30 જૉકસ

[રીડગુજરાતી પર સમગ્ર એપ્રિલ માસ દરમિયાન મૂકવામાં આવેલ જૉકસનું સંકલન ]

શહેરની સૌથી મોટી પોસ્ટઓફિસની એક તરફ લખ્યું હતું : “જે પણ પૂછવું હોય તે 4 નંબરની બારી ઉપર પૂછવું.”
ગામડિયો છગન છોગાળો આ વાંચીને 4 નંબરની બારીએ જઈને બોલ્યો : “જલેબી કેટલે રૂપિયે કિલો ? અને ગાંઠિયા…”
****************

ટ્રક અકસ્માતમાં સખત રીતે ઘાયલ થયેલ એક શખ્સની સારવાર કરી રહેલા ડૉકટરે પૂરેપૂરી સારવાર કરવા છતાં તે શખ્સ ભયમુક્ત થયો નહીં એટલે ડૉકટરે પૂછયું, ‘કેમ ભાઈ હવે તો તું સંપૂર્ણ સાજો થઈ ગયો છો, તો હવે કેમ તને કોઈકવાર ધ્રુજારી આવી જાય છે ?
પેલો શખ્સ કહે, ‘સાહેબ, જે ટ્રકે મારો અકસ્માત કર્યો હતો તેના પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે’ !’
****************

પોસ્ટમાસ્તર : આ પરબિડિયું તો ભારે લાગે છે. તમારે વધુ ટિકિટ લગાવવી પડશે.
ગ્રાહક : વધારે ટિકિટ લગાડીશ તો શું પરબિડિયું હલકું થઈ જશે ?
****************

સાંજે થાક્યો પાક્યો પતિ ઘરે આવ્યો ત્યારે ઘરમાં વસ્તુઓ વેરવિખેર પડી હતી. દીકરા રાજુના કપડાં મેલાં-ઘેલાં હતા. રસોડામાં એઠા વાસણોનો ઢગલો હતો. પતિએ પત્નીને બૂમ મારી : ‘ક્યાં છે તું ? તારી તબિયત તો સારી છે ને !’
પત્નીએ બેડરૂમમાં ટી.વી જોતાં જોતાં જવાબ આપ્યો : ‘એકદમ સારી તબિયત છે. આ તો તમે જે દર બે-ચાર દિવસે મને કહેતા હતા કે આખો દિવસ ઘરમાં કરે છે શું ? એટલે મેં આજે આખો દિવસ કશું જ નથી કર્યું.’
****************

આમંત્રણ અપાયેલા સંગીતકારને ઘરની માલિકણે કહ્યું : ‘કંઈક સંભળાવો ને.’
સંગીતકાર : ‘તમારે કયો રાગ સાંભળવો છે ?’
‘કોઈ પણ સંભળાવો ને, મારે તો ખાલી પાડોશીઓને હેરાન જ કરવાના છે.’ જવાબ મળ્યો.
****************

દૂકાનદારે કહ્યું : ‘આ સાડીની કિંમત પાંચ હજાર રૂપિયા છે, પણ આ સાડી તમારા ચહેરાના રંગ સાથે બહુ જ મેળ ખાય છે. તમને ખૂબ સારી લાગશે.’
‘ભાઈસાહેબ, મારા ચહેરાનો રંગ આવો નથી. આ તો સાડીની કિંમત સાંભળીને બદલાઈ ગયો છે !’ એ સ્ત્રીનો જવાબ હતો.
****************

એક બેટસમેનનું નાક બહુ જ મોટું અને એની મૂછ સાવ જ બારીક હતી.
એક પત્રકારે પૂછયું, ‘ભાઈ, તમારું નાક આટલું મોટું અને મૂછો બહુ જ બારીક છે, એવું કેમ ?’
‘એમાં એવું છે ને કે નાનપણથી જ મને મોટી વસ્તુઓને અન્ડરલાઈન કરવાની આદત છે !’ બેટસમેને છગ્ગો માર્યો.
****************

નેતાજીએ પોતાના કાર્યકરને કહ્યું : ‘હું બહુ જ થાકેલો હતો, એટલે હું સૂઈ ગયો હતો અને મેં મંચ પર મારું ટેપ કરેલું ભાષણ વગાડી દીધું.’
‘તમને ખબર નથી સાહેબ’, એક કાર્યકર બોલ્યો, ‘જનતા પણ થાકી ગઈ હતી, એટલે એ પણ સૂઈ ગઈ હતી અને એણે પણ તાળીઓની કેસેટ લગાવી દીધી હતી….!’
****************

છોકરીને જોવા ગયેલા છોકરાવાળાઓ : ‘અમારું તો બહુ સંસ્કારી કુટુંબ છે. દિકરી, તને રામાયણ, ગીતા, મહાભારતના કોઈ શ્લોકો આવડે છે ?’
છોકરી : ‘જી. હું આપને રામાયણ અને ગીતાના બે ચાર શ્લોકો તો હમણાં જ ગાઈને બતાવું. મહાભારત તમારા ઘરે આવીને કરીશ !!’
****************

પ્રવાસી : ‘આ સડક ક્યાં જાય છે, કહેશો ભાઈ ?’
નાગરિક : ‘મેં આ સડકને ક્યાંય આવતાં-જતાં નથી જોઈ. જ્યારથી જોઉં છું, ત્યારથી એ આમને આમ જ પડી છે…..!’
****************

પત્ની : ‘ચુપચાપ મોઢું નીચે રાખીને ખાઈ રહ્યા છો, કંઈક તો બોલો. મારા બનાવેલા પુલાવ માટે વખાણના બે શબ્દો તો કહી નાખો.’
પતિ : ‘તેં બનાવેલા પુલાવના વખાણ હું એક શરતે કરી શકું છું.’
પત્ની : ‘બોલો, કઈ શરત છે ?’
પતિ : ‘વાયદો કર કે હવે પછી ક્યારેય આવો પુલાવ નહિ બનાવે…!’
****************

એક દરદીએ ડૉકટરને કહ્યું : ‘ડૉકટર સાહેબ, હું આટલા દિવસથી દવા ખાઉં છું, પણ છતાંય થાકેલો-થાકેલો લાગું છું.’
ડૉકટર : ‘તમને આરામની સખત જરૂર છે. તમે તરત ઑફિસમાં જવાનું શરૂ કરી દો !’
****************

શિક્ષક : ‘પપલુ, પૃથ્વી ગોળ છે એ તને ખબર છે ?’
‘પૃથ્વી ગોળ છે, એ તો મને ખબર છે, સર, પણ કોલ્હાપુરી ગોળ છે કે દેશી ગોળ છે એની મને ખબર નથી !’ પપલુએ ભોળાભાવે જવાબ આપ્યો.
****************

અંજલિએ પોતાના પ્રેમીને પૂછયું, ‘આજે તમે આટલા ઉદાસ કેમ છો ?’
પ્રેમી : ‘મારા પિતાજીને પોલીસ પકડીને લઈ ગઈ છે.’ અંજલિ : ‘પણ કેમ ?
’ પ્રેમી : ‘એમણે બૅન્કમાંથી પૈસા કાઢ્યા હતા.’ અંજલિ : ‘તો એમાં ગુનો શાનો ? બૅન્કમાંથી પૈસા તો બધા જ કાઢે છે.’
પ્રેમી : ‘કાઢે તો છે, પણ મારા પિતાજીએ આ કામ અડધી રાત્રે કર્યું હતું.’
****************

દોડમાં પ્રથમ આવનાર એથલીટે પોતાની સફળતાનું રહસ્ય બતાવ્યું.
‘હું હંમેશાં મારી પત્નીની પ્રેરણા લેતો રહ્યો છું. જ્યારે પણ હું ટ્રેક પર ઊતરું છું, ત્યારે એવી કલ્પના કરવા લાગું છું કે એ મારી પાછળ આવી રહી છે.’
****************

‘મમ્મી, તું રોજ એક વ્રત કરે ને તો તારું એ વ્રત ચોક્કસ ફળે.’
‘કયું વ્રત ?’
‘મૌન વ્રત !’
****************

શિક્ષક : ‘બાળકો, તમારા કલાસમાં હોંશિયાર કોણ છે ?’
પપલુ : ‘સાહેબ, બન્ટી !’
શિક્ષક : ‘કેવી રીતે ?’
પપલુ : ‘તે ચાલુ પીરીયડે નાસ્તો કરે છે પણ કદી પકડાયો નથી.’
****************

અમન અને ચમન બંન્ને કવિઓ એકબીજાના હરીફ હતા. ઘણા વર્ષો પછી એ બંન્ને એક જગ્યાએ ભેગા થયાં અને એકબીજાની સિદ્ધિઓ વર્ણવા લાગ્યા. અમને વાતની શરૂઆત કરી.
‘તને ખબર નથી, ચમન ! અત્યારે કેટલા લોકો મારી કવિતા વાંચે છે તે. મારા વાચકો ડબલ થઈ ગયા છે.’
‘માય ગોડ, માય ગોડ !’ કવિ ચમને ચીસ પાડી. ‘મને તો ખબર જ નહીં, કે તું પરણી ગયો છે !’
****************

અમથાલાલે દુકાનદારને કહ્યું, ‘તારી પાસે સોજી છે ?’
‘હા’ દૂકાનદાર બોલ્યો.
‘ઘી છે ?’… ‘હા’
‘અને ખાંડ ?’… ‘એ પણ છે.’
‘તો પછી નવરો શું કામ બેઠો છે ? હલવો બનાવી નાખ ને !’
****************

શિક્ષક : ‘બોલ પપલુ, એક લાડવામાં બીજો લાડવો ઉમેરીએ તો કેટલા લાડવા થાય ?’
પપલુ : ‘સાહેબ, તો લાડવો મોટો થાય !’
****************

એક ડૉકટરે પોતાના મિત્રને કહ્યું, ‘મેં એક એવી દવાની શોધ કરી છે, જેના ઉપયોગથી 60 વર્ષની સ્ત્રીઓ 25 વરસની લાગશે.
મિત્રએ પૂછયું : ‘તો તો તમારી દવા ખૂબ વેચાતી હશે ?’
’ના-ના, કોઈ સ્ત્રી પોતાને 60 વરસની માને તો ને ?’ ડૉકટરે ખુલાસો કર્યો.
****************

પત્ની : ‘હું મારી માને ત્યાં જતી રહું તો તમે શું કરશો ?’
પતિ : ‘ના-ના, એવું ન બોલ. હું પાગલ થઈ જઈશ.’
પત્ની : ‘હું મારી માને ત્યાં જતી રહું તો તમે બીજા લગ્ન તો નહિ કરી લો ને ?’
પતિ : ‘પાગલ ગમે તે કરી શકે છે !’
****************

એક શાનદાર હોટલમાં જમી લીધા પછી બિલ જોઈને ઘરાકે મૅનેજરને કહ્યું, ‘સાતસો રૂપિયા ! અહીં એક ધંધાને લગતા જાતિભાઈને તો કાંઈ રાહત આપશો ને ?’
મૅનેજરે પૂછયું : ‘શું આપ કોઈ હોટલમાં કામ કરો છો ?’
‘જી, ના, હું ખિસ્સાકાતરું છું !’ ઘરાકે ખૂલાસો કર્યો.
****************

એક સંગીતકારને એક ગાયકે કહ્યું : ‘હું તમને એક ગીત સંભળાવું છું. જો કે, આ ગીત મારું નથી.’
‘એ તો હું ત્યારે જ સમજી ગયો કે જ્યારે તેં કહ્યું કે એક સારું ગીત સંભળાવું છું.’ સંગીતકારે ઠાવકાઈપૂર્વક કહ્યું.
****************

જમન : ‘શું થયું પછી ? રંભાભાભીનો ઢીંચણનો દુખાવો મટયો કે નહિ ?’
ચમન : ‘અરે, એ તો એમ જ મટી ગયો.’
જમન : ‘કેમ, કઈ રીતે ?’
ચમન : ‘અમે ડૉકટર પાસે ગયેલા. અને ડૉકટરે કહ્યું કે ઢીંચણનો દુ:ખાવો એ ઘડપણની નિશાની છે. બસ, તે દિવસથી તારા ભાભીનો દુ:ખાવો ગાયબ !!’
****************

પિતા : ‘બેટા, પપલુ, સવારે વહેલા ઊઠવું એ તંદુરસ્તી માટે ઘણું જ સારું છે. બાજુના રમેશને જો. એ કાલે સવારે વહેલો ઊઠીને ચાલવા ગયો તો એને રસ્તા પર પડેલું એક પર્સ મળ્યું. જેમાં બે હજાર રૂપિયા હતા.’
‘પણ પપ્પા, જેનું પર્સ ગુમ થયું છે, એ પણ સવારે વહેલો જ ઊઠયો હશે ને ?’ પપલુએ સામી દલીલ કરી.
****************

નેતાજી : (એક ભીખ માંગતા બાળકને) બેટા, આટલી નાની ઉંમરમાં ભીખ માંગે છે ? તારે તો સ્કુલ જવું જોઈએ.
બાળક : સ્કૂલ ગયો તો હતો, પરંતુ ત્યાં ભીખનાં પાંચ પૈસા પણ ના મળ્યા.
****************

દેવજી (પોતાની પુત્રીને) : ‘બેટા, તારા માટે મેં છોકરો જોઈ લીધો છે અને આવતા મહિને જ તારા લગ્ન પણ હું તેની સાથે કરાવી નાખીશ.
પુત્રી આદિ : ‘પરંતુ પપ્પા, હું મારી મમ્મી વિના રહી શકું તેમ નથી !’
દેવજી : ‘મારા તરફથી છૂટ છે બેટા, સાથે સાથે તારી વહાલી મમ્મીને પણ લેતી જજે.’
****************

ન્યાયાધીશ : તેં ઝવેરીને દુકાનમાંથી ધોળે દિવસે હાર ચોરવાની હિંમત કેવી રીતે કરી ?
ચોર : સાહેબ ! દુકાન ઉપર જ લખ્યું હતું કે આ સોનેરી અવસર હાથમાંથી જવા ન દેતા.
****************

ચાલીસી વટાવી વયેલ દંપતી દર્શને ગયા. દર્શન કરી લીધા બાદ પતિએ પૂછયું, ‘તે શું માંગ્યું ?’
પત્ની કહે. સાતે જન્મ તમે મારા પતિ થાઓ.
પત્નીએ પૂછયું, ‘તમે શું માંગ્યું ?’ પતિએ કહ્યું, ‘મેં માંગ્યું કે આ મારો સાતમો જન્મ હોય !’
****************

એક સામાયિકના તંત્રીને એક લેખકે રોષભર્યો પત્ર લખ્યો કે તમોએ મારા ચાર ચાર લેખો પાછા મોકલાવ્યા છે, તેનું શું કારણ છે ?
તંત્રીએ જવાબ આપતા કહ્યું કે વાચકો અમારું સામાયિક પાછું મોકલે એવું અમે ઈચ્છતા નથી.

Advertisements

8 responses to “30 જૉકસ

 1. jabarjast….maja padi

 2. વિ વિજયસિંહ મંડોરા

  નવા નવા જોક્સ (કે નવી નવી જોક્સ ?) સાંભળીને (વાંચીને) મજા આવી.
  થેંક્સ.

 3. ghanu saras, aavi rite hasavta rehsho.

 4. realy, all jokes is wonderfull,
  vaha bhai vaha maja padi gai
  thanks

 5. i had enjoyed and laughed so much when i read all thirty jokes…so amazing for laugh.

 6. Jordar, eke ek jokes bahu j rapchick che
  maja padi gai,