ગુડ ફ્રાઈડેનો સંદેશ – ફાધર વર્ગીસ પૉલ

માત્ર ફ્રાન્સના જ નહીં, પણ સમગ્ર દુનિયાના ઈતિહાસમાં નોંધાયેલ એક ઐતિહાસિક ચળવળ છે ફ્રાન્સની રાજકીય ક્રાન્તિ. સમગ્ર ફ્રાન્સમાં ઊથલપાથલ કરી નાખનાર એ રાજકીય ક્રાન્તિના પ્રણેતાઓએ શરૂઆતમાં સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાનાં ત્રણ ઉદાત્ત મૂલ્યો અને સિદ્ધાંતોની હિમાયત કરી હતી, પણ ઈતિહાસ નોંધે છે કે આ જ મૂલ્યો અને સિદ્ધાંતોને નામે જ ફ્રાન્સની રાજકીય ક્રાન્તિ દરમિયાન હજારો અને લાખો નિર્દોષ માણસો પણ હોમાઈ ગયા હતા.

ફ્રાન્સની રાજકીય ક્રાન્તિની વેદી પર હોમાયેલા અસંખ્ય નામી-અનામી લોકો પૈકીના બે યુવાનોની વાત આપણને ખાસ પ્રેરણારૂપ છે. એ બે યુવાનો થોડા વર્ષો પહેલાં વડાધર્મગુરુ જોન પૉલ દ્વિતિયે કૅથલિક ખ્રિસ્તીઓની ભક્તિ માટે સંત તરીકે જાહેર કરેલા ક્લોડીન થેવનેના સગા ભાઈઓ હતા. થેવનેની આંખ સામે એમના બે ભાઈઓને પકડી અત્યંત ક્રૂર રીતે રિબાવીને મોતને ઘાટ ઉતારતા હતા ત્યારે તેમના બન્ને ભાઈઓની છેલ્લી વિનંતી કલોડીનના કાને અથડાઈ, ‘કલોડીન, અમે આ લોકોને માફ કરીએ છીએ તેમ તું પણ એમને ક્ષમા કરી દેજે !’

ક્લોડીને પોતાના ભાઈના હત્યારાઓને માફી આપી અને એ દિવસથી તેમણે પોતાના સમગ્ર જીવન માટે ક્ષમા અને પ્રેમનું જીવનપાથેય બાંધ્યું. પોતાના સગા ભાઈઓની ખૂનીઓને ક્ષમા આપવામાં સંત ક્લોડીન ભગવાન ઈસુએ ચીંધેલા ક્રૉસ અને આત્યંતિક ક્ષમાના માર્ગે ચાલ્યા છે.

ભગવાન ઈસુના સમગ્ર જીવન અને એમના શિક્ષણનો એક અગત્યનો ભાગ જાણે ક્ષમાની ઘોષણા છે. પોતાના જાહેર જીવનની શરૂઆતમાં ઈસુએ લોકોને કહ્યું હતું કે, ‘તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ પર દ્વેષ રાખ એમ કહેલું છે એ તમે જાણો છો, પણ હું તમને કહું છું કે, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો, તો જ તમે તમારા પરમ પિતાનાં સાચાં સંતાન થઈ શકશો. તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે તથા પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે !’

એકવાર ઈસુના પટ્ટશિષ્ય પીટરે આવીને ઈસુને પૂછયું, ‘પ્રભુ મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલીવાર ક્ષમા કરવી ? સાત વાર ?’
ઈસુએ તેને કહ્યું, ‘મારો જવાબ એ છે કે સાતવાર નહીં, પણ સિત્તેર વખત સાતવાર.’ ઈસુના કહેવાનો મતલબ એ છે કે, માફી આપવામાં કોઈ મર્યાદા રાખવી ન જોઈએ. ક્ષમા આપવા માટે કોઈ શરત કે સીમા ન હોવી જોઈએ.

પોતાની આ વાત એક ખૂબ સુંદર દ્રષ્ટાંતકથા વડે ઈસુએ પોતાના શિષ્યોને સમજાવી. પોતાના માલિક પાસેથી પોતાના મોટા દેવાની માફી મેળવનાર નોકર પોતાના સાથી નોકરનું અલ્પ દેવું પણ માફ ન કરી શક્યો. ક્ષમા ન આપી શકનાર નોકરની દ્રષ્ટાંત કથા આપણે ભગવાના ઈસુને મોઢે સાંભળીએ :
‘ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથે હિસાબ ચોખ્ખ કરવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજું નહોતું એટલે રાજાએ તેને અને તેનાં બૈરીછોકરાંને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હૂકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, ‘જરા ખમી જાઓ, માબાપ ! હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ.’ આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતાં જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એનું થોડું લેણું હતું. એણે એને ગળચીમાંથી પકડીને કહ્યું, ‘મારું લેણું ચૂકતે કર.’ પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, ‘જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ.’ પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વાળતાં સુધી તેને જેલમાં નંખાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુ:ખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું તેમના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, ‘બદમાશ ! તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું. તો મેં જેમ તારા ઉપર દયા કરી, તેમ તારે પ તારા આ સાથીનોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી ?’ અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વળતાં સુધી તેને રિબાવવાનો હુકમ કર્યો.

‘જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે.’ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી ભગવાન ઈસુની ક્ષમાની આ વાતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે પોતાના સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતોના પાયામાં ક્ષમાનો જ આગ્રહ રાખ્યો છે. સત્યાગ્રહ અને અહિંસાની વાત સમજાવતાં ભારતીય રાષ્ટ્ર અને સમાજના હિતચિંતક ગાંધીજી લખે છે :
‘કોઈની લાતનો ભોગ બનનાર માણસ પોતાને રંજાડનાર ખૂની સામે કોઈ દ્વેષ રાખ્યા વિના એને માટે ભગવાનની માફી માગે છે તે માણસ ખરેખર સત્યાગ્રહી છે, અહિંસાનો પાલક છે. ઈતિહાસે માફીની આ વાતને ઈસુ ખ્રિસ્તે કહેલી બતાવી છે. એ જાણીતું છે કે, ક્રૂસ પર છેલ્લા શ્વાસ લેતાં ઈસુ ખ્રિસ્ત પોતાના દુશ્મનોને ઉદ્દેશીને બોલ્યા હતા કે હે પિતા, આ લોકોને માફ કર; પોતે શું કરે છે એનું એમને ભાન નથી.’

ભગવાન ઈસુએ આપેલા ક્ષમાના આ દાખલાએ અને બોધપાઠે ઈતિહાસમાં ગાંધીજીની જેમ ઘણા લોકોને આકર્ષ્યા છે. એક જ ભારતમાતાનાં સંતાનો તરીકે આપણે બધા પશ્ચાતાપી હૃદયે આપણી સાથે સીધી કે આડકતરી રીતે દુરાચાર કરનાર સૌ માણસોને ઉદારતાથી ક્ષમા આપીએ અને સાથોસાથ આપણે દુભાયેલા સૌ કોઈ માણસો પાસેથી નમ્રતાથી માફી માગીએ અને એ રીતે સ્મૃતિશુદ્ધિ પ્રાપ્ત કરીને રોજિંદા જીવનમાં પ્રેમપ્રેરિત માફીને રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ.

ક્રૉસ પર લટકીને પોતાના વેરીઓને માફી આપનાર ઈસુ ખ્રિસ્તનું એ જ આહવાન છે. ગુડ ફ્રાઈડેનો એ જ ક્ષમાનો સંદેશ છે. એમાં પ્રથમ પગલા તરીકે આપણે એકરાર કરવો જોઈએ કે આપણે સૌએ એકબીજાને દુભવ્યા છે. એકબીજાને નુકશાન પહોંચાડ્યું છે. બીજા પગલામાં નીતિન્યાયને રસ્તે સામાજિક, આર્થિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રશ્નો અને સમસ્યાઓનો સહિયારી રીતે સામનો કરી સૌને સંતોષ થાય એવી પરિસ્થિતિ સર્જવા તરફ આપણે પ્રતિબદ્ધ થવું જોઈએ, અને ત્રીજા પગલામાં સૌ લોકો વચ્ચે નીતિન્યાયના રસ્તે સમાનતા અને સુમેળભર્યો સંબંધ સ્થાપવાના યજ્ઞમાં આપણે જે કંઈ ત્યાગ કરવો પડશે, જે કંઈ વેઠવું પડશે એ માટે તૈયાર રહેવાનું છે. ક્રૉસના એ રસ્તે આપણે સફળતાને વરીશું. જીવનનો આનંદ માણીશું. ઈસુનો ક્રૉસ આખરે પુનરુત્થાન અને આનંદ તરફ જ આપણને દોરે છે.

Advertisements

2 responses to “ગુડ ફ્રાઈડેનો સંદેશ – ફાધર વર્ગીસ પૉલ

  1. પિંગબેક: જીવનનો આનંદ - ફાધર વર્ગીસ પોલ « રીડગુજરાતી : પુસ્તક પરિચય

  2. પિંગબેક: જીવનનો આનંદ - ફાધર વર્ગીસ પોલ | pustak