રીડગુજરાતી : નવનીત સમર્પણે લીધી નોંધ

ભારતીય વિદ્યા ભવન (ચોપાટી, મુંબઈ) ના સુપ્રસિદ્ધ અને ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સામાયિક પૈકી એક એવા ‘નવનીત-સમર્પણે’ મે-2006 ના અંકમાં રીડગુજરાતી વેબસાઈટનો વિશેષ પરિચય લેખ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતી વેબસાઈટ વિશેની માહિતી ‘નવનીત-સમર્પણ’ લેખના વાચકો સુધી પહોંચાડવા માટે સંપાદકશ્રી દીપકભાઈ દોશીનો ખૂબ ખૂબ આભાર.

રીડગુજરાતી તરફથી મોકલાયેલ અને નવનીત-સમર્પણમાં પ્રકાશિત થયેલ આ લેખ આજે રીડગુજરાતી પર વાચકો માટે અક્ષરસહ મૂકવામાં આવે છે. આ લેખ પરના આપના પ્રતિભાવો (કૉમેન્ટસ્) ભારતીય વિદ્યા ભવનને પહોંચાડવામાં આવશે અને નવનીત-સમર્પણની અનુકુળતા મુજબ તેને ‘વાચકોના પત્રો’ ની કૉલમમાં સ્થાન આપવામાં આવશે. (શક્ય હોય તો કૉમેન્ટસ લખતી વખતે આપના શહેરનું નામ કૉમેન્ટસમાં જરૂરથી લખવું.)

navneet samarpan

[ થોડા સમય પહેલાં હું એક સમારંભમાં ગયો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અલગ-અલગ વિષયો પર પોતાનું વક્તવ્ય રજૂ કરવાના હતા. બન્યું એવું કે, આ બધા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થીએ જૂના સોફટવેર વાપરવાના ગેરફાયદા સમજાવતાં એમ કહ્યું કે ‘જૂના સોફટવેર વાપરવા એટલે જાણે કે ફિલ્મ અને મ્યુઝિકના જમાનામાં ગુજરાતી સાહિત્યની ચોપડી લઈને વાંચવા બેસવું’ તેની આ ઉપમા સાંભળી હૉલમાં બધા હસવા લાગ્યાં પરંતુ હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. કશુંક જાણે કે હ્રદયની આરપાર નીકળી ગયું !

ઘરે આવીને મેં તેની વાતને ગંભીરતાથી લઈને ચિંતન કર્યું. શું ગુજરાતી સાહિત્યની યુવાનોમાં આવી છાપ છે? એક સમયે જે સાહિત્યને સંસ્કાર સિંચનનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવતું તે શું આજે મનોરંજનના સાધનોની તુલનામાં પણ નથી રહ્યું? યુવાનો ગુજરાતી સાહિત્ય વિશે શું વિચારે છે? એમના મનમાં શું છે? આવા અનેક પ્રશ્નો મારા ચિત્તને ઘેરી વળ્યા. આમ તો, વિદ્યાર્થીઓ અને મારી ઉંમર વચ્ચે ઘણો ઓછો તફાવત હોવાથી હું તેમની મનોભાવને સમજી શક્તો હતો પરંતુ તેમ છતાં સાહિત્યની બાબતમાં તેઓ આવું વિચારતા હશે તેનો મને જરા પણ ખ્યાલ ન હતો. મારા માટે આ વાત બહુ ચોંકાવનારી હતી.

અલગ-અલગ ક્ષેત્રમાં અભ્યાસ કે વ્યવસાય કરનારાં આજના યુવાનોના મનમાં સાહિત્યમાટે કેવા વિચાર છે તે જાણવાનું મને કુતૂહલ થયું અને એ પછી મેં તેની રીતસરની ખોજ આરંભી. જ્યાં યુવાનો મોટા પ્રમાણમાં જતા હોય એવા બુકસ્ટોર્સની મુલાકાત મેં લીધી. ત્યાંના કર્મચારીઓને ગુજરાતી પુસ્તકોનું વેચાણ કેટલા પ્રમાણમાં થાય છે તેની વિગતો પૂછી. કૉલેજમાં અભ્યાસ કરતાં મારા કેટલાક મિત્રો અને તેમનાં બીજા સહાધ્યાયીઓના શોખ વિશે માહિતી મેળવી. ઈન્ટરનેટ પર ઓનલાઈન ચૅટ કરીને યુવાનો સાથે સાહિત્યની બાબતમાં વાતો કરી. પાર્ટીઓ અને ફંકશનોથી લઈને વિવિધ કોચિંગ કલાસીસમાં અભ્યાસ કરતા યુવાનો સુધી પહોંચવાના જે જે રસ્તા મળ્યા તે બધા હું ઘૂમી વળ્યો. આવું લગભગ એક મહિના સુધી ચાલ્યું. આ હું શું કામ કરું છું? શેની માટે કરું છું તે હું નક્કી નહોતો કરી શકતો પરંતુ ગુજરાતી સાહિત્યની યુવાનોમાં છાપ કેવી છે એ જાણવાની મને ખૂબ તાલાવેલી હતી.

જે જે માહિતી મળી તે અંગે હું વિચાર કરતો ગયો અને સંપૂર્ણ માહિતી ભેગી થયા પછી મારા મનમાં ‘યુવાનો અને ગુજરાતી સાહિત્ય’ અંગે એક આખું ચિત્ર તૈયાર થયું જેની ભયાનકતા કોઈને પણ ધ્રુજાવી મૂકે એવી હતી. મોટાભાગના યુવાનો એમ કહ્યું કે ‘પુસ્તકો વાંચવાનો જ કંટાળો આવે છે. એટલું બધું કોણ વાંચે?’ જે લોકો પોસ્ટગ્રેજ્યુએટ કે પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં રોકાયેલા હતા એમણે તો વળી એમ કહ્યું કે ‘અમારે આ 500 થી 1000 પાનાનાં અભ્યાસના પુસ્તકો ઓછાં છે તે અમે હજી સાહિત્યના બીજા 200-400 પાનનો વધારો કરીએ?’ ઘણાં વિદ્યાર્થીઓ એ મને નિખાલસતાથી એમ કહ્યું કે, ‘સર, વાંચવાનું નથી ગમતું એમ નથી. પરંતુ અભ્યાસનું 7 થી 10 સાત કલાક વાંચ્યા પછી મગજ થાકી જાય ત્યારે અખબારને અડકવાનું પણ નથી ગમતું તો પુસ્તકો તો ક્યાંથી વંચાય? એવા સમયે તો ફિલ્મ જોવા જવાનું ગમે, મ્યુઝીક સાંભળવાનું ગમે. ઈન્ટરનેટ પર જઈને મિત્રો સાથે ગપ્પાં મારવાનું ગમે, વેબસાઈટો જોવાનું ગમે.’ કેટલાકે એવું કહ્યું કે, ‘વાંચવાનું ગમે છે, ખૂબ ગમે છે પરંતુ વાંચવું શું એ ખબર નથી પડતી. અત્યારે કયું નવું ગુજરાતી પુસ્તક ખરીદવા જેવું છે – એવું મિત્રોને પૂછીએ તો એ લોકો અમારી મજાક ઉડાવે છે કે તું કઈ સદીમાં જીવે છે? બધાને લેટેસ્ટ સી.ડી ટાઈટલ્સ ના નામ ખબર છે પરંતુ લેખકો કે પુસ્તકના નામ ખબર નથી.’ આઈ.ટી ક્ષેત્રમાં કામ કરતાં અને પૂના, બૅંગલોર અને અમેરિકા રહેતા મારા કેટલાક મિત્રોને મેં પૂછ્યું કે તમારો આ બાબતમાં શો અભિપ્રાય છે? એમણે કહ્યું કે, ‘વતન તો બહુ યાદ આવે છે. કોઈ ગુજરાતી અખબારનો ટૂકડો મળી જાય તો જાણે ગુજરાતમાં આંટો મારી આવ્યા હોય એવું લાગે છે. પરંતુ અહીં ગુજરાતી એટલા પ્રમાણમાં વાંચવા નથી મળતું. સમાચાર તો ચૅનલો અને ઈન્ટરનેટથી મળી જાય છે પણ તેમ છતાં રોજે રોજ આપણા વિદ્વાન સાહિત્યકારોની કૃતિઓ વાંચવાનો લાભ દેશમાં જે સરળતાથી મળી રહેતો તે અહીં નથી મળતો.’ મને તેમની વાત સાચી લાગી. અમેરિકાના અમુક વિસ્તારોમાં ગુજરાતી પુસ્તક સરળતાથી મળી શકે છે પરંતુ અમુક વિસ્તારો એવા પણ છે જ્યાં કોઈ જ ગુજરાતી સાહિત્ય મળી શક્તું નથી. ગુજરાતીઓ તો આખા વિશ્વમાં વસેલા છે. અમેરિકા સિવાય અન્ય દેશમાં ગયેલા લોકોનું શું? એ લોકોને તો ગુજરાતી વાંચવાનો કોઈ રસ્તો જ નહોતો.

આ બધી પરિસ્થિતિ જોતાં મને એમ લાગ્યું કે મોટાભાગના યુવાનોને વાંચવું હોય છે પરંતુ સમય નથી હોતો અથવા તો તેમને કોઈ એ માટે દોરનાર નથી હોતું. યુવાનોમાં મોટે ભાગે બધા શોખ આપ-લે થી વધારે કેળવાતા હોય છે. કોઈ યુવાન એક સી.ડી જુએ એટલે તરત તેના મિત્રને કહે કે ‘તું આ આજે જ જોઈલે. બહુ જ સરસ ગીતો છે.’ આવું જો ગુજરાતી વાંચન માટે થાય તો આપણી છાતી ગજ ગજ ફૂલે. મને અનુભવથી એમ લાગ્યું કે જ્યાં સુધી યુવાનોના હાથમાં સાહિત્ય નહીં પહોંચે ત્યાં સુધી ગમે એટલા પુસ્તકો વેચાશે, એનાથી સમાજને કોઈ ફાયદો નહીં થાય. પુસ્તક કે વાંચન એ સમય પસાર કરવાનું સાધન કે શોખ ન બનવું જોઈએ, એ તો આત્માનો ખોરાક બનવો જોઈએ. ‘આજે કંઈક સારું વાંચ્યું નહિ એટલે આખો દિવસ મજા ના આવી’ એમ જ્યારે દેશના યુવાનને થાય ત્યારે અદ્ભુત ક્રાંતિ થઈ ગણાય. આ લેખના વાચકોને કદાચ એમ લાગશે કે હું ટી.વી અને મ્યુઝીક સીસ્ટમના જમાનામાં મુરખાઓ જેવી વાતો કરું છું, પણ મારી વાત ખોટી નથી. તમે લંડન શહેરને જુઓ. વિશ્વના આધુનિક શહેરમાં એની ગણતરી છે. કેટલાય યુવાનો આપણા દેશમાંથી ત્યાં જાય છે. આપણા કરતાં ત્યાં આધુનિકતા વધારે છે પરંતુ એ લોકો વાંચનમાં આપણા કરતા હજારગણાં વધારે ઓતપ્રોત છે. લંડનમાં એક પરાંથી બીજા પરામાં ટીયુબ (ટ્રેન ને લંડનમાં ટીયુબ કહે છે) માં જતા લોકોના હાથમાં પુસ્તક હોય છે – અને તે પણ યુવાનોના હાથમાં, બોલો !! લાખો-કરોડો પુસ્તકો ત્યાં વેચાય છે અને વંચાય પણ છે. આપણે ત્યાં પુસ્તકો વેચાય છે ઘણાં પણ એ કાં તો પુસ્તકાલયમાં પડ્યા રહે છે અથવા તો જિંદગીથી પરવારી ચૂકેલા વૃધ્ધોના હાથમાં સમય પસારનું સાધન બને છે. રસોઈ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર જેવા પુસ્તકોનું વેચાણ વધે એટલે આપણે હરખાવાં જેવું નથી કારણકે એ યુવાન લોકો ખરીદતાં નથી, એ બધાં સમાજના અન્ય વર્ગના લોકો ખરીદે છે. સમાજઉપયોગી લેખો, ચિંતનાત્મક લખાણો, નવકથાઓ-નવલિકાઓ, પ્રવાસ વર્ણનો, ગઝલો, અધ્યાત્મ, પ્રાચીન દર્શનશાસ્ત્રો, લોકવાણી-અનુભવો, આત્મકથાઓ-ચરિત્રો વગેરે સઘળું સાહિત્ય વંચાવું જોઈએ. હજી તો સાહિત્યના બીજા કેટલાય પ્રકારો છે જે કદાચ આપણી જાણમાં પણ નથી. જો એ બધા નહીં સચવાય તો કાળક્રમે લુપ્ત થઈ જશે. ટૂંકમાં, વેચાય એનાથી ખુશ થવા જેવું નથી, ખાસ તો વંચાવું જોઈએ. અને વંચાય છે કે નહિં તેની સાબિતી બીજી કોઈ નથી, તેની અસર સમાજમાં આપોઆપ દેખાશે. મારા મતે તો સાહિત્યના બધા પ્રકારનું વાંચન થવું જોઈએ. ફકત જૉક્સ અને ગઝલો વંચાય એ અધુરું છે. વાંચન સિવાય અન્ય કોઈ ઉપાયથી કલ્પનાશક્તિ ખીલી શક્તી નથી માટે સમાજનો દરેક વર્ગ પોત-પોતાની પસંદગી, ઉંમર પ્રમાણે વાંચતો રહે એ સ્વસ્થ સમાજ માટે ખૂબ જરૂરી છે.

આ મનોમંથન પછી મને લાગ્યું કે મારે ગુજરાતી સાહિત્ય માટે કંઈક કરવું જોઈએ. પણ કરવું શું? મેં યુવાનોલક્ષી લેખોનો સંચય કરીને પુસ્તક બનાવવાનું વિચાર્યું. પરંતુ પછી મને થયું કે ફરીથી એ જ પ્રશ્ન ઊભો થશે કે વાંચે કોણ? કયું પુસ્તક વાંચવું? એમાંય વળી પરદેશ ગયેલા મોટાભાગના યુવાનો પાસે એ પુસ્તક ક્યારે પહોંચે? અંતે એ વિચાર પડતો મૂક્યો. ઘણા વિચારોને અંતે એકદિવસ મને ગુજરાતી વેબસાઈટ બનાવવાનો વિચાર આવ્યો.

મને લાગ્યું કે ઈન્ટરનેટ એક એવું માધ્યમ છે જેનાથી યુવાનો સુધી સરળતાથી પહોંચી શકાય છે, પછી ભલે ને વિદેશમાં વસતા હોય ! ઈન્ટરનેટની જાળ વિશ્વના ખૂણે ખૂણે વ્યાપેલી છે. નવી પેઢીને માટે તો જાણે ઈન્ટરનેટ જ સવર્સ્વ છે ! પુસ્તક છાપવા માટે કેટલા બધા માણસોની મદદ લેવી પડે છે. કેટલું બધું ઈન્વેસ્ટમેન્ટ જોઈએ છે. અને સાથે-સાથે શાહી, કાગળ, ટપાલ-કુરિયરના બીજા ખર્ચાઓ તો જુદા. એ ખર્ચાઓ કરવાં છતાં તેનું ક્ષેત્ર તો મર્યાદિત જ રહે છે. જ્યારે ઈન્ટરનેટ આ બધાથી મુકત છે. નથી તેની માટે કાગળનો ખર્ચો કે નથી શાહીની ઝંઝટ ! કોઈપણ લેખ ટાઈપ કરીને એક કલીક કરો, ત્યાં તો એ વિશ્વના ખૂણે ખૂણામાં બેઠેલા ગુજરાતીઓ પાસે વિના મૂલ્યે પહોંચી જાય.

હવે મેં ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની શું માહિતી છે તેનું સંશોધન આરંભ્યું. એમાં મને બે પ્રકારની વેબસાઈટઓ મળી. (1) સમાચાર અને અખબાર/મેગેઝીનોની માહિતી આપતી વેબસાઈટો. અને (2) વ્યક્તિગત શોખ માટે સાહિત્યના કાવ્યો અને ગઝલોને લગતી વેબસાઈટો. કૉમ્પ્યુટર પ્રોગ્રમિંગ જાણતા મારા જેવા યુવાનો આવી સુંદર વેબસાઈટો બનાવે છે તે જોઈને મને ઘણો આનંદ થયો. પરંતુ મારે તો હજી કંઈક વિશેષ કરવું હતું. જે લોકો શોખ માટે ઈન્ટરનેટ પર ગુજરાતી લખતા હતા એ લોકો સમયના અભાવે મોટા લેખો કે લખાણો મૂકી શકતા નહી. પરિણામે નૅટ પર કાવ્યો કે ગઝલો કે અમુક પ્રકારનું સાહિત્ય જ જોવા મળતું. મારે તો આપણા વિદ્વાન સાહિત્યકારો જેવાકે પ્રિયકાન્ત પરીખ, ગુણવંત શાહ, વર્ષા અડાલજા, સુરેશ દલાલ, રઘુવીર ચૌધરી, તારક મહેતા (કેટલાં નામ ગણાવું? જેટલા લખું એટલા ઓછાં પડે) એ બધાનાં લેખો યુવાનો સુધી પહોંચાડવા હતા. જે સાહિત્ય પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે તેનાં કોપીરાઈટનો ભંગ કર્યા વગર દરેક પુસ્તકમાંથી એક લેખ (લેખકના નામ સાથે) લઈને અને યુવાનો એ પુસ્તક ખરીદવા પ્રેરાય અને પુસ્તકનું વેચાણ અને વાંચન – બંને વધે એ હેતુથી એક-એક લેખ ઈન્ટરનેટ પર મૂકવો એવું વિચારીને અંતે એક વેબસાઈટ બનાવવી એવું નક્કી કર્યું. આ વેબસાઈટનું નામ મેં http://www.readgujarati.com એવું રાખ્યું.

સંપૂર્ણ સાઈટને ગુજરાતીમાં બનાવવાની હતી એટલે શરૂઆતના તબક્કાઓમાં ખૂબ મુશ્કેલીઓ પડી. ઈન્ટરનેટ પર ગુજરાતી અક્ષરોમાં લખવું કેવી રીતે? એ માટે જો કોઈ સૉફટવેરનો ઉપયોગ કરીએ તો તે વળી, વાચક પાસે પણ તે હોવું જોઈએને? આવા તો અનેક પ્રશ્નો ઊભા થયા. પરંતુ છેવટે તારીખ 9મી જુલાઈ, 2005 ના રોજ મેં યાહોમ કરીને એકવાર જેવું આવડ્યું એ રીતે રીડગુજરાતી.કોમને ઑન એર મૂકી દીધી. એ વખતે સાઈટ પર ફક્ત 8 થી 10 ગુજરાતી લેખો હતા. વળી, સાઈટમાં ઘણી ખામીઓ હતી. ટાઈપ કરવાનું સરળ નહોતું. તેને અનેક સૉફટવેરની રૂપાંતરિત કરવું પડતું, તે પછી તેને ઓનલાઈન મૂકી શકાતું. બે લેખ મૂકવા માટે આખો દિવસ મહેનત કરવી પડતી. એ દિવસોમાં એક તરફ પ્રોગ્રામિંગ કરવું પડતું, બીજી બાજુ રચનાત્મક રીતે સાઈટની ડીઝાઈન બનાવવાનું વિચારવું પડતું અને સાથે-સાથે વળી ગુજરાતી ટાઈપીંગ તો સતત ચાલુ રાખવું પડતું. આ અટપટા અને અઘરા કામ માટે કોણ મદદે આવે? પ્રોગ્રામિંગના કોઈ જાણકારને હું મળું તો તેને ગુજરાતી ટાઈપીંગની ખબર ન હોય, ગુજરાતી ટાઈપીસ્ટને શોધી લાવું તો તેને પ્રોગ્રામિંગનો કોઈ જ ખ્યાલ ન હોય. અંતે મારે એક સાથે બધા રોલ ભજવવાનો વારો આવ્યો !

શરૂઆતમાં આવી વેબસાઈટ બનાવ્યા પછી થોડાઘણા મિત્રોને, વિદ્યાર્થીઓને અને વિદેશમાં વસતા અમુક પરિચિતોને ઈ-મેઈલ કર્યાં. તેમને આ સાઈટના હેતુ વિશે માહિતી આપી. આમ કરતાં શરૂઆતના પંદર દિવસમાં લગભગ 100 લોકોએ સાઈટ જોઈ. મને જે 10 થી 12 ઈ-મેઈલ મળ્યા તે લગભગ બધા યુવાનો તરફથી હતા. જ્યારે મને 100 જેટલા વાચકોનો આંકડો દેખાયો ત્યારે મારું મન ખુશીથી ઝૂમી ઊઠયું અને મને લાગ્યું કે આ માધ્યમ યુવાનો સુધી પહોંચવા માટે એકદમ બરાબર અને યોગ્ય છે. એ પછી દેશ-વિદેશમાંથી બધા યુવાનોના, પ્રોગ્રામરોના અને વાચકોના સૂચનો મળતા ગયા અને વેબસાઈટ સતત એ રીતે અપડેટ થતી રહી. અમેરિકાના મિશિગન વિસ્તારમાં રહેતા એક વાચક શ્રી ધર્મેશભાઈએ યુનિકોડ (એક પ્રકારના ગુજરાતી અક્ષરો કે જે કોઈપણ પ્રકારના કૉમ્પ્યુટરો પર જોઈ શકાય) નું સૂચન કર્યું અને એ પછી મોટા-લાંબા લેખો સાઈટ પર મૂકવાનું વધારે સુગમ બન્યું.

અત્યારે રીડગુજરાતી.કોમ પર 300 થીયે વધારે લેખો છે અને તેના 38,000 થી વધુ વાચકો છે. આ સાથે યુનિકોડ આધારીત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. સાહિત્યના લેખો, કાવ્યો, જૉકસ, અજમાવી જુઓ, કાર્ટુન, વાનગીઓ, બાળવાર્તાઓ, સુવાક્યો એવા કુલ 11 જુદા જુદા વિભાગો છે. વાચકો તેમાં પોતાને મનગમતો લેખ શોધી શકે છે. લેખ વાંચી ને લેખની નીચે આપેલા ‘કૉમેન્ટ વિભાગ’ માં પોતાને આ લેખ કેવો લાગ્યો તેનો અભિપ્રાય જણાવી શકે છે. (છે કોઈ આટલું બીજું સબળ માધ્યમ જેનાથી લેખક અને વાચકનો સીધો સંપર્ક થઈ શકે?) વિશ્વના ખૂણામાં રહેલો ગુજરાતી વાચક પણ તેમને કયા પ્રકારનું વાંચન ગમે છે અને કેવા પુસ્તકોની તેમને જરૂર છે તે સાઈટ પર ના ‘ફીડબૅક’ વિભાગમાં જઈને મને જણાવી શકે છે. પોતાના મિત્રોને આ વેબસાઈટ વિશે જણાવવા ‘ટૅલ અ ફ્રેન્ડ’ નામના વિભાગમાં જઈ શકે છે. માત્ર આટલું જ નહિ, વાચક પોતાની કૃતિ ઈ-મેઈલ કે પોસ્ટથી મને મોકલી શકે છે જેને રીડગુજરાતી સમગ્ર વિશ્વના વાચકો સમક્ષ રજૂ કરે છે. આજે રીડગુજરાતી વિશ્વના લગભગ દરેક દેશ જેવાકે સાઉદી અરેબીયા, ઈંગલેન્ડ, લંડન, તુર્કી, ઓમાન, પાકિસ્તાન, લંડન, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, રશિયા, અનેક અનેક દેશોમાં જોવાઈ રહ્યું છે. જ્યારે કોઈ લેખ રીડગુજરાતી પર મુકાય છે ત્યારે તેના ચોવીસ કલાકમાં જ કેટકેટલીયે ‘કૉમેન્ટસ’ અને ‘ઈ-મેઈલ’ મને મળે છે. વાચકો આ સાઈટ સાથે સ્નેહના તંતુથી જોડાયેલા છે અને એમ કરવામાં હું નિમિત્ત બન્યો છું એનો મને આનંદ છે.

રીડગુજરાતી.કોમ ના તંત્રી તરીકે મારું કામ એક ભમરા જેવું છે, એમ હું માનું છું. આપણા ગુજરાતી સાહિત્યરૂપી બગીચામાં ઘણા બધા લેખકોએ સરસ મજાના ફુલ જેવા લેખો લખીને સમાજમાં સુવાસ ફેલાવી છે. હું આ દરેક ફુલને જોઉં છું, તેની સુવાસ માણું છું અને તેમાં રહેલા મધ ને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. ભમરો ફુલમાંથી કંઈક લે તો ફુલમાંથી કંઈ ઓછું થઈ જતું નથી, એવી જ રીતે, હું કોઈ સારા પુસ્તકમાંથી કોઈ સારો લેખ સમાજને ઉપયોગી થાય તે માટે લઉં તો, મને લાગે છે ત્યાં સુધી મારા ગુજરાતી લેખકોને કંઈ ઓછું થયાનો અનુભવ તો નહીં જ થાય. એમાં બધા લેખકો સહકાર આપશે એવો મને આત્મવિશ્વાસ છે. બીજાનાં લેખો તફડાવીને, ભાષાંતરિત કરીને, પોતાના નામે ચઢાવવાનો એવો મારો કોઈ ઉદ્દેશ નથી. જે જેના નામે છે, તે તેના નામ સાથે જ વેબસાઈટ પર મૂકયું છે.

અંતમાં, મારે તો બસ એટલું જ કહેવાનું કે (હું અતિશયોકિત નથી કરતો પરંતુ મને લાગે છે કે) રીડગુજરાતી અને તે પ્રકારની અનેક ગુજરાતી વેબસાઈટો એ ગુજરાતી સાહિત્યનો એક નવો જન્મ છે, એક નવો પ્રવાહ છે. આપણે સહુ કોઈએ આ નવા પ્રવાહનું સ્વાગત કરવું રહ્યું. નવનીત સમર્પણના સહુ વાચકોને નમ્ર વિનંતી કે આપ પણ http://www.readgujarati.com જુઓ અને મને આપના પ્રતિભાવો મારા આ ઈ-મેઈલ સરનામે લખીને મોકલો. shah_mrugesh@yahoo.com લિ. મૃગેશ શાહ (તંત્રી) ]

Advertisements

22 responses to “રીડગુજરાતી : નવનીત સમર્પણે લીધી નોંધ

 1. અમિત પિસાવાડિયા ( ઉપલેટા)

  ‘નવનીત-સમર્પણ’ મે-2006 ના અંકમાં રીડગુજરાતી વેબસાઈટનો પરિચય લેખ પ્રકાશિત થયો છે. વાંચી ખુબ આનંદ થયો. નવનીત-સમર્પણ ના સંપાદક શ્રી નો ખુબ ખુબ આભાર .
  મૃગેશભાઇ , ગુજરાતી ભાષા ની સેવા નો તમારો આ એક ઉમદા પ્રયાસ છે.
  આજ ના ઝડપી યુગ માં કોઇ ને નીરાંતે બેસી ને ગુજરાતી સાહિત્ય વાંચન અને વાંચન બાદ તેમાં થી મળતા વિચારો નુ આદાન પ્રદાન માટે સમય નથી રહેતો. ઇન્ટરનેટ એ એક એવુ માધ્યમ છે જેને દેશ વિદેશ ના સીમાડા નથી નડતા અને આ માધ્યમ નો ઉપયોગ યુવા વ્યક્તિ વધુ કરે છે. અને આજે રોજેરોજ ઇન્ટરનેટ નો ઉપયોગ વધતો જાય છે.
  મૃગેશભાઇ એ ગમતી વસ્તુ ગુંજે નથી મૂકી ,, તમણે તો ખરી રીતે ગમતાં નો ગુલાલ કર્યો છે !! .. ખુબ ખુબ અભિનંદન ,,
  અમિત પિસાવાડિયા ના જય શ્રી કૃષ્ણ.

 2. Congratulations Mrugesh Bhai!!
  I am very happy to know the progress of readgujarati.com. It’s been spreading around and everyone is getting to know the value of our our mother-tounge language “Gujarati”.
  I am very lucky and also others as well, that we all have this advantage of keep in touch with Gujarati Language.
  Thanks again and I pray for this new dicovery of yours. I am sure it will be last longer.

  Thank You Very Much.

  – New Jersy, USA

 3. હિંન્દી ભાષામાં ઑનલાઇન વેબઝિન જોતી, વાંચતી .. ને મન વિચારતું.. આપણું ગુજરાતી સાહિત્ય આટલું સમૃધ્ધ ને વિશાળ છે તો આ રીતે આપણું પણ સાહિત્ય ઑનલાઇન વેબઝિનનું રૂપ પામે તો કેટલું સરસ… મનમાં એક કાર્યનું બીજ રોપાયું.. ને નજીકના ભવિષ્યમાં આ માટે કંઇક કરવાનું નક્કિ કર્યું ત્યાંતો મારા સ્વપ્નને સાકાર જોઇ આનંદની અવધિ ન રહી..આજના કૉમ્પ્યુટરના યુગમાં, ચિંરજીવ મૃગેશ શાહ ની http://www.readgujarati.com આપણાં સાહિત્ય જગતને એક અમુલ્ય ભેટ છે. મૃગેશની મહેનત પ્રગતિનાં સોપાન ચઢતી જાય એજ પ્રાર્થના.
  – મીના છેડા [ મુંબઇ ]

 4. I have studied till PG in gujarat only, but then moved to mumbai. What i have observed is that there are lot many young people here(in Mumbai) who read in train travelling 2-3 hrs daily to and fro. Though it may be very small amount(compare to USA/UK) it is there and much bigger amount then our baroda/ahmd’s young crowd. Even i too was not very much inclined to reading a lot earlier. But after moving here i have become voracious reader and i read english and gujarati both. What i have observed, People are not habituated to reading. I will say, english medium schools have really done well to train their students read english literature at school level. I dont know any gujarati school has made it compulsory to read gujarati novel. We only read that much which is required to pass our exam in school and not beyond that. If we need young people to read gujarati material we need to mould them at school level only.

  Also, we really lack substential material in gujarati. Very frankly the amount of depth i found in english literature is much more then our gujarati novels, may be a lot ppl contribute to that and very less number of people to gujarati. but then that should not be an excuse, look at marathi/bengali literature.

  Also, i would like if people can suggest good (guj/eng)books on this site. Rather we can start a page where we can rate books, we can take reader’s input and then show the percentage on the site. Frankly speakign althogh i have studied in guj medium i have read/know more eng books then guj, it’s sad but true.

 5. હેતલકુમાર ભટ્ટ

  શ્રી મૃગેશભાઈ,
  રીડગુજરાતી.કોમ વિશે નવનીત સમર્પણ મેગેઝિનમાં આવેલ લેખ ગુજરાતી વાચકોની સાહિત્ય ભૂખ સંતોષવામાં ખૂબ અગત્યનો ફાળો ભજવશે તે નક્કી જ છે.

  આ સાઈટના સૌ વાચકોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ આપના પરિચિતોને આ સાઈટથી માહિતગાર કરો તથા આપણે સૌ આપણા દરેક ઈ-મેઈલ સંદેશમાં નીચે રીડગુજરાતી વીઝીટ કરવાની વિનંતી કરતી લાઈન મુકીએ જેથી આપણે સૌ આપણી માતૃભાષાની સેવામા શ્રી મૃગેશભાઈને યથાયોગ્ય સહયોગ આપી શકીએ.

  ખૂબ ઝડપથી વાચકોનો આંક 38000 થી 50000 પર પહોંચે તેવી શુભેચ્છા સહ

  હેતલકુમાર ભટ્ટ
  તંત્રી – બાજ સમાચાર …ઈ-પત્રિકા
  ઈ-મેઈલ : hbbhatt@gmail.com
  મોબાઈલ : 09327020396

 6. Dear Mrugesh,

  The step you have taken in the Internet world to reach Gujarati people and make them aware about the Gujarati literature is really awesome.

  I would always pray for its long lasting time and I would like to see readgujarati.com as an online library (Sahitya Bhandar) with full of Gujarati articles.

  I suggest you to create a portion of the website where one can find literatures with author name or title. Also you can create index or list of articles which makes people comfortable to find their interests.

  Appreciations will always come from every corner of the world since you have done a great job.

  – Prerak V. Shah
  Pune, Maharashtra

 7. Thanks to Nabneet for publish story of readgujarati.com on its popular magazine.Realy a Mrugeshbhia done a very revolutionary work for gujarati peoples.i never forget his approch an keen interest towards give somthing good to sociey with free of cost.i also surprised that they deliver site with free of cost.

  Wish you all the best for more progress of readgujarati.com .

  Nitin Patel

 8. મ્રુગેશભાઈ તમે એક મિશન ની શરુઆત કરી છે.આવા મિશન નુ ફળ સમાજ ને થોડા વર્ષો પછી મળશે.મેકોલો એ ભારત માં અંગ્રેજી શિક્ષણ ની શરુઆત કરી એની પાછળ નો ઉદેશ એવા માણસો તૈયાર કરવાનો હતો કે જે માનસિક રીતે અંગ્રેજો ના ગુલામ હોય.મેકોલો નો આ ઉદેશ કમસેકમ મોટા ભાગના ગુજરાતી યુવકો માં સફળ થયેલો દેખાય છે.તાજુ ઉદાહરણ આપુ તો વાંચકો પોતાના પ્રતિભાવ પણ અંગ્રેજી માં લખે છે.હુ પણ ૨૩ વર્ષ નો યુવક છુ પણ ગુજરાતી માં લખવાનો આગ્રહ રાખુ છુ.તમે કરેલા ઉમદા કાર્ય માટે કોઇ ઉપમા ના આપી શકાય તમે કરેલુ કાર્ય જ એક ઉપમા બરોબર કહી શકાય.જય જય ગરવી ગુજરાત.

 9. It is good that you and your efforts are recognised by ‘NAVNEET’ magazine. Mrugeshbhai, I, the reader of ‘www.readgujarati.com’, am very proud of your all your efforts.

 10. આ સમાચાર વાંચીને ઘણો જ આનંદ થયો. નવનીત / સમર્પણ માટે મને હંમેશાં અહોભાવ રહ્યો છે. ભારતમાં હતો ત્યારે અચૂક વાંચતો. આ કક્ષાના સામાયિકે રીડગુજરાતીના તંત્રીનો લેખ છાપ્યો તેનાથી વધારે સારું પ્રમાણપત્ર શું હોઇ શકે?
  આ સાચી દિશાની શરૂઆત છે. એકવીસમી સદીમાં આપણી મા સમી ગુજરાતીને જીવંત રાખવી હોય તો આ દિશામાં આગળ વધવાથી ચોક્કસ ફાયદો થશે.
  – આર્લીંગ્ટન – ટેક્ષાસ – યુ.એસ.એ

 11. Mrugesh,

  Congratulations on such a nice article about you & your site in Navnit/Samarpan. Aamirkhan/ Narmada bandh cartoon is receiving so many compliments.

  Mahendra.

 12. Mrugeshbhai,
  Congratulations!!!

 13. Mrugeshbhai,
  Khubkhub Abhinandan.

 14. Mrugeshbhai

  Readgujarati hun niymit vanchu chhu ane sara lekho ni nkal pan sachvu chhu ke jethi mitroma teno email dvara prachar thay..

  Amne sara lekho haji vadhare Aapo ane tmaru mission safal thav tevi shubh kamana..

  tame saru ane sachu kam karo chho ke jenathi garvi gujarat sathena sabandho jivant rahechhe. Unicode shikhvama mada karsho?

  Vijay Shah
  Houston TX

 15. Congratulations Mrugesh,

  It is indeed a good news that NAVNEET SAMARPAN has taken a note of U and OUR “READGUJARATI.COM”. We are proud of u.

  We can realise the efforts your have put in all the terms to design / create and publish this site. It is indeed a RIGHT and PERFECT direction. We are sure this will help a lot to devlope interest in all the GUJARATIs of any age – residing anywhere, towards OUR mother-tounge GUJARATI.

  We are ready to help u at all the time – in all the way – whenever – wherever – in whatever form u need. Now it is not just U – ALL the readers are their with u.

  JAI JAI GARVI GUJARAT..

  Ajay Patel
  Hyderabad

 16. It is a great news and a feeling to know that Nation Level magazine had taken a note of our site and it is really a wonderful achievement on your side.

  I am very addicted to reading, whether it is Gujarati or English or any other language I understand. However, the feeling of reading a mother tongue has a bondless joy and indescribable meaning to it. When I first found this site, I was as happy as someone finds a mine of gold. .This site keeps me CLOSEST to India and Gujarat even though I miles n miles away from it. To read this site everyday have become a part my daily schedule. It has become a BIG Chapter of my life that if I were to write an auto-biography, the site’s reference would be same as discussion of me.

  Thanks a Lot to Mrugeshbhai !
  Wish wholeheartedly that you find your life partner soon who would join you with this fabulous work of yours…. :-

  Janki ( NJ USA)

 17. પ્રિય મૃગેશભાઈ,

  લયસ્તરો પર અમે આપની સિદ્ધિ વિશે નાનકડી નોંધ લીધી છે.

  અભિનંદન.
  http://dhavalshah.com/layastaro/2006/05/blog-post_04.html

  -વિવેક

 18. Congratulations. It is indeed true that many Gujarati people want to read about Gujarati books, articles but time and availability is the important factor. There is no authentic source to know about various books. Internet is certainly a strong medium where one can post and see the views of others. Read Gujarati is in right direction. Kindly keep up the flame of Gujarati everywhere.

  Raval Hemshanker

 19. મૃગેશભાઈ
  આપને મારા હાર્દિક અભિનંદન . આપ ખૂબજ પ્રગતિ કરો એવી મારી શુભેચ્છાઓ આપની સાથે છે.
  નીલા

 20. Mrugeshbhai,

  Tame vavelu bij vatvruksh bane tevi shubhechchha.

  Jayesh- New York.

 21. Mrugesh bhai,
  read ur article and wasnt able to stop myself from giving a comment.
  right now i m in australia, and doin my PG.my daily schedule is very hectic.but still i find time to read books, majoriity of them is when i m travellin to/from my work or uni.still i am able to satisfy my hunger for books just bcoz here we do have plenty of public libraries,atleast one in each sub-urbe.
  when i was in india, it was too difficult to find a public library and the most imp thing, no one was there to guide about Gujarati Sahitya. other thing is, gujarati parents are turning their faces away from this language, sending their children to English medium schools. i am not against it, it’s good as english is used at most of the places. but the thing is parents never encourage thier children to develop a kindda relationship wid books,and espesially gujarati ones.
  here in australia, every time i go to library,it’s full of childrens. every time they are lookin for the books.and on weekends, their parents accompany them, showing them the works of well known authors.also library arranges seminars and programs to guide ppl about what to read.u just tell ur interests and they’ll suggest u plenty good books/authors related to that..and i think this is the best thing as i have got their guidence everytime as i am preety NEW GUY to English literature…i have missed most of these thing when i was a member at library in vadodara…

  any way thanks to u as u r providing me something thatz most imp to me,and that too in Gujarati..
  also regularly i peek thro’ the other gujarati links that u have provided here..
  thanx once again.

 22. મૃગેશભાઈ, ગુજરાતીભાષાની જેટલી સેવા તમે કરી રહ્યાં છો તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આપણી લાડલી ભાષાનાં દિન-પ્રતિદિન થઈ રહેલાં લોપ સમક્ષ હું પણ અસંતોષ અનુભવતો હતો અને કાંઈ કરી છુટવું એવાં વિચારો સેવતો. તમે આ સાઈટ વહેતી કરીને જાણે મારાં મનનો બોજ હળવો કરી નાખ્યો. સાઈટ ઉપર નિયમીત આવીશ એમ કહેવા કરતાં ‘આવવું પડશે’ એમ કહેવું વધારે ઊચિત રહેશે અને પ્રચાર કરતો રહીશ.
  કામયોગી, ફ્રાંસ