અમર આશા – મણિલાલ દ્વિવેદી

મણિલાલ દ્વિવેદી કઈં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે.

ઝખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
કતલમાં યે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં મઝેદારી લુંટાઈ છે.

ફના કરવું, ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર દિલબરની દુહાઈ છે.

ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું,
સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
તડપતે તૂટતા અંદર ખડી માશુક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો ગુલો પર આફરીં થઈ તું,
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશીદ ગયા માશુકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મુઆ એવી કલામો સખ્ત ગાઈ છે.

Advertisements

One response to “અમર આશા – મણિલાલ દ્વિવેદી

  1. વાહ! અભેદમાર્ગના પ્રવાસી વાહ!હદ કરી તમે તો આવું સર્જન કરીને !ગુજરાતી તમને કાયમ યાદ રાખશે ! મારા મુંગા પ્રણામ સ્વીકારજો !તંત્રીશ્રી નો પણ આભાર આ કાવ્ય ને સ્મૃતિમાં લાવવા બદલ !..મનવંત.