માનવતાના મશાલચી – કરસનદાસ લુહાર

900 માણસોના આ નાનકડા ગામમાં શિવલાલભાઈ શિક્ષક તરીકે નિયુક્તિ પામ્યા હતા અને અહીં જ નિવૃત્ત થયા. આ માણસે નિશાળને મંદિરમાં ફેરવી નાખી હતી. શિક્ષકજીવનનાં 38 વર્ષોમાં એમણે માત્ર ત્રણ રજાઓ ભોગવી હતી. 21 વર્ષ સુધી તો તેઓ આખી શાળામાં એક જ શિક્ષક હતા. પાંચ ધોરણ અને 120 વિદ્યાર્થીઓની સંખ્યા. ગામનું કોઈ બાળક શાળાપ્રવેશથી વંચિત નહોતું. નિરક્ષર પ્રૌઢો માટે રાત્રિશાળા તો એ વર્ષોથી ચલાવતા. ગામમાં કેટલાક વૃદ્ધોને બાદ કરતાં કોઈ અભણ નહોતું.

64 વર્ષના કાશીબહેન કહે છે, ‘હું રામાયણ વાંચતી થઈ એ શિવલાલ સાહેબનો પરતાપ’ જ્યારે સાક્ષરતા અભિયાનનું કોઈ નામ પણ નહોતું જાણતું, એવા સમયે આ ગામમાં 90 ટકા સાક્ષરતા સિદ્ધ થઈ હતી અને એની કોઈ ધજા-પતાકા એમણે ક્યાંય ફરકાવી ન હતી. નિશાળનો સમય અગિયારનો અને સાહેબ દરરોજ સવા દશે નિશાળે પહોંચી જતા. બાલુ ગોરની દુકાન પાસેથી બરાબર દશ ને બાર મિનિટે નીકળતા. બાલુ ગોરની દુકાનમાં ડબ્બા ઘડિયાળ દરરોજ નવ વાગે બંધ પડી જતી. ગોરને ઘડિયાળને ચાવી દેવાનું કાયમ ભુલાઈ જાય. સાહેબ નીકળે ને બાલુ ગોર ઘડિયાળ મેળવે, ‘હા, હવે દશ અને બાર મિનિટ થઈ હશે’ ને ચાવી ભરે.

રાજ્યના શિક્ષણ ખાતાના એક ઉચ્ચ અધિકારી ચારેક વર્ષ પહેલાં નિશાળની મુલાકાતે આવેલા. આ પછાત ગામમાં બાળકોની સ્વચ્છતા, શિસ્ત, સંસ્કાર અને શિક્ષણથી મુગ્ધ થયેલા અધિકારીએ શિવલાલભાઈને સાથે લઈ જઈ ગામ પણ જોયું. ગ્રામ ગ્રંથાલય, આરોગ્ય કેન્દ્ર, ગામની સ્વચ્છતા, ગ્રામજનોની સંસ્કારિતા એ બધું ગામને આદર્શ ગામની વ્યાખ્યામાં મૂકતું હતું, એવી એને પ્રતીતિ થઈ. અધિકારીને થયું કે, એક શિક્ષક ધારે તો શું ન કરી શકે ? એણે શિવલાલભાઈને કહ્યું : ‘તમને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળવો જોઈએ. તમે એના સાચા હકદાર છો. આ વર્ષે તમારી ફાઈલ મૂકો.’
‘સાહેબ, મેં એવોર્ડ મેળવવા માટે કામ નથી કર્યું. મેં તો મારી ફરજ બજાવી છે પગાર લઈને.’ શિવલાલભાઈએ વિનમ્રતાથી કહ્યું હતું. શિવલાલભાઈ સાથે વાતો કરતાં જાણ્યું કે તેઓ અવિવાહિત છે.
‘શિવલાલભાઈ, તમે લગ્ન કેમ ન કર્યાં ?’ અધિકારીથી પૂછયા વગર રહેવાયું નહિ.
શિવલાલ હસી પડ્યા, ‘સાહેબ, આ ગામમાં હું શિક્ષક તરીકે જોડાયો પછી વિદ્યાર્થીઓ, નિશાળ અને ગામમાં સાવ ખોવાઈ ગયો. સવારે સવા દશથી શરૂ કરીને સાંજના સાત સુધી નિશાળ ચલાવું. પછી ગામમાં એક આંટો મારું, ત્યાં આઠ, નવ જેવો સમય થઈ જાય. નવ વાગ્યાથી શાળાના ઓરડામાં પ્રૌઢોને ભણાવું. દરરોજ ચાલીસ-પચાસ ભાઈ-બહેનો ભણવા આવે. રાત્રે અગિયાર વાગ્યે રાંધીને જમું. રવિવારે અને રજાઓમાં બાળકોને ભણાવું. વૅકેશનમાં લોકજાગૃતિ શિબિરો ચલાવું. વૅકેશનમાંય ઘરે જવાનો સમય ન મળે. એમાં લગ્ન અંગે વિચારવાનું કોઈ દિવસ યાદ ન આવ્યું !’

શિવલાલભાઈ સાહેબને નિવૃત્ત થવાને પખવાડિયું બાકી હતું. ગામલોકોએ નક્કી કરેલું : સાહેબનો નિવૃત્તિ વિદાય સમારંભ ઊજવવો અને એ વખતે એમને સોનાની વીંટી પહેરાવવી. સાહેબ નિવૃત્તિ પછી પણ અહીં જ રહે તે માટે એક પાકું સુવિધાવાળું મકાન તૈયાર થઈ રહ્યું હતું. ગામલોકોએ એ માટે ફાળો કર્યો હતો. હવે એ મકાન પૂરું થવાની તૈયારીમાં હતું. આ સમારંભ વેળાએ જ સાહેબને એ મકાનમાં પ્રવેશ કરાવવો, એવું સમગ્ર ગામે વિચારી રાખ્યું હતું. મકાનની વાત હજી સુધી સાહેબથી છાની રાખવામાં આવેલી, પણ સોનાની વીંટીની વાત એ જાણી ચૂક્યા હતા. તરત જ ગામના આગેવાનોને મળ્યા. બે હાથ જોડીને કહ્યું : ‘આવું કશું કરશો તો મને બહુ દુ:ખ થશે. આ વરસ નબળું છે. પૂરતો વરસાદ પડ્યો નથી. માટે મને વીંટી પહેરાવવાનું વિચારશો પણ નહિ. ને સમારંભની તો વાત જ ન કરશો.’

છતાં ગામલોકો ઋણમુક્તિ માટે મક્કમ રહ્યા. કાર્યક્રમનું આયોજન તેમને ખ્યાલ ન આવે એ રીતે થતું રહ્યું. સાહેબ શનિવારે નિવૃત્ત થવાના હતા અને રવિવારે સવારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પેલા ઉચ્ચ અધિકારી ખાસ આવવાના હતા. રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે સાહેબને વીંટી પહેરાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. શનિવારે સાહેબે શાળાનો ચાર્જ તેમના સહાયક શિક્ષક વીરજીભાઈને સોંપી દીધો. વિદ્યાર્થીઓ રડતા હતા. સાહેબ પણ માંડ માંડ આંસુ રોકી શક્યા. શનિવારની રાત, નવ વાગવામાં હશે. એ વખતે પંચાયતનો પટાવાળો હરજી, સરપંચના ઘર તરફ જઈ રહ્યો હતો. સરપંચ મોહનભાઈને એણે એક ચિઠ્ઠી આપી.

‘પ્રિય મોહનભાઈ,

હું જાઉં છું. આ નિર્ણય મેં ઘણા સમયથી કરી રાખ્યો હતો. સાબરકાંઠા જિલ્લાનાં ઊંડાણવાળા વનવિસ્તારોમાં કાથોડી નામે એક આદિવાસી જાત વસે છે. એ જાતિનાં ભાઈ-બહેનો આજે પણ પૂર્વ પ્રાથમિક અવસ્થામાં જીવે છે. ખેડબ્રહ્માના ભગવાનદાસ પટેલ પાએ આ આદિજાતિ વિશે જાણ્યું હતું. પછી ત્યાં જઈ એમની હાલત જોઈ, ત્યારે મારું હૃદય ચિરાઈ ગયેલું. એ જ વખતે મેં નિર્ણય કરેલો કે, નિવૃત્તિ પછીની જિંદગી એમની વચ્ચે પસાર કરીશ. મારાથી થઈ શકે એટલું બધું જ એમના માટે કરવું. તમારી સૌની ભલી લાગણીઓ પણ મારી સાથે જ છે.

છેલ્લા શ્વાસ સુધી હું હરિયાળો રહી શકું એટલો આખા ગામનો પ્રેમ મને મળ્યો છે ! તમને કોઈને ક્યારેય નહિ ભૂલી શકું. આમ મારા એકાએક જવાથી તમે નક્કી કરેલા કામ અંગે તમને જે અડચણ પડશે, તેનો મને ખ્યાલ છે અને તે માટે આખા ગામની માફી માગું છું.

મને જાણવા મળ્યું હતું કે, તમે મારા માટે એક પાકું મકાન બંધાવ્યું છે. હવે એ મકાન આપણા ગામના સાવ ગરીબ માણસ જેરામભાઈને આપી દેજો. આમ કરશો, તે મને ગમશે. નિવૃત્તિ પછી કાયમને માટે ગામમાં મને રાખવાની તમારી ઈચ્છા હું પૂરી કરી શકતો નથી. ક્ષમા કરશો.

તમે એક વખતના મારા વિદ્યાર્થી છો અને હવે ગામના સરપંચ છો, તે ગામનું ભલું થાય તેવું હંમેશાં કરતા રહેશો. ક્યારેક તમને સૌને મળવા આવીશ ખરો.’

Advertisements

6 responses to “માનવતાના મશાલચી – કરસનદાસ લુહાર

 1. aa manavatana MASHALCHI ne maara shat shat PRANAM

  NEELA

 2. કોણ કહે છે કે, પૂણ્ય પરવારી ગયું છે? આવા અનામી વિરલાઓના પ્રતાપે તો માનવતા ટકી રહી છે.
  આ કયા ગામની અને કઇ સાલની વાત છે?
  આ કરસનદાસ આપણા જાણીતા કવિ સુંદરમના પિતા હતા?
  વિગતો જાણવા મળે તો સારું લાગે.

 3. Very good story. This humanity of such a people will not be lack today. It was very charitable of the teacher.
  Thanks for great treasure type story.

 4. ‘ એમાં લગ્ન અંગે વિચારવાનું કોઈ દિવસ યાદ ન આવ્યું ! ’
  જબરી વાત કહેવાય !
  શિક્ષણ મંત્રીઓ, યુની કુલપતિઓ, ડીન અને દરેક શિક્ષકે આટલું નહી તો એનાથી કંઇક ઓછું , કરવું જ રહ્યું.
  સમાજ કંઇ એમ જ નથી આગળ આવી જતો, ઘણાએ પોતાનું સર્વસ્‍વ ગુમાવી દેવું પડે છે, ફળ વગર !!!
  ફળો તો અન્‍યોને જ ચાખવા મળે, પેલા આંબા વાવતા ડોસાની જેમ.
  મનની એટલી વિશાળતા અને ઉદારભાવના સમાજના દરેક ઘડવૈયાએ રાખવી જ રહી.

 5. અમિત પિસાવાડિયા

  આનુ નામ તે સરસ્વતી વંદના , ખરી માનવતા ,,

 6. i accepted today “ACHARYA DEVO BHAVAH:”