ગીતા – ડૉ. આઈ. કે. વીજળીવાળા

‘ગીતા સિરિયસ થઈ ગઈ છે. જલ્દી આવી જાવ.’ રાત્રે એક વાગ્યે મને મળેલ કૉલમાં આ પ્રમાણેનું વાક્ય લખ્યું હતું.

એ વખતે હું એમ.ડીના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં હતો. ભણવાની સાથે બાળદર્દીઓની સારવાર પણ અમારી ટ્રેનિંગનો એક ભાગ હતી. આ જવાબદારી ખૂબ જ નિયમિત અને અત્યંત ચુસ્તતાપૂર્વક નિભાવવાની હોય છે. ગમે તે સમયે કોઈ પણ દર્દીને તકલીફ વધે તો જુનિયર ડૉકટર જે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તે અમને કૉલ લખીને બોલાવે. એ સમયે વાંચવાનું તેમજ ડ્યુટી બજાવવાની એમ બેવડી જવાબદારીઓ વેંઢારવાની આવતી. આરામ અને અમૃત શબ્દોમાં કંઈ ફર્ક ન લાગે, એ એકબીજાના પર્યાય લાગે એવા એ કરા દિવસો. આવી જ અમૃતનો આસ્વાદ કરવાની ક્ષણોની વચ્ચે ઉપર મુજબનો કૉલ આવ્યો હતો. આવા કૉલનો અર્થ દર્દી હવે અત્યંત ગંભીર છે એવો પણ અમે ગણતા. કદાચ પહોંચીએ ત્યાં સુધીમાં એ બાળક આ ફાની દુનિયા છોડી ગયું હોય તેવું પણ બને.

પણ આજના કૉલથી આઘાત લાગે તેવું જરા પણ નહોતું, કારણ કે ગીતા તો સિરિયસ જ હતી. એ દાખલ થઈ ત્યારથી જ એની તબિયત ગંભીર હતી. આજના કૉલનો અર્થ તો ફક્ત એટલો જ હતો કે, ‘ગીતા હવે ડચકાં ખાવામાંથી મુક્ત થઈ ગઈ છે.’

આ ગીતા ફક્ત અગિયાર વરસની ખૂબ જ વાતોડિયણ છોકરી હતી. છોટાઉદેપુર તરફના ગામડામાંથી આવતી એ આદિવાસી દીકરી શામળી પણ ખૂબ જ નમણી હતી. ગળાના કાકડા પાકવામાંથી અને રહ્યુમેટિક ફીવર નામનો એક સાંધાનો વા થયેલો. જેનાથી હૃદયનો વાલ્વ ખરાબ થઈ ગયો હતો. એ રોગની ખાસિયત હૃદયના મુખ્ય વાલ્વને ખરાબ કરવાની હોય છે. આ પ્રકારનો સાંધાનો વા થયા પછી બેન્ઝાથીન નામથી ઓળખાતું પેનિસિલિનનું એક ઈંજેકશન દર 21 દિવસે લેવું પડે છે. અને જો એ પ્રથમ ઍટેકથી જ નિયમિત ન અપાય તો એના ઉત્તરોત્તર થતા હુમલાઓ સાંધાઓને તો કંઈ નથી કરતા પણ હૃદયને ખૂબ જ નુકશાન પહોંચાડે છે. ગીતાના કિસ્સામાં પણ આવું જ બનેલું. સારવારના અભાવે એક પછી બીજો એમ વાનો હુમલો આવતો ગયો અને ગીતાના નાજુક હૃદયમાં પારવારનું નુકશાન કરી નાખ્યું હતું. એકાદ વખત ગીતાનાં માબાપ એને નજીકના સરકારી આરોગ્યકેન્દ્રમાં લઈ ગયાં હતાં. ત્યાંના ડૉક્ટરે ગીતાને તપાસીને તરત જ એને વડોદરા લઈ જવાની સલાહ આપેલી. પણ મજૂરીએ કરીને પેટિયું રળવામાં જ લોથ થઈ જતાં એનાં માબાપ માટે વડોદરાના મોટા દવાખાનાનો ધક્કો વધારે પડતો ખર્ચાળ બને તેમ હતો. એમને વડોદરા આવવું પોસાય તેમ જ નહોતું. બસના ભાડાનો વેંત કરવા માટે એકાદ બકરું વેચી નાખવું પડે તેના કરતાં તો અમુક પાંદડાં ગરમ કરી ગીતાને પગે બાંધવાં અને એવી બધી ઘરગથ્થુ દવાઓ કરવી એવું નકકી કરવામાં આવેલું. આમાં ઉંબેરણની માફક ગામના ભૂવાઓ પણ થોડાં મંત્ર-તંત્ર ઝાડી આપ્યાં. આ રોગનાં કુદરતી ક્રમ પ્રમાણે ગીતાનો પગ તો સારો થઈ ગયો પણ એના હૃદયનો વાલ્વ વેતરાઈ ગયો. છેલ્લાં બે દિવસથી એને ચાલતી વખતે તેમજ ઘરનું કામ કરતી વખતે શ્વાસ ચડતો હતો. જ્યારે થોડુંક ચાલતાં ચાલતાં પણ એને શ્વાસ ચડવા માંડ્યો અને રાત્રે પણ એ ક્યારેક હાંફતાં હાંફતાં પરસેવે રેબઝેબ થઈ જવા માંડી ત્યારે એને કોઈક ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે એવું એનાં માબાપને લાગવા માંડ્યું હતું. સમય પસાર થતો ગયો તેમ રોજ રાત્રે ગીતાને ઊંઘમાંથી અચૂક બેઠાં થઈ જવું પડતું. એક દિવસ એને ખૂબ જ ઉધરસ સાથે ગળફામાં લોહી પડ્યું. બસ ! આ લોહી દેખાયું એટલે ગીતાને મોટા દવાખાને લાવવાનો નિર્ણય લેવાયો હતો. એને અમારા વોર્ડમાં જ ભરતી કરવામાં આવેલી. આમ તો એ દાખલ થઈ એ દિવસથી જ એવું લાગતું હતું કે એ લાંબું નહીં ખેંચે. એના બધા જ રિપોર્ટસ્ કહેતા હતા કે હૃદયનો ડાબી તરફનો મુખ્ય વાલ્વ જે માઈટ્રલ વાલ્વના નામે ઓળખાય છે તે સાવ કરતાં સાવ સાંકડો થઈ ગયો હતો. એ પરિસ્થિતિની મુખ્ય સારવાર છે ઑપરેશન દ્વારા એ વાલ્વને પહોળો કરી નાખવો. પણ એ સારવાર એ વખતે ખૂબ જૂજ દર્દીઓ પર કરવામાં આવતી. અને એવા દર્દીઓને પણ પુષ્કળ જોખમ રહેતું. આ બધું જોતાં એવું લાગતું હતું કે ગીતા હવે થોડા દિવસની જ મહેમાન છે. છતાં અમે એની સારવાર બની શકે તેટલી કાળજીથી કરતા હતા. એન હૃદયને થોડો પણ ફાયદો થઈ શકે તો તે કરવા અમે સૌ કટીબદ્ધ હતા.

કુદરતનું કરવું હશે તે દાખલ કર્યાના થોડા દિવસમાં ગીતાને ઘણું સારું લાગવા માંડ્યું હતું. હવે એને શ્વાસ ચડવો બંધ થઈ ગયો હતો. એ આખા વોર્ડમાં આંટા મારી શકતી હતી. અને પછી તો તે ગામડાની ભોળી અને માસૂમ દીકરી, એની અદ્દભૂત ગામઠી બોલી અમારા સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયાં. અમે એની વાતોમાં અમારો થાક પણ ભૂલી જતા. એ એના ગામડાની, એનાં બકરાંની, છોટાઉદેપુરના જંગલની વાતો માંડતી ત્યારે એ તો એમાં ખોવાઈ જ જતી. પણ અમને પણ એના ગામડાની માનસિક સફર કરાવી આપતી. એ લોકો બકરાંનો પાલો કેવી રીતે ભેગો કરતાં, પાંદડાં પાડવા ઝાડ પર શી રીતે ચડતાં, એ વખતે કોણ કોણ પડેલું અને કેવા કેવા છબરડા થયેલા તેની વાતો કરતાં એ ખિલખિલાટ હસી પડતી અને આખા વૉર્ડમાં પણ હાસ્યનું મોજું ફેલાઈ જતું.

પણ એની આ શાંતિ થોડાક દિવસ પૂરતી જ હતી. એને અપાયેલી દવાઓની અસર થોડાક વખતમાં જ મંદ પડવા લાગેલી. ધીરે ધીરે ગીતા પોતાનો ખાટલો છોડીને ક્યાંય ન જઈ શકતી. હવે એને ચાલતી વખતે ફરી વખત શ્વાસ ચડવા માંડ્યો હતો. એને થાક પણ તરત જ લાગી જતો. અને ધીરે ધીરે થોડાક દિવસથી નહીં દેખાયેલી ઉધરસ ફરીથી દેખાવા લાગી હતી. અમને એનાં લક્ષણોની ચિંતા થતી હતી, પણ અમે ગીતાનાં માબાપ જેટલા જ લાચાર હતા. આનાથી વધારે સારવાર એ વખતે શક્ય જ નહોતી. ગીતાને હવે શ્વાસ ચડવાનું પ્રમાણ વધવા માંડ્યું હતું. ઉધરસ પણ ખૂબ જ રહેતી. થોડા જ દિવસમાં એ વધારે વાતો પણ નહોતી કરી શકતી. છોટાઉદેપુરનું જંગલ એ દીકરીની આંખોમાં અડાબીદ ઊગેલું હતું પણ એને અમારી સુધી પહોંચાડવા માટે એનું શબ્દોનું માધ્યમ નકામું બની ગયું હતું. એની આંખો વાંચીને અમે વધારે દુ:ખી થઈ જતા હતા.

ગીતાનો બાપ રાતદિવસ એની જોડે જ રહેતો. ગીતા એની ખૂબ જ લાડકી હતી એ એની વાતો પરથી તેમજ એ જે રીતે ગીતાની કાળજી રાખતો તેનાથી જણાઈ આવતું. અમે ગમે ત્યારે વોર્ડમાં જઈએ ત્યારે ગીતા જોડે એનો બાપ હાજર જ હોય. ગરીબડો બાપ વારે વારે હાથ જોડીને, ‘સાહેબ ! મારી ગીતાને સારું તો થઈ જશે ને ?’ એવું પૂછતો અને અમે એને (અલબત્ત, ખોટું જ) આશ્વાસન આપતા કે, ‘હોવે કાકા ! એ તો દોડતી જશે.’ અને એ ભોળો ગામડિયો જાણે દેવદૂતોએ વરદાનના શબ્દો ઉચ્ચાર્યા હોય તેવો આનંદ અનુભવતો. અમે એની આંખોમાં જોવાની હિંમત ન હોવાથી ઝડપભેર બીજા દર્દી પાસે પહોંચી જતા.

ગીતાને ખૂબ જ શ્વાસ ચડવાથી છેલ્લા બે દિવસથી અમારે ઑક્સિજન શરૂ કરવો પડ્યો હતો. એ હવે કંઈ પણ બોલી શક્તી નહોતી. ઊંહકારા ભરવાથી વિશેષ એની પાસે કોઈ ભાષા જ હવે નહોતી રહી. એનો બાપ પણ હવે અમારાં વચનોની નિરર્થકતા સમજી ચૂક્યો હતો. બે દિવસથી એણે રટણ શરૂ કરી દીધું હતું કે, ‘હવે અમારે દવા નથી કરાવવી. અમને રજા આપી દો. એ છોડી મરી જવી હોય તોય ભલે અમારા ઘરે જઈને મરતી. પણ અમને જવા દો.’ અમારું સૌનું મન પણ હવે આ છોકરી નહીં બચી શકે તેમ કહેતું હતું પણ દર્દીના અંતિમ શ્વાસ સુધી આશા ન જ છોડવી એવું અમને શીખવવામાં આવ્યું હોય છે. છેલ્લા શ્વાસથી પણ દર્દી પાછા ફર્યાના દાખલા મોજૂદ હતા એટલે અમે લોકો સંપૂર્ણ હાર માની લેવા તૈયાર નહોતા. ક્રિકેટની રમતમાં છેલ્લી ઓવરમાં દોઢસો રન કરવાના બાકી હોય તેવો અમારો ઘાટ હતો. તેમ છતાં અંતિમ દડા સુધી રમવાની અમારી તૈયારી હતી. એ સાંજે હું રાઉન્ડ લેવા ગયેલો ત્યારે ગીતા ખૂબ જ હાંફતી હતી. માંડ માંડ બે-ચાર શબ્દો બોલેલી કે, ‘મને ..સા..રું..થઈ..જશે…? અને એ વખતે એના માથા પર હાથ ફેરવીને મેં એને ખોટી હા પાડેલી.

અત્યારે રાત્રે એક વાગ્યે આવેલા કૉલમાં ગીતા ખૂબ સિરિયસ છે તેવું ભલે લખેલું હતું પણ તેનો મતલબ તો એવો જ હતો કે હવે કદાચ ગીતાને કોઈ દવા કે ઑક્સિજનની જરૂર જ નહીં રહી હોય. હું દોડતો વૉર્ડમાં પહોંચ્યો ત્યારે જુનિયર ડૉકટર ડેથ સર્ટિફિકેટ ભરી રહ્યા હતા. ગીતાનો બાપ એમની બાજુમાં જમીન પર ઉભડક બેઠો હતો. એ સાવ સૂનમૂન થઈ ગયો હતો. એને શું કહેવું તેમજ શું વાત કરવી એ ન સમજાતાં હું પણ ત્યાં એક ખુરશી પર મૌન ધારણ કરી બેસી ગયો.

ગીતાના હૃદયમાં ખરેખર શું તકલીફ હતી એ જાણવા માટે અમારા બધાની ઈચ્છા એનું પોસ્ટમૉર્ટમ કરાવવાની હતી. એ સમયે સરકારી ઈસ્પિતાલમાં ઈકોકાર્ડિયોગ્રાફી માટેનું મશીન નહોતું. એટલે એનું પોસ્ટમૉર્ટમ જ એના હૃદયની સાચી તસવીર અમને બતાવી શકે. અને પોસ્ટમૉર્ટમથી જ આવી પરિસ્થિતિ અંગેની પૂર્ણ જાણકારી મળી શકે. ગીતાના બાપને ગીતા ખુબ જ લાડકી હતી એ હું જાણતો હતો. એને આ વાત કરવી કઈ રીતે ? આમેય આપણા દેશમાં પોસ્ટમૉર્ટમ અંગેની મંજૂરી મેળવવા માટે માબાપને સમજાવતાં દમ નીકળી જતો હોય છે. ગીતાનો બાપ શૂન્યાવકાશમાં ક્યાંક તાકી રહ્યો હતો. એની આંખોના ખૂણે રહેલી ભીનાશ એના આઘાતને છતો કરી દેતી હતી. જો અત્યારે જ પોસ્ટમોર્ટમ માટેની મંજૂરી ન મળે તો અમારા માટે એક રોગ પૂરેપૂરો સમજાયા વગર જ પૂરો થઈ જતો હતો.

હિંમત કરીને મેં ગીતાના બાપને કહ્યું, ‘કાકા ! ગીતા તો ગઈ. ઈશ્વરની ઈચ્છા હતી તેમ થયું. એ આયુષ્ય જ ઓછું લખાવીને આવી હશે. હવે આવા બીજા કોઈ દર્દીની દવા કેમ કરવી એની અમને વધારે સમજણ પડે એટલા માટે તેનું પોસ્ટમોર્ટમ કરાવવાની અમારી ઈચ્છા છે. એનું હૃદય અમારે અંદરથી તપાસવું છે. જો તમે એની મંજૂરી આપો તો જ એ શક્ય બની શકે…’

એ માણસ બેચાર ક્ષણ મારી સામે જોઈ રહ્યો. હું એના ભાવ કળવા પ્રયત્ન કરતો હતો. મને થયું કે કદાચ આપણા લોકોના માનસ મુજબ એ ના પણ પાડી દે. એ થોડો વધારે ગંભીર થયો. પછી કંઈક વિચારીને એક ઊંડો શ્વાસ એણે લીધો, ઉભડક બેઠો હતો તેમાંથી એ ઊભો થયો. બે હાથ જોડ્યા પછી મને આજીજી કરતો હોય તેમ બોલ્યો, ‘એક કામ કરશો મારું ?’

‘બોલો, કાકા ! તમે જે કહેશો તે કરશું. બસ, તમે પોસ્ટમૉર્ટમ કરવાની રજા આપો.’ મેં કહ્યું.

‘ઈ તમે ભલે કરો. લાવો તમે ક્યો ત્યાં અંગૂઠો મારી દઉં. એના શરીરને જેમ તપાસવું હોય તેમ તમ-તમારે તપાસો. પણ મારું કામ કરી આપો તો તમારા જેવો ભગવાનેય નહીં.’

‘બોલો, કાકા ! તમે નિ:સંકોચ બોલી નાખો.’ મેં કહ્યું.

‘તમે ગીતાના મડદાને પછી બાળી નાખશો ? મારું એટલું કામ કરી દેશો ?’

અમે સૌ સ્તબ્ધ થઈ ગયા. કોઈ પોતાના બાળકની અંતિમક્રિયાની જવાબદારીમાંથી આ રીતે મુક્તિ મેળવવા કરે ખરું ? લાગતું તો એવું હતું કે એ કાકાને ગીતા ખૂબ જ વ્હાલી હોય.

‘અરે કાકા ! તમને તો ગીતા બહુ વહાલી હતી તો પછી એને તમારે ગામડે નથી લઈ જવી ? પોસ્ટમૉર્ટમ તો હમણાં એકાદ કલાકમાં પતી જશે. પછી એની અંતિમક્રિયા તો તમારા ઘરે જ કરવાની હોય ને ?’ મેં કહ્યું.

‘બાપા ! ઈ છોડી તો મને બહુ વહાલી હતી. એને આમ મૂકીને જતાં મારોય જીવ નથી ચાલતો. પણ….’ એ બે ક્ષણ કંઈ બોલી ન શક્યો. એનાં આંસુઓ એના ગાલ પરથી હવે નીચે ટપકી રહ્યાં હતાં.

‘તો પછી કેમ નથી લઈ જવી ? બોલો ! શું તકલીફ છે એને લઈ જવામાં ? મને કહેવા જેવું હોય તો તમે જાણ કરી શકો.’ એ માણસ મૂંઝાતો હોય તેવું મને લાગ્યું.

થોડીવાર અટકીને એ બોલ્યો, ‘લઈ તો જાવી છે પણ એને લઈ કેમ જવી ? મારી પાસે ખિસ્સામાં એક ફદિયુંય (રૂપિયો) નથી. પછી એને બાળવાના પૈસાય જોહે ને ?’ એ ગરીબ માણસે પોતાનું દિલ ખોલી જ નાખ્યું.

એ વખતે એની આંખમાં તો આંસુ હતાં જ. અમારી આંખો પણ ભરાઈ આવી હશે, કારણકે અમને પણ હવે ઝાંખું દેખાતું હતું. અમારી વાચા જ હણાઈ ગઈ હતી. કેવી ભયંકર આર્થિક ભીંસ હશે કે પોતાની વહાલસોયી દીકરીના શરીરને પણ એ માણસ જોડે નહોતો લઈ જઈ શકતો. આવા વખતે અમારી વચ્ચે એક વણલખ્યો પ્રોટોકૉલ હતો. કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ જેના ખિસ્સામાં જે કંઈ હતું એ સૌએ ટેબલ પર મૂકી દીધું. પોસ્ટમૉર્ટમ થઈ ગયા પછી હું અને જુનિયર ડૉક્ટર સાથે જઈ રિક્ષા બંધાવી આવ્યા. રિક્ષાવાળાને આવવા-જવાના પૈસા આપી દીધા. રિક્ષામાં બેસતી વખતે પેલાં ગરીબ માબાપ નિર્જીવ ગીતાને એવી રીતે ખોળામાં ગોઠવતાં હતાં કે જાણે એ જીવતી ન હોય ! પેલા માણસે પોતાનો એક હાથ જરાક ઊંચો કર્યો. બીજી ક્ષણે રિક્ષા રાતના અંધારામાં ઓગળી ગઈ…. નીરવ શાંતિ છવાઈ ગઈ ! ગીતા તો ગઈ. હા ! અમને એનું દિલ આપતી ગઈ હતી, તપાસ માટે. જેથી કદાચ અમે એવી બીજી કોઈ ગીતાની જિંદગી બચાવવા માટે વધારે ઝઝૂમી શકીએ.

Advertisements

23 responses to “ગીતા – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. આર્થિક લાચારી કેટલી હદ સુધી હ્રદયને લાચાર બનાવી જાય છે એનું જીવંત દ્રશ્ય અહીં તાદ્શ થયું છે.

 2. IT’S A VERY TOUCHY REAL STORY,WHICH TOUCHES THE HEART. I M FOND OF TO READTHE ARTICLES OF DR.VIJLIVALA…

  THANKS
  PARESH

 3. dhanya chhe ae abhan pita ne jene p.m. ni manjuri aapi..

  aapna docters ne pan jemne aek pitane vahalsoi putri ni antim kriya mate ni vyavshtha kari aapi

  aetle j aapne kahi saki ae chhi ae ke
  ame bhartiy chhi ae…
  MERA BHARAT MAHAN…
  aabhar sah…

 4. આપણા ભાવવિશ્વ ને ઢંઢોળી દે એવી..આંખોના ખૂણા ભીંજવી દે એવી..”મ” માણસ નો “મ”…”મ” મજબુરી નો “મ”..”મ” માણસાઈ નો “મ”…..”મ” નો મર્મ પામવાની તક આપવા બદલ ડૉ.વિજળીવાળા નો આભાર..

 5. It is wonderful story. I read his book “Silence Please”.
  I wish to know about Dr.Vijlivala’s other books. I would be pleased to contact him. If you have his contact details , Please share

  Pranam,

  Nikhil shah

 6. આંખમાં આંસુ આવી ગયા. માનવતા મહોરી ઉઠે એવા આવા સાચા પ્રસંગો વાંચવાના ઘણા ગમે છે. આપણા દેશમાં કેવી દારુણ ગરીબી છે એનો ખ્યાલ આવે ત્યારે એવો પ્રશ્ન મનમાં ઊઠે છે કે દેશે કરેલી પ્રગતિ ક્યારે દરેક નાગરિક સુધી પહોંચશે?

 7. ખરેખર હદ્ય કંપાવી નાખે તેવી કથા છે.

 8. અમિત પિસાવાડિયા

  ખુબ જ લાગણીસભર વર્ણન છે ,

 9. Thank you for publicing such a good story
  pl. convey these massage to Dr. Vijliwala if possible
  He is popular Gynechologist of Bhavnagar (Gujarat)
  He is very good doctor also.
  Dharmendra Rana

 10. this is a really good story. every doctor have a good and bed experience in life but life moves on. but the main religion of the world is humanity.

 11. It’s very heart touching story. I just can’t stop crying. Very Emotional. I just wish no one would go through this heartrending condition.
  Nothing more to say, everything is in the story.
  😦

 12. Sir its a really great experiance for u,u docters face a real situation of human beings.
  Good one,

 13. ભારતના ગામડામાં રહેલી ગરીબીનું તાદર્શ ચિત્ર દોર્યું છે ડૉ. સાહેબે.
  વધુને વધુ આવા હ્રદયસ્પર્શી અનુભવો લખશો એવી આશા સેવીયે છીયે.

 14. Very true and tochy story,it brought tears in my eyes

 15. Sir,
  Touchy story.
  Thanks for sharing with us.
  Mehul Trivedi

 16. Thanks Dr.Saheb, Heart throbbing experience you have depicted here with the words directly come from your heart. Truly speaking 95% doctors are heartless, they have no feeling, they only see the pocket of a patient. This is not only their fault, this is a gift of present mechanical age but, all doctors should understand that a patient rely on doctor as much as on God. “MAY GOD CREATE ALL DOCTORS LIKE YOU”

 17. It is very emotional story.

 18. A very very touchy and emotional story. Dil ko chu lane wali! 100/100 to Geeta’s father who, though uneducated, gave permission for Geeta’s p.m.

 19. Very nice emotional story.

 20. atali saras web site saru karva badal khub khub abhindan,gujarati sahitay ne jivant karva ma apnu yogdan amulaya raheshe.

  jay jay gavi gujarat ane abhinandan

 21. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » સાયલન્સ પ્લીઝ - ડૉ. આઈ.કે. વીજળીવાળા

 22. touched to heart. i have also liked very much the gujarati book “:moti no charo ” dr vijaliwala…… pl continue to bless us with your writings ok

 23. પિંગબેક: સાયલન્સ પ્લીઝ - ડૉ. આઈ.કે. વીજળીવાળા | pustak