સસલાએ હાથી ભગાવ્યાં – પંચતંત્ર

[રીડગુજરાતીને આવી પંચતંત્રની સુંદર વાર્તા ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી દિલીપભાઈ ખત્રીનો (માંડલ) થી ખૂબ ખૂબ આભાર. ]

એક વખત આખા શહેરમાં દુકાળ પડ્યો. દુકાળ પડવાથી નદી-નાળા,સરોવર અને તળાવો સૂકાઇ ગયાં. ચારેકોર પાણીની અછત ઊભી થઈ ગઈ. આખા શહેરમાં હાહાકાર મચી ગયો. મનુષ્યો, પશુ-પક્ષી, જાનવરો બધા પાણી વગર તરસે મરવા લાગ્યાં.

આવા કપરા સમયે જંગલમાં રહેતા હાથીઓના ટોળાને પાણીની અછત થવા લાગી. તેઓ જે જગ્યાએ રહેતા હતા ત્યાંના તળાવોમાં પણ પાણી ખલાસ થઈ ગયું હતું. હાથીઓ પાણી વગર વ્યાકુળ થઈ ગયા. તેઓ ભેગા થઈ પોતાના રાજા પાસે ગયા અને કહ્યું- " મહારાજ ! આ જંગલમાં પાણી ખલાસ થઈ ગયુ છે. તળાવો સુકાઈ ગયા છે. પાણી વગર અમારા બચ્ચાંઓ હેરાન થઈ ગયા છે. જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બધા જ હાથીઓ પાણી વગર તરસ્યા મરી જશૅ. માટે મહારાજ! તમે પાણીની સમસ્યા હલ કરવા માટે કંઈક ઉપાય કરો."

"ભાઈઓ ! તમારી વાત વ્યાજબી છે. પાણી વગર તરસ્યા મરવું એના કરતાં તો આપણે પાણીની શોધ કરવા માટે નીકળવું જોઈએ." હાથીઓના રાજાએ કહ્યું.

રાજાની વાત સાંભળી બધા જ હાથીઓ પાણીની શોધ કરવા માટે બીજા જંગલની તરફ ચાલી નીકળ્યા. ચાલતાં-ચાલતાં તેઓ એક જંગલમાં આવી ગયા. તેમણે આ જંગલમાં પાણીથી ભરેલું સરોવર જોયું. પાણી જોઈ હાથીઓ ખુશ થઈ ગયા. બધા જ હાથીઓ પાણીમાં કૂદી પડ્યા અને ધરાઈને પાણી પીધું. પાણી પી ને તેઓ તોફાને ચઢી ગયા. સૂંઢમાં પાણી ભરી-ભરીને ઊડાવવા લાગ્યા. આખો દિવસ તેઓ પાણીમાં તોફાન-મસ્તી કરતા રહ્યા.

આ સરોવરની પાસે જ સસલાઓનું ટોળું રહેતું હતું. તેઓ હાથીઓને જોઈને ગભરાઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ હાથીઓ પાણીને ગંદુ કરી નાખશે અને અમને પણ અહી શાંતિથી રહેવા દેશે નહીં. સસલો સભા ભરી વિચાર કરવા માંડ્યા કે આ હાથીઓને અહીંથી ભગાડવા કેવી રીતે? નાનકડા સસલાઓ હાથીઓનો સામનો તો કેવી રીતે કરી શકે! તેઓ હાથીઓને ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા.

આ સસલાઓમાં એક ખૂબ જ હોંશિયાર અને અનુભવી સસલો પણ હતો. તેણે ઉભા થઈ ને કહ્યું- " ભાઈઓ! તમે ચિંતા ના કરો. આવતી કાલે સવારે હું આ હાથીઓ સાથે ફેંસલો કરી લઈશ." બધા સસલાઓ તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ નાનકડો સસલો પહાડ જેવા હાથીઓ સાથે કેવી રીતે ફેંસલો કરશે? પરંતુ આ સસલાને પોતાની બુધ્ધિ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. સવાર થતાં જ તે હિંમત રાખી, ધીરજ રાખી પૂરા વિશ્વાસ સાથે હાથીઓના રાજા પાસે ગયો. સસલાને જોઈ રાજાએ ગુસ્સાથી પૂછયું.
"તમે કોણ છો? અને શા માટે અહીં આવ્યા છો?"
"હું સસલો છું, ભગવાન ચંદ્રદેવનો દૂત. એમના કહેવાથી હું તમારી પાસે આવ્યો છું" સસલાએ નીડરતાથી જવાબ આપ્યો.
"શા માટે મોકલ્યો છે ? અમારું શું કામ છે ?"
"ભગવાન ચંદ્રદેવનું કહેવું છે કે તમે લોકોએ ખૂબ જ મોટું પાપ કર્યુ છે. જે સરોવરમાંથી તમે લોકો પાણી પીવો છો, તેમજ તેમાં સ્નાન કરીને તેને ગંદુ બનાવો છો, તેમાં ભગવાન ચંદ્રદેવ રહે છે. તમે ભગવાનના ઘરનો નાશ કરી રહ્યાં છો. ભગવાન ચંદ્રદેવ તમારા બધાનો સર્વનાશ કરી નાખશે."
"અમે તો ભગવાનને ત્યાં જોયા નથી." હાથીઓના રાજાએ ડરી જઈને કહ્યું.
"હું આજે રાતે તમારી મુલાકાત ભગવાન ચંદ્રદેવ સાથે કરાવી આપીશ. તમે બધા સરોવર પાસે આવી જજો." આટલું કહી સસલો ત્યાંથી પાછો આવતો રહ્યો.

રાત્રે બધા જ હાથીઓ સરોવર કિનારે ભેગા થયા. પૂનમની રાત હતી. આખો ચંદ્ર સરોવરના પાણીમા દેખાઈ રહ્યો હતો. સસલાએ હાથીઓના રાજાને સરોવરના કિનારે બોલવ્યો અને પાણીમાં ચંદ્રનો પડછાયો બતાવતાં કહ્યું- " જુઓ મહારાજ ! ભગવાન ચંદ્ર સરોવરના પાણીમા બિરાજમાન છે. હું હમણાં એમની સાથે તમારા અંગેની વાત કરું છું." આટલું બોલી ચાલાક સસલાએ બોલવા માંડ્યું-" હે ભગવાન ચંદ્રદેવ, હાથીઓના રાજા તમારી સમક્ષ પોતાના સાથીઓ સાથે તમારી શરણમાં આવ્યા છે. તેમનાથી આ પાપ ભૂલમાં થઈ ગયું છે. તેઓ તમારી ક્ષમા માંગે છે. તમે તો દયાળું છો. માટે તેમનો વિનાશ કરશો નહીં. તેમને માફી આપી દો, ક્ષમા કરો. મહારાજ !" સસલો એવી રીતે બોલતો હતો કે હાથીઓ તેની વાત સાચી માની ગયા.

" હા…હા… મહારાજ ! હું એમની તરફથી જ બોલું છું. શું કહ્યું?.. હાથીઓ જ તમારી માફી માંગે?.." ચાલાક સસલો પોતાની તરફથી જ બધું બોલતો હતો.

હાથીઓ તેની વાત સાંભળી કે તરત જ તેઓ સરોવરના કિનારે આવીને પોતાના માથા નમાવીને ઊભા થઈ ગયા અને માફી માંગવા લાગ્યા. થોડીવાર પછી બધા હાથીઓએ પ્રતિજ્ઞા કરી કે તેઓ હવે પછી બીજી વખતે આ સરોવર પાસે આવશે નહીં. આટલું બોલી હાથીઓનું ટોળું આ જંગલ છોડીને ત્યાંથી બીજે જતું રહ્યું.

સસલાની ચતુરાઈથી હાથીઓ ત્યાંથી ભાગી ગયા. બધા સસલાઓ ખુશ થઈ ગયા. એમના માથા પર આવેલી આફત ટળી ગઈ.

શિખામણ – આ વાર્તા પરથી એટલો બોધ લેવો જોઈએ કે, ધીરજથી અને બુદ્ધિથી કામ લેવાથી આવેલી મોટી આફત પણ ટાળી શકાય છે.

(પંચતંત્ર – આજથી ૨૫૦૦ વર્ષ પહેલા રચાયેલ આ સાહિત્ય બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપે છે. પ્રાચીન કાળથી આ વાર્તા-સંગ્રહના અનેક ભાષામાં અનુવાદ થયેલ છે. આ વાર્તાઓ જીવનબોધ, અનુભવ અને ડહાપણ આપે છે.)

Advertisements

2 responses to “સસલાએ હાથી ભગાવ્યાં – પંચતંત્ર

  1. Baal vartao vanchavano aanadj kai aur chhe. emaa panchatandrani varta vaanchavaano aanad anero chhe.

    Neela

  2. Baal vartao vanchavano aanadj kai aur chhe.

    majha to aavej ne {{{read gujarati}}} anero aanand ave…

    jay shri krishan….

    Ketan…b…vaghela