ફૂલછાબ

એક ગ્રામ્ય નિવાસનો માલિક મહેમાનોને પોતાનો સમૃધ્ધ પુસ્તક-સંગ્રહ બતાવતો હતો. એને પૂછવામાં આવ્યું : “તમે કોઈને પુસ્તકો વાંચવા માટે આપો ખરા ?” “ના, માત્ર મૂર્ખો જ એવી ભૂલ કરે છે.” એમ કહીને સુંદર પુસ્તકોના ઘોડા બતાવીને એણે કહ્યું: “આ પુસ્તકો એકવાર એવા મૂર્ખો પાસે હતાં.”

-હોલબ્રુક જેકસન

છપાય છે તેમાંના અરધોઅરધ પુસ્તકો વેચાતાં નથી, વેચાય છે તેમાંથી અરધાં વંચાતાં નથી, જે પુસ્તકો લોકો વાંચે છે એ પૈકી અરધોઅરધમાં શું લખ્યું છે એ સમજતાં નથી, અને જે થોડાં સમજે છે એ પાછાં ખોટી રીતે સમજે છે.

-ગીઓવાન્નો પાપીની

પુસ્તક-વિક્રેતાની દુકાને એક બહેન આવ્યાં. એણે હાંફળાં હાંફળાં આવીને ઊડસૂડ કહ્યું : ‘મારે પુસ્તક લેવું છે !’
‘કયું પુસ્તક ?’
‘એ તો મને ખબર નથી !’
‘ત્યારે ક્યા લેખકનું પુસ્તક લેવું છે ?’
‘હું તો એ પણ ભૂલી ગઈ છું ! મને તો એક મિત્રે કાગળ લખ્યો હતો. એમાં પુસ્તકનું નામ છે ને લેખકનું નામ પણ છે. એ કાગળ ખોવાઈ ગયો છે. માત્ર એક વાકય જે એ મિત્રે લખ્યું હતું. તે એટલું સુંદર હતું કે એ વાક્ય હું ભૂલી શકી નથી.’
‘વાક્ય બોલો તો પુસ્તકનો પત્તો લાગે !’
‘Your pain is the breaking of the shell that encloses your understanding – તમારા જ્ઞાન ઉપર બાઝી ગયેલું જડત્વનું પડ દૂર કરવા માટે, તમને જે એક વસ્તુ કુદરત તરફથી આપવામાં આવે છે, એ તમારી વેદના.’
પુસ્તક-વિક્રેતાએ તરત ખલિલ જિબ્રાનનું ‘ધ પ્રફેટ’ કાઢીને એમાં દુ:ખ વિષેનું લખાણ રજૂ કર્યું.

-ધૂમકેતુ

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.