વેલેન્ટાઈન સ્પેશિયલ – પ્રિયકાન્ત પરીખ

 • પ્રેમસંબંધોમાં લાગણીનું સરવૈયું ન કઢાય. સરવૈયું વ્યાપારનું, વ્યવહારનું, ઔપચારિકતાનું કઢાય. પ્રેમ તો અવિભાજ્ય છે. એની બાદબાકી કે એનો ભાગાકાર ન કરી શકાય. સાચો પ્રેમ તો ગુણાકારમાં રાચે – સુદના ચંદ્રની જેમ એની વૃધ્ધિ જ થયા કરે.
 • અંતરપટ પર પડેલી પ્રેમની પહેલી પગલી એ દરિયાકિનારા પર પથરાયેલી રેતી નથી કે, આસાનીથી ઊડી જાય.
 • પ્રેમ અને લાગણીની પ્રબળતા માનવીના નિર્ણયોનું સિંહાસન ડોલાવી શકે છે.
 • પ્રેમપૂર્ણ આત્મીય સંબંધોમાં પહેલ-બીજનું સરવૈયું ન કઢાય. વિચ્છિન્ન સંબંધો જોડવા કોણ પહેલ કરે છે એ મહત્વનું નથી. લાગણીનું ખેંચાણ મહત્વનું છે. સાચી લાગણીનો પડધો પડે જ.
 • પ્રેમ, માનવતા, શાંતિ વગેરે મૂલ્યો દેશનિષ્ઠ કરતાં વ્યકિતનિષ્ઠ અને અધિક તો મનોનિષ્ઠ છે.
 • મિલનનો સાચો આનંદ માણવા માટે વિયોગ પણ જરૂરી છે. ચોવીસ કલાક સાથે રહેનારાં યુગલો એકબીજા સાથે ફિજુલ ચર્ચાઓ કરી, સમજ કરતાં ગેરસમજ તરફ આગળ વધી, સમય કરતાં વહેલાં બુઢ્ઢાં થઈ જતાં હોય છે.
 • પ્રેમ ! લયલા-મજનૂની સદીમાં પ્રેમ જેવું ‘કંઈક’ હશે એમ માની લઈએ, પણ એકવીસમી સદીમાં, પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા આ ફૅશનયુગમાં વળી પ્રેમ કેવો ? ‘કામ’ શબ્દ બોલતાં આજના માનવીને દંભ આડે આવે છે એટલે ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ ‘કામ’ના પર્યાય તરીકે કરે છે. બાકી રસ્તે ચાલતાં, દુકાનમાં, બસમાં, ટ્રેઈનમાં, પ્લેનમાં આંખથી આંખ મળતાં પ્રેમ થઈ જાય એ વાત ગળે ઊતરે એવી નથી. એવા સબંધો પાછળ દેહાકર્ષણ જ મુખ્યત્વે કામ કરતું હોય છે.
 • વિશ્વમાં પ્રેમ જેવું કોઈ તત્વ નહીં હોય ? તો પછી અંતરને હલાવી નાખે છે, રાત્રિની નિંદ્રા હરી લે છે, કોઈની પાછળ સર્વસ્વ, અરે ! જાન કુરબાન કરવા પ્રેરે છે એ તત્વ કયું ? જો પ્રેમ જેવું તત્વ ન હોય તો, વિશ્વપટ પર શ્વસતી અગણિત વ્યક્તિઓમાંથી મનને એક જ વ્યકિત્ની પરિક્રમા કરવાનું કેમ રુચે છે ? એ વ્યકિતનાં સંસ્મરણોની વણતૂટી વણજાર વેરાન હૈયાને ગુલઝાર શા માટે બનાવે છે ? સાચું શું ?
 • આ વાસ્તવિક ધરતી પર અદષ્ય એવી એક નવી ધરતી પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. એ ધરતી છે પ્રેમની ધરતી. વાસ્તવિક ધરતી આંખની ધરતી છે. પ્રેમની ધરતી અંતરની ધરતી છે. એક જોઈ શકાય છે, બીજી અનુભવી શકાય છે.
 • પ્રેમના નામે સ્ત્રીઓ જેટલી છેતરાય છે એટલી બીજી કોઈ ચીજથી છેતરાતી નથી.
 • સાગરની લહેરો દૂરથી કેવી આકર્ષક લાગે છે ! પાણીનો એક આકાર બાંધતી લહેરોને બે હાથમાં પકડીએ છીએ તો રહી જાય છે કેવળ પાણી. સ્પર્શ સાથે જ પેલો આકર્ષક આકાર કેવો અદશ્ય થઈ જાય છે ! એવું જ પ્રેમ, ઝંખના, પ્રાપ્તિ અને વાસ્તવજીવનનું પણ છે !
 • માઝા મૂકીને વરસતા વરસાદ જેવા પ્રેમનું આયુષ્ય પણ ટૂંકું હોય છે ! શાંત, સ્થિર અને સ્વસ્થ પ્રેમ દીર્ઘાયુ હોય છે.
 • પ્રેમમાં કોઈકે તો ‘કંઈક’ છોડવું પડે છે. પોતાનાં અહ્મ, મમત, મમત્વને ઓગાળી નાખવાં પડે છે. વ્યક્તિને ઓગાળી નાખવાથી જ પ્રેમ સાર્થક થાય.
Advertisements

ટિપ્પણીઓ બંધ છે.