મેઘધનુષ – વજુ કોટક

એક મહાપુરુષે પોતાના ઓરડામાં પાટિયું માર્યું હતું અને તેમાં લખ્યું હતું કે નિયમમાત્ર બહુ જ સાદા અને સમજી શકાય એવી ભાષામાં લખાયેલા હોય છે પણ એમનું રોજ પાલન કરવું એ જ અઘરામાં અઘરું કામ છે.

____

જીવનમાં ખરો રસ તો ત્યારે જ પેદા થાય છે કે જેને આપણા કરીને માન્યા હોય એવા માટે આપણે જીવતાં શીખીએ.

____

મધ્યાહ્નનાં સૂર્ય કરતા ઉદય પામતો સૂર્ય વધુ મોટો દેખાય છે છતાં એનો પ્રકાશ મધુર છે. આપણો પડછાયો તે ખૂબ જ મોટો કરી બતાવે છે અને એ રીતે આપણને સમજાવે છે કે આપણામાં મહાન બનવાની શક્યતાઓ છુપાયેલી છે.

____

ઉકરડા ઉપર થોડો કચરો કે ગંદકી વધારે પડે તો એના ઉપર કંઈ અસર થતી નથી. એને એ ખ્યાલ નથી આવતો કે પોતે વધુ બગડી ગયો છે, પણ ઉકરડા ઉપર જો એકાદ વરસાદ પડે તો વરસાદના સ્વચ્છ પાણીથી તે એટલો બધો અકળાઈ જાય છે કે એમાંથી વધુ દુર્ગંધ નીકળવા માંડે છે. સ્વચ્છ અને પવિત્ર વસ્તુને તે જીરવી શક્તો નથી અને સ્વચ્છ પાણીમાં જરા જેટલો કચરો પડે છે કે પાણી ધ્રુજી ઊઠે છે, અકળાઈ જાય છે અને એનાથી દુર્ગંધ સહન નથી થતી.
જેઓ ઉકરડા જેવા છે તેઓ જો કંઈ ખરાબ કામ કરે તો એમનું અંત:કરણ બળતું નથી. એમાં જ એમને આનંદ આવે છે, પણ જેઓ સુવાસ ના સાથીદાર છે, જેમની વિચારમાળા હંમેશા શુધ્ધ અને પવિત્ર સુત્રથી ગૂંથાતી રહે છે, એવા માણસો જો જરા જેટલું ખરાબ કામ કરી બેસે તો પાછળથી એમનું હ્રદય બળવા માંડે છે અને તેઓ મનની શાંતિ ગુમાવી બેસે છે. સૂરીલી જિંદગીમાં જીવનાર ઉસ્તારના જીવનમાં એકાદ તાન બેસૂરી નીકળી જાય તો એનું હ્રદય સળગી જાય છે.

____

વજુકોટકના ગજબ જવાબો

સ : મારો મિત્ર કહે છે ટાઢનું વજન સવા મણ, દસ શેર અને બે મુઠ્ઠી તો તે કેવી રીતે ?
જ : જ્યારે ઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢે છે માટે ઠંડીનું વજન સવા મણ ગણાય. સાધારણ માણસ દસ શેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનું વજન દસ શેર થયું, અને ગરીબ માણસ ટુંટિયું વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટે ત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.

સ : એક વખત હાથમાંથી ગયું તે શું ?
જ : સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

સ : શ્રવણના માતા-પિતાનું નામ શું હતું ?
જ : શ્રધ્ધા અને સંસ્કાર.

સ : પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું ?
જ : પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.

સ : ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણો ક્યાં ?
જ : માથાભારે બૈરી, વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.

સ : બાળક એટલે ?
જ : લગ્નજીવનનું વ્યાજ.

સ: શું ખાવાથી માણસો સુધરે છે ?
જ : ઠોકર ખાવાથી.

સ : ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે ?
જ : જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.

સ : સુખના શત્રુ કોણ ?
જ : અસંતોષ, વહેમ અને શંકા

સ: કોણ જીર્ણ થતું નથી ?
જ : આશા, તૃષ્ણા અને વાસના.

સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ : ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.

સ: કોણ કોઈની પરવા કરતું નથી ?
જ : બાળક

સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે ?
જ : આવતીકાલ

સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું ?
જ : આશાના મલમપટ્ટા બાંધવા.

સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી ?
જ : માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.

સ : શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું ?
જ : ક્ષમા

સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો ?
જ : આશિર્વાદ

સ: તાજમહાલ શું છે ?
જ : આંસુની ઈમારત.

સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે ?
જ : પૂર્વગ્રહ

સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય ?
જ : ધર્મશાળા.

સ: લગ્ન એટલે શું ?
જ : બેમાંથી એક અને એકમાંથી અનેક !

સ: મોટામાં મોટી ભૂલ કઈ ?
જ : કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી ?

સ: યૌવન શું છે ?
જ : યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળો કાંઈક.

____

માણસના મન વિષે ઘણાએ વાતો કરી છે અને મોટે ભાગે મનની ચંચળ પ્રકૃતિ માટે ઘણું કહેવાયું છે. પણ આ ચંચળવૃત્તિ જ સાબિત કરી બતાવે છે કે મનમાં અદ્ભુત શકિત ભરી છે. જે એક પળ માટે પણ સ્થિર રહી શક્તું નથી અને જેની ઝડપ કોઈ પહોંચી શકે એમ નથી એવા આ મનમાં કેવી પ્રચંડ તાકાત ભરી હશે એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી ! માણસોના બંધન અને મોક્ષનું કારણ મન છે એવા આ નાનકડા વાક્યમાં ગીતાકારે એક અજબ સનાતન સત્ય કહી દીધું છે. મનની અમાપ શક્તિ માટે આવું અપ્રતિમ પ્રમાણપત્ર આપીને ગીતાકારે ખરેખર છેલ્લો ચૂકાદો આપી દીધો હોય એમ સ્પષ્ટ દેખાય છે ! તનમાં ગમે એવી તાકાત ભરી હોય પણ મન જો નિર્મળ ન હોય તો તાકાતભર્યું તન તણખલું બની જાય છે. પણ મન જો મજબૂત બન્યું તો તણખલા જેવું તન પણ અનેક ચમત્કારો કરી બતાવે છે ! નિર્બળ મન એવો આપણે શબ્દપ્રયોગ કરતા આવ્યા છીએ, પણ મન કદી નિર્બળ છે જ નહીં. એની તાકાત આપણને નિર્બળ બનાવી દે છે.

____

આપણામાંના ઘણા પોતાની શક્તિ વિશે વધુ પડતો ખ્યાલ રાખતા હોય છે, પણ જ્યાં સુધી મુશ્કેલી નથી આવતી ત્યાં સુધી શક્તિનું સાચું માપ નીકળી શક્તું નથી. ઘણા એવો ફાંકો રાખતા હોય છે કે વ્યવસ્થા અને વહીવટમાં મને કોઈ પહોંચી ન શકે પણ તેઓનો ઘમંડ વધુ ટકતો નથી. પોતાની જાત વિશે વધુ પડતું માની બેસવું એ જરા વધુ પડતી મૂર્ખાઈ છે. કોઈ પોતાની જાતને ડાહ્યો માને એ માન્યતામાં પણ ડહાપણની થોડી ખામે રહેલી જ છે. પોતાની જાતને સંપૂર્ણ માની લેવી એ જ અપૂર્ણતાનું ઉઘાડું સર્ટિફિકેટ છે !

____

સુખી થવાનો માર્ગ એક જ છે. જ્યારે બે વ્યકિત મળે ત્યારે ત્રીજી વ્યકિતને સુખી કરવાનો વિચાર કરે.

____

આ વિશ્વમાં સૌથી વધુમાં વધુ રહસ્ય જો ક્યાંય છુપાવવામાં આવ્યું હોય તો તે માનવજીવનમાં છે, અને આ ગૂઢ રચનાને લીધે જ દરેકના જીવનમાં એક પ્રકારનો એક એવો રસ પેદા થાય છે કે જેને લીધે જીવવું ગમે છે અને બીજાનાં જીવન જાણવા ગમે છે.

____

આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે.

____

બાળક જો નાના મોઢે મોટી વાતો કરે તો તે આપણને ગમતું નથી અને જરા ખૂંચે છે, અકુદરતી લાગે છે. એવી જ રીતે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ, બાળક જેવું વર્તન દેખાડે તો સારી છાપ પડતી નથી. નિર્દોષ હોવાનો દેખાવ કરવો એ જ મોટામાં મોટો દોષ છે અને તમે પુણ્યશાળી છો એવી છાપ પાડવાનો પ્રયત્ન કરવો એમાં જ પાપ છુપાયેલું છે.

____

આપ આપના કાંડે ઊંચામાં ઊંચી જાતનું ઘડિયાળ બાંધો છો અને અમારી સાથે કે કોઈની સાથે વાતચીત કરતાં તમે વારંવાર ઘડિયાળ સામે જોયા કરો છો. અમને સમયની પડી નથી અને તમે સમય જોયા કરો એનો અર્થ એ નથી કે તમારો સમય કીમતી બની ગયો છે ! માણસ કેવી કીમતી ચીજ-વસ્તુઓ વાપરે છે એના ઉપરથી એની કિંમત અંકાતી નથી પણ તે પોતાના સમયની અને બીજાના સમયની કેવી કિંમત કરે છે એના ઉપરથી એની કિંમત થઈ શકે છે.

____

જીવનની સુવાસને આ પૃથ્વી પર આપણે એવી રીતે પાથરી જવી જોઈએ કે જેમાંથી બીજાને જીવવાની પ્રેરણા મળે. આપણા ગયા પછી આપણને યાદ કરીને સૌ ગૌરવ લઈ શકે. આપણું જીવન વડના ઝાડ જેવું વિશાળ હોવું જોઈએ કે જેની છાયા નીચે બાળકો ખેલીકૂદી શકે અને વૃધ્ધો દિવસના તાપમાં આશરો લઈ શકે.

[તંત્રી નોંધ (મૃગેશ શાહ) : બસ….બસ….બસ….. એમ થાય છે કે હજી શ્રી વજુ કોટક સાહેબના સુવાક્યો લખ્યા જ કરું…લખ્યા જ કરું…. પણ હવે બીજા ફરી ક્યારેક. આપને આ સુવિચારો કેવા લાગ્યાં ? કૉમેન્ટસ્ પ્લીઝ. ]

Advertisements

10 responses to “મેઘધનુષ – વજુ કોટક

 1. First story is quite fine, we all think same but wish god show us good path,
  Ok nothing to say more, just keep posting such a nice story.
  Best Regards,
  (Vasim)

 2. GUJARATI LOKOJ GUJARATI BHASHA NI UPEKSHA KARE CHE MATE GUJARATI BHASHA NA SAHITYA HAJI BHUGARBH MA CHE. TETHI GUJARATI SAHITYA NU TAMARA JEVA LOKOA TENU MARKETING SARI RITE KARVU JOIE.

 3. Please send Me more More & More………………………….I M Waiting

 4. Thanks for creating such a website on daily basis!
  I love to read gujarati and you are bringing lots of good things.
  We are looking reliable gujarati typesetting and printer’s quote for publishing poem collections and Novel Can you give some idea to contact somebody?

  Vijay Shah
  Houston TX USA

 5. dont hv words to express my “COMMENTS”. just wonderful.
  Hats off !!!

 6. when m reading this lines…
  m feeling perfact like that…
  i dont have words…..

 7. good thought from vajubhai

 8. only hats off yaar….No words

 9. Excellent thoughts from Kotakji (I am his die hard fan since reading Prabhat na puspo during childhood days) and Further this is an excellent media (rd.gujarati.wordpress) to rejuvenate gujarati literature. I would recommend that this web blog should be known to every gujarati reader. I was not aware of this blog until today.
  Thank you team!