મોટી ચીખલીગામની વાટે… – ડૉ. નલિન પંડિત

મોટી ચીખલી ગામની વાટે... મોટી ચીખલીની શાળાનાં બાળકોએ પ્રાર્થના પૂરી કરી એટલે તેમની સાથે વાતો કરવાનો અવસર ઝડપી લીધો. બાજુમાં જ તીરકામઠું પડ્યું હતું એટલે મારાથી સહજ રીતે પુછાઈ ગયું કે તમારામાંથી કેટલાંને તીરકામઠું ચલાવતાં આવડે છે? બધાં જ બાળકોની આંગળી ઊંચી ! એક બાળકને બોલાવી તેને તીરકામઠું આપીને શાળાના મેદાનમાં વચ્ચોવચ્ચ રહેલા ઝાડના થડમાં તીર મારવા કહ્યું. ત્યાં તો રમતવારમાં સનનન્ કરીને છૂટેલું તીર બરાબર નિશાન ઉપર જ ચોંટી ગયું. આ નાનકડા બાળકના કૌશલ્યને જોઈને મને નિયામકને પણ પાણી ચડી ગયું, મેં પણ બાણમાં તીર ભરાવીને છોડ્યું. શું થયું તે નહીં કહું પણ આખી નિશાળમાં હાસ્યનું મોજું ફરી વળેલું એટલું જ કહીશ.

બાળકોને પૂછયું કે તમારામાંથી કેટલાંને ઝાડ ઉપર ચડતાં આવડે છે, તો બધાં બાળકોની આંગળી ઊંચી. ફરી પૂછ્યું કે કેટલાં બાળકોને તરતાં આવડે છે, તો ફરીને બધાંની આંગળીઓ ઊંચી. પ્રકૃતિની વચ્ચે રહીને આ બાળકો કેવી સહજ અને સરળ રીતે સાચી કેળવણી પામી રહ્યાં છે, તે જાણી ખૂબ આનંદ થયો.

આ નિર્દોષ બાળકો સાથે લંગડી રમ્યો, લાંબીકૂદ કરી, કાચની ગોળીઓથી (લખોટીઓથી) રમ્યો. ઘોળી દાઢી સાથે બાળપણને યાદ કરવાનો અને આ બાળકોને સમજવાનો સુનહરો અવસર માણ્યો.

શહેરની કેટલીક શાળાઓમાં અપાતી ભ્રામક કેળવણી, ત્યાં રિક્ષામાં ખડકાઈને ઠલવાતાં બાળકો, ગરમીના દિવસોમાં પણ બાળકોને ટાઈના ચીંથરા પહેરાવતાં એ સાક્ષરો, દફતરના ભાર નીચે નિર્દય રીતે કચડવામાં આવતાં બાળકો. શહેરમાં વસતો આ નાનકડો પણ બોલકણો વર્ગ પાછો અંગ્રેજીમાં બોલે સૌને આંજી નાંખવા ! ખોટાં ફૂલોને સાચા માનીને ભ્રમમાં અપાતું નર્યું ગોખણિયું શિક્ષણ, સાથોસાથ આવાં બાળકોનું છીનવાતું નાનપણ જોઈને દુ:ખ થાય છે. પરંતુ તેની સામે મોટી ચીખલી જેવા આદિવાસી વિસ્તારોમાં અપાઈ રહેલું મુક્ત શિક્ષણ જોઈને ખૂબ આનંદ થયો.

આ આદિવાસી વિસ્તારમાં નિરક્ષરતા કારણે ઘણીબધી અંધશ્રદ્ધા પ્રવર્તે છે. ભણતર વિના અંધશ્રદ્ધામાંથી પ્રજાને છોડાવવી ઘણી મુશ્કેલ છે. નિરક્ષરતાને કારણે વટાળ પ્રવૃત્તિ પણ વધે. દિવસે દિવસે અહીં સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે, ભણતર વધી રહ્યું છે, તે જાણીને આનંદ થયો.

શાળાના મેદાનમાં ઝાડની એક ડાળીએ ટપાલપેટી પણ લટકતી જોઈ. બાળકોની આ સંદર્ભે આપોઆપ જ સૂઝ-સમજ વિકસેલી આપણે જોઈ શકીએ.

શાળામાં આવેલી ઓસરીની દીવાલ ઉપર લખવામાં આવેલું કે શાળામાં સતત ઘંટ વાગે તો કોઈક પ્રકારનો ભય હોવાનો સંકેત સમજીને બધાંએ તરત જ એક જગ્યાએ ભેગા થઈ જવું. મેં આનું કારણ જાણ્યું કે આ વિસ્તારમાં દીપડાઓનો ભય છે. શક્ય છે કે દીપડો શાળાની વાડ કૂદીને આવી જાય તો તેનાથી બચવા અને તેને ભગાડી મૂકવા આ ઉપાય કરેલો છે. જોકે હમણાં ઘણાં લાંબા સમયથી કોઈ હિંસક પ્રાણી શાળામાં આવ્યું હોય તેવું બનવા પામ્યું નથી. પરંતુ પડકારમય પરિસ્થિતિનો સામનો કેમ કરવો તે અહીં શીખવા મળે છે. આ રીતે ઘડાતાં બાળકો જીવનના પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી શકે તે સ્વાભાવિક છે. કૉમ્પ્યુટર ગેમમાં ધડાધડ ગોળી છોડીને પ્રાણીઓને મારવાની બહાદૂરી બતાવતાં અને ચોપડીનાં થોથાંમાંથી જ પડકારોના પાઠ ભણતાં બાળકો પડકારમય જીવનનો સામનો સહજતાથી ન કરી શકે તે પણ તેટલું જ સાચું છે.

કટોકટીભર્યા સમયમાં ઘંટ વગાડીને ભેગાં કરવાની વાત સાંભળીને મને મારી પોરબંદરની બી.ઍડ્ કૉલેજ યાદ આવી ગઈ. આ કૉલેજ ના આ વરસે પચાસ વરસ પૂરાં થયાં. આ કૉલેજના પ્રથમ પ્રિન્સિપાલ સ્વ. પ્ર. ત્રિવેદીસાહેબે કૉલેજમાં પરદેશથી મંગાવીને મજબૂત રીતે લટકાવેલો મોટો ઘંટ આજે પણ યાદ છે. પોરબંદરના દરિયાકાંઠે, શહેરથી દૂર શાંત વિસ્તારમાં આવેલી કૉલેજના આ ઘંટનો ઘંટનાદ એકાદ કિલોમિટરમાં સંભળાય.

ત્રિવેદીસાહેબ કૉલેજ કૅમ્પસમાં જ રહે. છાત્રાલય, સર્વન્ટ કવાટર્સ, સ્ટાફ કવાટર્સ – બધું જ કૉલેજ કૅમ્પસમાં અને બધાને કૅમ્પસમાં રહેવાનું ફરજિયાત.

આઈન્સ્ટાઈન જેવી બ્રાહ્યપ્રતિમા ધરાવતા વિદ્યાપુરુષ ત્રિવેદીસાહેબની સર્વને સૂચના કે કોઈ પણ સમયે કૉલેજનો આ ઘંટ વાગે એટલે બધાએ તરત જ ભેગા થઈ જવું.

ક્યારેક ઘંટ ગાજી ઊઠે. બધા ચિંતાસભર દોડી આવે. એક વખત આવી જ રીતે ઘંટ સાંભળી સૌ ત્રિવેદીસાહેબ પાસે દોડી આવ્યા. ત્યાં ત્રિવેદીસાહેબ બોલી ઊઠયા, જુઓ દોસ્તો, આપણે ત્યાં વર્ષારાણીનાં આગમન થયાં છે. આપણે સૌએ તેનાં વધામણાં કરવાનાં છે. ચાલો બધા મારી સાથે દરિયાકાંઠે. સૌ વરસાદમાં પલળવાની મોજ માણતાં કૉલેજની પાછળ જ આવેલા દરિયાકાંઠે પહોંચી ગયા. ત્યાં ત્રિવેદીસાહેબે વર્ષાનાં ગીતો ગવરાવ્યાં. વર્ષાની અવનવી વાતો કરી, દેશ-પરદેશના વરસાદ, વાવાઝોડા, તોફાન આ બધાની અવનવી વાતો કરીને બધાંને અંદરથી પણ તરબોળ કરી દીધાં. આવા તો અનેક પ્રસંગો. પોરબંદરથી દ્વારિકાનો પગપાળા પ્રવાસ કરાવે. જ્યાં રોકાય ત્યાં કૉલેજ શિક્ષણ થાય. ત્રિવેદીસાહેબ વિશ્વપ્રવાસી, ભાતભાતની વાતો કરે. પોતે ચિત્રકાર – નીતનવાં ચિત્રો દોરાવે, પોતે અદાકરી પણ કરે. સૌને પેટ ભરીને હસાવે, સૌને ધ્રુસકે ધ્રુસકે રડાવે તેવી તેમની અદાકારી. પોતે નાટ્યકાર – નાટક કરાવે. નાટકો પણ જાતે લખે.

આવા મુક્ત શિક્ષણની કેવી મજા ! થોથાંની મદદથી વરસાદ વિશે ભણાવવું, વરસાદ પડે ત્યારે વર્ગના બારી બારણાં બંધ કરીને ભણાવવું, કદી પણ પલળવાનો લહાવો ન લૂંટયો હોય અને વર્ષા ઉપર નિબંધ લખવાનો કહેવો તે ખોટાં ફૂલને સાચાં ફૂલ બનાવવા જેવું બની રહે છે. અનુભવજન્ય શિક્ષણ જ સાચું શિક્ષણ છે, જીવન શિક્ષણ છે.

Advertisements

5 responses to “મોટી ચીખલીગામની વાટે… – ડૉ. નલિન પંડિત

 1. saras lekh che ,, in today’s education senareo is very job orieanted and not life orieanted . BHAR VINA NA BHANTAR NI VAT TO FAKTA ON PAPER CHE. AK KAHEVAT MUJAB “” MUKTI AAPA VE TE VIDHYA “” PAN AAJE TO PAISA AAPAVE TE VIDYA ,, AE VU THAI GAYU CHE. SHIKSHSAN AE TO JIVAN JIV VA NI KALA CHE.

 2. Today – the scenario is changed – Education has become a profession. I accept – high and better education is Essential in life but not at the cost of freedom / enjoyment of BACHPAN.
  AAJ NU BHANTAR – BHANTAR – MAATRA VIDYARTHI O MAATE J NAHI – MAA-BAAP MAATE PAN BHAR-ROOP THAI GAYU CHHE. Major Change is required in the education system – and – politians / politics must be kept away from the education system.

 3. Very Nice Article on Education.
  Yes, I agree wtih the concept of today’s education which is now liek a business or profession. I feel guilty when i read this article and the way today’s children are getting education.
  I think the Government of India, should do something about this, because for education today’s generation has to pay lots of money behind only BOOKS and FEES which in Gujarati calls “Pustkiyu Gnan”. There is nothin we are learning if we just study what’s in books only.

  With this education students also should have some fun, I am not saying that yea, “FUN and Education”, but they should have some extracurricular activities related to the education which make them more interesting and would be easier to learn that way..

  But from this article today’s people should learn something.

  Thanks for giving this article on this site..

 4. ખરેખર સરસ લેખ છે. આજના શહેરી વાતાવરણમાં ભણતા બાળકો પ્રકૃતિ સાથેની આત્મિયતા ગુમાવી રહ્યા છે. કોમ્પુટર ગેમ્સ અને ટેલિવિઝનમાં સુંદર મજાની રમતો જેવી કે પકડદાવ, લંગડી, સાંકળિયુ, થપ્પો, આટાપાટા, લખોટી, ભમરડા, ગીલ્લીદંડા, આંમલી પીપળી વગેરે ભૂલી રહ્યા છે. જરૂર છે સારા શિક્ષકોની અને શિક્ષણ પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તનની. આજના જમાનામાં લેખમાં જેમનો ઉલ્લેખ થયેલ છે તેવા ત્રિવેદી સાહેબ જેવા શિક્ષક મળવા મુશ્કેલ છે.

  મૃગેશભાઈ તમે રીડ્ગુજરાતીનું જે સુંદર રીતે સંચાલન કરી રહેલ છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન…

  સિદ્ધાર્થ શાહ

 5. nana gam nu sikshan mane ghanu saru lage che. kyarek evu pan lage ke aapne jamana thi pachal padiye che, pan thodo samay javathi te badhu pan hatu n hatu thai jay che and aapne pan jamana sathe kadam milavi sakiye chiya. tyare mane mara nana gam nu sikshan yaad ave che and anand ni anubhiti thay che and vichar ave che ke saru thayu ke apne saher nu sikshan na malyu and balpan no anand prakruti sathe leva malyo. good article.