જય યુવાન – પ્રવીણ દરજી

[‘અખંડ આનંદ’ મેગેઝીન એપ્રિલ-2006 ના અંકમાંથી સાભાર]

યુવાન મિત્રો, જય યુવાન. હું તમારી પાસે કોઈ ચીલાચાલુ ભાષાથી વાત કરવાનો નથી. શિખામણના બે બોલ કહેવાનું પણ મનમાં નથી. અથવા તો કશી વડીલશાઈ ગુડી ગુડી, ગોળ ગોળ વાતો પણ મારી પાસે નથી. હું તો ચોખ્ખી ને ચટ વાત કરનાર છું. મારો પ્રશ્ન તમોને તમારાથી અલગ કરી રહેલાં બળો સામે છે. મારી ચિંતા તમારો કેટલાક દુરુપયોગ કરી રહ્યા છે તેની છે. મારી લાગણી તો તારી સામે અનેક વિકલ્પો સમાજે ખડા કરી દેવા જોઈએ એ માટેની છે. શિબિરો થાય, ભાષણબાજી થાય પણ પાછો તું પેલી વર્ગોની ચાર દીવાલોમાં પુરાઈ જવાનો છે. વળી, પાછું પેલા ઉતારા કરાવનાર રોગિયા-સોગિયા અધ્યાપકોની સામે તારે ટીકી રહેવાનું છે. ઘરે મા-બાપના ઠપકાની ચિંતા પણ છે. ઘેર જતાં પહેલાં જ મા આમ કહેશે અને બાપ તેમ કહેશે તે વાત તને કોરી ખાય છે. પેલા ધર્મગુરૂઓ પણ યુવાનો બગડી ગયા છે, બાઈકોની સીટો પાછળ બેસી રહે છે, કશું કામ કરતા નથી એવી તેવી ભળતી વાતો કરશે. છાપાંવાળાઓ પણ વારતહેવારે તને કશી સાચી સ્થિતિ સામે મૂકી આપવાને બદલે તારી ફૅશનપરસ્તીની જાહેરાતો કરશે, ક્યાંક તારાં નાચ-ગાન હશે તો તેના ફોટા ચગાવશે. સંભવ છે કે તારી યુવાનીને ક્યાંક આ ગમે પણ ખરું. પણ સરવાળે તો વાત તેમના અખબારના ફેલાવાની ને ચટકીલા સમાચારની જ રહી છે.

દોસ્ત, ચેત, જાગ. લોકો ભલે કહે કે આવતીકાલ તારી છે. મને તો આજ, આ વર્તમાન જ, તારો લાગે છે. આવતીકાલ સુધી ધીરજ ધરવાનો આ સમય નથી. સમયનું પરિરૂપ અને વિભાવ બધું હવે બદલાઈ ચૂક્યું છે. હિસાબ હવે વર્ષો – દિવસો કે કલાકોમાં નથી કરવાનો. ક્ષણોનું વિશ્વ થઈ ગયું છે. દરેક ક્ષણને તારે ઓળખવાની છે, તારા વ્યક્તિત્વથી એને મુદ્રિત કરવાની છે. તું પેલા નાર્સિસસની જેમ તારી જાતને ઊંડેથી ચાહવાનું આ પળથી શરૂ કરી દે. જાતને પ્રેમ કર્યા પછી જ જગતને પ્રેમ કરી શકવાની તાકાત આવે છે : તારું અહીં જન્મવું, તારું અહીં હોવું, તારું અહીં આ પળે પણ ટકી રહેવું એ કોઈ અકસ્માત નથી. પેલી રોઝાલિયા કેસ્ટ્રો જેવી કવિયત્રીની જેમ તું ખુદ એક ઈતિહાસ છે, તારે ઈતિહાસ સર્જવાનો છે. તું કોઈ મામૂલી વ્યક્તિ નથી. તું અશક્ત નથી. તું તારાથી જ અભાન છે, તારી શક્તિઓથી વંચિત છે. એટલે જ કહું છું કે ચેત, સતર્ક થા. તું એક પ્રચંડ ધોધ છે. જ્યાં પડે, અફળાય ત્યાં બધું ચૂરેચૂરા થઈ જાય છે. માત્ર એ ધોધના જળને કોઈના ઢાળિયામાં વાળવાનો રહે છે. એટલું થયું તો સમગ્ર ચોતરફની ભૂમિ તારા માટે લીલીકુંજાર હશે, વૃક્ષો લીલાંકચ થઈ તને નિમંત્રણ પાઠવી રહ્યાં હશે. એની ડાળ ઉપર બેઠેલું પંખી તારા વિજયગાનના ટહુકા કરતું હશે. જે છે તે તું છે, જે કરી શકે છે તે તું છે. એકવાર વિધાયક માર્ગે તારી ગતિ ચાલુ થશે તો તેનાં ઉત્તમોત્તમ પરિણામો તને મળવાનાં છે. માત્ર તારે તારા ખુદનો અનુભવ કરી રહેવાનો પ્રશ્ન છે.

અને હા, તું એવા સમયમાંથી પસારથી રહ્યો છે જ્યાં કેવળ સમય જ સમય છે. તારી આજુબાજુ દરેક ક્ષણે કશુંક નવું રચાઈ રહ્યું છે. જ્ઞાતિ-દેશ-કોમની સીમાઓ ભૂંસાઈ રહી છે. જ્ઞાનનું આદાન-પ્રદાન અગાઉ ક્યારેય નહોતું એટલું ને એવી કક્ષાએ થઈ રહ્યું છે. તું ધીરજથી તારી ચારે તરફના આ પરિવેશ તરફ નજર માંડ. જ્ઞાનનાં અનેક ક્ષેત્રો તારી પ્રતીક્ષા કરી રહ્યાં છે. કોઈ એક ક્ષેત્રની પારંગતતા એ તારું નિશાન કેવી રીતે હોઈ શકે ? યૌવનને ક્શું ઓછું – ઊણું ન ખપે એ હું જાણું છું તેથી જ કહું છું કે તારી વાંચનભૂખને, જ્ઞાનભૂખને ઊઘડવા દે. અને પછી એનો ચમત્કાર તું સ્વયં જો. શૃંગો – ટેકરીઓ પાછળનો એક નવો સૂર્ય તને ચામર ઢોળી રહેશે.

હું જાણું છું કે તું ઝાઝી કશા માટે રાહ જોઈ શકે તેમ નથી. પણ તારા માટે જ કોઈક લખી ગયું છે : ઉતાવળે આંબા ન પાકે. ધીરજ-ખંત એ તારા શ્વાસ બનવા જોઈએ. એક પ્રત્યને સફળતા કે સિદ્ધિ ન પણ મળે. અને એ કંઈ પ્રવૃત્તિનો અંત નથી હોતો. પુનરપિ પુનરપિ દરેક નિષ્ફળતા પછી પ્રયત્ન કરતો રહે એ તો સાચો યુવાનને ? મને તારી એવી શક્તિઓની પૂરી જાણ છે. તું પર્વતોને વ્હેરી શકે છે તો આકાશમાં કાણું પણ પાડી શકે છે. સંભવ છે કે એ પહેલા પ્રયત્ન ન પણ બને. પણ તેથી નિરાશ થવાનું યુવાનને પાલવે ખરું ? યુવાન એટલે જ સતત પ્રયત્ન, યુવાન એટલે જ આશા-શ્રદ્ધા. ખંત-તંત-ધીરજ-નિષ્ફળતાની બાજીને પણ તે વિજયમાં પલટી નાખી શકે છે.

અને દોસ્ત ! એક બીજી વાત પણ કરી લઉં. આ જગતને તારે જ જોવાનું છે, તારે જ પામવાનું છે, તારે જ પ્રતીતવાનું છે ને પ્રત્યક્ષ કરવાનું છે. મેં જોયેલું, મારું કહેલું જગત, તને ઝાઝું કામ આપવાનું નથી. એથી જ મને મારી નજરનાં ચશ્માં તને પહેરાવવાં જરીકે ગમતાં નથી. તું તારી આંખથી જો, તારા કાનથી જગરને સાંભળ, તારા હ્રદયથી તેના ધબકારા ઝીલવાનું શીખ. તને ખરેખર પછી મઝા આવશે. તને થશે કે અરે, બીજાંઓ કહે છે એ કરતાં તો આ જગત સાવ જુદું છે, એના માણસો પણ ધારીએ છીએ એથી કંઈ જુદા કે વધુ સારા છે. માત્ર જરૂર છે તેને પોતાની રીતે પ્રત્યક્ષ કરવાની. પોતાને જ પથ્થર વાગવો જોઈએ, પોતાને જ ઘાનું દર્દ થવું જોઈએ.

ક્યારેક એક બીજો ખેલ પણ ભાઈ, તારે કરવો પડે. બધી વાર તું તીરે ઊભો તમાશો જોઈ શકે નહિ. આ સમાજ, આ લોક એમાંનો જ તું છે. એ તારું મૂળ સત્ય છે. છતાં તારે એમની સાથે, એમની ક્રિયાઓ સાથે, ઘટના-પ્રસંગો સાથે પૂરેપુરું ભળવાનું છે. તેમાં તારી સંડોવણી કરવાની છે. જો તેમાં તું રસપૂર્વક ખૂંપ્યો નહિ હોઉં તો પછી આ લોક-જગત વિશે ઠોકપૂર્વક કેવી રીતે વાત કરી શકીશ ? હા, એવી સંડોવણી જ પછી સાર-અસાર શીખવી દેશે. દૂર અને નજીક, નજીક અને દૂરનું સત્ય એમાંથી જ પમાશે.

અને અહીંતો તને ચારે તરફ ઘરથી સમાજ સુધીનાં જુદી જુદી રીતે પોતાની રીતે દીક્ષિત કરવા તૈયાર જ છે. તારે ત્યાં તારા ચિત્તને સજાગ રાખી ચાલવાનું છે. તું કોઈકની પ્રશંસાનો ભોગ ન બને કે કોઈકનો હાથો પણ ન બને. અને દેખાદેખીની, ટૂંકા રસ્તાની, નીચાં નિશાનની તો વાત જ છોડ જે. એવુંતેવું કશું છેવટે ફળદાયી બનતું નથી. તું તો સમુદાર છે, શક્તિસ્ત્રોત છે. તારું નિશાન તો ઊંચું જ હોવું જોઈએ. નીચું નિશાન અને યુવાનને કદી બન્યું જ નથી. અને એક આડવાત પણ કરું. તું લમણે હાથ દઈ બેસનાર વૃદ્ધ નથી. તું તો સ્વયં પડકારોને પડકારનાર ખુદ પડકાર છે. પડકારોને ઝીલે, સામેથી નોંતરે એ યુવાનની ઓળખ છે. આ માટે માત્ર તારે હકારાત્મક દષ્ટિકોણથી આગળ વધવાનું છે. દરેક પડકાર પછી તારા માટે તારી નવી નવી શક્તિઓનો ચમત્કાર પુરવાર થશે.

અને તું એવો મિત્ર છે કે જે જિજ્ઞાસા, વિસ્મય અચબામાં જ રાચતો હોય. નવાં નવાં સ્વપ્નો જ તારું જીવન છે. સ્વપ્ન નથી તો ગતિ ક્યાંથી ? કુતૂહલ નથી તો જ્ઞાન ક્યાંથી ? વિસ્મય નથી તો આનંદ ક્યાંથી ? તને સતત પ્રશ્નો થવા જોઈએ, આશ્ચર્યો થવાં જોઈએ. યૌવન એટલે પૂર્ણવિરામ નહિ, પ્રશ્નાર્થ અને આશ્ચર્યચિહ્ન ! કોઈ પણ પળે યુવાન એટલે કશું પણ નિર્મી શકે તેવી ઊર્જા, ચેતના એવું હું સમજું છું.

દોસ્ત, તારી દિવાનગી ઉપર હું ખુશ છું. તું મારી સાથે આટલી વાત કરવા થોભ્યો એય કંઈ ઓછું છે ? તારી એવી વિનમ્રતા પણ તારું આભૂષણ જ ગણાય ને ?

Advertisements

4 responses to “જય યુવાન – પ્રવીણ દરજી

 1. અમારા જેવા બુડ્ઢાઓને પણ દોડતા કરી દે તેવો આ લેખ છે.
  માશાલ્લા …..

 2. અમિત પિસાવાડિયા

  અદ્દભૂત , ખરેખર પ્રેરણાત્મક છે ,, ઉમદા લેખ છે, વાંચીને મન ખુશ થઇ ગયુ. પ્રેરણા એક ખરેખર અદ્દભૂત તાકાત છે , ઘણીવાર માણસ કોઇ કાર્ય માટે સક્ષમ હોય પરંતુ આત્મવિશ્વાસ ના અભાવે ધાર્યુ પરિણામ નથી મેળવી શકતો. આવા સમયે અમુક પ્રેરણાત્મક વિચારો સારુ કામ કરે છે. વિચારો મા પણ આંતરીક તાકાત હોય છે .
  ખુબ ખુબ અભિનંદન ,

 3. This is really good article.

 4. good tamaro lekha manea gamyo mare tamane aek vakhata malavuchi karana ke hu shhityakara chu
  banashkandta
  to wava
  gada kolava
  nama naresh kalaji T.y .BA
  Fo.9979061026
  hu kavitao lakhu chu 40 lakhe chi
  abharea