ગઝલમાં જીવન જડે – શેખ પેઈન્ટર

દિલ તારા ઈન્તેજારમાં એવું ઉદાસ છે,
જાણે કે પ્યાસ છે ને મદિરા ખલાસ છે.
એને પુનમનો ચાંદ કયામતનો કેર છે,
વિરહમાં જેને બીજના દર્શનથી ત્રાસ છે.
જાહોજલાલી એની નથી નાશ પામતી,
જેનું છે દિલ અમીર, ફકીરી લિબાસ છે.
આંખોની હર પસંદગી દિલમાં ગમે નહીં;
આંખોમાં અંધકાર છે, દિલમાં ઉજાસ છે.
એને દિશાસૂચનની જરૂરત નહીં રહે,
જે માનવીનો પ્રેમને પંથે પ્રવાસ છે.
આંસુ ન લાવ આંખમાં, ડૂબી મરીશ હું;
તારી નજરમાં જ્યાં સુધી મારો નિવાસ છે.
સમજણ પડે તો ‘શેખ’ ગઝલમાં જીવન જડે
સમજી નહીં શકો તો એ વાણીવિલાસ છે.

Advertisements

2 responses to “ગઝલમાં જીવન જડે – શેખ પેઈન્ટર

 1. જાહોજલાલી એની નથી નાશ પામતી,
  જેનું છે દિલ અમીર, ફકીરી લિબાસ છે.
  આંખોની હર પસંદગી દિલમાં ગમે નહીં;
  આંખોમાં અંધકાર છે, દિલમાં ઉજાસ છે.
  સમજણ પડે તો ‘શેખ’ ગઝલમાં જીવન જડે
  સમજી નહીં શકો તો એ વાણીવિલાસ છે.
  Nothing is necessary to add to this. Thank u Mrugeshbhai for yr website. Wud it be possible to have links with the full fledge ghazals and shayaris khazana. How can i be of any help online?