અનરાધાર – સતીન દેસાઈ ‘પરવેઝ’

સુગંધોથીય પર એવો ન કો’ આકાર માગે છે,
ખરેલાં ફૂલ ક્યારે મોક્ષનો અધિકાર માગે છે !

બધું એને જ સોંપી અવતરે નિર્લેપ એ કેવળ,
ગઝલ ક્યાં હોય છે જે મર્મનો અણસાર માગે છે !

સધાતું એ પળે મીરાંપણું સંતો તમારામાં,
ન જ્યારે મંત્રની ઝાંઝર સહજ ઝણકાર માગે છે !

અનાયાસે જ પ્રગટે તત્વ મારી ચેતના ભીતર,
જે આકાશોની માફક એક પણ ન દ્વાર માગે છે!

અમારી આંખના પેટાળમાં એ દિવ્યતા જોઈ,
સ્વયં સૂરજ હવે અજવાસનો સંચાર માગે છે.

થશે પુરવાર જો અવરોહ શું આરોહ પણ મિથ્યા,
એ શ્વાસો ઓગળે છે ક્યાં કે જે આધાર માગે છે !

તરાવું છું હું નરસીહીં અવસ્થાનાં વહાણોને,
ન કોઈ મોજ માગે છે, ન કોઈ પાર માગે છે !

તીરથ સાચું જડે છે ક્યાં હજી શ્રદ્ધાના દીવાને,
હકીકતમાં નથી તુલસી કે જે ઝબકાર માગે છે.

સદા ફરતા રહે ભીતર આ લોહીઝાણ મણકાઓ,
ન એના સ્પર્શની અટકળ હવે પળવાર માગે છે.

યુગો પર્યંત ભીંજાવા તરસની જેમ એ ‘પરવેઝ’
કશું માગે નહીં, માગે તો અનરાધાર માગે છે.

Advertisements

One response to “અનરાધાર – સતીન દેસાઈ ‘પરવેઝ’

  1. સુંદર તત્વજ્ઞાનથી ભરપૂર ગઝલ.