રિટર્ન ટિકિટ – સુધીર દલાલ

રાત્રે દસ વાગ્યે વરસાદ ધોધમાર તૂટી પડ્યો. બારીના પારદર્શક કાચ પર અસંખ્ય નાનાં નાનાં ઝરણાં ફૂટી નીકળ્યા, અને મ્યુનિસિપાલિટીના દીવાનાં પ્રકાશબિંદુઓ ચમકાવતા તારલાઓના લિસોટા મૂકતા ગયા.

ઓરડાના ગાલીચા પર કામિનીએ આશરે પચાસમો આંટો પૂરો કર્યો અને છેવટે થાકીને ખાટલાની કોરે – આશાની કોરે બેઠી. પેલા બારીના કાચ પરના નીતરતા વરસાદ જેમ એના બરડા પર પણ પરસેવો નીતરતો હતો. કપાળ, નાક, ગાલ, પરસેવાથી રેબઝેબ થઈ ગયાં હતાં. દીવો કરી અરીસામાં જોયું તો ગાલ પરના પાવડરમાં પરસેવાનાં ઉઝરડા પડ્યાં હતા. દીવો વધારે વખત ચાલુ રહેશે તો બહાર જતાંઆવતાં પપ્પા કે મમ્મી જોઈ જશે અને પૂછશે કે આટલી રાતે શું કરે છે એમ વિચારી એણે દીવો હોલવી નાખ્યો. આંગળી પર વીંટાળી વીંટાળીને સાલ્લાનો છેડો પણ ચૂંથાઈ ગયો હતો. મદને વચન આપ્યું હતું કે એ સાડા નવ-દસે આવશે અને ઘરની સામે મોટર ઊભી રાખી એ બે વખત બત્તીનો ઝબકારો કરશે. સામે પોતે બૅટરીના બે ઝબકારા કરવાના હતા. એનો અર્થ એ ઘર છોડી જવા તૈયાર હતી.

પણ સાડા નવ થયા અને દસ પણ થયા. માથું દુખવાના બહાને આજ એ નવ વાગ્યાથી ઓરડામાં પેસી ગઈ હતી. તરતજ પપ્પા-મમ્મી પણ સૂવા માટે ઊઠ્યાં હતાં.

એક નાની સૂટકેસ એણે સાંજથી ભરી રાખી હતી : બે-ત્રણ જોડ કપડાં, મેકઅપનો ડબ્બો, મદનનો ફોટો, મૅજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનું સર્ટિફિકેટ – ઉંમરની સાબિતી માટે, – બસ.

ફરી એકવાર સૂટકેસ ખોલીને એણે જોઈ લીધું – મૅટ્રિકનું સર્ટિફિકેટ ભૂલી તો નથી ગઈ ને ! થર્ડ કલાસમાં પાસ થયાનું સર્ટિફિકેટ આટલું ખપનું હશે એનો એને એ વખતે ખ્યાલ નહોતો. પપ્પાએ કહ્યું ના હોત કે એ સર્ટિફિકેટ ઉંમરની સાબિતી માટે કામ લાગશે તો તો એણે એ ફાડી જ નાખ્યું હોત. થર્ડકલાસ….. નિષ્ફળતાની એક નિશાની, બદસૂરત ચહેરાના જેવી, સહેજ લંગડાતા પગ જેવી, પોતાને એકે ભાઈ કે બહેન નહિ એ પણ એક વધુ નિરાશા…. અને હવે મદન પણ ? સાડા નવ…. દસ… નિરાશાની પરંપરા…

ક્ષણભર એની આંખે અંધારાં આવી ગયાં. મગજની અંદરના એ તુમુલ યુદ્ધનો અવાજ, આસ્ફાલ્ટ પર ત્રાટકેલા વરસાદનો અવાજ, છતની ધારેથી ખાબોચિયાં પર ટપકતા પાણીનો અવાજ, છેલ્લી બસનો છસસસ… અવાજ, વૃક્ષોની ડાળીઓનું આદિવાસી નૃત્ય, ને ઓરડાની શાંતિમાં પુરાણા ઘડિયાળના લોલકનું ટક…ટક… ટક….

લોલક ડાબે હાથેથી જમણે હાથે : ટક… મદન આવશે ? વચન આપ્યું છે : ‘મુંબઈમાં વ્યવસ્થા થઈ ગઈ છે. ફલૅટ લેવાઈ ગયો છે, સાક્ષી તૈયાર છે, મૅજિસ્ટ્રેટ આગળ જવાની જ વાર છે ! મદન અને કામિનિ, લગ્નગ્રંથિ, પાણિગ્રહણ, સ્વર્ગ, પપ્પાની ભાષામાં વન-વે ટિકિટ…. “ઉંમર ?” “એકવીસ”, “લાગતાં નથી !” “સર્ટિફિકેટ છે સાહેબ, બતાવું ?” મોં ઉપર વિજયનું સ્મિત. અંદરના ખિસ્સામાં – નથી ; પરસેવો ; “ખોટું નથી બોલતો સાહેબ, કદાચ ઘેર ભૂલી…..” નહિ, નહિ ; પૅન્ટના ખિસ્સામાં હાથ નાખતાં જ સર્ટિફિકેટના કાગળની સુંવાળાશ; હિંમત; થથરતા પગમાં સ્થિરતા. “ધંધો ?” “મિલમાં નોકરી. સુપરવાઈઝર છું. અહીં મુંબઈની જ મિલમાં. મિલનો ઍપોઈન્ટમેન્ટ લેટર આ રહ્યો.” ફરી વિજયનો ઝબકારો.

લોલક જમણેથી ડાબે હાથે : ટક…… નહિ આવે તો ? મેં તો વર્ષાને કહી પણ દીધું છે, જ્યોતિને પણ કહી નાખ્યું છે : હું જતી રહેવાની છું. કોની સાથે ? મદન; ઓળખ્યો નહિ ? શાની ઓળખે ? કૉલેજમાં નથી. મિલમાં સારી નોકરીમાં છે. દેખાવડો છે. હવે તો તું મુંબઈ આવીશ ત્યારે જ મળીશ. ના, ના, મુંબઈનો નથી. નોકરી તો અહીં જ કરે છે, પણ હવે મુંબઈ રહેવાનાં છીએ. ત્યાં નોકરી પણ મળી ગઈ છે. મદન કહે છે કે પાછો અમદાવાદમાં પગ પણ નથી મૂકવો….. અને હવે ના આવે તો ફજેતી ! શું મોઢું બતાવીશ ? અને પપ્પા જાણશે તો ?

બહાર વરસાદ એકધારો પડ્યે જતો હતો. “મુઆને આજે જ આવવાનું સૂઝયું હતું. હેં ? ઝબકારો ?” દોડીને એ બારીએ ગઈ. વરસાદના બારીક વણાટમાંથી બિલાડીની બે તગતગતી આંખ જેવા મોટરના દીવાઓના બે ઝબકારા થયા. હાંફળીફાંફળી એ બૅટરી શોધવા મંડી. મળી. થથરતાં થથરતાં બે ઝબકારા સામે કર્યા. સૂટકેસ હાથમાં લઈ, ધીમે રહી બારણું ખોલી સરકી ગઈ.

બહાર નીકળી મોટરમાં પેસતાં સુધીમાં તો એ લગભગ ભીંજાઈ ગઈ. સૂટકેસ મોટરમાં પાછલી બેઠકમાં ફંગોળતાં એ મદનને લગભગ વળગી પડી. પાછળ બેઠેલો મદનનો જિગરી સુરેશ ફંગોળાયેલી સૂટકેસથી સહેજમાં બચી જઈ આડું જોઈ ગયો.

સ્ટેશન. વારાફરતી પ્લૅટફૉર્મ પર. આગળ મદન, પાછળ થોડે દૂર પોતે. રિઝર્વ્ડમાં ફર્સ્ટ કલાસમાં. મદને ખર્ચી કાઢ્યા હતા. ત્યાં પહોંચીને બોલી : “ઓહોહો… મદનભાઈ તમે ક્યાંથી ?” “અરે કામિની તું ? નમસ્તે ! ચાલો, કંપની મળી ગઈ.” ડબ્બાના બીજા મુસાફરો માટે આખું નાટક. ગાડી ઊપડતાં ગુસપુસ. થોડી વારમાં આંખમાં આંખ. બહાર વરસાદનો થડકારો, અંદર દિલના થડકારા.

એમ ને એમ જ આંખ મળી ગઈ; અને ખૂલી ત્યારે મુંબઈ સ્ટેશન પર રસેશભાઈ આવ્યા હતા. “કામિની, આ રસેશભાઈ, – હું વાત કરતો હતો. એ. આપણું મુંબઈનું કામ કરે છે.” કામિનીએ હાથ જોડ્યા – મોઢું મલકાવ્યા વગર જ. એને રસેશ ગમ્યો નહિ.

ફલૅટનું બન્યું નહોતું. હોટલમાં નક્કી કર્યું હતું. બહાર નીકળી ટૅક્સી કરી. હોટલે મૂકી રસેશ ઘરે ગયો. મૅનેજર પાસેથી ચાવી લીધી. રૂમ ખોલી અંદર મદનની ટ્રંક મૂકી. પોતાની સૂટકેસ મૂકી. પોતાના જેવી જ નાજૂક, નાની, ટ્રંકમાં સમાઈ જાય એવી. પ્રભુતામાં પહેલી પગલી. બે કલાકમાં તો જેને મળ્યે માંડ મહિનો થયો હશે એને પોતે જીવન અર્પવાની હતી. અને સ્વર્ગીય મહિનાઓની પરંપરા….

મદને ઘંટડી વગાડી હોટેલના નોકરને બોલાવ્યો. રીતસરનો બાદશાહી ઠાઠ : “ગરમ પાણી લાવ, બે ડોલ. અને પછી ચા અને નાસ્તો. જરા જલ્દી, બહાર જાના હય.” નોકર ચાલ્યો ગયો. ફરી ઓરડામાં શાંતિ ફેલાઈ ગઈ. બન્ને વળગી પડ્યાં. બે શરીરની વચમાં કોટના ખિસ્સાનું પાકીટ પણ હવે ખમાતું ન હતું. – વાગતું હતું. મદને એ કાઢીને બાજુના ટેબલ પર મૂક્યું. એટલામાં બારણે ટકોરા પડ્યા. “સા’બ, યે પાની. ચા નાસ્તા લાતા હું.”

‘કામિની, તું જાય છે કે હું જાઉં ?’
‘તું પહેલાં જા, પછી હું.’

મદન નાહવા ગયો. કામિની થાકી ગઈ હતી. ચિંતા અને આશાની વચ્ચેનાં ઝોલાંઓમાં એને ચક્કર ચડ્યાં હતાં. ટેબલની પાસેની ખુરશી પર જ એ બેસી પડી. ટેબલ પર મદનનું પાકીટ હતું. એમાં એ ગયા અઠવાડિયે પાડેલો કામિનીનો ફોટો રાખતો. એને પોતાનો એ ફોટો જોવાનું મન થયું. શું પોતે ખરેખર કોઈનેય ગમે એવી હતી ? મદને એનામાં શું જોયું હતું ? રૂપ ? નહોતું. યૌવન ? હતું. પૈસો ? એ તો છોડીને આવી હતી. સ્ત્રીપણું ?

પાકીટ હાથમાં લઈ ખોલ્યું. અંદર એનો ફોટો હતો. બહાર કાઢવા ખેંચ્યો ત્યાં અંદરથી ટિકિટનું અડધિયું નીકળ્યું. આખી ટિકિટમાંથી ફાડેલું – રિટર્ન ટિકિટનું અડધિયું. મુંબઈથી અમદાવાદ !

લાગલો જ એના મગજમાં એક વિચાર ઝબકારો મારી ગયો : કેમ એક જ અડધિયું ? હાંફળાંફાંફળાં એણે પાકીટ આખું ખાલી કરી નાખ્યું : પૈસા, નોટો, લાઈબ્રેરીનાં કાર્ડ, બિલો….બીજું અરધિયું ક્યાં ? એક વન-વે અને એક રિટર્ન ટિકિટ ?

બાથરૂમમાં હજુ ડોલ અને લોટો ખખડતાં હતાં, મદન લહેરથી, નિરાંતથી કોઈક ગાયન ગણગણતો હતો. આ ફલૅટ નહોતો. – ફલૅટનું બન્યું નહોતું. એટલે જ હોટલ ? કે… ?

એના મગજમાં બીજો ઝબકારો થયો. રિટર્ન ટિકિટનું અરધિયું મુઠ્ઠીમાં દબાવી, સૂટકેસ પકડી, બારણું ખોલી એ દોડી. હોટેલનો નોકર ચા-નાસ્તો લાવતો હતો તેને એ અથડાતાં અથડાંતાં રહી ગઈ.

Advertisements

11 responses to “રિટર્ન ટિકિટ – સુધીર દલાલ

 1. સદ્ નસીબ કામીની નું કે મોડે મોડે પણ સમયસર ભગવાને એની આંખો ખોલી નાખી. ઘણી કામીનીઓના નસીબમાં તો આ પણ નથી હોતું.

 2. if indian parents arent so hard on thier childrent and rather be frank, accurance of this situation would decrese. sometimes, the fear leds teenagers to go blind while making a decision.
  hope parents understand the necessity of frankness between theselves and their children.

 3. Well done Kamini ! You awoke at the right time, as the sayings say :"It is better late than never and Strike the iron when it is hot".

 4. I hope with the main point of this story: “trying to tells is that always make a right decision before you take the step into this risky and scary life”, all today’s generation should watch out and learn something.

  In this nasty world, anything can happen anytime and anywhere with you or with anyone but you just have to be aware of it, because you will never know what will happen next to you if you are involved in these “Garbage”.

  It’s better to stay safe and comfy with your family and family is always going to support you and help you to make your major or minor decisions.

  It was a great example of today’s incidences that does happens a lot.

 5. વાર્તાનો અંત બહુ જ નાટ્યાત્મક અને સૂચક છે. નાની હોવા છતાં આ વાર્તા ઘણું બધુ કહી જાય છે.

 6. very good decision in few moment

 7. very good decision in few moment of kamini
  very good sandesh for today generation -learn somfthing

 8. EKDAM SACHA SAMAYE SACHO NIRNAY MODE MODE PAN KAMINI LAYI SHAKI TE SARU THAYU! ! JO KE BADHI KAMINIONE AAVU NASIB NATHI MALTU ! ASTU! !

 9. Nice story…very much near to reality. Same things happen with many Kaminis but that can be stopped if their parents are much more friendly with them. Today outer world shows lot many dreams which can’t be true for everyone.

 10. કાશ બધી જ ભટકેલી યુવતીનો આવો જ અંત હોય.
  નીલા

 11. Story is very sort, but attractive and nice for read..
  Nobody left the part.. its continue and interesting for reader… they specially take care of read.

  Last movement is very excellent.. Nobody can image before read the story..