વ્હાલપની વર્ષા – મનિષ મિસ્ત્રી ‘સર્જન’

[રીડગુજરાતીને આવી સુંદર રચનાઓ મોકલવા બદલ શ્રી મનિષભાઈનો ખૂબ ખૂબ આભાર]

છોડ્યાં છે કોરાં ?

હૃદયમાં તો આંસુનો ઘૂઘવતો સાગર,
ખૂણા આંખના તોય છોડ્યા છે કોરા.
અધૂરી છે, પૂરી કરી દે કહાની,
જીવનગ્રંથનાં પાન છોડ્યાં છે કોરાં.

તેં વ્હાલપની વર્ષાથી ભિંજવ્યા સહુને,
ને અમને હરેકવાર છોડ્યા છે કોરા.
અભિનય છે એ તો, નશો ક્યાં છે સૌને,
ઘણા હોઠ સાકીએ છોડ્યા છે કોરા !

એ જ્યારેય વરસ્યો છે, વરસ્યો ઘણુંયે,
પણ આંગણ અમારાં જ, છોડ્યાં છે કોરાં.
કહાની તો આખી રૂદનની હતી પણ,
ઘણાં શબ્દ એમાંય છોડ્યા છે કોરાં.

જે પલળ્યાં છે તે તો ડૂબ્યા છે જ અંતે,
બચ્યાં એ, જળે જેને છોડ્યાં છે કોરાં.
એ છાંટી ગયો છે બે તેજાબી શબ્દો,
નથી એમ કે સાવ છોડ્યાં છે કોરાં !

જમાનો પ્રણયમસ્ત પૂછે કે ‘સર્જન,
તમે રહી ગયાં છો કે છોડ્યાં છે કોરાં ?’

ખૂલી આંખનું એક સપનું

માણો તો સાચું, ને જાણો તો સપનું,
જીવન ખૂલી આંખનું એક સપનું.

હકીકત છે આજે, હતું કાલે સપનું,
કે સિદ્ધિનું પહેલું પગથિયું છે સપનું.

દિવાસ્વપ્ન હો કે નિશાસ્વપ્ન કોઈ,
જે સાચું પડે ના, શું ખપનું એ સપનું ?

કહેવું શું એ ભૂલવાની ઝડપનું,
કે આંખો ખૂલે-ને ભૂલી જાય સપનું !

મળે તો મળે મોત બાંહોમાં એની,
કે આંખો મળે ને શરૂ થાય સપનું.

‘સર્જન’ ના જીવનનો હેતુ છે એ તો,
છોને ઘણું એને ઝાંઝવતું સપનું !

Advertisements

4 responses to “વ્હાલપની વર્ષા – મનિષ મિસ્ત્રી ‘સર્જન’

  1. good poetry.But i donot understand it is,gazal,geet,orsonet.If it is gazal whee are the kafiyah and vazan(baher)

  2. GOOD. KHUBAJ SUNDAR CHHE.

  3. ઘણી જ સુદર કવિતા છે. જીવનમાં સ્વપ્ન ન હોય તો તેને માનવ જીવન ન કહી શકાય. પછી ભલે ને તે ઝાંઝવાનું જળ નીકળે. ‘સર્જનને’ રાતના સપનાનો કોઇ ખપ નથી. તેમને તો ખુલ્લી આંખનું સપનું જોઇએ છે.
    સર્જક્નું સપનું શું હશે? એ ઉત્ક્રાંતિમાં ક્યં જઇને અટકશે? મહામાનવ બનાવ્યા પછી તે શું કરશે?
    સર્જકને જે કરવું હોય તે કરે… ‘સર્જન’ તો સપનાં જોયા કરશે અને સર્જન કરતો રહેશે.
    બહોત ખૂબ…બહોત ખૂબ…મનિશભાઇ બહુ સુંદર વાત કહી તમે.