ગુજરાતી સાહિત્ય સરિતા

[ અમેરિકા સ્થિત ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ સંસ્થાના તમામ સર્જકોને તેમની સુંદર કૃતિઓ રીડગુજરાતીને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. પસંદ કરાયેલ અમુક કૃતિઓ આજે અને હવે પછી રીડગુજરાતી પર મૂકવામાં આવશે તેની નોંધ લેવી. ]

નજર કરું તો – પરિતા પટેલ

નજર કરું છું માનવતા પર, બહુ દુ:ખ લાગે છે.
મારી આ સંસ્કૃતિનો જાણે અંત લાગે છે.

જ્યાં મારો પડછાયો પણ મારી પ્રીત છોડી ગયો છે,
ત્યાં મને મારું પ્રતિબિંબ પણ દૂર લાગે છે.

જ્યાં પાણી મોંઘું ને લોહી સસ્તું બન્યું છે,
ત્યાં મને મળેલ આઝાદી કરતાં, ગુલામી ઠીક લાગે છે.

નજર કરું છું માનવતા પર, બહુ દુ:ખ લાગે છે.
મારી આ સંસ્કૃતિનો જાણે અંત લાગે છે.

ગુરુકૃપા વિના – માલિની બક્ષી

ગુરુકૃપા વિના મૂરખ મનવા, ભવસાગર શેં તરશે રે,
જન્મમરણની ભવાટવિમાં ફોગટ ફેરા ફરશે રે.

મનુષ્ય જન્મ તારો વૃથા જશે જો લીધું ન સદ્દગુરુ જ્ઞાન રે,
અંત સમયે નહિ રહેશે હૃદયમાં હરિ ચરણોનું ધ્યાન રે.

અજ્ઞાન તિમિર નવ ટળશે જ્યાં લગી સાધન સર્વે ફોક રે,
ગુરુશરણ વિના કેમ પામશે, બ્રહ્મજ્ઞાન, બ્રહ્મલોક રે.

કામ,ક્રોધ, મદ, લોભમાં ફસીને એળે જશે અવતાર રે,
લક્ષ ચોરાસીની ભૂલભૂલૈયા કેમ ઊતરશે પાર રે.

જૂઠું જીવતર ને જૂઠી આ માયા, સાચો ગુરૂનો સંગ રે,
આતમરામ તારો જણશે પછી ના લાગશે કોઈ દૂજો રંગ રે.

ઋતુપત્ર – વર્ષા શાહ

કાગળો ભરીને લખવું હતું આજે
કોઈ પરામર્શ, કોઈ મંઝિલ વિના ભટકવું હતું, આજે.

ધૂળ શેરીની, પગને ગંદા કરે
એ જોઈ ખડખડ હસવું હતું, આજે.
ગયા દિવસો, ને જવાના જે એ સંભારી
દિવસભર મળાય એટલાને મળવું હતું,
ખૂબ પેટ ભરીને, આજે.

અનાયાસે, અજવાળે ને અંધારે
પ્રતિસાદે કોઈનો મેળ યા ન મળે
સૌનો સાદ દેવો હતો, આજે.

ક્ષણ પણ ભીની થયા વિણ વિતાવવી નથી,
એ મંત્ર મનમાં ભરી માતબર થવું હતું, આજે.

અભિમાન કેમ ન કરાય તેનું, એ પૂછવું હતું
ક્યાં હતા, ક્યાં હોઈશું એ દિવસનો મૂંઝારો
ઋતુમાં મલાવી-ઘોળીને પી જવો હતો, આજે.

જો આ પત્ર તેની ગવાહી –
આ મન, રૂદન ને રૂદિયું દઈ દીધું આજે
હાઈકૂ જેવા કલાકોમાં, તમને આજે.

કાગળો ભરીને લખવું હતું આજે
કોઈ પરામર્શ, કોઈ મંઝિલ વિના ભટકવું હતું, આજે.

Advertisements

2 responses to “ગુજરાતી સાહિત્ય સરિતા

 1. A very good recollection of the memories of the past by
  Varsha Shah !The heart knows but cant say out !ok
  Dear sister, keep it secret as you wish ..But..Please
  try to write more ! Thx.

 2. Varshaben has published many of her poems in English.She has her own name in USA.

  I also wish her to write more in Gujarati

  Thanks Manvantbhai