નાણાંનો બદલો

akbar-birbalબધા મંત્રીઓમાં બીરબલ અકબરનો માનીતો હતો. બીરબલના શાણપણ અને વિનોદવૃત્તિથી અકબર ખુશ હતો. અકબરનો બીરબલ માટેનો પક્ષપાત બધા મંત્રીઓને ખૂંચતો. અકબરને આ વાતની ખબર હતી. એટલે અકબરે એક દિવસ બધાને બીરબલની હોશિયારી દેખાડવાનું વિચાર્યું. તેણે કહ્યું કે હું પાંચસો રૂપિયા આપીશ. કોઈ પણ મંત્રીએ તે પાંચસો રૂપિયા અહીં પૃથ્વી પર ખરચવા. પછી એ પાંચસો રૂપિયા પૃથ્વીથી ઉપરની જગ્યા માટે ખરચવા. તે પછી પાંચસો ન અહીં માટે વાપરવા ન ત્યાં માટે વાપરવા. છેલ્લે એ પાંચસો રૂપિયા લાવીને મને પાછા આપવા.

બધા મંત્રીઓ એકબીજા સામે જોવા લાગ્યા. કોઈ આ કામ કરવા તૈયાર નહોતું. બીરબલે કામ માટે તૈયારી બતાવી. અકબરે બીરબલને પાંચસો રૂપિયા આપ્યા.

પાંચસો રૂપિયા લઈ બીરબલ શહેરમાં નીકળ્યો. શહેરના મોટા શેઠની દીકરીના લગ્ન ચાલતાં હતાં. બીરબલે મંડપમાં જઈને જાહેર કર્યું કે રાજા અકબરે લગ્નપ્રસંગે શેઠને ત્યાં ચાંદલો કરવા પાંચસો રૂપિયા મોકલાવ્યા છે. શેઠની પ્રતિષ્ઠા બહુ વધી ગઈ. ખુશ થઈને શેઠે રાજા અકબરને સામી વધાઈ ભેટ તરીકે ઘણી બધી ચીજવસ્તુઓ અને ત્રણ ગણા એટલે કે પંદરસો રૂપિયા આપ્યા.

એ બધા રૂપિયામાંથી બીરબલે પાંચસો રૂપિયાનું ખાવાનું મંગાવ્યું અને ગરીબોનાં ભૂખ્યાં છોકરાઓમાં વહેંચ્યું. છોકરાંઓ સંતોષ પામ્યાં.

તે પછી બીરબલ નાચ-ગાન કરનારી બાઈના મુજરામાં ગયો. ખુશ થઈ તેણે નાચ-ગાનની મંડળીને રૂપિયા પાંચસો આપ્યા. બીરબલ દરબારમાં આવ્યો અને અકબરને રૂપિયા પાંચસો પાછા આપ્યા. રાજાએ બીરબલને પૂછયું કે તેણે પાંચસો રૂપિયાનું શું શું કર્યું અને રૂપિયા પાછા કેવી રીતે લાવ્યો ?

બીરબલે જણાવ્યું કે પાંચસો રૂપિયા તેણે શેઠને ત્યાં ચાંદલામાં આપ્યા. તેના બદલામાં મળેલાં ભેટ-સોગાદ અને પંદરસો રૂપિયામાંથી તેણે ગરીબ ભૂખ્યાં છોકરાંઓમાં પાંચસો રૂપિયાનું અન્નદાન કર્યું. પાંચસો રૂપિયા તેણે નાચનારી-ગાનારી પાછળ ખર્ચયા અને વધેલા પાંચસો રૂપિયા તે પાછા લાવ્યો.

શેઠને કરેલો ચાંદલો પૃથ્વી પરનો ખર્ચ હતો. ભૂખ્યાને જમાડ્યા તે પૃથ્વીની ઉપરના સ્વર્ગ માટેનો ખર્ચ. નાચનારીને ત્યાં આપેલાં નાણાં ન અહીંના, ન તહીંના. એટલે કે પૃથ્વી પર કરેલા વ્યાવહારિક ખર્ચનો બદલો અહીં મળે છે, બીજાના સંતોષ માટે કરેલા ખર્ચનો બદલો ઈહલોકમાં નહીં પરલોકમાં મળે છે. મોજ-મજામાં કરેલ ખર્ચનો બદલો નથી અહીં મળતો કે નથી ક્યાંય બીજે મળતો. મંત્રીઓ સમજી ગયા રાજાનો બીરબલ તરફનો પક્ષપાત સકારણ હતો.

Advertisements

One response to “નાણાંનો બદલો

  1. At any age – we like to read stories of Akbar-Birbal. The only thing to say is – Birbal Kaa Jawaab Nahi.

    Few requests –
    * Just don’t read it as story – understand the “meaning” i.e. the moral of the story.

    * Keep up-loading Akbar-Birbal stories frequently.

    Ajay.