ચાંદીની શુદ્ધિ – સં. દિલીપ રાજગોર

બાઈબલ કહે છે કે “ચાંદીને દોષરહિત અને શુદ્ધ કરવાનું કામ ઈશ્વર સંભાળે છે.”
બાઈબલની આ વાતથી બાઈબલ અધ્યયન સમિતિની અમુક બહેનો મૂંઝવણમાં પડી ગઈ. તેમને થયું આ વાત પરથી ઈશ્વરની કાર્યપદ્ધતિ વિશે શો નિષ્કર્ષ કાઢી શકાય?
તેમણે એક સોનીનો સંપર્ક કરી ચાંદી શુદ્ધ કરવાની પ્રક્રિયા જોવાની પરવાનગી માંગી.

સોનીએ જણાવ્યું કે, “જ્યારે ચાંદીને શુદ્ધ કરવાની હોય ત્યારે તેને આગની વચ્ચોવચ જ્યાં સૌથી વધારે ગરમી હોય ત્યાં રાખવી જરૂરી છે. તેમ કરવાથી તેની બધી અશુદ્ધિઓ નષ્ટ થાય છે.”

બહેનોએ વિચાર્યું કે ઈશ્વર પણ આપણને જિંદગીની આગમાં બરોબર વચ્ચે રાખતો હોય છે. તેમણે સોનીને પૂછયું, “ચાંદીને જ્યારે શુદ્ધ કરાતી હોય ત્યારે સતત ત્યાં બેસી રહેવું જરૂરી છે?”

સોનીએ કહ્યું, “હા, સાથે શુદ્ધ થઈ રહેલી ચાંદી પર સતત નજર રાખવી પણ જરૂરી છે. જો જરૂર કરતાં થોડો વધુ સમય ચાંદી આગમાં રહી જાય તો તે નષ્ટ થઈ શકે છે.”
“પણ તમને કેમ ખબર પડે કે ચાંદી શુદ્ધ થઈ ગઈ છે?”
“તે તો ખૂબ સરળ છે….. જ્યારે પીગળેલી ચાંદીમાં મને મારું પ્રતિબિંબ દેખાય ત્યારે તે સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગઈ કહેવાય.”

તાત્પર્ય એટલું જ કે જો તમે શુદ્ધ થઈ રહેલી ચાંદીની અગનજ્વાળાઓ અનુભવી રહ્યા હો તો ઈશ્વરની નજર સતત તમારા પર મંડાયેલી છે તે ભૂલશો નહિ. તમારા આ કપરાકાળમાં એ સતત તમારી સામે બેઠો છે. જ્યાં સુધી ઈશ્વરને તમારામાં પોતાનું પ્રતિબિંબ નહીં દેખાય ત્યાં સુધી જીવનનો આ અગ્નિ તમને તપાવીને શુદ્ધ કરતો રહેશે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.