ડોસા અને ડોસી – સુરેશ દલાલ

ડોસા ને ડોસીને મોતિયો પણ સાથે
          ને ઓપરેશન પણ એક દહાડે.
જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ
          આંખ મીંચે ને આંખને ઉઘાડે.
એક જ ઓરડામાં સામસામે ખાટલા 
          ને વચ્ચે દીકરીઓ છે સેતુ.
એકમેકને વારેવારે પૂછયા કરે છે : 
          તમે કેમ છો ? ને કેમ કરે તુ ?
ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે 
          અને સમયનાં પતંગિયાં ઉડાડે.
થોડી વાર પછી બંને પીએ છે કૉફી 
          જાણે કૉલેજમાં મળી હોય ટ્રોફી.
કૉફી પીને જરી લંબાવ્યું સહેજે 
          અને બંને જણ ગયાં સાવ ઝોપી.
દીકરીઓ મા-બાપની ચાકરી કરે છે, 
          આવા જીવતરમાં કોણ આવે આડે ?
હવે દશ્યો દેખાશે બધાં ઊજળાંઊજળાં 
          અને અદશ્યની આછીઆછી ઝાંખી થશે.
આંખોમાં ઊગશે નવલો સૂરજ
          અને ચંદ્રની કળા સહેજ બાંકી થશે.
સાતસાત ફેરા અમે સાથે ફર્યા 
          હવે રમશું એ રાસ જે રમાડે.

Advertisements

2 responses to “ડોસા અને ડોસી – સુરેશ દલાલ

  1. પિંગબેક: તમે વાતો કરો તો … - સુરેશ દલાલ « મોરપિચ્છ

  2. પિંગબેક: ટહુકો.કોમ » તમે વાતો કરો તો … - સુરેશ દલાલ