બેબી બારમામાં છે…. – ગુજરાત સમાચાર તંત્રી લેખ.

બેબી બારમામાં છે....[ તા. 8 માર્ચ, 2006 ના ગુજરાત સમાચારના તંત્રી વિભાગ કોલમમાંથી સાભાર. ]

ઘરમાં કરફ્યુ ઓર્ડર લાગી ગયા છે. ટીવીના રીમોટ સંતાડી દેવાયાં છે. ચેનલો કાઢી નાખવામાં આવી છે. મોટેથી બોલવા પર પ્રતિબંધ આવી ગયો છે. તમામ સભ્યોના ટાઈમટેબલ બદલાઈ ગયાં છે. બોર્ડની પરિક્ષાઓ નજીક આવતા મા-બાપ ઘાંઘા થઈ ગયાં છે. બેબી બારમામાં છે. જેટલી ચિંતા બેબીને નથી એટલી બાપાને અને એથી સવાઈ મમ્મીને છે. બધાને રેન્ક જોઈએ છે. બધાને ડિસ્ટીન્કશનની આશા છે. સંતાનો ઉપર પણ આ અપેક્ષા પૂરી કરવાનો બોજ છે. દસમા કે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી રહેલાં બાળકો સતત તાણમાં રહે છે. આ ભયાનક સ્ટ્રેસને કારણે તેમને વાંચેલું યાદ નથી રહેતું. ભણેલું ભેળસેળ થઈ જાય છે. આમ ઉંઘ નથી આવતી અને ચોપડી હાથમાં પકડતાં જ ઝોકાં આવવા માંડે છે. કેટલાકે તો માનસચિકિત્સકોની સારવાર લેવી પડે છે. સ્ટ્રેસ ઘટાડતી ગોળીઓ લેવી પડે છે. સરવાળે આ દવાઓ અને ટ્રીટમેન્ટ તેની પરિક્ષાના દેખાવ ઉપર અવળી અસર કરે છે.

છેલ્લા એક દાયકામાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. સારી કૉલેજોમાં, સારી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો ખૂબ જ અધરો થઈ ગયો છે. 60-70 ટકા માર્કસ તો હવે ચણા-મમરા જેવા કહેવાય છે. હવે તો 80+ ની જ વાત કરવી પડે. 90+ ના ટાર્ગેટ રાખવા પડે. ઓછા માર્કસ આવે તો – સારા કોર્સના તમામ દરવાજા બંધ થઈ જાય. સારી સંસ્થાઓમાં પ્રવેશ પણ ન મળે. ભવિષ્ય અંધકારમય ન થાય પણ ધૂંધળું જરૂર થઈ જાય. આવી સ્થિતિ થવાની બીકે વિદ્યાર્થી અને તેના વાલીઓ બંને અત્યંત તાણમાં રહે છે. વધુ માર્કસ મેળવવા માટે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરે છે, શોર્ટકટ્સ શોધી કાઢે છે. માતાપિતા સવાર-સાંજ ચા ના કપ લઈને તહેનાતમાં હાજર રહે છે, સારામાં સારા ટ્યુશન કલાસમાં બાબલાને ગોઠવી દે છે. જવા આવવાની વ્યવસ્થિત વ્યવસ્થા કરે છે. બેબી-બાબાનું મોરલ બુસ્ટ કરવા માટે તેઓ મરી પડે છે.

વાંક આમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો નથી, વાંક આપણી શિક્ષણપદ્ધતિનો છે. મેકોલેની યાદ કર્યા વગર કહીએ તો કારકૂનો પેદા કરવા માટે આપણી શિક્ષણપદ્ધતિ પાસેથી આપણે મેનેજરો, એન્જીનીયરો, વિજ્ઞાનીઓ, ડૉકટરો અને પ્રોફેશનલો પેદા કરવાનું કામ લઈ રહ્યા છીએ. ગધેડીની કૂખે સિંહનું બચ્ચું અવતારવા જેવો પ્રયત્ન થઈ રહ્યો છે. બાવળ વાવીને કેરીની આશા રાખનાર મૂર્ખ કહેવાય. આપણી પરિક્ષાલક્ષી પદ્ધતિ શિખવા માટેની નથી, યાદ રાખવા કે ગોખવા માટેની છે. E=MC2 આઈનસ્ટાઈનનું આ સુત્ર સમજ્યા વગર ગોખી કાઢનારને પણ પૂરા માર્કસ મળે અને સાપેક્ષવાદની થીયરી સમજનારને પણ એટલા જ માર્ક મળે. ટકે શેર ભાજી ટકે શેર ખાજા. વિદ્યાર્થીને કોર્સની બહારનું કશું ભાન નથી હોતું. પ્રત્યક્ષ નિદર્શનથી શિક્ષણ નથી મળતું. બારમા સાયન્સમાં કેમેસ્ટ્રીનાં હજારો રાસાયણિક સમીકરણો મોઢે કરી જનાર વિદ્યાર્થીમાંથી કેટલા હકિકતમાં તેને સમજી શકતા હશે?

આપણી શિક્ષણપદ્ધતિઓ બાળકોમાંના કૂતુહલને મારી નાંખ્યું છે. તેઓ માત્ર ટેપરેકોર્ડર જેવાં બની ગયાં છે. આખું વર્ષ યાદ રાખીને પરિક્ષાના દિવસે બધું ઓકી કાઢવાનું. આજના વિદ્યાર્થીઓમાંથી બહુ ઓછાને પ્રશ્ન થાય છે કે પાંદડાનો રંગ લીલો કેમ અને ફૂલો રંગબેરંગી કેમ હોય છે? આથમતો સૂર્ય મોટો કેમ લાગે છે અને વીજળીના ચમકારા કેમ થાય છે? પ્રાણીઓ ઓકિસજન ઉપર અને વનસ્પતિઓ કાર્બન ડાયોકસાઅઈડ ઉપર કેમ જીવે છે? એકનું ઝેર બીજાનો ખોરાક કેમ હોય છે? ગુફામાં પડધો પડે તો તેને પડધાનું વિજ્ઞાન સમજવાનું મન નથી થતું. પાણીના ગ્લાસમાં મૂકેલી ચમચી વાંકી લાગે તો તેને તેનું કારણ જાણવાનું કૂતુહલ નથી થતું. વિદ્યાર્થીને ભણાવવાની રીત જ ઉંધી છે. સર્વગ્રાહી અને સમજપૂર્વકનું શિક્ષણ આપવામાં આવતું નથી. અને, પરિક્ષાની રીત સાવ ખોટી રાખવામાં આવી છે તે લટકામાં. અભ્યાસના કોર્સમાં તો વારંવાર ફેરફાર કરીને તેને વધુ સારા બનાવવાના પ્રયત્નો તો કરવામાં આવ્યા છે પણ, પરિક્ષાપદ્ધતિ બદલતાં કોણ જાણે શુંચૂંક આવે છે. શા માટે વર્ષાંત પરીક્ષા જ મહત્વની ગણવી? લેખિત ઉત્તરવહીઓ ભરવા ઉપરથી જ ગુણ શા માટે આપવા? જ્યાં સુધી આ બધું ચાલુ રહેશે ત્યાં સુધી ગોખણપટ્ટી ચાલુ જ રહેશે.

બાળક ભણવા બેસે તેનાં થોડાં વર્ષમાં જ તેની રસરૂચી પ્રમાણેનું શિક્ષણ આપવાની શરૂઆત કરવી જોઈએ. શરીરશાસ્ત્રમાં બહુ રસ ધરાવનાર વિદ્યાર્થી કેમેસ્ટ્રીમાં નબળો હોય તો તેણે શું ડૉકટર નહીં બનવાનું? સારામાં સારા ચિત્રકાર વિદ્યાર્થીને ગણિતમાં ટપ્પો ન પડતો હોય તો તે ફાઈન આર્ટમાં ન જઈ શકે? આવું ન હોવું જોઈએ. એમ બધા કહેશે. હકારમાં ડોકી હલાવશે પણ સુધારો નહીં કરે. આપણી નવી પેઢીને વધુ કોમ્પિટન્ટ બનાવવી હશે તો પરિક્ષા પદ્ધતિ બદલવી પડશે. અન્યથા, દર વખતે બોર્ડની પરિક્ષાઓ વખતે આવાં જ દ્રશ્યો સર્જાશે. કરફ્યુ લાગી જશે, મા-બાપ ઉજાગરો કરશે અને બાળકો ગોખણપટ્ટી કરશે. આજે તમારાં જે સંતાનો દસમા કે બારમા બોર્ડની પરિક્ષા માટે તૈયારી કરી રહ્યાં છે તેમનાં બાળકો આવી વ્યથામાંથી પસાર થાય એવું ન બનવા દેવું હોય તો આ પરિસ્થિતિ સુધારવી પડશે. કોશિશ યે હૈ કી યે સુરત બદલની ચાહિયે.

[ એસ.એસ.સી અને એચ.એસ.સી ગુજરાત બોર્ડની પરિક્ષા તા. 16 મી થી છે ત્યારે તમામ વિદ્યાર્થી વાચક મિત્રોને રીડગુજરાતી.કોમના તરફથી શુભેચ્છાઓ અને આપ સૌ સારા માર્કસથી ઊતીર્ણ થાઓ એવી પ્રભુ પ્રાર્થના. ]

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.