દોડમાં છેવટે જીતશે કોણ ? – રવિશંકર મહારાજ

એક હતી વેશ્યા. તે દોડવામાં બહુ જ હોંશિયાર. તેણે આખી દુનિયામાં જીત મેળવી હતી. તેની એક શરત હતી. તે કહેતી કે તેની સાથે દોડવાની હરીફાઈ કરનાર હારે તો તેનો ગુલામ થાય, અને જીતે તો પોતે તેની ગુલામ થાય. આ રીતે તેણે અનેકને ગુલામ બનાવ્યા હતા.

એક વખત તે ગ્રીસ દેશમાં ગઈ. તેણે દોડનારાઓને આહવાન કર્યું. એક જણ તેની સાથે હરીફાઈ કરવા તૈયાર થયો. તેણે આગલે દિવસે દેવળમાં જઈ પ્રાર્થના કરી. ત્યાં તેને એક ગેબી અવાજ સંભળાયો કે ‘તું નીચું જોઈને દોડજે; જા, તારી જીત છે !’

બીજે દિવસે બંને જણે દોડવાનું શરૂ કર્યું, પેલી બાઈ તો આમતેમ જોતી જાય અને દોડતી જાય; જ્યારે પેલો માણસ નીચું જોઈને દોડ્યે જતો હતો. બાઈ તો જોતજોતામાં આગળ ચાલી ગઈ. પણ રસ્તામાં તેણે એક સોનાની પાટ દેખી. તેણે થોભીને એ પાટ લીધી. એટલામાં પેલો માણસ સાથે થઈ ગયો. ત્યાં પછી બીજી સોનાની પાટ મળી. તે લેવા રોકાઈ. આ પ્રમાણે ચાલ્યા કરતું હતું.

છેવટે પેલી બાઈ પાસે તો પાટોનો ભાર વધવા માંડ્યો અને તે થાકવા લાગી. પેલો માણસ આગળ થઈ ગયો અને જીત્યો. તેને પેલી બાઈ મળી અને સાથે સોનાની પાટો પણ મળી. અને જેટલા ગુલામો હતા, તે બધાને તેણે છોડી મૂક્યા.

આપણે પણ દુનિયામાં જીતવું હોય, તો નીચું જોઈને જીવવું જોઈએ. નીચું જોવું એટલે એકચિત્ત થવું, લોભ અને લાલચને વશ ન થવું, તેની સામે ન જોવું, ડાફરિયાં ન મારવાં. જે નીચું જોઈને ચાલે છે તેની ચાલ દુનિયાને ધીમી લાગે છે, છતાં દુનિયા તેને જ પગે લાગે છે.

પોતાને ભાગ જે કામ આવ્યું, તે સુંદર રીતે, નીચું જોઈને, એકાગ્ર થઈને કરી બતાવનારા દુનિયામાં પૂજાય છે. એ પૂજાય છે કારણકે તે ઈશ્વરની સાચી સેવા કરે છે, સાચી પૂજા કરે છે. આપણે પણ તેવી જ પૂજા કરીએ.

Advertisements

2 responses to “દોડમાં છેવટે જીતશે કોણ ? – રવિશંકર મહારાજ

  1. અમિત પિસાવાડિયા

    સરસ ,, એકાગ્રતા જ જીત ની ચાવી છે

  2. અલ્યા ભાઇ, આપણે વર્ષાબેનને માનવા કે રવિશંકર મહારાજને?
    આ તો માળા ફસાણા!
    મને લાગે છે કે બન્ને વાતનો જીવનમાં સુમેળ કરવો જોઇએ. વિવિધતાની સાથે એકાગ્રતા. કામ કરીએ ત્યારે રવિશંકર મહારાજ વાળી વાત ધ્યાનમાં રાખીએ , પણ થોડીક રીસેસ પણ પાડતા રહીએ, જેમાં થોડા ડાફોળીયા મારી શકાય….!!!