કાવ્યસુધા – નિતલ શેઠ

[રીડગુજરાતી.કોમને આવી સુંદર રચનાઓ લખી મોકલવા બદલ નિતલબહેન શેઠ ‘નિસર્ગ’ નો (વડોદરા) ખૂબ ખૂબ આભાર ]

જીવન : આંસુ અને આંટા

આંસુ પણ ક્યારેક ખોટા હોય છે,
વહે છે એ આંખમાંથી જ,
પણ આંખોને ક્યાં વાચા હોય છે ?
હા, આંખોને સમજનારાં સમજી શકે ખરા,
પણ સમજનારાં ક્યાં સાચા હોય છે ?

કોઈ બહારથી અને અંદરથી,
જીવે છે અલગ જીવન,
પણ વચ્ચેનાં બધા ક્યાં સીધા હોય છે ?

‘નિસર્ગ’ નામ આપે છે સ્વર્ગ અને નર્કનું,
માનવીના તો બસ ખાલી આંટા હોય છે.
પ્રવેશતાની સાથે જ રુદન કરે છે માનવી,
જતાની સાથે જ રુદન કરે છે માનવી,
પણ આખી જિંદગીયે ક્યાં હસતાં હોય છે?

જીવ પણ બળે છે, ધુમાડા પણ નીકળે છે,
દર વખતે ક્યાં એ લાકડા હોય છે ?
બસ ચાલે છે આ જીવન અનેક રસ્તાઓ પર,
પણ એ બધાં ક્યાં પાકા હોય છે ?


જિંદગીની વ્યથા-કથા

રોજ કેટલી જિંદગીઓ પ્રવેશતી હશે,
પ્રવેશતા ક્યાં ખબર છે,
કે પાછળ આવી જિંદગી પણ લખાયેલી હશે.
ભરપેટ સુનારા આંસુ સારી જીવતા હશે,
પણ એમને ક્યાં ખબર છે ?
કે ભૂખ્યા સુનારા હાસ્ય લઈને સૂતા હશે ?
આંસુ અને દુ:ખો વગર,
આનંદ નથી જિંદગીનો
છતાં આને કોસનારા પણ ક્યાંક દેખાતા હશે.
વ્યક્ત કરે છે પોતાની લાગણી, જુદીજુદી રીતે લોકો
પણ કોણ જાણે,
રાત્રે કેટલીય વ્યથાઓથી પાના ભરાતા હશે.

તારા વગર….

જિંદગી પસાર થાય છે, તારા વગર
અનેક ક્ષણો વીતાય છે, તારા વગર.
યાદ આવે છે, જીવનમાં ઘણી તું,
છતાંય એકલું લાગે છે તારા વગર.

છુપી નહોતા શકતા મારા આંખના આંસુ
પણ આજે દર્દ ઉભરાય છે, તારા વગર.
મારા જીવનમાં પહેલ કરી મંઝીલની તેં,
આજે એ મંઝીલ પર ચલાય છે, તારા વગર.

ક્યાં શોધું તને, કે ક્યાં રાહ જોઉં તારી,
બસ આંસુ સારી પાના ભરાય છે, તારા વગર
હંમેશા સાથે ચાલેલા આપણે,
પણ આજે કદમ ઉપાડાય છે તારા વગર

તારા અંતિમ શબ્દની રાહ જોતી બેઠી’તી,
કોક દિવસ હું પણ,
છતાં બંધ વાચાએ ચાલી નીકળી તું
અત્યારે બસ શબ્દના પડધા સંભળાય છે, ‘નિસર્ગ’ ને તારા વગર.

અંતરની વાત

અંદરથી આ અંતર બોલી પડે છે,
તમે નથી તો યાદ આવી પડે છે.
યાદ આવે છે તમારી એવી, કે આ નેન ઢળી પડે છે.

કહેવાનું મન થાય છે, ઘણું બધું તમને,
પણ એક શરમની રેખા આવી પડે છે.

હું નથી જાણતી ક્યાં છો તમે
કેવા છો તમે, શું કરો છો તમે
છતાં સપનામાં તમારી ખબર આવી પડે છે.

ખબર નથી તમારું અંતર શું કહે છે,
પણ મારું તો આ અંતર
અંદરથી બોલી પડે છે,
યાદ આવે છે તમારી એવી, કે આ નેન ઢળી પડે છે.

કોઈ ક્યાંક….

કોઈ ક્યાંક રડતું હશે,
લાચાર હશે એ અને અમને યાદ કરતું હશે.
એકલાપણું નઈ જીરવાતું હોય ને,
પળ પળ મરતું હશે…
સહેતું હશે એ ઘણુંને,
ભગવાનને પણ કોસતું હશે.
કેવી હશે એમની જિંદગી, ને એની
સામે બેબસ બનતું હશે.
હું યે ઈચ્છું કે એ ખુશ રહે,
પણ ભગવાન સામે ક્યાં કોઈનું
ચાલતું હશે ?
કોઈ ક્યાંક રડતું હશે,
લાચાર હશે એ અને અમને યાદ કરતું હશે.

Advertisements

2 responses to “કાવ્યસુધા – નિતલ શેઠ

 1. અમિત પિસાવાડિયા

  સરસ , શબ્દો સરસ રીતે તમો એ સજાવ્યા છે ,, ”અંતરની વાત” ની વાત ના શબ્દો બહુ ગમ્યા ,,
  શ્રી નિતલબહેન શેઠ ,, અભિનંદન ,,

 2. ઘણી જ સુંદર ભાવવાહી કવિતાઓ છે. કોઇ આના ગીતો બનાવી ગાય તો ઘણા સુરીલા લાગે.
  મેં એક બે ગીતો ગણગણી જોયા અને મારા પોતાના લયને માનવાની મજા આવી.

 3. Nitalben Sheth (NISARG),
  very good kavya-rachana.
  The one I liked the most from,
  “જીવન : આંસુ અને આંટા”
  જીવ પણ બળે છે, ધુમાડા પણ નીકળે છે,
  દર વખતે ક્યાં એ લાકડા હોય છે ?
  Thanks for sharing.
  Darshana