આંતરિક જીવન – સ્વેટ માર્ડન

[ તંત્રીનોંધ : હાલમાં લગભગ 75 વર્ષ જુનું દુર્લભ કહી શકાય એવું એક પુસ્તક પ્રાપ્ત થયું છે જેનું નામ છે ‘સુખી જીવનનાં સાધન’. ઓરિસન સ્વેટ માર્ડનના ‘ઑપ્ટિમિસ્ટિક લાઈફ’ પરથી સ્વ. શ્રી રત્નસિંહ દીપસિંહ પરમારે અનુવાદ કરેલા આ પુસ્તકને સસ્તુ સાહિત્ય કાર્યાલયે વિક્રમ સંવત 1987 માં પ્રકાશિત કર્યું છે. તેમાં સ્વેટ માર્ડનના લેખો ઉપરાંત ગોરખપુરના ખૂબ જૂના અને સુપ્રસિદ્ધ ‘કલ્યાણ’ માસિકમાં છપાયેલા આધ્યાત્મિક લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના કુલ 300 પાના છે અને તેની કિંમત 0||| (એટલે કે 75 પૈસા) છે ! કૉપીરાઈટના આ જમાનામાં “છાપવા-છપાવવાનો સર્વને હક્ક છે” એવું આ જૂના પુસ્તક પર વાંચતા સુખદ આશ્ચર્ય થાય છે. પરંતુ આ સાથે દુ:ખની વાત એ છે કે પુસ્તક ખૂબ જર્જરિત હાલતમાં છે. આજે તેમાંથી પસંદ કરાયેલો એક લેખ નીચે પ્રમાણે મૂકવામાં આવે છે. ]

એકવાર એક નાની છોકરી મારા પરિચયમાં આવી હતી, જેણે કહ્યું હતું કે “પ્રત્યેક જણ મને બહુ ચાહતું હોવાથી હું બહુ સુખી છું.” કોઈ પણ માણસ અસુખી શા માટે હોઈ શકે તે તે સમજી શકતી નહોતી. તે પ્રત્યેક જણને ચાહતી હતી તેથી પ્રત્યેક જણ તેને ચાહતું હતું. તે બહાર ખેતરોમાં જતી અને માત્ર જીવનના આનંદથી તાળીઓ પાડતી. પ્રત્યેક પક્ષી, પુષ્પ અને છોડ તેને એમ કહેતાં જણાતાં કે “સુખી થા.”

પરંતુ આપણ સર્વને આવી લાગણી શા માટે ન થવી જોઈએ ? પ્રત્યેક મનુષ્ય અને પ્રત્યેક પદાર્થ પરમાત્માનું મૂર્ત સ્વરૂપ છે અને જો આપણે નિર્દોષ અને સત્ય દ્રષ્ટિથી આપણી આસપાસના પદાર્થોનું અવલોકન કરીએ, જો આપણે આપણી ભ્રામક વિચારશૈલી અને દુરાચારી જીવનનાં ખરાબ ચશ્માંઓ દ્વારા વસ્તુઓની કાલ્પનિક ભ્રષ્ટ પ્રતિમાઓ નહિ જોતાં નિર્મળ સ્વચ્છ દ્રષ્ટિથી ખરેખરી નૈસર્ગિક વસ્તુઓ જોઈએ, તો પ્રત્યેક વસ્તુ આપણને પણ એમ જ કહેશે કે “સુખી થાઓ, સફળ થાઓ; શાંતિ પામો.” જો આપણે સંપૂર્ણ સ્વાભાવિક સ્થિતિમાં હોઈએ, તો આપણે એટલા સંતુષ્ટ અને સુખી હોવા જોઈએ કે આપણું જીવન શાશ્વત આનંદરૂપ જ થઈ રહે. જગત જ્યારે એવી ભૂમિકામાં આવશે કે જ્યાં પ્રત્યેક જણ સત્યને જોઈ અને અનુભવી શકશે, ત્યારે બિલકુલ દુ:ખદરિદ્ર અને રંકતા રહેશે નહિ.

દેશમાં હમેશાં બહુ લોભી, કંજુસ અને સ્વાર્થી માણસો દેખાય છે, એ દેશની અસ્વાભાવિક દુર્દશા દર્શાવે છે. એ સ્થિતિ પરમાત્માની સમગ્ર રચના અને સૌંદર્યથી વિરુદ્ધ છે. પ્રભુની રચનામાં આવા ભેદને સ્થાન જ નથી. આવા માણસો અને પુષ્પો-જંગલો તથા પક્ષીઓમાંથી પ્રસરતી સુંદરતા અને સુમધુરતા વચ્ચે કેટલો ફરક છે !

સ્વાર્થ, લોભ, પાપ અને સમસ્ત ભેદમય સ્થિતિઓ ને માટે પ્રભુના રાજ્યમાં સ્થાન નથી. તેણે જે જે સૃષ્ટિ કરી છે, તે સર્વથી તેઓ વિરુદ્ધ છે. વિશ્વમાં માત્ર ખોટા વિચારો અને દુરાચારી જીવનથી જ ખોટી વસ્તુઓ ઉપજે છે.

જે માણસોનું અંત:કરણ પવિત્ર હોય છે, તેઓ જ માત્ર પરમાત્મા અને સદ્ વસ્તુનું દર્શન કરી શકે છે. જે ચક્ષુ વસ્તુઓને તેમની સ્વાભાવિક દશામાં જોઈ શકે તેમ છે, તેની ઉપર પ્રત્યેક પાપી અને પ્રત્યેક ખોટા વિચારથી તથા પ્રત્યેક દુરાચારથી એક વધુ આવરણ ચઢે છે; અને તેથી આપણે તો યોગ્ય વિચાર અને પવિત્ર જીવનથી એ ચઢેલાં આવરણો અવશ્ય દૂર કરવાં જોઈએ. જો આપણે એમ કરીશું તો જ આપણે પ્રત્યેક વસ્તુને અને મનુષ્યને તેના સ્વાભાવિક સ્વરૂપમાં અને દશામાં જોઈ શકીશું.

સ્વાર્થ અથવા લોભને સિદ્ધ કરવાનો કિંવા અપ્રમાણિકતા કરવાનો, બીજાની નિર્બલતાનો લાભ લેવાનો, અને તેને બાધારૂપ થઈ પડવાનો અથવા પાછળ રાખવાનો બિલકુલ પ્રયત્ન કરવો જોઈએ નહિ. જો આપણે આવો પ્રયત્ન નહિ કરીએ તો જ આપણે સત્યનું સ્પષ્ટ અને શુદ્ધ દર્શન કરી શકીશું.

હકીકત આવી છતાં ઘણા ખરા માણસો માત્ર પોતાનો જ દુનિયાઈ સ્વાર્થ સાધવા પ્રયત્ન કરી આ આવરણો વધારતા જ જાય છે, તેથી અંતે તેમનાં આધ્યાત્મિક ચક્ષુઓ સંપૂર્ણ બંધ થઈ જાય છે, તેમની દર્શનશક્તિ સર્વથા એટલી બધી વિકારી બની જાય છે કે તેઓ સ્થુલ, ભૌતિક વસ્તુઓ સિવાય કાંઈ પણ જોઈ શકતાં નથી. સ્વાર્થ, લોભ અને અપ્રમાણિકતારૂપી ચશ્માંઓ દ્વારા તેમને પ્રત્યેક વસ્તુઓ શ્યામ અને ભ્રષ્ટ દેખાય છે.

આ જગતમાં પ્રત્યેક મનુષ્ય માત્ર પોતાનાં કાર્યો, વિચારો અને પોતાના જ હેતુઓનાં ચશ્માં દ્વારા પ્રત્યેક વસ્તુ જોઈ શકે છે. જે પદાર્થને આપણે જેવા સાધન વડે જોઈએ છીએ તેવો જ રંગ અને આકાર તે તે પદાર્થનો આપણને દેખાય છે. આપણા જીવનનાં સમસ્ત કાર્યો, સમસ્ત વિચારો અને સમસ્ત ઉદ્દેશો આપણા અંત:કરણ અને નિરિક્ષણ દ્રષ્ટિ ઉપર ફરી વળે છે અને પ્રત્યેક વસ્તુ તેમના દ્વારા જ જોવાની આપણને ફરજ પડે છે. માટે જો આપણાં કાર્યો શુદ્ધ હશે, આપણા વિચારો પવિત્ર હશે, તો જ આપણે વસ્તુઓને તેના ખરા રૂપ રંગમાં જોઈ શકીશું. – અર્થાત તેમની ભ્રષ્ટ, ખરાબ, દુષ્ટ, ભયંકર પ્રતિમાઓને બદલે તેમનું સત્ય સુંદર સ્વરૂપ જોઈ શકીશું. હકીકત આવી હોવાથી આપણે આપણાં અંતર ચક્ષુઓનાં આવરણો દૂર કરવાં જોઈએ. કેમકે જો આપણે એમ કરીશું તો જ વસ્તુઓનું ખરું સ્વરૂપ જોઈ શકીશું.

તમે હંમેશાં ગંભીર અને અરૂચિકર મુખ અને રીતભાત રાખવાથી કેટલા બધા મિત્રો અને આશ્રયદાતાઓ ગુમાવો છો તેની તમને કદી પણ પ્રતીતિ થઈ છે? યાદ રાખજો કે, પ્રત્યેક જણ અંધકારમાંથી પ્રકાશમાં અને શીતળતામાંથી ઉષ્ણતામાં આવવાનો પ્રયત્ન કરે છે. તેઓ અશાંતિમાંથી નીકળી શાંતિમાં આવવાનો ઉદ્યોગ કરે છે.

જો આશાવાદની કળા જાણવામાં અને વ્યવહારમાં મૂકવામાં આવે તો તે આખી પૃથ્વીને ઉલટાવી નાખે. એક વર્ષ સુધી તમારી પ્રકૃતિની પ્રકાશિત બાજુ વિકસિત કરવાનો પ્રયત્ન કરો. એથી તમારું સમગ્ર જીવન ફેરવાઈ જશે. હમણાં લોકો તમારી આગળ આવવાનું પસંદ કરતા નહિ હોય તો ઉપર પ્રમાણે કરવાથી તેઓ તમારા પ્રત્યે આકર્ષાશે. હમણાં કદાચ તમે ઠંડા હશો અને તમને મળવાનું કોઈને મન નહિ થતું હશે; પરંતુ એ પ્રમાણે કરવાથી તમે સહૃદય અને આનંદી બનશો. સૂર્યકિરણની શક્તિ સાથે અંધકારની તુલના કરો. પૃથ્વી પરનું સમસ્ત ચૈતન્ય, સમગ્ર ભૌતિક બળ સૂર્ય કિરણમાં રહેલું છે; ત્યારે અંધકારમાં કાંઈ પણ ચૈતન્ય કે આશા રહ્યાં નથી. જે લોકો હમેશાં પ્રકાશનો ફેલાવો કરતા રહે છે તેમને આપણે કેટલા બધા ચાહીએ છીએ ! તેમના તરફથી આપણને નવીન પ્રોત્સાહન મળવાની અને માનવપ્રકૃતિમાં આપણી શ્રદ્ધા પુન: સ્થાપિત થવાની આશા રહે છે. આપણે સ્વાભાવિક રીતે તેમની તરફ આશાભરેલા વદનથી જોઈએ છીએ; અને જે વદનો શોકમય હોય છે – જ્યાં આપત્તિનાં વાદળો ધેરાતાં જણાય છે – તેમનાથી આપણે સ્વાભાવિક રીતે દૂર જ ખસીએ છીએ. ઉલ્લાસમય એવું આનંદી હૃદય એ મહાવરદાન છે અને જે વદન હમેશાં પ્રકાશ ફેલાવતું રહે છે તે શાશ્વત દૈવી બક્ષિસ છે.

જે જગતમાં આપણે વસીએ છીએ તેને આપણે જ બનાવીએ છીએ અને આપણી પરિસ્થિતિ પણ આપણે પોતે જ ઉપજાવીએ છીએ. ઘણા માણસો પોતાનાં જ બનાવેલાં કેદખાનાંઓમાં વસે છે અને પછી નાહક અંધકાર અને ઉદાસીની ફરિયાદ કરે છે. સર્વત્ર અંધકાર, નિરાશા, આપત્તિ અને અધોગતિ જોનારાં સ્ત્રીપુરુષો પ્રત્યેક વસ્તુમાં ઉત્તમતા જોનારાં મનુષ્યો આગળ કંઈ હિસાબમાં નથી. ઈશ્વરની સૃષ્ટિને તેના સમસ્ત સૌંદર્ય, તેના સમસ્ત પ્રકાશ અને તેની સમસ્ત આશા સહિત જોનાર લોકોએ અને નહિ કે પ્રત્યેક સ્થળે કુરૂપતા અને વ્યંગ જોનાર લોકોએ દુનિયાને તેની જંગલી દશામાંથી ઉન્નત કરીને હાલની સ્થિતિમાં આણી છે. શાંતિ અને આશા પ્રસારનાર આ આનંદી લોકો જ હજારો ગંભીર લોકો કરતાં જગતના બોજા વિશેષ ઉંચકે છે.

આપણે જે ગુણોનો વિકાસ કરીએ છીએ તે જ ગુણો છેવટે આપણા સ્વભાવરૂપ બની રહીને આપણા વિચાર ઉપર અધિકાર ભોગવે છે, આપણા શરીર ઉપર પ્રદર્શિત થાય છે અને આપણા જીવન ઉપર શાસન ચલાવે છે. આપણને પ્રતીત થાય છે કે, આપણે જે જગતમાં વસીએ છીએ તે આપણામાંથી જ પ્રકટ થાય છે. જગત આપણા પોતાના જ અવાજો અને વિચારોના પ્રતિધ્વનિઓ આપણી તરફ પાછા ફેંકે છે. જો આપણે શોકાકુલ અને ઉદાસ હોઈએ તો તે પણ આપણા તરફ નિરાશા અને અનુત્સાહ ફેંકશે; અને જો આપણે તેની તરફ આનંદી વદન અને ઉલ્લાસમય સંતુષ્ટ હૃદયસહિત જોઈશું તો તે પણ આપણને તેના બદલામાં તે જ વસ્તુઓ આપાશે.

એક માણસ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને આનંદ પ્રાપ્ત થાય છે, પ્રત્યેક વસ્તુ તેને હર્ષ અને સુખ આપતી જણાય છે, તેને પ્રત્યેક મનુષ્ય માયાળુ અને અનુકૂળ જણાય છે. પ્રત્યેક મનુષ્ય તેને સહાય કરવાને, તેનું હિત કરવાને અને તેના પ્રત્યે વિનય દર્શાવવાને ખુશી હોય છે; અને બીજો જે માણસ પ્રત્યેક વસ્તુથી ખિન્ન થાય છે, પ્રત્યેક વસ્તુ વિષે ફરિયાદ કરે છે અને પ્રત્યેક વસ્તુમાં છિદ્ર જુએ છે; તે આનંદિત થવાનું કાંઈ કારણ જોતો નથી; અને જગતને સખ્ત, ભયંકર તથા અરૂચિકર સ્થાન માને છે – અને તેને તેવું જ મળે છે.

સમગ્ર જગત એ માત્ર “વ્હીસ્પરીંગ ગૅલરી” છે, પ્રતિધ્વનિ કરનાર મંદિર છે, જે માત્ર આપણી જ ફરિયાદો અને પ્રશંસાઓનો પ્રતિધ્વનિ પાછો ફેંકે છે. તે દર્પણ જેવું હોવાથી આપણા પોતાના વદનનું પ્રતિબિંબ દર્શાવે છે.

Advertisements

4 responses to “આંતરિક જીવન – સ્વેટ માર્ડન

  1. “DO UNTO OTHERS AS YOU WOULD BE DONE BY”…THIS IS AN ARTICLE FOR INTROSPECTION.A MIRROR SHOWS YOUR IMAGE .YOUR DAY TO DAY LIFE IS YOUR MIRROR.PRANAMS TO THE AUTHORS…MAIN, AND TRANSLATOR BOTH.

  2. અમિત પિસાવાડિયા

    સરસ , ઘણો સુંદર લેખ છે , દ્ર ષ્ટિ તેવી સૃષ્ટિ , કોઇ કે સાચુ જ કહ્યુ છે . મૃગેશભાઇ આવો સુંદર લેખ આપવા બદલ આભાર .

  3. mrugesh bhai swet marden saheb na 2 durlabh pustako chhe … “AGAL DHASO” ane “BHAGYA NA SRASTAO” …
    jo aa pustako aapne mali sake em hoy to ena lekh pan khub j saras chhe …. amne readguajarati.com par vanchvu gamse … pratiksha karisu ke tunk samay ma j aap swet marden saheb na vadhu lekh UPLOAD karso … aabhar ..

  4. VERY GOOD ARTICAL. INSPIRATION TO LIVE POSSITIVELY AND LOVE YOUR LIFE.
    THANK YOUR READ GUJARATI FOR THIS EXECELLANT ARTICAL