સંબંધોનું રસાયણશાસ્ત્ર – ડૉ. ભારતી રાણે

બે વરસ પહેલાં એક વિચિત્ર પ્રસંગ બન્યો : એક મિત્રે દોઢ મહિનાનું ડોબરમૅન ગલૂડિયું ભૅટ આપ્યું. શ્વાનપાલનનો કોઈ શોખ પણ નહીં અને અનુભવ પણ નહીં, એટલે વિનમ્રતાથી એને સ્વીકારવાની અશક્તિ દર્શાવી; પણ મિત્રના અતિઆગ્રહ અને બાળકોની જીદ સામે નમતું જોખવું પડ્યું. એક એવી જિજ્ઞાસા તો ખરી કે દુનિયામાં લાખો લોકો કેમ કૂતરાં પાળતાં હશે ? થયું કે કૂતરો બહુ વફાદાર પ્રાણી છે, એની દોસ્તીમાં ખૂબ મજા પડે. એવું લાખો લોકો માને છે તો ચાલો આપણેય અનુભવ કરી જોઈએ !

પછી તો અમે સૌ એ માસુમ પ્રાણીના પ્રેમમાં પડી ગયાં. એને નિયમિત ખવડાવવું, ડરી જાય તો ખોળામાં લઈ સલામતીનો વિશ્વાસ આપવો, ટાઢ-તડકાથી એનું રક્ષણ કરવું, માંદુ પડે ત્યારે એને દવા-ઈંજેકશન આપવાં, બાટલા ચડાવવા, આવું બધું પ્રેમપૂર્વક કરવામાં અમને સૌને આનંદ આવતો. સાંજે ઘરે આવીએ ત્યારે એ મૂંગું પ્રાણી સતત અમારી રાહ જોતું, પ્રેમથી આવકારતું ઊભું જ હોય ! કામ પતે કે તરત અમે તેને મળવા આતુર બની જતાં.

ડૉબરમૅન મૂળ જર્મનીનો, અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતો, કદાવર અને સશક્ત કૂતરો હોય છે. કાળી મખમલ જેવી ચમકતી ચામડી, મોં પર સોનેરી ટપકાં ધરાવતો અને પૂંછડી કાપેલો આ કૂતરો અત્યંત વફાદાર રખેવાળ તરીકે પ્રખ્યાત છે. કાચાપોચા માણસો તો એને જોઈને જ છળી ઊઠે એવો ભયજનક એનો પ્રભાવ.

અચાનક એવું કંઈક બની ગયું કે મારા એની સાથેના સબંધનાં સમીકરણો બદલાઈ ગયાં. એ જ મિત્રને ત્યાં કૂતરીને નાનાં બચ્ચાં થયાં, એમાનું એક અમે થોડા દિવસો માટે રમાડવા ઘરે લઈ આવ્યાં. અમારા સૌના સતત ધ્યાનનું કેન્દ્ર પેલા મોટા કૂતરાના મિજાજનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. અમને તો એમ કે પેલી નાની કૂતરી એની દોસ્ત બની જશે, પણ પરિણામ ઊંધું આવ્યું. અધૂરામાં પૂરું એ નાની કૂતરી પહેલી વાર એણે જોઈ, ત્યારે મારા હાથમાં હતી, એટલે એને એમ જ થયું કે મેં એનો વિશ્વાસઘાત કર્યો છે. રોજ એ મને સૂંઘે, પેલી કૂતરીની વાસ મારામાં પારખે એટલે ઉશ્કેરાઈને મારા ઉપર હુમલો કરે. પહેલીવાર, બીજી વાર અને ત્રીજી વાર હુમલા થયા. પેલી કૂતરીને તો ભૂલ અને જોખમ સમજીને ક્યારનાય પાછી મૂકી આવ્યાં, પણ હૂમલા તો ચાલૂ જ રહ્યાં. જ્યારે જ્યારે એ મારા પર ક્રોધથી ભસે કે કરડવા દોડે, ત્યારે મારી આંખમાં પાણી આવી જાય. થાય કે મારો પ્રેમ એને કેમ કરી સમજાવું ? હવે બધી પ્રવૃત્તિઓ નિયમિત થાય તો ખરી, પણ એને ચેનથી બાંધી, દૂર રાખીને. જોખમ ન લઈ શકાય, એટલે પ્રેમ ડરતાં-ડરતાં જ વ્યક્ત કરવાનો ! ઘણીવાર એ વેરઝેર ભૂલી જાય, જૂની આદત મુજબ બાજુમાં બેસી જઈ પંપાળવા ઈશારો કરે, પણ એના પર પ્રેમથી હાથ ફેરવતી હોઉં ને કાંઈક થઈ આવે ને એ હુમલો કરી બેસે; એટલે સતત બહુ જ સાવચેત રહેવું પડે. ક્યારેક ડર લાગે, તો ક્યારેક ગુસ્સો આવે. થાય કે એક વાર બેસી જ રહું, મારી નાખવી હોય તો મારી નાખે ! જોઉં તો ખરી આ વફાદાર પ્રાણી શું કરી લે છે ? પણ ઘરમાં સૌને ચિંતા, એટલે આવું કાંઈ કરવા ન દે.

મેં ન હારવાનો નિર્ણય કર્યો છે. એને પાછો આપી દેવાની દરખાસ્ત પણ નકારી કાઢી છે, પણ એક વાત ચોક્કસ છે કે અમારી વચ્ચેનો સેતુ તૂટી ગયો છે. અમારી બધી પ્રવૃત્તિ બંને પક્ષે ગણતરીપૂર્વકની, શંકા, ડર અને સાવચેતીસભર; એમાંથી સહજતાનો લોપ થતો ચાલ્યો છે. ખોટો અવિશ્વાસ કે ખોટી શંકાનો કીડો સંબંધોને આટલી હદે ખોતરી કાઢે, એ કલ્પનાતીત હતું. જરા વિચારું છું તો થાય છે કે માનવીય સંબંધો માટે પણ આ કેટલું સાચું છે ! પહેલાં તો સવારે એને ભાવતી વસ્તુઓ ત્રણ-ચાર વાસણમાં અગાસીમાં લઈ આવું ને નાના બાળકની જેમ એ નખરાં કરતું-કરતું ખાતું જાય, ત્યારે દુનિયાભરની ચિંતાઓની વણજાર પોટલાં બાંધી મારા આંગણેથી પાછી વળી જતી. છાપરેથી રાહ જોઈને બેઠેલી દસ-બાર ચકલીઓ ચણવા અગાસીમાં ઊતરી આવે, સાથે રોબિન નામનું એક બુલબુલ યુગલ પણ આવે, ને ત્રણ-ચાર કાબરો પણ ખરી ! કૂતરાથી થોડે દૂર એમને નાખેલો ભાગ બધાં નિર્ભય રીતે ચણ્યાં કરે. ગમે તેટલું કામ હોય, ઘરે ગમે તેટલા મહેમાન હોય, સવારનો આ અડધો કલાક તો આ દોસ્તો સાથે જ ગાળવો ગમે.

અને હવે હું ખાવાનું પાત્ર લઈને અગાસીમાં આવું ને એનું તિરસ્કાર અને ક્રૂરતાભર્યું ભસવાનું ચાલુ થઈ જાય અને જો છૂટી જાય તો, ચોક્કસ ફાડી ખાય એવું વિકરાળ એનું મોં થઈ જાય. એક માસૂમ બાળકમાંથી સમયાન્તરે નામચીન ગુંડો બની જતો હશે, ત્યારે એની માતાને પોતાના માસૂમ બાળકમાંથી શેતાનમાં થતા પરિવર્તનની સાક્ષી બનતાં કેટલું દુ:ખ થતું હશે ! એ હું અનુભવી શકું છું તો ક્યારેક શંકાથી કે વિશ્વાસઘાતની ભ્રમણાથી જીવનનો પ્રવાહ કેટલો બદલાઈ જાય, તે સમજવા હું એના વર્તનને ઉકેલવા મથું છું. સંબંધ-વિચ્છેદ અથવા ક્યારેક તો મૂક-અવ્યક્ત લાગણીઓ ફરી વિશ્વાસનાં ફૂલ ખીલવશે, એ આશાએ પ્રતીક્ષા, એ બે માંથી બીજો રસ્તો પસંદ કરીને એક પ્રયોગ આદર્યો છે. મારા માટે આ પાળેલો કૂતરો સંબંધોનું રસાયણશાસ્ત્ર સમજવા માટેની પ્રયોગશાળા બની ગયો છે. માનવીય સંબંધોની ઘણી બધી સમજ એણે મને આપી છે. પ્રશ્ન એટલો જ રહે છે કે આ કૂતરો ક્યારેક માનશે ખરો કે મનુષ્ય પણ વફાદાર પ્રાણી હોય છે ?

Advertisements

5 responses to “સંબંધોનું રસાયણશાસ્ત્ર – ડૉ. ભારતી રાણે

 1. અમિત પિસાવાડિયા

  સબંઘો નુ રસાયણશાસ્ત્ર થોડુ જટીલ છે ,

 2. relations !!!!! such a small word with enormous impact and complex meanings….
  thats the thing which no body can predict….

 3. I am surprised by mile. As i do have experience of carring two of big dogs like doberman and german shepherd. What story is saying is something unbelievable. there must be different reasong for such behaviouf that dog. I am damn sure that this breeds of dogs are the most trustworthy.

 4. I tried to understand the story, but instead of “Relations” it’s getting inclined in Animal Psychology.

  Please advice.

  Best,
  Mandu

 5. એણે મનુષ્યની વફાદારીની ખાતરી કરી લીધી
  હોવાથી હવે એ નેવાંનાં પાણી મોભે ચડાવવા
  બરાબર છે;એ મનથી જાણી ચૂક્યો છે કે તમે
  બેવફાઇ કરી છે.હવે એ ક્યારેય નહીં માને !
  ડૉ.સાહેબની મમતા ઊંચી છે.ધન્યવાદ !