શબ્દોના ઘરેણાં – દિનેશ દલાલ

સખીરી, પિયુજી કહે વાળ મારા વરસાદી વાદળ જેવા છે
જા, જા, અલી બાવરી, એ તો તારા પિયુના ઠાલા ઠાલા ચાળા છે.

સખીરી, પિયુજી કહે હંસી જેવી મારી મુલાયમ ચાલ છે
જા, જા, ભોળી, તારા પિયુની વાતમાં ક્યાં કંઈ માલ છે.

સખીરી, પિયુજી કહે મારા હોઠમાં છૂપી અમરતની કૂપી છે
જા, જા, અલી મૂરખ, એ તો તાર પિયુની હોશિયારીથી વાત કરવાની ખૂબી છે.

સખીરી, પિયુજી કહે આંખો મારી હરણાં જેવી ભોળી છે
જા, જા, અલી આંધળી, એ તો તારા પિયુએ અક્કલ સાવ બોળી છે.

સખીરી, પિયુજી કહે મારા કમખામાં રાતદિન મોર ગ્હેકે છે
જા, જા, અલી બહેરી, એ તો તારો પિયુ અમથું અમથું ફેંકે છે.

તો તો સખીરી, વાત પિયુડાની, શાનો અમને ખાલી ખાલી બનાવે છે ?
ના, ના, ગમાર ગોરી, એ તો પિયુજી તારો, શબ્દોનાં ઘરેણાં પહેરાવે છે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.