકી આપી. ભાડું ચુકવતી વખતે મેં તેને ખુશ થઈને થોડા ટીપના પૈસા આપ્યા, ત્યારે એ ચબરાક યુવક સ્વમાનભેર પણ પૂરી નરમાશથી ટકોર કર્યા વગર ન રહી શક્યો કે મારો વજનદાર સામાન ઊંચકવાની મદદ મને કરવા પાછળ તેનો આશય મારી પાસેથી ટીપ મેળવવાનો નહોતો !

Advertisements

One response to “રિક્ષાવાળાની માનવતા – પ્રવીણ ઠાકર

  1. a real good one…….i learnt the same lesson which the author says he learnt…..i recall one small advertisement on doordarshan which ended with this message in the end: ‘shitan banana aasan hai,,, par kya insan bane rehna itna mushkil hai?’