થાપા છે – ભગવતીકુમાર શર્મા

અવાક્ થઈને જે બેઠા છે તે ફરિશ્તા છે;
અવાજ અવાજ કરે છે તે સર્વ બોદા છે.

પડે છે કેટલા પડછાયા વૃક્ષના જળમાં !
અનાદિકાળથી કિન્તુ બધાય તરસ્યા છે.

ગલીમાં, પોળમાં, ખડકીમાં, આંખને ખૂણે,
હવડ મકાનની ભીંતે હજી ય થાપા છે.

સુગંધ કેવી સરસ મઘમઘે છે ચંદનની !
કુહાડા કામ પતાવી જરાક જંપ્યા છે.

ઢળ્યા છે છાંયડા લીલા ઉદાસ કબ્રો પર,
હજી તો માટીના ઢગલા ય સાવ તાજા છે.

કબૂતરોએ ચણી લીધા મોતીના દાણા,
છે પત્ર કોરા અને ખાલી સૌ લિફાફા છે.

દુકાળ જેટલો વ્યાપક છે એટલો ઊંડો,
હતા જ્યાં દરિયા ત્યાં પાણી વગરના કૂવા છે.

Comments are closed.