બક્ષીબાબુને શ્રદ્ધાંજલી – નેહલ મહેતા

[બક્ષીસાહેબ ને કોણ ન ઓળખે ! ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબના દુ:ખદ અવસાન નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પતો આ લેખ રીડગુજરાતી ના એક વાચકમિત્ર શ્રી નેહલભાઈ મહેતાએ તુરંત લખીને મોકલ્યો છે. આ માટે શ્રી નહેલભાઈનો (વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર અને બક્ષીસાહેબના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અને સદ્ગગતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના. ]

તારીખ 20 નવેમ્બર, 2005. સમય સવારના 11.45. હું નંબર જોડું છું…સામે છેડે રિંગ વાગે છે. રિંગની સાથે લયમાં મારું હૃદય ધબકે છે… અને લગભગ દસેક સેકંડ પછી…
‘યસ, બક્ષી હિયર…’
’હલ્લો, સર… હું વિદ્યાનગરથી નેહલ મહેતા બોલું છું….’
‘નેહલ….ઓ, યસ…. તમારું પાર્સલ મને મળ્યું છે… બહુ સરસ કામ છે…. પણ તમે મને જરા અડધા કલાક પછી ફોન કરશો ? અત્યારે હું જમવા બેઠો છું, યાર…’
‘ઑ.કે. કંઈ વાંચો નહિ.’

બંન્ને છેડે ફોન મુકાઈ ગયો. અડધો કલાક મેં માંડમાંડ પસાર કર્યો… અને પછી રિંગ સાથેના એ જ લયમાં હૃદય ફરીથી ધબકવા લાગ્યું….
‘હલ્લો, હું નેહલ બોલું છું.’
‘ઓહ, હા હમણાં અડધા કલાક પહેલા ફોન કર્યો હતો એ?’
‘હા…’
‘હા, મેં તમારું પાર્સલ જોયું તમે જે રીતે પ્રથમ પ્રકરણનો અનુવાદ કર્યો છે ધેટ્સ વન્ડરફૂલ… એકાદ બે વાક્યોમાં થોડી ભૂલો છે પણ બાકી ખરેખર બહુ સરસ છે.’
‘થેંક્યું, વેરી મચ. સર…’
‘તમે બીજા પ્રકરણનો અનુવાદ શરૂ કર્યો ?’
‘ના, સર હું તમારી મંજૂરીની રાહ જોતો હતો…..’ હું નિર્દોષતાથી બોલી ગયો.

બક્ષીબાબુ ખડખડાટ હસી પડે છે… ‘નો પ્રોબ્લેમ… યૂ કેન ગો અહેડ…. મારા એક મિત્રે મારી બીજી એક નવલકથા ‘પ્રિય નીકી’નો અનુવાદ કર્યો છે. એ પણ છપાવવાની બાકી છે. હું તમારા સરનામે મંજૂરીનો એક પત્ર મોકલી દઉં છું પછી આપણે બંને નવલકથા સાથે પબ્લિશ કરવાનું ગોઠવીએ….’
‘ચોક્કસ સર…’ મારા અવાજમાં ઉત્સાહનો એક શેમ્પેઈની ઊભરો આવી ગયો.
‘અનુવાદ કરતા તમને કેટલો સમય લાગશે?’
‘સર, લગભગ…. એક મહિનો…’
‘એક મહિનો….ઑ.કે… શું કરો છો તમે?’
‘સર, હું સરદાર ગુર્જરી નામના એક પેપરમાં અનુવાદક હતો… મારું કામ ઈન્ટરનેટ પરથી દેશવિદેશના સમાચારો લઈને અનુવાદ કરવાનું હતું… પણ મેં ઑગસ્ટમાં નોકરી છોડી દીધી છે…’
’અત્યારે શું કરો છો ? નોકરી શોધો છો ?’
‘હા…’
’રહેવાનું ક્યાં ? વિદ્યાનગરમાં જ ?’
‘હા, સર…’
‘કશો વાંધો નહિ. આજકાલ પેપરોને સારા અનુવાદકોની બહુ જરૂર હોય છે…. તમને બીજી નોકરી મળતાં વાર નહિં લાગે…’
‘થેંક્યુ સર, મૂળ તો મેં ફિઝીકલ કેમેસ્ટ્રીમાં એમ.એસ.સી કર્યું છે…’
‘ઑહ, ગુડ ! કેમિકલ લાઈનમાં જૉબ ન મળી ?’
‘ના, સર એવું નથી… સાહિત્યમાં અચાનક બહુ રસ વધી ગયો એટલે પછી આ લાઈનમાં આવ્યો…’
‘બરાબર…. અને બીજી એક વાત….મને ફોન કરવો હોય તો લગભગ 12 થી 1 ની વચ્ચે કરવો…. બપોરે 1 થી 4 કદાચ હું બહાર ગયો હોઉં એટલે…’
‘ઑ.કે.’
‘ચલો બસ? બેસ્ટ ઑફ લક ટુ યુ….’
‘થેંક્યું..’

બસ એ ઘડીએ ફોન મૂક્યો પછી આજ દિન સુધી હું વિચારી રહ્યો છું કે મારી સાથે મૃદુતાથી વાત કરનાર શું આ એ જ બક્ષીબાબુ હતા જેમની આંગળીઓમાંથી સતત દુર્યોધનની જાંઘો ફાડી નાંખે એવું ગુજરાતી ગદ્ય આજીવન ટપક્યા કર્યું છે? 1999ની સાલમાં હું જ્યારે 19 વર્ષનો હતો ત્યારે વિજ્ઞાનના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી તરીકે ગુજરાતી સાહિત્ય વિશેની મારી સમજ વેવલા-વેવલી અને પેમલા-પેમલીની નવલકથાઓ પૂરતી મર્યાદિત હતી. ચંદ્રકાન્ત બક્ષી વિશે ક્યાંય વાંચ્યુ, સાંભળ્યું નહોતું. પછી અચાનક એ જ વર્ષે ચિત્રલેખાનો દીપોત્સવી અંક હાથમાં આવ્યો અને એમાં ગુજરાતી સાહિત્યમાં દોસ્તી-દુશ્મની વિષે મેં વિનોદ ભટ્ટનો હળવો રમૂજી અભ્યાસલેખ વાંચ્યો…. એમાં ભટ્ટજી અને બક્ષીબાબુ વચ્ચેના અંગત ઝઘડાની વાત હતી. ભટ્ટજીએ એમનાં વિશે કંઈક ટીખળી રમૂજ કરી હતી ત્યારે એક પત્રકારે આ બાબતે બક્ષીબાબુનો અભિપ્રાય જાણવા માંગ્યો હતો અને ચંદ્રકાન્ત બક્ષીએ વિનોદ ભટ્ટ માટે વિધાન કર્યું હતું કે ‘વિનોદ ભટ્ટ કોમેડી-લેખક છે એ ગુજરાતી સાહિત્યની ટ્રેજેડી છે !’

લેખમાં બંને લેખકોના સામસામા ફોટાં સાથે આ વિધાન છપાયું હતું અને આ વિધાન મને ચંદ્રકાન્ત બક્ષીનો ચાહક બનાવવા માટે પર્યાપ્ત હતું. શ્યામવર્ણો મર્દાના ચહેરો, 98.6 ડિગ્રી ફેરનહીટ તાપમાન સુધી પહોંચેલા અહંકારની ઝલક આપતી તીક્ષ્ણ નજરો…..બસ પછી તો જ્યાં ત્યાંથી ચંદ્રકાન્ત બક્ષી વિષે માહિતી ભેગી કરવા લાગ્યો. જ્યાંથી જે મળે એ લેખો, પુસ્તકો ચાટી જવા માંડ્યો. એક ચોટદાર વાક્યથી બક્ષીજી વિષે જાગેલી જિજ્ઞાસાને ગાંડપણમાં ફેરવાતા વાર ન લાગી. બસ, ચારે બાજુ બક્ષી-બક્ષી-બક્ષીનું અદ્રશ્ય રટણ મનમાં ગુંજતું ચાલ્યું.

કદાચ એ જ પ્રભાવ હેઠળ હું કાગળ પર થોડાં થોડાં લીટા કરતા શીખ્યો…. ડાયરી લખવી શરૂ કરી…. અને વિજ્ઞાનના ભણતર છતાં સામાન્ય છાપામાં અનુવાદક બની ગયો…. પૈસા નહોતો કમાતો ત્યારે લાઈબ્રેરીમાંથી બક્ષીબાબુના પુસ્તકો લઈ આવતો. પણ એ માંડ છ-સાત પુસ્તકો હશે… પગાર શરૂ થયા પછી લગભગ ઘેલછા કહી શકાય એટલી હદે બક્ષીબાબુનાં પુસ્તકો ખરીદવા માંડ્યો… એક વખત તો નવભારત સાહિત્ય મંદિરમાંથી બક્ષીબાબુનાં એકસાથે 38 પુસ્તકો ખરીદવાનો ઑનલાઈન ઑર્ડર આપી દીધો ! ગુજરાતીના કોઈપણ લેખકને આટલો દરિયાદિલ વાચક નહીં મળ્યો હોય એની મને ખાતરી છે. કારણ કે બીજા કયા લેખકમાં એટલી ક્ષમતા છે કે વાચકને એકસાથે આટલા બધા પુસ્તકો ખરીદવા માટે આકુળ-વ્યાકુળ બનાવી શકે ? ઘરે જ્યારે 38 પુસ્તકોનું પ્રચંડ પાર્સક આવ્યું ત્યારે મમ્મી-પપ્પા મારી સામે જોઈ રહ્યા… કંઈ જ બોલ્યા નહીં… વગર કહ્યે જ સમજી ગયા….

બક્ષીબાબુ વિષે કંઈપણ લખવું એટલે એક સકળ વિશ્વને નાનકડી મુઠ્ઠીમાં કેદ કરવાનો વ્યર્થ પ્રયત્ન કરવો. એક નાનકડો ઉંદર હથેળીમાં અંજલિ ભરવાની કોશિશ કરે તો થોડાંક જ ટીપામાં અંજલિ ભરાઈ જાય છે. બક્ષીબાબુ વિશે લખતી વખતે હું પણ એક આવા જ સાહિત્યિક ઉંદર જેવું અનુભવું છું જેને બક્ષીબાબુ સિવાયના તમામ ગુજરાતી લેખકોના પુસ્તકો કોતરી ખાવાનું મન થાય છે !

છેલ્લે બક્ષીબાબુનાં કેટલાંક યાદગાર અવતરણો સાથે આ લેખ પૂરો કરીશ :

‘મારી સાથે દુશ્મની કરવા લાલયિત પુરુષોની કમી નથી, વિશેષત: ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં. પણ દુશ્મન બનવાનું માન હું મગતરાઓને આપતો નથી. દુશ્મનીને હું દોસ્તી જેટલી જ ઊંચી પીઠિકા પર મૂકું છું. મારા દુશ્મન બનવા માટે બૌદ્ધિક કક્ષા મારા જેટલી હોય એ અનિવાર્ય શરત છે. મને પ્રેમ કરો કે નફરત કરો, જે કંઈપણ કરો પણ દિલ ફાડીને કરો ! મારા માટે દોસ્તી અને દુશ્મની મહત્વનાં નથી. મારા માટે મહત્વના શબ્દો છે : દિલ ફાડીને !’

‘ગુજરાતમાં ગેરકાનૂની રીતે પીવાતા શરાબને એક હોજમાં ભરવામાં આવે તો એમાં ગાંધીનગરનું આખું સચિવાલય ડૂબે જાય !’

‘દિલ અભી તો જવાન હૈ – જેવાં વાક્યો બોલનારા બુઢાઓના અવાજમાંથી મને હંમેશા જૂના, વાસી કિમામમાં સડી ગયેલી ગંદી જવાનીની બદબૂ આવે છે. આવું બોલબોલ કરનારા કદાચ એમની જવાનીમાં પણ જવાન ન હતા.’

‘કેટલાક ગુજરાતી છાપાંઓના તંત્રીઓ માટે જૂની ગુજરાતી કહેવત તદ્દન ઉપયુકત છે : ત્રાંસી આંખે બે ચંદ્ર દેખાય ! ગંદકી સિવાય એમની પાસે કોઈ વિષય રહ્યો નથી. સમાચાર શું હોય છે? No news is good news, but good news is no news !’

‘છોકરો જો ગૃહકાર્યમાં કુશળ હોય તો લગ્નજીવન સુખી થવાના ચાન્સ વધી જાય છે.’

‘સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બની શકે છે, પણ જૂઠું બોલનારને 100 ટકા સત્યની ખબર હોવી જોઈએ.’

‘વૃદ્ધાવસ્થા એ હવાના તોફાનમાં ઊડતા ઍરોપ્લેન જેવી સ્થિતિ છે. એકવાર તમે એમાં આવી ગયા પછી કંઈ જ કરી શકતા નથી. તમે પ્લેન અટકાવી શકતા નથી, તમે હવાને અટકાવી શક્તા નથી, તમે સમયને અટકાવી શકતા નથી એટલે સ્વીકારી લેવાનું, ડહાપણ વાપરીએ.’

‘ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !’

‘જે માણસ પોતાના શરીરનું તંત્ર પણ સાચવી શક્તો નથી એ માણસને કોઈ પણ તંત્ર સોંપવામાં ખતરો છે.’

‘ઉંમરની બાબતમાં પણ થોડી માનસિકતા કામ કરે છે. 8 વર્ષના છોકરાને જો ભૂલથી 7 વર્ષનો કહી દો તો એ બગડી જાય છે ! મને 8 વર્ષ થયાં છે ! અને 68 વર્ષના માણસને જો 67 કે 66 કહી દો તો ખુશ થાય છે. નાની ઉંમરે માણસને મોટા થવું છે. મોટી ઉંમરે નાના થવું છે અને દરેક સ્ત્રીને 39 થી 49 વર્ષો સુધી 39નાં જ રહેવું છે !’

‘મોતની ધાર પરથી ગુજરેલી જિંદગીનો નઝારો જેટલો ખૂબસૂરત લાગે છે એટલો ક્યારેય લાગતો નથી.’

‘જીવનમાં મોટાભાઈ રામની પાદુકા મૂકીને શાસન ચલાવી શકાતું નથી. સિંહાસન જીતવા માટે અર્જુનની જેમ ગાંડિવ ઉપાડવું પડે છે.’

અને છેલ્લે….

‘હું એક જ છું. મારા જેવો બીજો નથી. ભૂતકાળમાં હતો નહીં, ભવિષ્યમાં થશે નહીં….’

આમીન

Advertisements

7 responses to “બક્ષીબાબુને શ્રદ્ધાંજલી – નેહલ મહેતા

 1. ખરા અર્થ માં શ્રદ્ધાંજલી,,,

 2. આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી
  ”આ દુનિયામા ઈશ્વર કોઇને સદબુધ્ધિ આપતો નથી આપણા સિવાય” ’સ્ત્રીઓ પાંસે શરીર અને પુરુષો પાસે બુધ્ધિ-દુનિયાનાઁ બજારોમાઁ આજ વસ્તુઓ વેચાઇ છે અને વેચાયા કરવાની,ફ્ક્ત સમય-અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરેછે.’
  ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ –વીરોનુ અને આપણા પાળેલા કૂતરાઓનુઁ’ ’એક રણ, ઈશ્વરના દિલ જેવુઁ………’ ’સાપનુ ઝેર એના દાંતમાઁ હોયછે,સ્ત્રીઓનુઁ સાથળોમાઁ’
  ‘ભવિષ્ય ભૂતકાળ સિવાય બીજુઁ શુઁ હોઇ શકે? જ્યારે હુઁ જુના ખઁડેરો જોઉઁ છુઁ ત્યારે હુઁ ભવિષ્ય જોઇ રહ્યો હોઉઁ એવુઁ લાગે છે.સંસક્રુતિએ પ્રગતિ કરીને એ દિશામાઁ-ખઁડિયેરોની સ્થિતિમાઁજ પહોઁચવાનુ છે…..ખઁડિયેરો હમેશાઁ બહુ લાંબુ જીવી શકેછે……’
  ‘પોત પોતાના સ્વાર્થના પાયા પર રચાયેલી સમજદારી હોયતો,લગ્ન જીવનનુઁ ઘણુઁ ઘર્ષણ ઓછુઁ થૈ શકે.
  ‘ગુજરાતીઓ ને જિન્નાહ ગુજરાતી હોવા વિષે શા માટે ગર્વ નથી એ મને સમજતુન નથી.”

  “સંસ્કારી ગરીબી જલદી ખસતી નથી.”
  ‘સારા માણસોની ખરબીઓ ખતરનાક હોયછે,સુખ આપી આપીને મારી નાઁખેછે,કે અપંગ કરી
  નાખેછે.”
  ‘સાંજેજ એ લોકો (વેશ્યા) જીવેછે.દિવસે તો એ સ્ત્રીઓ છિલાયા વિનાના અનન્નાસ જેવી હોયછે.’
  “સ્ત્રીનુઁ શરીર અને રાતના ભોલા પડેલા ચામાચીડિયા જેવા પુરુષો અને જુના પલંગો પર રગડોળાતાઁ ‘શક્તિ અને પ્રકુતિ ના ભરાઇ ગયેલા સ્વાસ વાળા પ્રતિકો અને ડ્રૈનોમાઁ વહી જતો કાચા ,પ્રવાહી માંસની ખૂશ્બુ વાળો કાચો પ્રેમ…..” ”પોતાનજ ઈઁડામાથી ફૂટ્તાઁ સાપોલિયાઁ ગળી જતી સાપણની નિર્દોષતા અને સ્વભાવિકતા જોવાની હતી.”
  “હુઁ નામ કમાવા માગતો નથી.ખોટી મજુરી જેવી લાંબી જીન્દગી નથી” રોજ બપોરે મારી બારીની નેચેથી એકાદ મડ્દુઁ પસાર થાય છે.મારુંઘર સ્મશાન જવાના રસ્તા ઉપરજ છે.અને….કોનુ ઘર સ્મશાન જવાના ર્સ્તા ઉપર નથી હોતુઁ?”એકજ અર્થ વાળા બે શબ્દો –‘હ્રદય’ અને ‘ દિલ’ વચ્ચે જેટ્લુઁ અંતર છે હિન્દુ અને મુસ્લીમ વચ્ચે…….. ચઁદ્રકાંત બક્ષી(નવકથા “આકાર’ માથી)
  તુને “વફા” દિલમે એક ફાંસ ડાલી થી,
  જાઅબ તુજે હમને દિલસે માફ કર દિયા.
  મોહમ્મદઅલી ભૈડુ “વફા” બ્રામ્પટન,કેનેડા 26માર્ચ2006.

 3. We have lost him.
  In houston we have introduced him by a small drama written by Rasesh Dalla where Chandrakant Baxi was asked in the court. Baxi babu has consented the script and was generous to provide photographs and some of the family info to Raseshbhai.

  We liked his writtings and may plan to have his well known “paralysis” to be performed on Houston stage of
  Gujarati Sahitya Sarita

  It is for sure that he is going to rule the hearts of reader as tejabi writer of Gujarati literature

 4. I was a great fan of Chandrakant Baxi. I read his almost all books. Some of them I preserved in my personal library also. I acted as an actor in one play named ‘ CHANDRAKANT BAXI PER TAHOMATNAMU ‘ organised by Houston Natya Kala Vrund and Gujarati Sahitya Sarita’. Baxi was really a GREAT GREAT Writer of Gujarati Literature.
  PRABHU SADGAT NA ATMA NE CHIR SHANTI AAPE EVI ABHYARTHANA.

  NAVIN BANKER
  HOUSTON, Tx 77074, USA

 5. …Well, BaxiSaheb was the one and only in it’s true meaning. His fire brand fierce language style would be
  missed for the times to come. No other Gujarati Sahityakar has ever written so much in such a depth and length and that too in fearless tezabi langauge. Especially post-Godhra , BaxiSaheb was the only one out of so many so-called ‘Great’ Contmporary Writers to speak / write / analyze the pure and absolute truth about Godhara incident / Gujarat and Gujarati People and
  thereby exposing those sick / rotten minded secular talibans of this unfortuante country which has never failed to produce traitors throughout history – be it Amichand in the past or those english speaking convent educated herd of new generation musharooming journalists / media persons of the present!!! Baxi Saheb ..We will miss you a lot for ever..!!! God Bless Eternal Peace to His Soul!!!
  -RUPEN PATEL

 6. પિંગબેક: લયસ્તરો » અલવિદા બક્ષીબાબુ !

 7. પિંગબેક: શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી « તડાફડી … … … -અનિમેષ અંતાણી