તિરાડવાળા ઘડાનો લાભ

ગામડાનો કાવડિયો પોતાની કાવડમાં બંને બાજુ માટીનો એક એક ઘડો મૂકતો. નદીએ જઈ તે બંને ઘડા ભરી ઘરે લાવતો. બેમાંથી એક ઘડામાં તિરાડ હતી. તિરાડમાંથી પાણી ઝમતું ને ટીપું ટીપું બહાર પડ્યા કરતું. કાવડિયો ઘરે પહોંચે ત્યાં સુધીમાં તિરાડવાળો ઘડો અડધો ખાલી થઈ જતો. બીજો ઘડો પૂરેપૂરો ભરાયેલો આવતો અને ઘરમાં તેનું પૂરું પાણી ઠલવાતું. રોજ સવારે કાવડિયો ઘર અને નદી વચ્ચે કેટલાય ધક્કા ખાતો, પણ ઘરમાં બે ઘડાને બદલે દોઢ જ ઘડો પાણી ભરાતું હતું. સારા ઘડાને પૂરું પાણી લાવવા બદલ ગર્વ હતો. તિરાડવાળા ઘડાને બહુ શરમ આવતી. આવું બે વર્ષ સુધી ચાલ્યું.

અંતે એક દિવસ તિરાડવાળા ઘડાએ કાવડિયાને કહ્યું, “મને બહુ શરમ આવે છે. મારી તિરાડને કારણે તમારા પરિશ્રમનું પૂરું ફળ તમને મળતું નથી. ઘરે પહોંચતા સુધીમાં મારું અડધું પાણી ખાલી થઈ જાય છે.”

કાવડિયાએ ઘડા સામે નજર કરી અને કહ્યું, “તેં કદી જોયું છે કે તું જે બાજુ હોય છે તે આખીય લેનમાં કેવા સરસ ફૂલ-છોડ ઊગ્યા છે? તારી સામેની બીજી બાજુએ કશુંય ઊગ્યું નથી. મને તારી ઊણપની ખબર હતી. તેને ધ્યાનમાં લઈને મે કાવડની તારી બાજુએ ફૂલોનાં બીજ વાવ્યાં. રોજ તેમને પાણી મળતું રહ્યું એટલે સુંદર ફૂલો ઊગ્યાં છે. એ ફૂલોને ચૂંટી હું ભગવાનને ધરું છું, હાર બનાવું છું, બારસાખ પર સેર બાંધું છું, મારી પત્ની વેણી બનાવી પહેરે છે. આ બધાંને લઈને મારું જીવન સુંદર બન્યું છે. આપણામાંના દરેકમાં કંઈ ને કંઈ ખામી કે ઊણપ હોય છે. તે ઊણપને જાણીએ અને સમજી કામે લગાડીએ તો તેનાં સુફળ મળે. આપણે બધાં જ તિરાડવાળા ઘડા છીએ. તિરાડનો પણ સદુપયોગ થઈ શકે. તિરાડવાળા ઘડાને ફોડી ન નાખતાં તેની પાસેથી તેના સરખું કામ લે તે માણસ જીવન જીતે છે. ઊણપો માટે બળાપો કરી જે સામેની વ્યક્તિમાં અપરાધભાવ પેદા કરે છે તે બીજાનો અણગમો મેળવે છે અને પામતો કશુંયે નથી.

Advertisements

4 responses to “તિરાડવાળા ઘડાનો લાભ

  1. it is such a beautiful concept. it says TAKE EVERYTHING POSITIVELY IN YR LIFE N B HAPPY

  2. sunder! ati sunder !! jivan ma aavi sari vato ne samji ne utariye ane tenu palan kariye to aava sara lekho ni mehnat dhanya dhanya thayi jay!!

  3. nice story. i like the concept.

  4. jindagi ma kami o no upyog pan kari shakay ane e pan atli saras rite. tamaroo khub khub abhhar