દેડિયાપાડાનો પ્રવાસ – કર્દમ મોદી

‘દેડિયાપાડા’ નામ લેતાંની સાથે લીલા રંગની ચાદર ઓઢેલી કોઈ નવયુવાન રાજકુમારીનું સ્મરણ થાય એવો રમણીય પ્રદેશ. સાતપુડાના પર્વતોની વિશાળ અને સુદીર્ધ હારમાળાઓની ગોદમાં પાંગરેલો આ પ્રદેશ કેટલા ગહન અને કુંવારા સોંદર્યનો પ્રદેશ સંધરીને બેઠો છે એ શહેરોમાં સબડતા, યંત્રમાનવો જેવું જીવન જીવતા લોકો માટે કલ્પનાતીત બાબત છે. બાકી કાશ્મીર કે મહાબળેશ્વર જવાની ઈચ્છા ન થાય એવા આ પ્રદેશની મુલાકાત લેનાર કોઈપણ સહેલાણી સહજતાથી બોલી જાય એવો નેવરલૅન્ડ સમો આ રમ્ય પ્રદેશ છે.

નિનાઈ ઘાટ દેડિયાપાડાથી 35 કિ.મી જંગલના ગર્ભમાં પાકી સડક પર યાત્રા કર્યા પછી આવતો એક દીર્ઘ જળપ્રપાત જે તમને સ્વર્ગનો અહેસાસ કરાવે. છલકાઈ ઊઠતા વનદેવીના સોંદર્યને માણવાનો અને જાણવાનો આ મધુર અવસર. જો નિનાઈ ઘાટથી પાંચ-સાત કિ.મી આગળ યાત્રા કરો તો વાદળ પર ઊભા હોય એવો માલસામોટનો ઉચ્ચ પ્રદેશ જોવા મળે કે જ્યાંથી મહારાષ્ટ્રનાં ખેતરોમાં ઊગેલાં વિશાળ વૃક્ષો ઘાસ જેવાં દેખાય. ચાલુ વરસાદના ફોરા ઝીલતા ઝીલતા અહીં તમે જો મોટરબાઈક પર પ્રવાસ કરો તો તમને અલીફલૈલાની જાદુઈ શેતરંજી પર બેસીને અવકાશી સેર કરતા હોય એવું લાગે.

પરંતુ તમે સીંગલોટી ગામના ઊંડાણમાં આવેલો એક શરમાળ જળપ્રપાત જોયો છે? છીપમાંના મોતી જેવો આ ધોધ ખરેખર ઘણું સૌંદર્ય સંઘરીને બેઠો છે. પરંતુ અફસોસ ! એ અપ્રચલિત અને અપ્રસિદ્ધ ઘાટ છે.

વળી, પાંજરીઘાટની તો વાત જ નોખી. પગથિયાવાર, તબક્કાવાર પાણી આગળ પડતું જાય અને ધોધ સર્જાતો જાય અને અંતે એક ખૂબ ઊંડા ચોરસ આકારના હોજમાં આ જળરાશિ ઠલવાય ત્યારે એનો પ્રચંડ અવાજ? અરે! કાન ઢાંકી દેવા પડે એવી પ્રચંડ ઘોષણા અતિવર્ષાના કાળે આ ધોધ સરળતાથી કરી શકે છે. દેડિયાપાળાથી માત્ર પાંચ કિ.મી દૂર આવેલા એવા આ ધોધની મુલાકાત લેવી સરળ છે. કારણકે એ દેડિયાપાડા – રાજપીપળા હાઈ-વે પર છે.

દેડિયાપાડાથી માત્ર ત્રણ કિ.મી દૂર આવેલા કોલીવાડા (બોગજ) નામના ગામનો ઘાટ તો બહુ ઓછા લોકોએ માણ્યો હશે. કદાચ ગામલોકો સિવાય કોઈએ નહીં. બાકી, સો ફૂટ ઊંડાણમાં આવેલો આ માત્ર આઠ-દસ ફૂટનો ધોધ જ્યારે એના વિપુલ જળરાશિ સાથે તેના ઊંડાણમાં આવેલા ગુફા જેવા ઘેરાવામાં પછડાય છે ત્યારે ધમાકેદાર રૉક મ્યુઝિક જેવો અવાજ સંભળાય. વળી, આ ઘાટની આસપાસના સુંદર પથ્થરો તો એવા લીસા કે જાણે મહેલ બનાવવા માટે એકત્ર કરેલું રો-મટીરિયલ ન હોય ! કાંઠે બેઠેલા નિર્દોષ ગ્રામજનોને માછલી પકડતા જેવા અને દિગંબર બનીને ધોધમાં નહાતાં બાળકોના ધુબાકા જોવા તે પણ ગમી જાય તેવું દ્રશ્ય છે.

માત્ર, જળપ્રપાતો પૂરતી વાત મર્યાદિત નથી. રાજપીપળા પાસે ઝરવાણી ગામનો ધોધ, ઉમરપાડા પાસે નો દેવધાટ, વગેરે પણ વિગતે વર્ણનો કરી શકાય એવાં સુંદર સ્થાનો છે. પરંતુ તમે રાજપીપળાથી મોટરબાઈક પર દેડિયાપાડા સુધીનું 45 કિ.મી અંતર કાપો તો એક યાદગાર દ્રશ્ય જોવા મળે એમ છે. વનરાજીથી છલકાઈ જતું વન, કરજણ નદીનું બેક વૉટર, ઊંડી ઊંડી ખીણો, સર્પીલ આકારની સડકો, ઊંચા ઊંચા તાડનાં વૃક્ષો અને સરસ તેમ જ સલામત ધોરીમાર્ગ….. આવા માર્ગ પર તમે 45 કિ.મી ન કાપો તો જીવનમાં કંઈક ગુમાવ્યું છે, એવું ચોક્ક્સ માની શકાય. જેમ વૃંદાવન ગાર્ડનમાં વિહાર કરવા માટે પણ ટિકિટ ખર્ચવી પડે છે તેમ આ માર્ગ પર રાઈડ કરવા માટે પણ ટિકિટ રાખી શકાય તેટલો સમૃદ્ધ આ માર્ગ છે. તમારી પાસે તે માર્ગ માત્ર ઈચ્છાશક્તિની જ અપેક્ષા રાખે છે, નહીં કે આર્થિક શક્તિની.

આ સૌંદર્યવાન અરણ્યની સાથે એકરૂપ થઈને રહેતા આદિવાસીને વૈષ્ણવજન કહી શકાય. ઓછામાં ઓછી જરૂરિયાતો અને ફરિયાદો સાથે જીવતો આ અરણ્યનો માનવી શિક્ષિતોને શિક્ષણ આપવાને સમર્થ છે.

છેલ્લે એક મજાની વાત : દેડિયાપાડા ભારતમાં છે, સ્વિટ્ઝર્લેંન્ડમાં નહીં. આથી તેની મુલાકત લેવી સરળ છે.

Advertisements

7 responses to “દેડિયાપાડાનો પ્રવાસ – કર્દમ મોદી

 1. If I am not mistaken, it is very much in Gujarat.
  I never knew , it is such a nice place, though I have lived in Gujarat for 58 years!!

 2. mulakat levij rahi atlu sunder varnan aryu chhe.

 3. મેં થોડા વખત પહેલાંજ કોઈ ની પાસે થી આના વિષે થોડુ ઘણું સાભળ્યું હતું. પણ અહીં તો સંપૂર્ણ વર્ણન છે. હું ચોક્કસ મુલાકાત લઈશ.

 4. Very TADRUSH varnan…I have visited this place and it has many hidden treasures all the way upto Maharashtra border.Nture in abundance!!
  Likes your discriptions of the place.Thanks.

 5. Very apt varnan…The greenery,hills,vegetation are out of this world..also the villages are clean,well maintained,huts remind you of PARNKUTIR!..red roofs,bamboos..symmetry and method..must see..hope it remains like this…

 6. Congrates Kardambhai for bringing Dediyapada on web…
  it is realy beautiful forest.
  I am proud to be resident of such a beautiful place.
  your VARNAN IS also very good.

 7. yes, its indeed true, its heaven of west india,
  I have visited it, and I have no words to explain its beauty,
  everybody should visit this in Monsoon or after monsoon,