કુંવરબાઈનું મામેરું – પ્રેમાનંદ

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.

મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’

જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.

નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.

નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.

લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?

નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?

જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.

સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.

લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.

શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?

નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’

Advertisements

One response to “કુંવરબાઈનું મામેરું – પ્રેમાનંદ

  1. અતિ સુંદર…. ખુબ જ ખંતથી કરેલું કામ….