દંડને પાત્ર કોણ ? – સંત ‘પુનિત’

વિખ્યાત અમેરિકન તત્વવેત્તા અને વિચારક હેનરી થોરોને એકવાર થોડીક જમીન ખરીદવામાં રસ જાગ્યો. નગર બહારના ખુલ્લા વિસ્તારમાં થોડી ખેતરાઉ જમીન હોય, ત્યાં નાની બંગલી જેવું બાંધ્યું હોય, આસપાસ લીલાંછમ ખેતરાં લહેરાતાં હોય તો મજા આવી જાય. એવા એકાંતમાં બેસીને શાંતિથી વિચારાય, કંઈક લખાય.

હેન્રી થોરોએ એક-બે જમીનના દલાલોનો સંપર્ક સાધ્યો : ‘નગર બહાર કોઈ સારી જમીન હોય તો મને કહેજો. મને એમાં રસ છે.’

કોણ ભીડમાં છે, કોણ જમીન વેચવા ફરે છે, એ બધું જમીનદલાલોના આંગળીના વેઢામાં જ હોય. એક-બે દિવસ પછી જમીનદલાલ થોરોને મળ્યો અને કહ્યું : ‘સાહેબ ! એક ખેડૂતનું સરસ ખેતર છે. બોલો, છે વિચાર ?’
‘વિચાર તો છે જ. પણ નગરથી એ કેટલું દૂર છે, જમીન કેવી છે, કેટલી છે, એ બધી વિગત તો પહેલાં આપો.’
‘સાહેબ ! આપને બધી રીતે અનુકૂળ આવે એમ છે. નગરથી બહું છેટું નહિ અને નગરમાં પણ કહેવાય નહિ એવા સ્થળે એ આવેલું છે. અત્યારે ત્યાં ખેતી ચાલુ છે. જમીન એવી ફળદ્રુપ છે કે માથું વાઢીને નાખો તો માથું ઊગે. બસ, પછી છે કંઈ પૂછવાનું ?’
‘હવે એક વાત રહે છે. બધી રીતે વસ્તુ સારી હોય પણ ભાવ ઊંચો હોય તોપણ નકામીને ! બોલો, એનો ભાવ શો છે ?’ થોરોએ પૂછયું.
‘ભાવ… ફકત ત્રણ જ ડૉલર.’
‘ઘણી સસ્તી કહેવાય.’ થોરોનું મુખ આશ્ચર્ય સાથે પ્રસન્નતાથી ખીલી ઊઠયું.
‘કેમ સાહેબ ! આશ્ચર્ય થાય છે ?’
‘આશ્ચર્ય તો થાય જ ને ! અત્યારે જમીનના ભાવ આઠથી દશ ડૉલર બોલાય છે ત્યાં તમે ત્રણ ડૉલર વારની જમીન બતાવો છો. પછી આશ્ચર્ય ન થાય તો બીજું શું થાય ?’ થોરોએ કહ્યું.
‘સાહેબ ! આપની વાત સાચી છે. આપ કહો છો એ જ ભાવ અત્યારે ચાલે છે. પણ જે ખેડૂતની જમીન છે એ સાવ ભલોભોળો છે. વળી જરા ભીડમાં (તંગીમાં) છે, એટલે મોંધેરી જમીન મફતનાં મૂલમાં કાઢી નાખે છે.’
‘એમ ત્યારે… કાયદા પ્રમાણે એ જમીનનું બાનાખત-દસ્તાવેજ વગેરે કરાવી લો !’ થોરોએ સંમતિ આપતાં કહ્યું.

થોડા દિવસોમાં સોદો પતી ગયો. જમીનના પૈસા લઈ ખેડૂત ઘરે આવ્યો. ત્યાં એની સ્ત્રીએ પૂછયું : ‘કેમ, આજે ખૂબ ખુશખુશાલ જણાવ છો ?’
‘કેમ, તને ખબર નથી ? આજે તો મારી પાસે ડૉલરોના થોકડેથોકડા છે. તું રોજ કહેતી હતીને કે પૈસા લાવો…. પૈસા લાવો… લે આ પૈસા.’ એમ કહીને ખેડૂત પોતાના કોટના ખિસ્સામાંથી ડૉલરની નોટોનો ઢગલો કર્યો.
‘હેં….. આટલા બધા ડૉલર ! ક્યાંથી લાવ્યા આ ?’ ખેડૂતની પત્નીએ પૂછયું.
‘તારે શી પંચાત એની ! તું ત્યારે પૈસા લેતી પરવારને !’
‘પંચાત કેમ નહિ ? મારે જાણવું તો જોઈએ જ કે આપ પૈસા ક્યાંથી લાવો છો !’
‘ત્રણ ડૉલર વારના ભાવે ખેતર વેચી માર્યું.’ ખેડૂતે ઉમંગમાં કહી નાખ્યું.

‘હેં…. આપે આ શું કર્યું ? અત્યારે નાખી દેતાંય ખેતરનો દશ ડૉલરનો ભાવ ઊપજે. એ તો જાણે ઠીક, પણ હવે આપ કરશો શું ? ખેતી ઉપર તો આપણો રોટલો છે. પૈસા પાછા આપી આવો અને ખેતર છોડાવી આવો. આ તો તમે ખેતર નથી વેચ્યું, જિંદગીભરનો રોટલો વેચ્યો છે.’

હવે ખેડૂતની આંખો ઊઘડી. સાચી વાત સમજમાં આવતાં એના દિલમાં ભારે દુ:ખ થયું. ઘડી પહેલાંનો આનંદ કપૂરની જેમ હવામાં ઓગળી ગયો. મન શોકથી ભરાઈ ગયું. તરત નોટોનાં બંડલ કોટના ખિસ્સામાં ઠાંસ્યાં. ત્યાંથી સીધો થોરોને ત્યાં આવ્યો. નમ્રતાપૂર્વક ગળગળે સાદે કહ્યું : ‘સાહેબ ! આ તમારા પૈસા પાછા લ્યો અને મારી જમીન પાછી આપો.’
‘અલ્યા કેમ, શું થયું તને ? તને મોંમાંગ્યો ભાવ તો આપ્યો છે.’
‘સાહેબ, એ વાત સાચી. ભાવમાં એક-બે ડૉલર આઘાપાછા એ તો સમજ્યા. પણ એ જમીન ઉપર તો મારો રોટલો છે. હું ભીડમાં હતો અને મેં આંધળિયાં કરીને જમીન વેચી. ઘેર ગયો અને જ્યાં સ્ત્રીને વાત કરી ત્યાં એ ખૂબ નારાજ થઈ. સાહેબ ! આપ કહો તો હું દશ ડૉલર દંડના આપું, પણ મને મારી જમીન પાછી આપો. હું ગરીબ માણસ છું. આપ સોદો ફોક નહિ કરો તો હું રસ્તાનો રખડતો ભિખારી થઈ જઈશ.’

ખેડૂતની વાત સાંભળીને થોરોનું મન ઊંડું ઊતરી ગયું : ‘આ ખેડૂત એમ કહે છે કે મારો દસ ડૉલર દંડ કરો, પણ મને મારી જમીન પાછી આપો. શું આ કિસ્સામાં માત્ર ખેડૂત જ દંડને પાત્ર છે ? આમાં હું જરાય દોષિત નથી ? આ પ્રશ્ન પર તટસ્થ દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો ખેડૂત જરાય દંડને પાત્ર નથી. દંડને પાત્ર તો હું છું. હું સારી રીતે જાણતો હતો કે આ જમીનનો બજારભાવ દશ ડૉલર ચાલે છે, છતાંય એને અંધારામાં રાખીને મેં સસ્તામાં ખરીદી. હું સમાજમાં માણસાઈની અને નીતિમત્તાની મોટી મોટી વાતો કરું છું, પણ મારા અંતરમાં તો બીજાને છેતરીને માલદાર થઈ જવાની વૃત્તિ ઘર કરી બેઠી છે એનું શું ? નીતિમાન થવાની વાતો કરીએ અને આચરી બતાવીએ તો જ એ કામની. માણસ તરીકે મારું એ કર્તવ્ય છે કે કોઈને અંધારામાં રાખીને અણહક્ક્નું ન લેવું જોઈએ. આ વિચારમાં જ માણસાઈનું તત્વ રહેલું છે. આવા માણસાઈ ભરેલા તાત્વિક વિચારો હું સમાજ આગળ મૂકું, પણ વર્તનમાં મીડું રાખું તો મારા તત્વજ્ઞાનનો અર્થ શો ?
વિચારો પર પૂર્ણ વિરામ મૂકતાં થોરોએ કહ્યું : ‘ભાઈ ! ગુનો મેં કર્યો છે. સજા તો મારે ભોગવવી જોઈએ. દંડનો એક ડૉલર પણ મારે ના જોઈએ. લાવ, મારા પૈસા. તારી જમીન તું સુખેથી ભોગવ.’

એમ કહીને થોરોએ દસ્તાવેજના ટુકડેટુકડા કરી નાખ્યા.

Advertisements

11 responses to “દંડને પાત્ર કોણ ? – સંત ‘પુનિત’

 1. સુંદર વાર્તા. હું ભૂલતો ન હોઉં, તો થોરો ગાંધીજીના પ્રેરણાસ્રોત હતા.

 2. bahuj saras vat
  jivan ma pote bhul kari teni kabulat karvi te bahu j muskel kar chhe…
  aabhar sah…

 3. અમિત પિસાવાડિયા

  સરસ , આદર્શ જ જીવન સુંદર બનાવે છે.

 4. Really good article !

 5. Yes, Very good story about morality, intrigity & honesty to be adopted in one’s own life.
  We can never digest money earned by fooling innocent persons by making deal of undervalued price then the regular market price by taking advantage of the ignorance & helpness of the opponent client, i.e seller’s. We may not get peace of mind & it will pinch & will remind us such ungratefull act for whole rest of life.

 6. very nive story.

  thank you

 7. Nice story about moral.Person has to implement the things in real life what he thinks and what he advise to other,this is I think moral of the story.

 8. Person has to implement the things in real life what he thinks and what he advise to other,this is I think moral of the story.

 9. su feeligs sarkhi na hoy sake ?mare etluj kahevu chhe ke aapna bhutkalni bhuone sudharvano samay avyo chhe khubaj sars vat vachi aakhma pani avi gaya.mohanbhai tamaro abhar.

 10. THIS STORY GIVES US A INSPIRATION FOR COMING THIS NEW YEAR.

  BEST WISHES

  UMESH PANCHAL