સવાર – ગીતા પરીખ

રોજ ઊઠું ને નવી સવાર,
    અહો કશો નિતનવ સંચાર ! – રોજ…

એ જ પૃથ્વીની ગતિ એ જ ને
    એ જ દિશા ઊગમણી,
પ્રભાતને આભે છલકાયે
    એ જ રંગ ઊજવણી;
પણ ઝીલનારે અંતર જાગે
    નિત કેવો અભિનવ ઉદ્ગાર ! – રોજ….

શિશુ – સુકોમલ હાસ્ય સરીખો
    પીઉં પ્રથમ પ્રકાશ,
પંખીગણને સૂરે સૂરે
    ઊડે ઉર-ઉલ્લાસ,
ઝાકળને જલ નાહી નવો શો
    નિત્ય ધરા ધરતી અવતાર ! – રોજ….

રોજ ઊઠું ને નવી સવાર;
    નવ-પરિચિત શી એ જ જિંદગી
પ્રભાતને     ઉષ્મા-અણસાર – રોજ…..

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.