ધર્મગ્રંથ – નગીનદાસ સંઘવી

બુધ્ધનાં ઉપદેશ-પ્રવચનો ચીની ભાષામાં હોવાથી જાપાની બૌધ્ધોને ઘણી અગવડ પડતી હતી. તેથી જાપાની મહંત તેત્સુજેને આ ‘સુત્તો’નું જાપાની ભાષાંતર કરી નાખ્યું અને તેની સાત હજાર નકલો છાપવાનું ઠરાવ્યું. એ જમાનાની પધ્ધતિના કારણે આવું છાપકામ ઘણું ખર્ચાળ હોવાથી તેત્સુજેને ઠેરઠેર ફરીને ફાળો એકઠો કરવા માંડયો. મોટા ધનપતિઓ અને અમીરો મોટીમોટી રકમનાં વચનો આપતા, પણ તેમની પાસેથી રકમ મેળવતાં તેત્સુજેનનો દમ નીકળી જતો. સામાન્ય સ્થિતિનાં શ્રધ્ધાળુઓ ભકિતભાવે ફાળો આપતા પણ તેમની પાસેથી મોટી રકમ મળતી નહીં. દસ વરસના રઝળપાટ પછી જરૂરી રકમ એકઠી થઈ અને છપાઈકામનો આરંભ કરવાનું ઠરાવવામાં આવ્યું. પણ ત્યાર પછીના મહિને આ વિસ્તારમાં આવેલા ભયંકર નદીપૂરના કારણે ચોમેર તારાજી થઈ. સંકટમાં સપડાયેલાં લોકોને મદદરૂપ થવામાં ગ્રંથછપાઈ માટે એકઠા થયેલા ફાળાની રકમ વપરાઈ ગઈ. પણ હિંમત હાર્યા વગર તેત્સુજેને ફરીથી આઠદસ વરસે નાણાં એકઠાં કરી લીધાં. કમનસીબે તે વરસે દુષ્કાળના કારણે જનતાને રાહત પહોંચાડવામાં નાણાં વાપરવા પડ્યાં, પણ ત્રીજો પ્રયાસ સફળ થયો અને અઠ્ઠાવીસ-ત્રીસ વરસની જહેમત પછી તેત્સુજેને બૌધ્ધ ‘સુત્તો’ નો જાપાની અનુવાદ ગ્રંથરૂપે પ્રગટ કર્યો. આ ગ્રંથનો સમર્પણવિધિ થયો ત્યારે લોકોએ કહ્યું કે તેત્સુજેને એક નહીં પણ ત્રણ ગ્રંથો પ્રકાશિત કર્યા છે. તેમાં પહેલા બે અદશ્ય હોવા છતાં વધારે ઉચ્ચ કક્ષાના છે, ત્રીજો પ્રત્યક્ષ ધર્મગ્રંથ છે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.