ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર

વ્હાલું ગુજરાતરાગ : માઢ-ગરબી  

ગુણવંતી ગુજરાત !
          અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! 
         અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં, 
         ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને
        માગિયે શુભ આશિષ !
        અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી
       નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં
      કરિયે નિત્ય કલ્લોલ ! 
     અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની,
      વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં
      અર્પણ કરિયે જાત ! 
      અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે
     સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર
     એક જ તારી છાંય 
    અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં,
      રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી,
       માત ! રમે અમ ઉર ! 
       અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસલમિન, પારસી, સર્વે
       માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે
      કરિયે સેવા સહુ કાળ !
     અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી
    ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો
    કરિયે જયજયકાર 
    અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !
    અમારી ગુણવંતી ગુજરાત !

[ આ કાવ્યમાં જોડણીનો ફેરફાર કવિશ્રી તરફથી જ કરવામાં આવેલો છે. ]  

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.