બે સુંદર લધુકથાઓ

ભૂતકાળનું પાપ ને ભાવિ દિશા

પર્વતીય પ્રદેશમાં ઘેટાં બહુ મૂલ્યવાન ગણાય છે. ઘેટાં ઊન આપે તે વેચી લોકો ગુજરાન ચલાવે. આ પ્રદેશોમાં પહેલાંના વખતમાં ઘેટાંની ચોરી બહુ મોટો ગુનો ગણાતો. તેને માટે ભારે સજા થતી. ઘેટાં ચોરનારને ગામલોકો હડધૂત કરતા. આવા એક ગામમાં બે ભાઈઓએ ઘેટાંની ચોરી કરી. એમની ચોરી પકડાઈ એટલે બંનેને કઠોર સજા કરવામાં આવી. એ ઉપરાંત ભઠ્ઠીમાં તપાવેલા સળિયાઓથી એમના કપાળ પર ‘દુ.ત.’ એવા અક્ષરો કોતરવામાં આવ્યા. ‘દુ’ એટલે ‘દુષ્ટ’ અને ‘ત’ એટલે ‘તસ્કર’ એટલે કે ચોર. આ રીતે કોતરેલા અક્ષરો ભૂંસી શકાતા નથી. તે કપાળે ચોંટેલા જ રહે.

બંને ભાઈઓ બહુ દુ:ખી થઈ ગયા. આખા ગામમાં બંને વગોવાઈ ગયા. કોઈ તેમને કામે રાખતું નહીં. બંને જ્યાં જાય ત્યાં લોકો એમની અને કપાળે ચોડેલા અક્ષરો માટે મશ્કરી કરી તેમની હાંસી ઉડાડતા. ગામમાં રહી દુ:ખી થવા કરતાં બીજે ચાલ્યા જવું સારું, એવી ગણતરીએ મોટો ભાઈ ગામ છોડી નાસી ગયો. પણ પર્વતીય પ્રદેશનાં બીજાં ગામોમાં પણ કપાળે લખેલા અક્ષરો તેના અસલ રૂપની ચાડી ખાતા. કોઈ કામ આપતું નહીં કે રાખતું નહીં.

નાનો ભાઈ પોતાના ગામમાં જ રહ્યો. પોતાના ભુતકાળના ગુનાથી પોતે છૂટી નહીં શકે તે તેણે સ્વીકારી લીધું, પણ ભવિષ્ય સુધારવાનું તેણે નક્કી કર્યું. એણે લોકોને જણાવ્યું કે ભૂતકાળના ગુના માટે તેને પસ્તાવો થાય છે અને હવે તેણે સુધરવાનું નક્કી કર્યું છે. પોતાના ભૂતકાળનો તે સામનો કરવા માંડ્યો. કોઈ ચીડવે કે હાંસી ઉડાવે તો ગુસ્સે થતો નહીં. નમ્રતાથી માફી માગતો ને ભૂતકાળ ભૂલી જવા વિનંતી કરતો. એ મહેનતુ હતો, વફાદારીપૂર્વક કામ કરતો. અડોશ-પડોશ અને દુ:ખિયાઓને મદદ કરતો. ધીમે ધીમે નાના ભાઈની છાપ સુધરી, શાખ બંધાવા માંડી. લોકો એને કામ આપવા માંડ્યા. તેનો સારો સ્વભાવ, મદદ કરવાની ભાવના અને નમ્રતા જોઈ લોકો તેને માન આપવા લાગ્યા. નવી પેઢીના લોકો એના કપાળ પર કોતરેલા અક્ષરોનો અર્થ પણ ભૂલી ગયા. ક્યારેક વિચાર કરી તેઓ સમજતા કે દુ. ત. એટલે ઈશ્વરનો દૂત. જે માણસોની મદદ કરવા આવ્યો છે.

આપણાં દુષ્કર્મોથી નાસી શકાતું નથી, છૂટી શકાતું નથી. તેનું ફળ ભોગવવું પડે, પણ ભવિષ્ય સુધારવાનું આપણા હાથમાં છે. સતત પુણ્યનાં કામો કરી ભૂતકાળની છાપ ભૂંસી શકાય છે. ગઈ કાલનો બૂરો માણસ, આજનો ને ભવિષ્યનો સંત બની શકે છે. વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની શકે છે. ભૂતકાળનાં પાપો વાગોળવાથી કઈ ન વળે, સારાં કામો કરી ભૂતકાળને ભૂંસી નાખવામાં જ શ્રેય છે. પાપથી નાસવું નહીં, પણ સત્કર્મથી ભાવિ સુધારવું.

ઈચ્છાઓનો સંતોષ

ઈચ્છાપ્રસાદ ભારે આળસુ હતો અને એટલે જ ગરીબ પણ હતો. એક દિવસ એણે વિચાર્યું, ‘ચાલ કોઈ સિદ્ધયોગીને મળું. એની પાસે યાચના કરું કે એવું કોઈ વરદાન આપે જેથી આખુંય જીવન આનંદમોજમાં પસાર થઈ શકે.’ સિદ્ધયોગીની શોધમાં એ નીકળી પડ્યો. જંગલોમાં ફર્યો, પહાડો ચડ્યો, ગુફાઓમાં ગયો, બહુ રખડ્યો. અંતે એક સિદ્ધયોગી મળ્યા. ઈચ્છાપ્રસાદના રખડપાટથી સિદ્ધયોગીને દયા આવી. એમણે પૂછયું, ‘વત્સ, શાને માટે આટલું બધું કષ્ટ ઉઠાવ્યું છે. તારે શું જોઈએ છે?’ ઈચ્છાપ્રસાદે તરતજ કહ્યું, ‘મહારાજ, મને એવું કોઈ વરદાન આપો જેથી મારી આખી જિંદગી સુખચેનમાં વીતે.’ સિદ્ધયોગી જાણતા હતા કે માણસના મનમાં જ્યાં સુધી સારી અને નરસી બેસુમાર ઈચ્છાઓ છે ત્યાં સુધી એને સુખચેન મળવાનું નથી, પણ ઈચ્છાપ્રસાદને આ સત્ય સમજાય એ માટે તેમણે ઈચ્છાપ્રસાદને એક આસન આપ્યું અને કહ્યું કે આ આસન પર બેસી તું જે ઈચ્છા અને વિચાર કરીશ તે પરિપૂર્ણ થશે.

ઈચ્છાપ્રસાદ તો રાજી રાજી થઈ ગયો. તે આસન પર બેઠો અને જલ્દી ઘરે પહોંચવાની ઈચ્છા કરી. તરત જ ઘરે પહોંચી ગયો. ભૂખ બહુ લાગી હતી. તેણે ભોજનના સ્વાદિષ્ટ રસથાળની ઈચ્છા કરી અને તરત જ મીઠાઈઓ, ફરસાણ, જાતજાતનાં શાકભાજી અને અન્ય સામગ્રીઓ ભરેલો ભોજનથાળ હાજર થઈ ગયો. હવે ઊંઘવાનો વિચાર આવ્યો અને સરસ મજાનો પોચા ગાદલા અને તકિયાઓવાળો પલંગ હાજર થઈ ગયો. ઈચ્છાપ્રસાદ ઘસઘસાટ ઊંઘી ગયા.

ઊંઘીને ઊઠ્યા પછી ઈચ્છાપ્રસાદે વ્યવસ્થિત વિચારવા માંડ્યું. અત્યારનું ઘર સાવ નિર્માલ્ય અને ખખડી ગયેલું હતું. આસન પર બેસી તેણે સરસ મજાના મહેલની ઈચ્છા કરી. બાગ-બગીચા, નાનકડા પાણીના કુંડ અને મોટા ખંડોવાળો મહેલ તૈયાર થઈ ગયો. તેમાં રાચરચીલું જોઈએ. તેથી ઈચ્છાપ્રસાદે તે માટે ઈચ્છા કરી. મહેલમાં બધે સુંદર રાચરચીલું ગોઠવાઈ ગયું. મહેલ અને રાચરચીલું સાફ કરવા નોકરો જોઈએ એવો વિચાર આવ્યો અને નોકરો હાજર થઈ ગયા. ઈચ્છાપ્રસાદે હુકમો છોડવા માંડ્યા.

ઈચ્છાપ્રસાદ હવે સર્વ વાતે સુખી હતો. પોતે સિદ્ધયોગીને મળવાની યુક્તિ કરી તે માટે પોતાના પર પ્રસન્ન હતો. એવામાં એને વિચાર આવ્યો, ‘આ બધું સુખ છે તો ખરું, પણ ધરતીકંપ જેવી દુર્ઘટના થાય તો શું થાય ?’ આ વિચાર આવતાંની સાથે જ ધરતીકંપ થયો. મહેલ તૂટી પડ્યો. નોકરો દટાઈ મૂઆ. મહેલ અને રાચરચીલું કાટમાળનો ઢગલો થઈ પડ્યું. ઈચ્છાપ્રસાદ માંડ માંડ કાટમાળમાંથી બહાર આવી શક્યો પણ એનું આસન તો ક્યાંય દટાઈ ગયું હતું. તેનું ઘર પણ રહ્યું નહોતું.

જ્યાં સુખી ઈચ્છાઓ છે, અસંતોષ છે, મનમાં અનિષ્ટ વિચારો છે ત્યાં સુધી કાયમી સુખ મળતું નથી.

Advertisements

4 responses to “બે સુંદર લધુકથાઓ

 1. અમિત પિસાવાડિયા

  ખરેખર બહુ જ સુંદર લઘુ વાર્તા ઓ છે , અને જીવન વિશે ઘણુ કહી જાય છે ,, કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ . મન ઘણુ જ ચંચળ છે જે મન પર વિજય મેળવે છે તેને સર્વત્ર સુખ જ નજર આવે છે.

 2. Bahu j sari varta o hati……I really appriciate ke aapna guajrat na loko haji vanchan ni vrutti dharave che.

  Thanks again for providing such a huge platform for reading……

 3. ahi mukela badha j lekho vanchvani khub maja padi, bas avi j rite biji avij sari ane moti kathao add karo to vadhare anand ave

  Hats off

  Amar