માયા અને મુક્તિ -સ્વામી વિવેકાનંદ

Swami Vivekanand[ આ લેખ સ્વામીજીએ 22 ઑક્ટોબર, 1895માં લંડનમાં આપેલા વ્યાખ્યાનનો એક અંશ છે. રીડગુજરાતીને આવો સુંદર લેખ ટાઈપ કરી મોકલવા બદલ સેજલબહેન પટેલનો (આણંદ) ખૂબ ખૂબ આભાર ]

એક કવિ કહે છે, ‘આપણે આ જગતમાં સોનાની જાળ લઈને આવીએ છીએ.’ પરંતું ખરેખર કહું તો આપણામાંથી બધા લોકો આ રીતે ઠાઠમાઠથી આ સંસારમાં પ્રવેશ કરતા નથી. એ વાતે કોઈ શંકા નથી કે આપણામાંથી ઘણા તો ઘોર અંધકારના ઓળા લઈને આ જગતમાં આવે છે. આપણને સૌને જાણે યુધ્ધ કરવા રણભૂમિ પર મોકલી દેવામાં આવ્યા છે. રડતાં રડતાં આપણે આ વિશ્વમાં પ્રવેશ કરવો પડે છે, યથાશક્તિ પ્રયાસ કરીને પોતાનો માર્ગ બનાવવો પડે છે. આ અનંત સંસારસાગરમાં આપણે આપણો માર્ગ બનાવીએ છીએ, અગણિત યુગ આપણે પાછળ છોડી દઈએ છીએ અને અસીમ વિસ્તાર આપણી સામે પથરાયેલો છે. આ જ રીતે આપણે ચાલતા રહીએ છીએ અને અંતમાં મૃત્યુ આવીને આપણને આ ભૂમિ પરથી ઉઠાવી જાય છે. વિજયી કે પરાજિત – કાંઈ નિશ્ચિત નથી. આ જ માયા છે.

બાળકના હ્યદયમાં આશા બળવત્તર હોય છે. બાળકના વિસ્મયસભર નેત્રો સમક્ષ સમસ્ત જગત જાણે ગુલાબી ચિત્ર જેવું ભાસે છે. તેને લાગે છે કે મારી જે ઈચ્છા હશે એ અચુક પુરી થશે. પરંતુ જેમ તે આગળ વધે છે તેમ દરેક તબક્કે પ્રકૃતિ તેની પ્રગતિની આડે કાળમીંઢ ખડકની જેમ અવરોધ બનીને આવે છે. આ અવરોધને દૂર કરવા તે વારંવાર વેગપૂર્વક તેની સાથે ટક્કર લે છે. જીવનભર તે જેટલો આગળ વધતો જાય છે. એટલો જ તેના આદર્શોથી દૂર જતો જાયે છે. અંતમાં મૃત્યુ આવે છે અને કદાચ આ બધાથી તેને છુટકારો મળી જાય છે. આ જ માયા છે.

એક જ્ઞાનપિપાસુ વિજ્ઞાની તેના સંશોધન કાર્યમાં મચી પડે છે. તેની પાસે એવું કાંઈ નથી જેનો તે ત્યાગ ન કરી શકે. કોઈ સંઘર્ષ તેને નિરુત્સાહ કરી શકે તેમ નથી.તે પ્રકૃતિના એક પછી એક રહસ્યોનો તાગ મેળવતો આગળ વધે છે. પરંતુ આ બધાનો ઉદ્દેશ શુ છે? આ બધું શા માટે કરવું જોઈએ? આપણે વિજ્ઞાનીઓને શા માટે માન આપીએ છીએ? તેમને પ્રતિષ્ઠા કેમ મળે છે? મનુષ્ય જેટલું કરી શકે છે એના કરતાં અનંતગણું પ્રકૃતિ નથી કરતી? પ્રકૃતિ તો જડ છે, અચેતન છે. તો પછી જડનું અનુકરણ કરવામાં શેનું ગૌરવ લેવું? પ્રકૃતિ વીજળીના એક ચમકારામાં પ્રચંડ વિદ્યુતશક્તિ પેદા કરે છે. મનુષ્ય એના સોમાં ભાગ જેટલું પણ કરે તો આપણે તેને આસમાને ચડાવી દઈએ છીએ. આ બધું શા માટે? પ્રકૃતિના અનુકરણ માટે, મૃત્યુના જડત્વ માટે, અચેતનના અનુકરણ માટે આપણે તેમની પ્રશંસા શીદને કરીએ? ગુરુત્વાકર્ષણ બળ અતિશય ભારેખમ પદાર્થને ચુર-ચુર કરી શકે છે, પણ તે જડ છે. જડના અનુકરણમાં શું લાભ? આમ છતાં આપણે સમગ્ર જીવન એના માટે જ સંઘર્ષ કરતા રહીએ છીએ. આ જ માયા છે.

ઈન્દ્રીયો મનુષ્યના આત્માના બહાર ખેંચી લાવે છે. મનુષ્ય એવી જગ્યાએ સુખ અને આનંદની તલાશ કરે છે જ્યાં તે તેને ક્યારેય પામી શકવાનો નથી. યુગોથી આપણે શીખતા આવ્યા છીએ કે આ બધું જ નિરર્થક અને વ્યર્થ છે: અહીં આપણને સુખ મળી શકે તેમ નથી. આપણે પ્રયત્ન કરીએ છીએ, એમાં ઠોકર પણ ખાઈએ છીએ, તો પણ આપણે શું શીખીએ છીએ? ના, તોય નથી શીખતા. ફુદાં દીપકની જ્યોતમાં ખાબકે છે એ જ રીતે આપણે ઈન્દ્રીયોમાં સુખ શોધવાની આશામાં વારંવાર પોતાની જાતને એમાં ઝબોળી દઈએ છીએ. પુન: પાછા આપણે નવા જોશથી ઝંપલાવતા રહીએ છીએ. બસ, આ ચક્ર ચાલતું જ રહે છે. અને અંતે લૂલા-લંગડા બનીને, છેતરાઈને મરી જઈએ છીએ. આ જ માયા છે.

આ જ વાત આપણી બુદ્ધીને પણ લાગુ પડે છે. આપણે વિશ્વના રહસ્યોનો તાગ મેળવવાના પ્રયાસો કરીએ છીએ. આપણે આ જિજ્ઞાસા, આ શોધખોળની પ્રવૃતિને રોકી નથી શકતા. આપણે આ બધું જ જાણી લેવું જોઈએ એવું આપણેને લાગે છે. જ્ઞાન કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. આપણને હજુ તો થોડા ડગલાં માંડીએ છીએ ત્યાં જ અનાદિ, અનંત કાળરૂપી કાળમીંઢ ખડક અવરોધ બનીને સામે આવે છે, જેને કારણે આપણે ઓળંગી નથી શકતા. થોડા આગળ વધીએ છીએ અને અસીમ વિસ્તાર અવરોધ બની સામે આવે છે, જેને અતિક્રમવાની આપણી ક્ષમતા નથી. આ બધું જ કાર્યકારણરૂપી દીવાલ દ્રારા સીમાબદ્ધ છે. આ દીવાલને આપણે નથી ઓળંગી શકતા. તો પણ આપણે સંઘર્ષ કરતા રહીએ છીએ આ જ માયા છે.

પ્રત્યેક શ્વાસની સાથે, હ્યદયના પ્રત્યેક ધબકારાની સાથે, પ્રત્યેક હલનચલનની સાથે આપણે એવું માની લઈએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ અને એ જ ક્ષણે આપણે જોઈએ છીએ કે આપણે સ્વતંત્ર નથી. આપણે પ્રકૃતિના ગુલામ છીએ. શરીર, મન, વિચારો અને દરેક પ્રકારના ભાવમાં આપણે પ્રકૃતિના ગુલામ છીએ આ જ માયા છે.

Advertisements

One response to “માયા અને મુક્તિ -સ્વામી વિવેકાનંદ

  1. It would do good, if the whole lecture can be posted here. This part seems nice though..