સંસ્કારિતાની ઈજારાશાહી હોય ખરી ? – સુધા મૂર્તિ

સુધા મૂર્તિ [ તંત્રી નોંધ (મૃગેશ શાહ) : ભારતની જાણીતી જગવિખ્યાત કંપની ‘ઈન્ફોસીસ ટૅકનોલોજી; બૅંગલોર, ના ચેરમેન શ્રી નારાયણ મૂર્તિના ધર્મપત્ની શ્રી સુધા મૂર્તિના ‘મનની વાત’ પુસ્તકમાંથી આ સત્યધટના લેવામાં આવી છે. તેઓ 'ઈન્ફોસીસ ફાઉન્ડેશન' ના ચેરપર્સન છે. મુળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનો સુંદર ગુજરાતી અનુવાદ અમદાવાદના ‘સોનલ મોદી’ એ કર્યો છે. આ પુસ્તક આજે ગુજરાતી પુસ્તકોમાં ટૉપ સેલિંગમાં છે. દરેક જણે વાંચવા અને વસાવા જેવું આ પુસ્તક છે. શ્રીમતી સુધા મૂર્તિ સાથે ઈ-મેઈલથી વાત કરતાં મને એમ લાગ્યું કે અત્યંત વ્યસ્ત રહેવા છતાં પણ તેઓ અત્યંત સરળ છે, સહજ છે અને પોતાના વાચકો સાથે તેમને સંપર્કમાં રહેવાનું ખૂબ ગમે છે. આ પુસ્તક મેળવવા માટે જુઓ http://www.rrsheth.com અથવા સંપર્ક કરો… ફોન : +91 (079) 255065731 ]

ત્રણેક વર્ષ પહેલાંની વાત છે. રોજની જેમ જ સવારે હું પેપર વાંચતી હતી. જૂન મહિનો હતો અને બારમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું. લગભગ આખું પહેલું પાનું કૉમર્સ અને સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા અને નામોથી ભરાઈ ગયું હતું. હું તો શિક્ષકની દીકરી અને વ્યવસાયે પણ શિક્ષક, તેથી આ હોશિયાર વિદ્યાર્થીઓને જોઈને હંમેશાં ખૂબ હરખાઉં. આપણે બધાં મનોમન જાણીએ જ છીએ કે બોર્ડમાં આવવું તે કાંઈ કોઈની હોશિયારીનું સાચું પરીક્ષણ નથી, છતાંય લાખો વિદ્યાર્થીઓમાં એકથી દસમાં આવવા માટે હોશિયારી ઉપરાંત ધગશ, મહેનત કરવાની શક્તિ તથા બીજા ઘણાબધા ગુણોની જરૂરિયાત હોય છે.

બધા ફોટાઓમાં એક છોકરાનો ફોટો મારું ખૂબ જ ધ્યાન ખેંચી ગયો. તેની પરથી નજર જ ન હટે. ખૂબ જ પાતળો, ફિક્કો પણ આંખમાં ગજબની ચમક વિદ્યાનું, ખાનદાનીનું એક અકળ તેજ અને ખુમારી. ફોટા સાથે તેનું નામ માત્ર હતું શૈલેશકુમાર કિશનલાલ ડામોર. બારમા સાયન્સમાં ડાંગ જિલ્લાના આહવા સેન્ટરમાંથી બેઠેલો અને આઠમો આવેલો. બસ, આથી વધુ કોઈ માહિતી ન મળી.

બીજા દિવસે પેપરમાં શૈલેશકુમારનો ફરી ફોટો જોઈને હું નવાઈ પામી. આ વખતે તેનો ઈન્ટરવ્યૂ પણ હતો. આખોય ઈન્ટરવ્યૂ હું ખૂબ જ રસપૂર્વક વાંચી ગઈ. ખૂબ જ ગરીબ કુટુંબના પાંચ ભાઈભાંડુમાં શૈલેષ સૌથી મોટો હતો. બાપુ નાનીમોટી મજૂરીનું કામ કરે અને મા વાંસની ચીજવસ્તુઓ બનાવવા જાય. દિવસના રૂ. 40/- ની કુલ આવક. કમાણીનું બીજું કોઈ સાધન નહીં. ઈન્ટરવ્યૂમાં શૈલેશે આગળ ભણવાની કોઈ જ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. ગામથી દૂર, સારી કૉલેજમાં ભણવું તેને પરવડે તેમ હતું જ નહીં.

શૈલેશના અંધકારમય ભવિષ્ય વિષે વિચારતાં હું ખૂબ દુ:ખી થઈ ગઈ. આ તેજસ્વી વિદ્યાર્થીનો હાથ પકડનાર કોઈ નહીં મળે ? આપણે આપણાં બાળકોને મોંઘા મોંઘા પુસ્તકો, ગાઈડો, રેફરન્સ બુક્સ, સ્યોર સજેશન, અપેક્ષિત, છેલ્લાં દસ વર્ષનાં પેપરના સેટ, બધું જ ધડાધડ અપાવી દઈએ છીએ. મોંઘીદાટ સ્કુલોમાં ભણવા મોકલીએ છીએ. લટકામાં, દરેક વિષયનાં ટયૂશન રાખીએ, કોચિંગ કલાસમાં મોકલીએ. બાળક થાકી ન જાય તે માટે તેને લેવા-મૂકવા જઈએ કે ટુ-વ્હીલર અપાવી દઈએ, ગજા ઉપરાંતનો ખર્ચો કરી કાઢીએ. બીજી તરફ, ક્યાં ડાંગનો આ આદિવાસી છોકરો ! જીવનજરૂરિયાતની સામાન્ય ચીજવસ્તુઓ વગર પણ બૉર્ડમાં આઠમો આવ્યો હતો. ન કોઈ ટયૂશન, ન કોઈ કોચિંગ કલાસ. બસ, મહેનત, ધ્યેય-પ્રાપ્તિ માટેની અદમ્ય ઝંખના.

ઈન્ટરવ્યૂ લેનારે છેક નીચે શૈલેશકુમારનું સરનામું આપ્યું હતું. મેં મનોમન કંઈક વિચારીને તેને એક પોસ્ટકાર્ડ લખ્યું. ફકત ચાર લીટીનું. ‘ભાઈ શૈલેશ, અભિનંદન. તારા જેવા તેજસ્વી વિદ્યાર્થીએ ફક્ત પૈસાઅની તકલીફને કારણે ભણવાનું ન છોડવું જોઈએ. મને મળવા અમદાવાદ આવી શકીશ ?’

મારા બાપુજી તે વખતે જ મૉર્નિંગ વૉક લઈને પાછા ફર્યા હતા. પોસ્ટકાર્ડ જોઈને મને કહે, ‘બેટા, આ ગરીબ છોકરો છેક ત્યાંથી અહીં આવશે કેવી રીતે ? બસભાડું ક્યાંથી કાઢશે ? તેની પાસે કે એક જોડી સરખાં કપડાંય નહીં હોય. ફોટામાં તેનું શર્ટ જોયું ?’ મને મારી ભૂલ સમજાઈ. મેં પોસ્ટકાર્ડમાં એક લીટી ઉમેરી, ‘જો તું મને મળવા માગતો હોય તો તારું જવા આવવાનું ભાડું તથા કપડાં-લત્તાનો ખર્ચો હું ભોગવીશ.’

ચારેક દિવસ પછી મને મારા જેવું જ પોસ્ટકાર્ડ મળ્યું. ફક્ત ચાર લીટીનું. ‘મુ.બહેન, ખૂબ ખૂબ આભાર. હું આપને મળવા આતુર છું. અનુકૂળ તારીખ, સ્થળ તથા સમય જણાવશો. લિ….’

મેં તરત જ મારા બાપુજીના કહેવા મુજબ જરૂરી પૈસા અને ઈન્ફોસીસ ફાઉન્ડેશનની ઑફિસનું સરનામું તેને મોકલ્યાં. નક્કી કરેલા દિવસે તે મારી ઑફિસે આવી પહોંચ્યો. શહેર તેણે પહેલીવાર જોયું હશે. રસ્તો ભૂલી ગયેલું ગભરાયેલું વાછરડું જાણે મારી સામે ઊભું હોય તેમ લાગતું હતું, ચોખ્ખાં પેન્ટશર્ટ, હાથમાં માર્કશીટની નકલ, તેલ નાખીને, સીધી પાંથી પાડીને ઓળેલા ચપ્પટ વાળ, પગમાં જૂની ચંપલ…. પણ આંખમાં એવી જ ચમક.

મેં સીધી જ મુદ્દાની વાત કરી : ‘તારી તેજસ્વી કારકિર્દીથી હું અત્યંત રાજી થઈ છું. તારી આગળ ભણવાની ઈચ્છા છે ખરી ? તારે જે પણ કૉલેજમાં અને જે પણ લાઈનમાં ભણવું હશે ત્યાં તું ભણી શકીશ. ખર્ચો અમે ભોગવીશું.’

પહેલાં પહેલાં તો એ બોલતાં જ ગભરાયો. મારી સેક્રેટરી મને કહે, ‘બહેન, બિચારો આ શહેર, આ ઑફિસ બધું નવું નવું જોઈને હેબતાઈ ગયો છે. તેને માંડીને વાત કરો. ધીમેધીમે તેને સમજાવો.’ મને મારી ભૂલ સમજાઈ.

છેલ્લે જતાં-જતાં શૈલેશ ધીમેથી કહે, ‘બહેન, મને અહીં મેડિકલ, એન્જિનિયરિંગ બધે જ એડમિશન મળે. પણ હું તો સુરત મેડિકલ કૉલેજમાં ભણીશ. તે અમારા ગામથી સૌથી વધારે નજીક પડે ને, એટલે.’

મેં તેને પૂછ્યું, ‘તારે મહિને કેટલા રૂપિયાની જરૂર પડશે, ભાઈ ? તું પૈસાની ચિંતા ન કરતો, પણ દિલ દઈને ભણજે. ત્યાં રહીશ ક્યાં ? હૉસ્ટેલમાં રહેવું પડશે ને ? તે ખર્ચ પણ મને જણાવજે.’

શૈલેશ કહે, ‘બહેન, હું અહીંથી જતાં જ સુરત થઈને જઈશ. ફી, હૉસ્ટેલ અને મેસ ચાર્જિસ બધું જ બરોબર જાણી, સરવાળો કરીને તમને વળતી ટપાલે જણાવીશ.’

થોડા જ દિવસમાં સુંદર અક્ષરે લખેલો શૈલેશનો પત્ર આવ્યો. ‘બહેન, મેં બધી જ તપાસ કરી. મહિને ફીના બારસો થશે. પુસ્તકો તો હું લેવાનો જ નથી. લાઈબ્રેરી સરસ છે. હૉસ્ટેલમાં રહું અને મેસમાં ખાઉં તો બહુ મોંઘુ થાય છે. બીજા ત્રણ સિનિયર છોકરાઓ સાથે રૂમનું નક્કી કર્યું છે. તેમની જોડે રહીશ. રસોઈ વારાફરતી બનાવી લઈશું. તેના મહિને લગભગ રૂ. 400 થશે.’ મેં તેને તરતજ રૂ. 7200 નો ડ્રાફટ મોકલી આપ્યો. છ મહિનાની ફી એક સામટી ભરવાની હતી. રહેવાનાખાવાના ખર્ચ પેટે રૂ. 2400 અલગ મોકલ્યા. તરત જ તેનો ‘આભાર’ લેખલ પત્ર આવ્યો.

છ મહિના ઝડપથી વીતી ગયા. એક દિવસ મને સવારના પહોરમાં શૈલેશને પૈસા મોકલવાનું યાદ આવ્યું. મેં રૂ. 7200નો ડ્રાફટ અને રૂ. 2400 કવરમાં રોકડા મોકલી આપ્યા.

વળતી ટપાલે મને તેનો આભાર વ્યકત કરતો સંદેશો મળ્યો. જોડે એક કવર હતું. એક પત્ર હતો. ‘બહેન, છેલ્લા બે મહિનાથી હું સુરત ન હતો. એક મહિનો રજા હતી અને પછી મહિનો હડતાલ પડી. મારે સુરત જવું જ નથી પડયું તેથી તમે મોકલેલા ખર્ચા પેટે વધેલા પૈસા રૂ. 800 આ સાથે પરત કરું છું. સ્વીકારશો.’

હું સ્તબ્ધ થઈ ગઈ. આ છોકરાની સચ્ચાઈ જોઈને ગદ્ગદિત થઈ ગઈ.

બહોળા કુટુંબનો, ખૂબ જવાબદારીવાળો સૌથી મોટો પુત્ર, રોજના ખાવાનાં સાંસા, ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે તેવી સ્થિતિ, વળી યુવાન, એને પોતાનેય સુરત શહેરમાં મજા કરવાની, હૉટલમાં ખાવા-પીવાની, ફિલ્મ જોવાની ક્યારેય ઈચ્છા નહીં થઈ હોય ? એણે મને કહ્યું ન હોત તો મને ક્યારેય આ વાતની જાણ ન થાત. તેણે ખર્ચો વધારીને મોકલ્યો હોત તો પણ હું જરાય વિચાર્યા વગર મોકલવાની જ હતી. પણ આટલો ગરીબ છોકરો કેટલો પ્રમાણિક હતો ! તદ્દન અણીશુધ્ધ… ટકોરાબંધ ! માની નથી શકાતું ને ? પણ હકીકત છે !

મોટેભાગે આપણે સૌ માનીએ છીએ કે માણસ પાસે પૈસો આવે, સંપત્તિ આવે એટલે સુખ અને સંતોષ આવે છે અને તેવા લોકો આપોઆપ પ્રમાણિક બની જાય છે. પણ અહીં તો તદ્દન ઊંધી વાત હતી. મારા જીવનકાળ દરમ્યાન ઘણીવાર મેં અનુભવ્યું છે કે પ્રમાણિકતા એ પૈસાવાળાઓનો કે ઉજળિયાત કોમનો ઈજારો નથી. તે જન્મજાત સંસ્કાર છે. આત્માની અણીશુધ્ધતા કોઈ ઊછીની ન આપી શકે. તેના માટે મોટી ડિગ્રીઓની જરૂર નથી. કોઈ યુનિવર્સિટી, ‘સંસ્કારી કેમ બનવું’, ‘પ્રમાણિકતા કેમ પ્રાપ્ત કરવી’ – તે વિષેના કલાસીસ નથી ચલાવતી. તે ઘરના વાતાવરણથી, મા-બાપની મહેનતથી બાળકો શીખે છે.

મને ખાતરી છે કે ડાંગ જિલ્લાનો આ શૈલેશ એક દિવસ તેના જિલ્લાનું જ નહીં, સમસ્ત રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરશે.

Advertisements

9 responses to “સંસ્કારિતાની ઈજારાશાહી હોય ખરી ? – સુધા મૂર્તિ

 1. good artical for bilt our carecter
  nice i like it, i enjoy

 2. This article proved once again that “ONESTY IS THE BEST POLICY”.

 3. All time great artical on readgujarati.com

  I regularlly read “man ni vaat” in gujarat samachar…

  It is so wonder how Mrs.sudhaben murti can keep in touch in her buzy life…….

  Regards,
  Brijesh Sudani…………….

 4. really it’s really wonderful and nice to read this kind of heart touching story and would like to read this kind of truth again an again!!!!!!!!!!!! thank you very much

 5. Mrugeshbhai Sudhaben
  aapna sahiyara prayaash thi ame gujarati sahitya sari rite vanchi saki ae chhiae
  aapno aabhar mani ae tetlo ochho …

  v proud of our gujarati litrature
  aabhar sah..
  -alka

 6. What a aritcle it is! Always Sudhaji’s articles are inspiring us a lot. Inspite of being so great person the way she is doing social work is just maarvelous and let’s hope all the persons who have guts to do something take the inspiration from her and try to be humble like her.

 7. Real truth lies in the roots of Poverty.
  Hope India becomes full of such persons as Sudhaben and Mrugeshbhai.Every Indian should be encouraged to work in the Fields(Farms) for at least 10 years of life.This can be useful to know hardships of village .My Namaskar to Sudhaben Murti for finding the right person to help.

 8. hi mrugesh
  it is really a nice story. Also i would like to suggest u the chapter in which she has written abut the thoughts of her son in the same book 'man ni vat'sorry i forgot the name of the chapter still its really touching n encouraging the youth n their capacities and others to put faith in them.
  many thanks n regards,
  Heta Shah.

 9. Shree Mrugeshbhai,
  readgujarati.com site is really heart touching!!!
  I like all the articles and poems. especially, sudhaji’s article. actually i always read her ‘mann ni vat’ and ‘sambharna ni safar’ and I like both.
  Thanks for giving this.