મુર્ખ કોણ ?

એક વખત રાજાભોજ દરબારમાંથી અચાનક સૂચના આપ્યા વગર અંત:પુરમાં પહોંચી ગયા. આ સમયે મહારાણી કોઈની સાથે અગત્યની ચર્ચા કરી રહ્યાં હતાં.
રાજાભોજ મહારાણી નજીક પહોંચ્યા એટલે મહારાણીની નજર એમના ઉપર પડી કે તરત જ મહારાણી બોલી ઊઠયા : ‘આવો મુર્ખ !’
મહારાણીના મુખમાંથી અચાનક આવા શબ્દો સરી પડતાં રાજાભોજને ખૂબ આઘાત લાગ્યો. પણ રાજા ગુસ્સે થયા વગર રાણીના શબ્દો ઉપર વિચાર કરવા લાગ્યો. પણ સમસ્યાનો ઉકેલ ન મળતાં તે પાછો દરબારમાં પહોંચી ગયો.
દરબારમાં નગરજનો, વિદ્વાનો આવી રહ્યા હતા. તેઓ આવી રાજાભોજને નમન કરી પોતાનું સ્થાન ગ્રહણ કરતા હતા. રાજા ભોજ બધા આગંતુકો નમન કરવા આવે ત્યારે કહેવા લાગ્યા : ‘આવો મુર્ખ !’
બધા લોકોને રાજાના આ વિચિત્ર વર્તાવથી આશ્ર્ચર્ય થયું. સૌ એકબીજાના કાનમાં આ અંગે ગણગણાટ કરી રહ્યા હતા.
એવામાં કવિ કાલિદાસ ત્યાં આવી ચડ્યા. એમને પણ રાજાએ આવકારતાં કહ્યું : ‘આવો મુર્ખ !’

કવિ કાલીદાસે કહ્યું : “રાજન્ ! હું ચાલતાં ચાલતાં જમતો નથી, હસતાં હસતાં બોલતો નથી, વીતી ગયેલી ઘટનાની ચિંતા કરતો નથી, કરેલાં કાર્યોનો અહંકાર કરતો નથી તેમજ જ્યાં આગળ બે વ્યકિત વાત કરતી હોય, તેમની વચ્ચે જતો નથી, તો પછી મને ક્યા કારણસર મુર્ખ કહેવામાં આવ્યો તેની સ્પષ્ટતા કરવા કૃપા કરો !”

રાજા ભોજના મનમાં ઉઠેલા પ્રશ્નનું સમાધાન મળી ગયું હતું. રાજાભોજે કવિ કાલિદાસને પોતાની નજીક બોલાવી મહારાણી સમક્ષ બનેલી ઘટના કહી સંભળાવીને પોતાના મનનું સમાધાન કરવા બદલ કવિ કાલિદાસને ધન્યવાદ આપ્યા.

Advertisements

One response to “મુર્ખ કોણ ?