વૈવિધ્યને માણો – રસિક ચંદારાણા

સુખ એકવિધ છે, દુ:ખમાં જ વૈવિધ્ય છે. ટૉલ્સટૉયનાં આ ચિંતનમાં અનુભવયુકત ઊંડાણ છે. મનુષ્યમાત્ર સુખને ઝંખે છે. દરેકની સુખની વ્યાખ્યા અલગ અલગ હોય છે.

સુખ-દુખ મનમાં ન આણીએ… કે સુખ-દુ:ખને સમકક્ષાએ સમદ્રષ્ટિએ નિહાળવા… એ વાસ્તવિક જીવનમાં એટલું સહેલું નથી. એ મનનાં કારણો ભલે કહેવાય, પણ જીવાતા જીવનમાં ક્યારેક સત્ય જેવા બની જાય છે.

માનવજીવન દિવસે દિવસે ધમાલિયું, ચિંતાગ્રસ્ત અને યાંત્રિક બનતું જાય છે. માણસ સામાજિક, કૌટુંબિક વગેરે સામૂહિક જીવનમાં એવો તો વણાઈ ચૂક્યો છે કે વ્યકિતગત જીવન દુર્લભ બન્યું છે. આ દોડમાં મૂલ્ય પરિવર્તનો આવ્યા છે, દ્રષ્ટિબિંદુ પણ ફર્યા છે.

એકલા સુખથી જ માણસ જીવી શકે નહીં. સિક્કાની જેમ દુ:ખ જીવનની બીજી બાજુ છે, અને એ જીવનને પ્રેરક પણ છે. માણસે પોતાના ચિકિત્સક બનીને જીવનને કેળવવું જોઈએ અને એના વૈવિધ્યને માણવું જોઈએ. ચિત્તને સમતાયુકત બનાવવાથી સુખ અને દુ:ખ સરખાં ભાસે છે, જીવન જીવવા જેવું બને છે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.