સુખ અને દુ:ખનો વેશપલટો – સુરેશ દલાલ

સૂફીઓની ફિલસૂફી જ જુદી. એની રહેણીકરણી, એના રંગઢંગ સાવ નોખા-અનોખા. બહુ બહુ તો એ લોકે બંગાળના બાઉલની નજીક આવે. એમનાં દષ્ટાંતો ઝેનનાં દષ્ટાંતો જેવાં. બહારથી કોઈ તર્ક ન લાગે, પણ અંદર જીવનનો કોઈ મર્મ ઊઘડતો જાય. રજનીશજી પણ એક પ્રકારના સૂફી જ કહેવાય. જો કે રજનીશજીને કશાયમાં બાંધવા ન જોઈએ. ઝેન હોય કે સૂફી હોય, મહાવીર હોય કે કૃષ્ણ હોય, વેદ કે ઉપનિષદ હોય, ક્રાઈસ્ટ હોય કે મીરાં હોય – એ બધાંને એમણે પચાવેલાં. જગતમાં જે કાંઈ વાંચ્યું હોય કે સાંભળ્યું હોય કે અનુભવ્યું હોય એને ઉદ્દગારે. સૂફીઓ માટે એમ કહેવાય છે કે એ લોકો બળબળતા રણમાં શિયાળાના ધાબળા જેવા ઝભ્ભા પહેરે. કોઈને નવાઈ લાગે કે રણમાં કેવી રીતે ધાબળા પહેરાય ? એમની દ્રષ્ટિ એ કે માણસ ભીતરથી શીતળ હોય, એના હૃદયમાં ચંદ્રની શાતા હોય તો બહારનો સૂર્ય કે એનો તાપ કે સંતાપ દઝાડી ન શકે. જ્વાળામુખી એનું કામ કરે તો ભીતર રહેલું ચંદનનું વૃક્ષ એનું કામ કરે. કશું સ્પર્શે જ નહીં. રજનીશજીએ સૂફી વિશે અનેક પ્રવચનો આપ્યાં છે. જોકે એમના એક પ્રવચનમાં અનેક ધારાઓ વહેતી હોય. એમણે સૂફી પંથ વિશે પ્રવચન આપતાં ચીનના લાઓત્સેની એક કથાનું દ્રષ્ટાંત આપ્યું છે. આ દ્રષ્ટાંત આપણને વિચારતા કરે એવું છે.

આપણે માણસો આવરા-બહાવરા, ઉતાવળિયા, વાતવાતમાં અભિપ્રાય ઓકતા નિર્ણયો બાંધતા – બધું જ તાત્કાલિક, પણ તાત્કાલની પાછળ પણ કશુંક સર્વકાલીન તત્વ હોય છે; પણ આપણે સર્વકાલીનને ભૂલી જઈએ છીએ અને સમકાલીનમાં આળોટીએ છીએ. આપણે અંશને જોઈએ છીએ ને અખિલને અવગણીએ છીએ. આપણે પાંદડાને નમીએ છીએ અને ઝાડને ભૂલીએ છીએ. વાત માત્ર આટલી જ છે; એક નાનકડું ગામ એમાં એક વૃદ્ધ માણસ. સાવ ગરીબ. પણ એની શ્રીમંતાઈની રાજાને પણ અદેખાઈ આવે એવું એની પાસે કંઈક હતું. કશુંક હતું એટલે એની પાસે અત્યંત સોહામણો અશ્વ હતો. એનું રૂપ, એની હણહણાટી, એની આભા ભલભલાને મુગ્ધ કરી દે તેવી. આ અશ્વ એનું સારસર્વસ્વ. ખરીદનારા આવે, પણ એ કોઈને વેચે નહીં. રાજા જેવા રાજાને પણ નનૈયો ભણ્યો. મિલકતને લાત મારી. એને માટે અશ્વની કિંમત ન હતી, એનું મૂલ્ય હતું. અશ્વ એના માટે પ્રાણી નહીં, પણ એનો મિત્ર હતો. એ બધાને જ ના પાડતો.

એક દિવસ એવું બન્યું કે તબેલામાંથી અશ્વ ભાગી ગયો. દુનિયાના ડાહ્યા માણસો ટોળે વળ્યા, સલાહ-સૂચનો આપ્યા, સાવ મૂર્ખો છે. અમને ખબર જ હતી કે આવું થશે, કોઈક તો અશ્વને ભગાડી જશે, એના કરતાં વેચ્યો હોત તો બે પાંદડે તો થયો હોત.

વૃદ્ધે આ બધું સાંભળીને માત્ર એટલું કહ્યું કે એમ ન કહો કે મારો અશ્વ ભાગી ગયો છે, એટલું જ કહો કે મારો તબેલો ખાલી છે. દરેક વાતમાં નિર્ણય પર ન આવો. હતો ત્યારે પણ એક અર્થ હતો અને નથી ત્યારે પણ એક અર્થ છે. લોકો કહેતા કે આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે. વૃદ્ધ તો એની વાતમાં મક્કમ હતો. એ તો માત્ર એટલું જ કહેતો, તબેલો ખાલી છે. સુખ-દુ:ખ સાથે વાતને જોડતો નહીં. લોકો હસતા, વૃદ્ધ તો કઠિયારા તરીકે લાકડા કાપ્યા કરતો. પંદરેક દિવસ પછી અશ્વ પાછો આવ્યો. પાછો આવ્યો એટલું જ નહિ, બીજા બાર અશ્વ લેતો લાવ્યો. લોકોએ અભિનંદન આપ્યા. વૃદ્ધ કહેતો, ધીમા પડો. તમારા નિર્ણયો ઓક્યા ન કરો. તમે તો આ બનેલી ઘટના જ જાણો છો. દરેક ઘટના પાછળ શું રહસ્ય છે એની આપણને ક્યાં ખબર છે ? એક ફૂલ પરથી આખા બાગની વાત ન કરાય. આપણે માનીએ છીએ એના કરતાં જીવન ઘણું વિશાળ છે, ઘણું ગહન છે, લોકો ચૂપ રહ્યા. વૃદ્ધને જુવાન દીકરો. એ જુવાન દીકરો એક દિવસ ઘોડેસવારીએ નીકળી પડ્યો. ઘોડો વશમાં ન રહ્યો. દીકરાએ કાયમ માટે બન્ને પગ ગુમાવ્યા. દીકરો અપંગ થયો. લોકો ફરી પાછા કહેવા લાગ્યા કે આ અશ્વ પાછો આવ્યો એ જ ખોટું થયું. વૃદ્ધે લોકોને વાર્યા, સમજાવ્યા. નિર્ણય ન કરો. સર્ટિફિકેટો ન આપો. યુદ્ધ ફાટ્યું. બધાના જુવાન દીકરાઓ યુદ્ધમાં ગયા. અપંગ દીકરો વૃદ્ધ પાસે જ રહ્યો. ગામ આખું દીકરાઓ વિના રડતું હતું અને વૃદ્ધને કહેતું હતું કે તું નસીબદાર કે અપંગ હોય તોય તારો દીકરો સલામત તો રહ્યો. વૃદ્ધે કહ્યું કે તમે બોલીબોલીને ઈશ્વરની યોજનામાં દખલ કર્યા કરો છો. તમે બોલીબોલીને ઈશ્વરને શું અભિપ્રેત છે એ નિર્ણય તમે જ કરો છો. મૌનની વાતને સમજવી જોઈએ.

જીવનમાં જે કંઈ ઘટના બને છે એને આપણે સુખ કે દુ:ખને ત્રાજવે તોલીએ છીએ. સુખ અને દુ:ખ તો આપણી પાસે પોતાનો વેશપલટો કરીને આવે છે. સુખની પાછળ દુ:ખ અને દુ:ખની પાછળ સુખ હોય છે. નિયતિની કૂખમાં તો બન્ને સાથે જ હોય છે.

Advertisements

2 responses to “સુખ અને દુ:ખનો વેશપલટો – સુરેશ દલાલ

  1. very nice. It should be implimented.

  2. a very inspiring story