જ્ઞાનની શોધ – વિનોબાજી

ઉપનિષદની એક વાર્તા છે. એક રાજા હતો. દરિયાવ દિલનો હતો. વિદ્યાપ્રેમી હતો. જ્ઞાની પુરુષને જોઈ એ રાજી થતો. વિદ્વાનને મળતાં એનું હૈયું હરખાતું. કોઈ કહેતું કે ફલાણે ઠેકાણે અમુક વિદ્વાન રહે છે, તો રાજા તેને અચુક મળતો અને જ્ઞાન-ચર્ચા કરતો.

એકવાર કોઈકે રાજાને કહ્યું, ‘રાજન્, આપના રાજ્યમાં એક વિદ્વાન આવેલ છે. બહુ જ્ઞાની છે.’
‘ક્યાં રહે છે?’ રાજાએ ઉત્સુકતાથી પૂછયું.
‘અત્યારે ક્યાં છે તેની પાકી ખબર તો નથી.’
‘ભલે, હું તપાસ કરાવું છું.’ પછી રાજાએ પોતાના સારથિને કહ્યું, ‘ફલાણા વિદ્વાનનું નામ સાંભળ્યું છે? તે ક્યાં રહે છે તેની તપાસ કરો.’
સારથિ ગયો ને ઠેર ઠેર તપાસ કરી. આખીયે રાજધાની શોધી વળ્યો, પણ પેલા વિદ્વાનનો પત્તો મળ્યો નહીં. આખરે થાકીને એ રાજા પાસે પાછો આવ્યો ને કહ્યું, ‘આખું યે શહેર ખૂંદી વળ્યો, પણ ક્યાંય એ જ્ઞાનીની ભાળ મળી નહિ.’
‘ક્યાં ક્યાં તેં તપાસ કરી ?’ રાજાએ પૂછયું.
‘રાજધાનીનો ખૂણેખૂણો જોઈ વળ્યો.’ સારથિએ કહ્યું.
‘અરે મુર્ખ! તું તો કેવો છે ! જ્યાં જ્ઞાની પુરુષો રહેતા હોય ત્યાં તપાસ કરવી જોઈએ ને! જ્ઞાની તે વળી નગરમાં રહેતા હશે ?’
સારથિ સમજી ગયો. એ વનમાં ગયો. ત્યાં એને પેલા જ્ઞાની પુરુષ મળ્યા. એટલે તે તેમને રાજા પાસે સન્માનભેર લઈ આવ્યો. એ પછી એ વિદ્વાન અને રાજાએ જ્ઞાન-ચર્ચા કરી.

ઉપનિષદનો ઋષિ શહેરમાં જ્ઞાની રહેતા હોય તેવી આશા નથી રાખતો ! આશ્ચર્યની વાત છે ને ! અને આજે જુઓ તો જે કોઈ વિદ્યાલય કે કૉલેજ ખૂલે છે, તે શહેરમાં જ ! જોકે હું તો ઘણીયે વાર કહું છું કે વિદ્યાલય તો ઘણાંબધાં નીકળે છે. પણ ત્યાં ‘વિદ્યાનો લય’ થાય છે. એ વિદ્યાનાં આલય નથી રહ્યાં ! કેમકે અત્યારે જે વિદ્યા અપાય છે, તે આપણા ખપની તો છે નહિ. માટે એમાં વહેલી તકે પરિવર્તન કરવાની જરૂર છે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.