વેરાયેલાં સમણાં – ડૉ. નવીન વિભાકર

[રીડગુજરાતીને આ કૃતિ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા) ખૂબ ખૂબ આભાર.]

‘વાહેગુરુ કી ખાલસા…. વા … હે …ગુ….રુ..ની ફ…તે…હ… !!’

બારણું ખૂલતાં જ અવાજ આવ્યો ને બારણામાં જ, એપાર્ટમેન્ટના બારણામાં જ, જુવાન ગુરુબચ્ચનસિંહનો એ બોલતાં, દેહ ઢળી પડતો દેખાયો. હાથમાંના પિત્ઝાનાં બૉક્સીઝ વેરણછેરણ થઇ ગયાં. લોહીલુહાણ જુવાનનું શરીર ઢળી પડ્યું ને આત્મા તેના મૂળ વતન પંજાબ…..
************************

‘પાપાજી! મા !’ કહી હાથમાં પત્ર ફરફરાવતો કિશોરાવસ્થા પૂરી કરતો, ઝીણી ઝીણી દાઢીમૂછોને સંવારતો, માથાની પાઘડી સરખી કરતો, સ્વરમાં ખુશી છલકાવતો, દોડતો. આવ્યો. આવીને માને તો જાણે ઊંચકી જ લીધી. ગોળગોળ ચક્કર ચક્કર ફેરફુદડી ફેરવી રહ્યો. હર્ષનો ઉન્માદ તેના સારાય ચમકતા મુખ પર લહેરાઇ રહ્યો.

મકાનના છેવાડે ગાય બાંધતાં બાંધતાં દિલીપસિંહ પુત્રની ખુશી જોઇ રહ્યા. હજીય એવો ને એવો કિશોર જ રહ્યો. ભારતના પંજાબમાં નાના ગાઝિયાબાદ જેવા ગામમાં દિલીપસિંહ ખેડૂત હતા. ખાસ્સું મોટું ફાર્મ હતું. ધઉંનો પાક ખૂબ સારો ઊતરતો. આ વરસના રવીપાકને લીધે વર્ષ સારું ગયું હતું. કમાણી સારી હતી. તેઓ પણ ખુશ હતાં. ઘરનાં ઉંબરે જુવાન થતી જતી દીકરી સીમરન આ બધું જોઇ રહી. દોડી ને ભાઇ પાસે ગઇ ને ‘ પ્રાજી આ શું છે ? ’ કહી ભાઇ ના હાથ માંથી પત્ર છીનવી લઇ, દોડીને પિતા પાસે ફળિયા માં જઇ ઉભી.
‘અરે ! અરે ! સીમી ! પાછો આપી દે પત્ર !’
‘પપ્પા ! જોયુ ને ! આ પત્ર કોનો છે તે ખબર છે ? કહી દઉં, પ્રાજી ! પેલી સતવંત નો છે ને !’ નિર્દોષ આંખો નચાવતી તે બોલી.
‘ગાંડી ! તને બધે સતવંત જ દેખાય છે. લાવ કાગળ ?’
‘કોણ છે આ સતવંત ! ગુરુ ?’ પિતાજીનો અવાજ સંભળાયો. પરસાળમાં આવી, પાણિયારેથી કળશિયો ભરી સીમરન, પિતાના હાથપગ ધોવડાવતાં બોલવા લાગી, ‘ પાપાજી! ચંડીગઢ યુનિવર્સિટીમાં પ્રાજી સાથે ભણે છે.’

ને પ્રશ્નાર્થનજરે દિલીપસિંહ ગુરુ સામે જોઇ રહ્યા. ગુરુના મોં પર છોકરીની જેમ શરમના શેરડા પડ્યા. હજી તો કિશોરાવસ્થામાંથી યૌવન તરફ પગલાં પાડી રહેલો યુવાન ઊર્મિને સંતાડી શકતો નો’તો.

‘આપણા ગામની છે? ક્યાંની છે?’
પૂછપરછ આગળ વધે ત્યાં તો ગુરુ બોલ્યો, ‘પાપાજી! આ સીમી છે ને ? એવું કંઇ નથી. આ પત્ર તો’ , ને સીમરનના હાથમાંથી પત્ર ખૂંચવી, પાપાજીના હાથમાં મૂકી દીધો.

પત્ર વાંચી, ખુશીનો ચમકાર ઊભરાઇ આવ્યો. ગુરુને બાહોંમાં ભરી લઇ બોલ્યા, ‘ગુરુ ! તે આખા કબીલાનું નામ રોશન કર્યું છે !’ તેમની આંખોમાંથી આંસુ સરી રહ્યાં. ગુરુની મા દલજિતકૌર તો આ બધું જોઇ મૂઝાઇ ગઇ. ‘ અરે પણ મને કોઇ કહેશો કે શું થઇ રહ્યું છે ?’ ‘અરે દલજિત ! આપણા ગુરુને અમેરિકાની સ્કૂલમાં સિત્તેર ટકા સ્કોલરશિપ સાથે એડમિશન મળી ગયું છે. બે મહિનામાં જવાની તૈયારીકરવી પડશે. ત્યાં કોલેજો સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. વાહેગુરુની કૃપાથી આ વરસે પાક પણ સારો ઊતર્યો છે. ફી ની બાબતમાં ગુરુ જરા પણ ચિંતા ન કરતો.’ દિલીપસિંહના સ્વરમાંથી આનંદ નીતરતો હતો.

ગુરુને કપાળે ચૂમી કરી, ‘ વાહેગુરુ તને સુખી રાખે, તારી બધી કામનાઓ પૂરી કરે.’ કહી દિલીપસિંહ સામે ને પછી સીમરન તરફ જોઇ. પ્રશ્નાર્થનજરે દિલીપસિંહને જોઇ રહી. જાણે સમજી ગયા હોય તેમ દિલીપસિંહ બોલ્યા, ‘તું જરાય ચિંતા ન કર દલજિત ! સીમરનનાં લગ્ન બે વરસ પછી છે ત્યાં સુધીમાં તો ગુરુ અમેરિકામાં સેટલ થઇ જશે પછી સીમીનાં લગ્નમાં કોઇ વાંધો નહી આવે ! બોલ ગુરુ, હવે માંડીને વાત કર !’

‘મા ! પાપાજી! ’ માના પગ પાસે બેસી, પરસાળમાં ખાટલામાં બેઠેલા પપ્પાના હાથ હાથમાં લઇ, બહેનને બાજુમાં બેસાડી ગુરુ બોલ્યો, ‘પાપાજી! મારું હાઇસ્કૂલનું ભણતર અહીં પૂરું થયું. ચંડીગઢ યુનિવર્સિટીમાં કોલેજના એડમિશન વખતે સતવંત મને ત્યાં મળેલી. હજી તો અમે એકબીજાને જાણીએ જ છીએ. થોડી થોડી લાગણી છે.’ તેના મોં પરની સુરખી જોઇ મા બોલી, ‘ બેટા ! હવે અમે એવા અભણ ખેડૂત તો નથી જ કે બાળકોની લાગણીઓ ન સમજી શકીએ. કોણ છે? શું કરે છે ? મા બાપ કોણ છે ? એ જણાવીશ તો તારી ઇચ્છા, એ અમારી ઇચ્છા એમ સમજીને જ તારું સગપણ કરશું. બેટા! જમાનો, ભારત કેટલું આગળ વધી રહ્યું છે, કેટલું વાતવરણ બદલાઇ રહ્યું છે. તે અમે સમજી શકીએ છીએ, કેમ ગુરુના પપ્પા !’

‘મા ! પાપાજી ! હવે તો સમીકરણ બદલાઇ ગયાં. મને અમેરિકા ભણવા જવાની તક ઊભી થઇ છે. મારે ડોક્ટર થવું છે. એટલે પહેલાં મારી પઢાઇ ને પછી સતવંત ! મને અમેરિકા માં સ્કોલરશિપ મળી છે. દર વરસે ત્રીસ ટકાની જોગવાઇ કરવાની રહેશે. ને મા! મારો મિત્ર, ત્યાં ભણે છે તેણે પણ લખ્યું છે કે ત્યાં તો સ્ટુડન્ટ્સ સાંજે ને રાતે પાર્ટટાઇમ જોબ કરી, પોકેટમની કાઢી લે છે. મને પણ વાંધો નહીં આવે.’

‘જો બેટા ! ’ દિલીપસિંહ બોલ્યા, ‘અમે તો ખૂબ જ ખૂશી થયાં છીએ. આપણા કબીલામાંથી તું પહેલો દીકરો છે કે જે ફોરેન ને તે પણ અમેરિકા જેવા દેશમાં ભણવા જઇશ. તારી મનકામના વાહે ગુરુ પૂરી કરે તેવી પ્રાર્થના પણ કરશું, પણ બેટા ! ડોક્ટર થવું હોય તો ભણતરમાં પૂરું ધ્યાન આપવું પડે. પાર્ટટાઇમ જોબની તું ચિંતા ન કરતો. અમે ગમે તેમ કરી તને પૈસા મોકલતા રહીશું.’ ‘ પપ્પા! અમેરિકામાં ફોરેન સ્ટુડન્ટ્સ માટેની ફી ખૂબ હોય છે. મને જ્યાં એડમિશન મળ્યું છે તે અમેરિકાની Small Colleges માંની એક બેસ્ટ કોલેજ છે. વરસની ફી એકવીસ હજાર છે. સ્ટેટ કોલેજીસમાં ફી ઓછી હોય પણ સારી કોલેજમાં ભણતર મળે તો કેરિયરનું ફાઉન્ડેશન સારું થાય.’

‘તું જરાય ચિંતા ન કર! આ રવિવારે ગુરુદ્ધારામાં આપણી કોમને આપણા તરફથી જમણ આપી, શબદવાણી ગવડાવી, ત્યાં તારા એડમિશનની વાતની બધાને જાણ કરશું.’ પિતાના મોં પર ગર્વ છલકાઇ રહ્યો, જાણે વલોણું કરેલી છાશમાંથી માખણ નીતરી રહે તેમ ! ‘તારે જતાં પહેલાં સતવંત સાથે કંઇ નક્કી કરવું…..’

ગુરુબચ્ચન શરમાઇ, આમન્યા જાળવવા, ઘરની બહાર દોડી ગયો. મા ને પિતા ને બહેનની પ્રશંસાભરી નજરો તેની પીઠ પરથી, સરી જતા રસ્તા પર વેરાઇ ગઇ.
‘સતવંત ! દોડીને ગુરુ સતવંત પાસે પહોચી ગયો. ખુશીભર્યા સ્વરે તે બોલ્યો, ‘સતવંત ! ને પત્ર જ તેણે તેના હાથમાં મૂકી દીધો. પત્ર વાંચી પહેલાં તો ખુશીની આભા તેના મોં પર પ્રસરી ગઇ ને તરત જ ગમગીની તેના ચહેરા પર છવાઇ ગઇ, જાણે સંધ્યા ક્ષિતિજે ન ઢળી હોય! લાલ લાલ સુરખીભર્યા ચહેરે, હેતથી ગુરુના હસ્ત હાથમાં લઇ બોલી, ‘ ગુરુ !’ સ્વરમાં ભીનાશ આવી, જાણે તાજા જ વરસાદ પછી, ફોરમ ફેલાતાં રસ્તાની સુગંધ ! ‘ ગુરુ ! ખુશ થઉં કે નારાજ ! તારી ઉન્નતિમાં હું ખુશ ન થાઉં તો સ્વાર્થી ગણાઉં. પણ તારી જુદાઇ, તારો વિરહ કેમ સહેવાશે?’ ને આંખમાંથી જાણે જલભરી વાદળી વરસી પડી.

‘સતુ !’ સ્નેહથી તેના હાથ થપથપાવી ગુરુ બોલ્યો, ‘ સતુ ! તને ખબર છે ને મારા પર કેટલી જવાબદારીઓ છે? પાપાજી હવે વૃદ્ધ થઇ રહ્યાં છે, હવે સાથી રાખી ફાર્મિંગ કરાવવું પોસાય નહીં. સીમરનનાં લગ્ન એકાદ બે વરસમાં કરવાં પડશે. ભણવા જાઉં છું પણ મનમાં ઘણા પ્રશ્નો આકાર લઇ રહ્યા છે કે પાર્ટટાઇમ કરી, પોકેટમની સાથે થોડા પૈસા ઘરે પણ મોકલાવી શકું તો પાપાજીને સીમરનનાં લગ્ન માં રાહત રહે.’

ક્યાં પોતાનામાં જ રાચતા રહેતા અમેરિકનો ને ક્યાં ઊર્મિલ ભારતીયો !

આંખમાંનાં આંસુઓ લૂછી, સ્વરમાં દ્ઢતા રાખી સતવંત બોલી, ‘ તું જરા પણ ચિંતા ન કર. સીમરનની ચિંતા ન કર, તારાં માતાપિતાને ક્યારેક મળતી પણ રહીશ. તું જા, ને તારાં સપનાં સાકાર કર ! ’

કેટલી ભારતીય કોડભરી યૌવનાઓ પ્રિયતમને તેમની ઉન્નતીમાં સાથ આપી, તેમનાં કાર્યમાં જાણે-અજાણે દ્ઢ મનોબળ ને આધ્યાત્મિકતા પ્રેરતી હશે! પછી તે દેશ માટે યુદ્ધે ચડતા જુવાનો હોય કે પરદેશ જતા પ્રિયતમ કે પતિઓ હોય ! જાણે પહેલાંના જમાનામાં રણે ચડતા પુરુષોને તિલક કરી, આરતી ઉતારી વિદાય કરતી વીંરાગનાઓ કે સતીઓ ?

અને જતાં પહેલાં ગુરુએ મા બાપ, બહેનને સતવંતની ઓળખાણ કરાવી. ઘરની બનનારી સુંદર, સુશીલ પુત્રવધૂને જોઇ દલજિત ને દિલીપસિંહની ખુશી ઓર બેવડાઇ ગઇ.

‘પાપાજી !’ વિદાય વખતે ગુરુ બોલ્યો, ‘ પાપાજી ! અત્યારે ભારતમાં આંતકવાદ ફેલાઇ રહ્યો છે. સીમરનનું ધ્યાન રાખજો ! પંજાબને બાજુમાંના જમ્મુ કાશ્મીરના છાંટા ઊડે જ છે.’

‘દીકરા ! અલકાયદા ને બિન લાદેનના આંતકવાદનો ઓથાર, અમેરિકાને પણ ડરાવીને જ રહ્યો છે. સંભાળીને રહેજે, કોઇની સાથે વણનોતરી અથડામણમાં ન આવતો.’ આંસુભરી નજરે બધાની વિદાય લઇ, ગુરુ આંખોમાં સમણાં લઇ અમેરિકા આવ્યો.
*****************

નવું વાતાવરણ, નવી સંસ્કૃતિ, નવા માણસો, નવો માહોલ જાણે ‘ઝડપ’ જ આ દેશનું જીવન હોય, જાણી, ધીમે ધીમે ગુરુ પોતાની જાતને ગોઠવવા લાગ્યો. સપ્ટેમ્બર મહિનો, કોલેજનું સત્ર હજી તો ચાલુ થતું હતું ત્યાં જ અગિયારમી સપ્ટેમ્બરનો ગોઝારો દિવસ આવ્યો. ન્યુયોર્કના જગમશહૂર ટ્વિન વલ્ડ ટ્રેડ સેન્ટર અલકાયદા ને બિન લાદેનના અમેરિકા માટેના ધિક્કરથી ધરાશયી થઇ ગયાં. પેન્ટાગોન જેવી સુરક્ષિત ઇમારતનું પણ રક્ષણ ન કરી શકાયું. દાઢીમૂછ ને પાઘડીવાળાઓ માટે અમેરિકાનોમાં દહેશત ને તિરસ્કાર ફેલાઇ ગયાં.

‘ગુરુ !’ તેની સાથે ભણતા તેના ગુજરાતી મિત્ર ને ગુજરાતથી ભણવા આવેલા સતીશે કહ્યું, ‘ગુરુ ! સાંભળ્યું ને . કેલિફોર્નિયામાં ને અહીં ન્યૂયોર્કમાં પણ શીખ લોકો પ્રત્યે બિન લાદેનના માણસો સમજી ગોળીઓ ચાલવા લાગી છે. એક સલાહ આપું, ‘ આ દાઢીમૂછ ને પાઘડી કાઢી નાખ ! ક્યારેક જીવ જોખમમાં આવી પડશે.’

પણ ગુરુ હજી એવો જ ઊર્મિલ ભારતીય જુવાન હતો. કુટુંબ, મા બાપ વગેરેની લાગણીઓથી તરબોળ હતો. મા બાપની સ્નેહાળ ને ધાર્મિક લાગણીઓ દુભાવવા નો’તો માંગતો. પાપાજી ને મદદ કરવા ને સીમરનનાં લગ્ન માટે આર્થિક મદદ આપવા, પોકેટમની કાઢવા, ગુરુએ સાંજે પાંચથી આઠ કોલેજના કેમ્પસમાં લાઇબ્રેરીમાં કામ કરવું પડતું. એ તેની સ્કોલરશિપ પેટેનો કોંન્ટ્રેક્ટ હતો. પણ પૈસા માટે તેણે રાતે આઠથી બાર પિત્ઝાહટમાં પિત્ઝા ડિલિવરી કરવાની જોબ સ્વીકારી હતી ને આજુબાજુના મહોલ્લાઓથી જાણકાર પણ થઇ ગયો હતો. ન્યુયોર્કના શિયાળાથી ટેવાવા માંડ્યો હતો.

‘ગુરુ ! મિસિસ સ્મિથનો ફોન છે. પિત્ઝા ડિલિવર કરવા જવાના છે’ રાતના સાડા નવ વાગ્યા હતા. કોલેજની બાજુમાં જ મિસિસ સ્મિથનું એપાર્ટમેન્ટ હતું. ત્યાં હંમેશાં તેનો સાથી કાર્યકર જહોન પિત્ઝા આપવા જતો પણ આજે તે બીમાર હોવાથી કામે નો’તો આવ્યો.

કાર ચલાવતાં ગુરુ વિચારી રહ્યો, ‘ મા પાપાજીએ, સીમરન શું કરતાં હશે? મેં મોકલેલા પૈસા હવે તેમને મળી ગયા હશે. કેટલાં ખુશ થતાં હશે ? સતવંતનો પત્ર ગઇ કાલે જ મળ્યો. કેટલો પ્રેમભર્યો ! ચાર વરસ નો વિરહ ! કેમ રહેવાશે? ’

મિસિસ સ્મિથનું એપાર્ટમેન્ટ આવતાં, કારની જેમ તેના વિચારોને પણ બ્રેક લાગી. મોં પર હાસ્ય સાથે વિચારી રહ્યો, ‘જહોન કહેતો હતો કે મિસિસ સ્મિથ સાઠ વરસની વૃદ્ધા, ખૂબ સારી ટિપ આપતી. ચાલો પૈસાની જરૂર છે. વાહેગુરુ (નાનકસાહેબ) હંમેશાં મદદ કરે છે જ !’

તેણે ડોરબેલ વગાડી. મિસિસ સ્મિથ હંમેશાં કી હોલમાં જોઇ, કોણ છે તે જોઇને જ બારણું ખોલતાં, પણ આજે ભૂખ લાગી હોવાથી, પિત્ઝાવાળો જહોન જ હશે જાણી, જલદીથી બારણું ખોલી નાખ્યું. જોકે રાતના સમયે હાથમાં પિસ્તોલ તો રાખતાં જ.

બારણું ખોલતાં ‘અલકાયદાના ’ માણસને – દાઢીમૂછ પાઘડીવાળા માણસને જોઇ ધ્રૂજી ઊઠ્યાં ને અજાણપણે સ્વરક્ષણ ખાતર પિસ્તોલ ફૂટી ને……

‘ઢિશુમ’ અવાજ સાથે બારણામાં જ અનેક સમણાં ભરેલો ગુરુબચ્ચનનો જુવાન દેહ, લોહીલુહાણ અવસ્થામાં ઢળી પડ્યો.

Advertisements

9 responses to “વેરાયેલાં સમણાં – ડૉ. નવીન વિભાકર

 1. સુરેશ જાની

  આ કઠોર અને કરુણ વાસ્તવિકતા.. આંખમાં આંસુ આવી ગયા.

 2. Touching…!
  Too good………!

 3. very touching story gopal parekh

 4. i don’t even know what to say.
  very pituful and emotive story.

 5. Oh My God!!!
  I just cannot stop crying. very heartrending story.
  very tragic and heart-touching story. just don’t have a word but sentiments.

 6. very touchy and emotional story…

 7. no comments !!!! [:(]

 8. very touching story of cruel reality!!
  Sometimes not actully people, but people’s fear of unknown destroys the faith!!

  Urmi Saagar
  http://urmi.wordpress.com

 9. અરમાન અધુરાં રહ્યાં !ન જાણ્યું જાનકીનાથે,
  સવારે શું થવાનું છે !શમણાં ખરેખર વેરાયાં !
  ડૉ.સાહેબ,અમિતભાઈ અને તંત્રીશ્રી,આભાર !