સબસે ઊંચી પ્રેમ સગાઈ – ડૉ. પ્રજ્ઞા પૈ

[તંત્રી નોંધ : જેને આપણા વડીલોએ નિયમિત વાંચ્યું છે, એવા સતત 55 વર્ષથી સંસ્કારની સરિતાને અસ્ખલિત વહાવતા ‘જનકલ્યાણ’ મેગેઝીન જાન્યુઆરી-2006 ના અંક માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. દેશ-પરદેશમાં રહેતા જે કોઈ વાચક મિત્રોને જનકલ્યાણ મેગેઝીન મંગાવવું હોય કે તેની કોઈ માહિતી મેળવવી હોય તો તે અમદાવાદ ઑફિસ પર (ભારતીય સમય પ્રમાણે સવારે 11 થી 4 સુધીમાં) ફોન : +91 (079) 25454545 અથવા jankalyan99@yahoo.co.in પર ઈ-મેઈલ થી સંપર્ક કરી શકે છે ]

‘ડાગટર મામી, તમે આમ જાનવરોને હેળવો મા. કુત્તા બિલ્લી કિસકો કાટ લેતા હૈ તો ચૌદહ ઈન્જેક્ષન લેના પડેગા. તમે તો ઠીક જાણે ડૉકટર છો. ખાલી ફુકટમેં કમ્પાઉન્ડ ગંદા હોતા હૈ.’ અમારી નીચે રહેતાં, કપાળમાં કંકુ, વિભૂતિ, ચંદન અને હળદરના ચાર ચાર ચાંદલા કરતાં મદ્રાસી સરસ્વતી મામીએ મને ચેતવણી આપી. જવાબમાં મેં વિવેકથી કહ્યું : ‘મામી, મારે કોઈને હેળવવાં નથી એટલે હું બીજે માળેથી નીચે રોટલીના કટકા નાખું છું. નિયત સમયે એક બિલાડી અને એક કુતરું ઊભાં રહે છે અને મેં ફેંકેલા, ઘી-ગોળ ચોપડેલા રોટલીના કટકા આનંદથી ઝઘડયા વગર આરોગી ચૂપચાપ બહાર નીકળી જાય છે. એ લોકોને ખબર નથી કે રોટલી કોણ નીરે છે. એમ તો હું ચકલીને દરરોજ ચણ નાખું છું. કાલ સવારે તમે કહેશો કે કમ્પાઉન્ડમાં કચરો થાય છે.’ તેમને આ જવાબ ગમ્યો તો નહિ પણ જો હું પુણ્ય કમાવાની આશા સેવતી હોઉં તો આ બધું કરવાને બદલે મારે મંદિરે જવું જોઈએ તેવી સલાહ આપી.

થોડા સમય પહેલાં અમારી સામે આવેલાં ‘સિંધ સાગર’ નામના ત્રણ માળના મકાનનું સમારકામ ચાલતું હતું. કમ્પાઉન્ડમાં સિમેન્ટ, રેતી, લોખંડના સળિયા વગેરે સરંજામ ખડકવામાં આવ્યો હતો. ત્રીજા માળ સુધી લાકડાનાં વાંસડાના માંચડા બાંધવામાં આવ્યા હતા. રાતે સાડાબાર વાગે અચાનક ચાર-પાંચ કૂતરાંએ જોરથી ભસવાનું શરૂ કર્યું. આમ તો રાતમાં અવારનવાર કોઈ કૂતરું ભસે તેની નવાઈ નહોતી. પણ સામૂહિક ભસવાનું અસામાન્ય હોવાથી ત્રીજે માળ રહેતો નરેશ લાલવાણી બારી પાસે આવ્યો. રસ્તાના મ્યુનિસિપાલીટીના દીવાના ઝાંખા પ્રકાશમાં બરાબર દેખાતું નહોતું પણ લોખંડના સળિયા પડ્યા હતા ત્યાં થોડી હલચલ દેખાઈ. ‘કૌન હૈ ?’ નરેશે પૂછયું. જવાબ નથી મળવાનો તેની ખબર હોવા છતાં તેને ફરીવાર હોકોટો કર્યો. એટલામાં બીજા માળની બાલ્કનીમાં ચડેલો એક માણસ માંચડા પર ચડી ઝડપથી નીચે ઉતરવા માંડ્યો. નરેશે ‘ચોર ચોર’ બૂમ પાડી. બિલ્ડિંગનાં પાંચ છ ઘરમાં બત્તી થઈ. ભોંયતળિયે રહેતો કિશન લાકડી લઈ બહાર આવ્યો. આ હલચલ દરમ્યાન ચાર પુરુષો નાસી છૂટ્યા. સમારકામ માટે લાવવામાં આવેલો સામાન ચોરવાનો તેમનો ઉદ્દેશ હતો. આ ઉપરાંત બીજા માળે આવેલા ફલેટમાંથી ચાંદીનો પૂજાપો અને કપડાંનું પોટલું બાલ્કનીમાંથી નીચે ફેંકીને કે સાથે લઈ માંચડા પરથી ઉતરી જવાનો ચોરનો આશય હતો. આ બાને પોટલાં બાલ્કનીમાં પડતો મૂકી તે સડસડાટ નીચે ઉતરી નાસી ગયો હતો. આ ટોળકી ચોરી કર્યા વગર નાસી ગઈ તેનું શ્રેય કૂતરાંઓને જાય તે દેખીતું છે. બીજે દિવસે સવારે નરેશ, કૃષ્ણકાન્ત, દેવકીબાઈ વગેરે ચાર પાંચ લોકો પ્લાસ્ટિકની તબાકમાં દૂધ લઈને નીચે આવ્યાં, સાથે એક ટ્રેમાં બિસ્કિટ હતાં, એક ટ્રેમાં પાઉંના ટુકડા હતા અને એક થાળીમાં થીનું ઘી ચોપડેલી રોટલીનો થડકલો હતો. કમ્પાઉન્ડના દરવાજા પર ઊભાં રહી બુચકારા કરી તેમણે કૂતરાંઓને પેટ ભરીને જમાડ્યાં. આસપાસનાં લોકોને આ વર્તણૂંક વિચિત્ર લાગવાથી તેમણે કારણ પૂછયું. એક ભાઈને થયું; કોઈ મૃત વ્યક્તિના આત્માની શાંતિ માટે આ દાન થઈ રહ્યું છે. કોઈએ પૂછ્યું, ‘કોઈનું શ્રાદ્ધ છે ?’ જવાબમાં ‘સિંધ સાગર’ ના રહેવાસીઓએ કહ્યું : ‘કોઈ મરી નથી ગયું કે કોઈનું શ્રાદ્ધ નથી. આ તો અમારા તરફથી શ્વાનમિત્રોને ‘થેંક્સ ગિવીંગ’ પાર્ટી આપવામાં આવે છે.

અમારા ઘરથી ત્રણ બિલ્ડિંગ આગળ ‘લીલા વીલા’ નામનું નાનકડું બિલ્ડિંગ હતું. મોટા કદના બંગલા જેવા આ મકાનમાં કામદાર કુટુંબના પાંચ ભાઈઓ રહેતા હતા. સંતાનો મોટા થયાં, પરણ્યાં અને કુટુંબ કબીલો વધ્યો એટલે જગ્યા ઓછી પડવા માંડી. ભાઈઓએ બદલાયેલા સંજોગોને અનુરૂપ નિર્ણય લીધો કે આ ઘર પાડી નાખી બીજું ઘર બાંધવું. દરેક ભાઈનું કુટુંબ એક એક માળ વાપરે તેથી પાંચ માળ કામદાર કુટુંબ માટે બાંધવા અને એક વધારાનો માળ બાંધવો જે બીજા કોઈને વહેંચી શકાય. બાંધકામ પુરું થાય ત્યાં સુધી બીજે ક્યાંક રહેવાની સગવડ કરવામાં આવી હતી. મકાન તોડવાનું શરૂ થયું. આ કમ્પાઉન્ડમાં સારા એવા સમયથી એક માંદલી કૂતરી રહેતી હતી. મકાન તોડાઈ ગયા પછી નવી ઈમારત બાંધવાનું શરૂ થયું. કૂતરીએ પોતાનો મુકામ નહોતો બદલ્યો. ધીરે ધીરે તેની તબિયત સુધરવા માંડી, દેખરેખ રાખનાર ચૉકીદારો સાથે કુતરીને સારી એવી માયા બંધાઈ ગઈ હતી. થોડા જ દિવસમાં તેણે છ ગલૂડિયાંને જન્મ આપ્યો. ચૉકિદાર, સામે આવેલી શાળાંના બાળકો અને બાંધકામની દેખરેખ રાખવા વારંવાર આવતા કામદાર કુટુંબના સભ્યો – કૂતરી તેમ જ ગલૂડિયાંને ખાવાનું આપતાં, ગલૂડિયાં વહાલાં લાગી જાય તેવાં અને હુષ્ટપુષ્ટ હોવાથી તેને ઉપાડી જવા કોઈ પણ લલચાય તે સહજ હતું. બિલ્ડિંગનું રંગરોગાન, બાગકામ, લીફ્ટ વગેરે કામ પૂરું થયું એટલે એક પછી એક પાંચે ભાઈ પોતપોતાના માળ પર રહેવા આવી ગયા. તેમણે બિલ્ડિંગની સલામતી માટે મોટા બે આલ્સેશિયન કૂતરા પાળ્યા. આ કૂતરા પાળવા છતાં તેમણે જૂની કૂતરી અને તેનાં ગલૂડિયાંને હાંકી ન મૂક્યાં. દોઢ-પોણા બે વર્ષનાં સફેદ નાનકડાં કૂતરાંઓને પણ પોતાની પાસે જ રાખ્યા. છ ગલૂડિયાંમાંથી ચાર જ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રહેતાં. બાકીનાં કોઈ ઉપાડી ગયું એવું અનુમાન હતું. શ્વાનપુત્રોને ગળે ભૂરો પટ્ટો અને શ્વાનપુત્રીઓને ગળે લાલ પટ્ટો બાંધી તેમને પાળેલા કૂતરાને મોભો આપવામાં આવ્યો. આ ઉપરાંત તેમનું ખાવાપીવાનું, જરૂરી ઈન્જેકશનો આપવાનું અને બીજી સંભાળ રાખવાનું પણ ચાલુ રહ્યું. જૂના ભાડૂતો, માળી કે બીજા કામદારોની ઝૂંપડી અને કોઈ વાર જૂન નોકર-ચૉકીદારને ચાલ્યાં જવાની તાકીદ કરવાની સામાન્ય વર્તણૂંક કરનાર મકાન માલિકો કરતાં આ કુટુંબ જુદું જ નીકળ્યું. જે પ્રાણી પોતાને પર્યાયી રહેઠાણ મળવું જોઈએ તેવી માગણી કરવા અસમર્થ હતાં, ‘સ્ટ્રે’ – શેરીના રખડતાં કૂતરાં કહી જેમને મ્યુનિસિપાલીટીની ગાડીમાં પૂરી ધકેલી દેવાનું શક્ય હતું તેમને પાળવાનું અને પોતાના નિવાસ સ્થાને રાખવાની જવાબદારી ભર્યું ઉમદા કામ કામદાર કુટુંબે કર્યું હતું.

સરસ્વતી મામી, નરેશ લાલવાણી – દેવકીબાઈ – કૃષ્ણકાન્ત…. ગમે તે વ્યક્તિ હોય. આપણે યાદ રાખવું ઘટે કે આપણે સ્વાવલંબી નથી અને પરાવલંબી પણ નથી. માનવ-માનવ વચ્ચે, માનવ-વનસ્પતિ જગત વચ્ચે અને માનવ-પશુ વચ્ચે પરાવલંબન હોવું અનિવાર્ય છે. આથી જ મોટા ભાગનાં સંસ્કારી કુટુંબોમાં સંજ્ઞાત્મક રીતે બ્રાહ્મણ અને તુલસી પૂજાય છે. તે ઉપરાંત ગાય, કૂતરાં, કાગડો વગેરેને રોટલી પીરસાય છે, પક્ષીઓને ચણ અપાય છે અને ગરીબ માનવોને યોગ્ય મદદ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્તણૂંક આપણું ઔદાર્ય કે મોટપ દેખાડવા માટે નથી કરવામાં આવતી. આ પણ ઋણ ચૂકવવાની – ‘થેન્કસ ગિવીંગ’ ની – અનિવાર્ય અને આવશ્યક ક્રિયા છે.

Advertisements

3 responses to “સબસે ઊંચી પ્રેમ સગાઈ – ડૉ. પ્રજ્ઞા પૈ

 1. Prgnaben ni aa vat bahuj sundar lagi…
  manav janme karme acharane olkhay chhe tenu
  jivant drashtant….
  aabhara sah…

 2. અમિત પિસાવાડિયા

  સરસ લેખ છે . સાચુ જ કહ્યુ છે કે માનવ-માનવ વચ્ચે, માનવ-વનસ્પતિ જગત વચ્ચે અને માનવ-પશુ વચ્ચે પરાવલંબન હોવું અનિવાર્ય છે. આ એક પ્રકારની કુદરતી સાંકળ છે.

 3. I really liked this article. It’s a must read.