શબ્દનો સ્વયંવર – દિનેશ પંચાલ

[લેખક શ્રી દિનેશભાઈ પંચાલના પુસ્તક ‘શબ્દોનો સ્વયંવર’ ના કેટલાક અંશો મોકલનાર શ્રી ઉત્તમભાઈ ગજ્જર તરફથી સાભાર ]

 • માણસ ઈશ્વરની ‘ઍસેટ્સ’ છે. યાદ રહે, માણસને કદાચ ઈશ્વર વિના પરવડી શકે, પરંતુ ઈશ્વરને માણસ વિના કદી ચાલવાનું નથી. અબજોપતી શેઠિયો તેના નોકર-ચાકર વિના લાચાર બની જાય છે !
 • કુદરતે માણસના પેટમાં ભુખનો ટાઈમબૉમ્બ ગોઠવ્યો છે. તે માણસને સતત પ્રવૃતિશીલ રાખે છે. દુનિયાની પ્રગતીનાં મૂળ દાળ-રોટીમાં પડ્યા છે.
 • દરેક પુસ્તકને બે કિંમત હોય છે. એક તેના પુઠાં પર છપાયેલી હોય છે અને બીજી, વાંચતી વેળાએ વાચકોના દિલમાં અંકાતી હોય છે. ઘણીવાર પુસ્તકોનું પુંઠું પાકું હોય છે પણ અંદરનું લખાણ કાચું હોય તેવા પુસ્તકો ઉધઈ સીવાય કોઈનો ઉધ્ધાર કરી શકતાં નથી.
 • માનવીનાં સત્કાર્યો તેને મૃત્યુ પછીય જીવાડે છે. દુષ્કર્મો જીવતે જીવત મારી નાખે છે. દેશનાં અનેક શહેરોમાં ‘મહાત્મા ગાંધી’ માર્ગ છે. ‘દાઉદ ઈબ્રાહિમ’ માર્ગ જોવા નહીં મળે ! કોઈ યુનિવર્સીટીનું નામ ‘ગોડસે યુનિવર્સીટી’ હોય એવું સાંભળ્યું છે ?
 • જીવનનાં સર્વ સુખો પૈસામાં સમાયાં નથી. પૈસા ન હોવાનાં કેટલાંક સુખો હોય છે. મોંઘવારીનો આંક ગમે એટલો ઊંચો જાય, ભિખારીઓને તેની ચિંતા હોતી નથી. એમને ત્યાં ઈન્કમટૅકસની રેડ પડતી નથી. એમનાં સંતાનો વચ્ચે પ્રોપર્ટીના ઝઘડા થતા નથી. પેટ્રોલ કે રાંધણગેસ મળતાં બંધ થઈ જાય તોય એમનું રુંવાડુંય ફરકતું નથી. આવી નિરાંત હોવા છતાં માણસ ભિખારી બનવાનું પસંદ કરતો નથી. આળસુ માણસ પણ કદી એવી પ્રાર્થના કરતો નથી કે, ‘હે પ્રભુ ! મેં મન, વચન અને કર્મથી તારી ભક્તિ કરી હોય તો મને ભિખારી બનાવજે !’ ભિખારી બનવા માટે ઈશ્વરની મહેરબાનીની જરૂર નથી. ઘણી બાબતોમાં માણસ સ્વાવલંબી હોય છે.
 • દરેક માએ દીકરીઓને હવે જયાપાર્વતી વ્રતને બદલે જુડો-કરાટેના વર્ગમાં તાલીમ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યા પછીય સ્ત્રી આટલી અસલામત હોય તો એને સંસદમાં સ્થાન મળે તે કરતાં સમાજમાં સલામતીભર્યું સ્થાન મળે તે વધારે જરૂરી છે !
 • પુસ્તકો મધની શીશી જેવાં હોય છે. મધમાખીની મહેનતમાં માણસનું મૅનેજમેન્ટ ભળે ત્યારે થોડું મધ શીશીમાં ઠલવાય છે. કલ્પના કરો કે એક શીશી મધ માટે કેટલી મધમાખીઓ કામે લાગતી હશે ? લેખકની કેટલીય રાતોની મહેનત પર પ્રકાશક ઈંડા સેવતી મરધીની જેમ મહેનત કરે ત્યારે એક પુસ્તક તૈયાર થાય છે.
 • શ્રાધ્ધ એટલે આત્મચિંતનની ઘડી. પુર્વજોની સંસ્કાર-સૌરભને આપણા જીવનમાં કેટલી મહેકતી રાખી શક્યા છીએ, તે અંગેના આત્મચિંતનની ઘડી…ખુદનું જીવન રળિયાત કરવાની રીમાઈન્ડર નોટિસ….!
 • સમાજની માનસિકતા ટાલિયા જેવી છે. ટાલિયાઓની વસ્તીમાં કોઈને માથે વાળ ઉગે, તો બીજા ટાલિયાઓ એને પોતાનું અપમાન સમજે છે.
 • ‘કમાવવું અને ઘર ચલાવવું’ એ બે વચ્ચે ફૂલ ચુંટવું અને ફૂલનો ગજરો બનાવવા જેટલો ફરક છે.
 • ઘણાં દંપતીઓની દશા એક ખુંટે (ખીલે) બંધાયેલા બે ઢોર જેવી હોય છે. તેઓ જિંદગીભર શિંગડા ભેરવતા રહે છે, પણ ખુંટો તોડી શકતાં નથી.
 • સત્યમાં એક સેન્ટીમીટરનોય કાપ મુક્યા વિના તે રજુ કરવું એ ઉમદા ગુણ કહેવાય; પણ દુનિયાદારીની ડિક્ષનેરીમાં એ મુર્ખતા ગણાય છે.
 • મહેમાનોને બગીચો બતાવવાનો હોય, ખાળકુવાનું ઢાંકણ ખોલીને ન બતાવાય !
 • પ્રેમને સમજવો અને ખુદ પ્રેમ કરવો, એ બે વચ્ચે રસગુલ્લાં બનાવવા અને રસગુલ્લાં ખાવાં જેટલો તફાવત છે.
 • આજની યુવા પેઢીને શાળામાં જ એ શીખવવા જેવું છે કે ભગવાનની મુર્તિ આગળ અગરબત્તી સળગાવવાને બદલે ઘરડાં મા-બાપના રૂમમાં કાચબા છાપ અગરબત્તી સળગાવશો તો વધારે પુણ્ય મળશે !
Advertisements

4 responses to “શબ્દનો સ્વયંવર – દિનેશ પંચાલ

 1. મનનીય લેખ છે.

 2. The name is enough.શબ્દનો સ્વયંવર.

 3. khub saras specially i like the last one
  આજની યુવા પેઢીને શાળામાં જ એ શીખવવા જેવું છે કે ભગવાનની મુર્તિ આગળ અગરબત્તી સળગાવવાને બદલે ઘરડાં મા-બાપના રૂમમાં કાચબા છાપ અગરબત્તી સળગાવશો તો વધારે પુણ્ય મળશે !

 4. પ્રેમને સમજવો અને ખુદ પ્રેમ કરવો, એ બે વચ્ચે રસગુલ્લાં બનાવવા અને રસગુલ્લાં ખાવાં જેટલો તફાવત છે.
  Nicely explained